પોતાના પૈસા અને પરસેવાથી રોપ્યા ૧,૮૫,૦૦૦ વૃક્ષો – પ્રેરણાદાયી

વનસ્પતિ અને વૃક્ષોનું કુદરતી માળખું એક શાતા અર્પતું વાતાવરણ સર્જે છે. આજની વાર્તામાં મળીએ રાધિકા આનંદને. ૫૩ વર્ષીય આ નારીએ પોતાની બચતમાંથી,મિત્રોએ આપેલા નાનામોટા ફાળામાંથી અને શુભેચ્છકો દ્વારા સ્વેચ્છાએ અપાયેલા યોગદાનથી, જે ભંડોળ ભેગું થયું તેમાંથી ૧,૮૫,૦૦૦ ફળ આપતાં વૃક્ષો રોપ્યાં છે.

રાધિકા અઢી દાયકાથી પર્યાવરણશાસ્ત્રી તરીકે કામગીરી કરી રહ્યાં છે. પર્યાવરણ માટે કામ કરવાની ધગશ તેમને બાળપણથી જ હતી. ભારતભરમાં પર્યાવરણ ક્ષેત્રે પહેલ કરવા, તેમણે પોતાના ભંડોળમાંથી ‘પ્લાન્ટોલોજી” નામની સંસ્થા સ્થાપી છે, જેના સીઈઓ તેઓ પોતેજ છે.

૨૦૦૬ની સાલથી અત્યાર સુધીમાં, દિલ્હી સરકારની મદદથી તેમણે ૫૦૦ ઉપર વર્કશોપ્સ હાથ ધરી છે. પર્યાવરણની જાળવણી અને સંતુલન માટે તેમણે પર્યાવરણખાતાંની ભાગીદારીથી અને બીજી અનેક સંસ્થાઓ સાથે મળીને, યુવાનો જોડે આ વિષયે વાતચીત કરી છે.

રાધિકા આ કાર્યક્ર્મોમાંથી અને બીજા જે પણ પાયાના ધોરણે શરુ કરેલા સાહસોમાંથી નાણાં મેળવે છે તેને પોતાના ‘FALVAN ‘ નામના પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લે છે. FAL એટલે ફળ અને VAN એટલે વન/જંગલ, આ બંને શબ્દોનો ઉપયોગ કરી તેમણે પોતાના લક્ષ્યને ‘FALVAN ‘ નામ આપ્યું છે.

૨૦૧૫માં તેમણે નક્કી કર્યું કે તેઓ આ ધ્યેય ઉપર કામ કરવું શરૂ કરશે. એ પછી તેમણે જુદા જુદા પ્રતિનિધિઓ/મંડળીઓને મળી તેમના વિચારો પ્રસ્તુત કર્યા.

દરેક રાજ્યના સ્તરે રહેલા પર્યાવરણખાતાં, કેન્દ્રીય પર્યાવરણખાતાં ,જંગલખાતાં વગેરે સાથે વાતચીત કરી. પરંતુ તેમને ધારી સફળતા મળી નહીં. સૌએ રાધિકાના વિચારને વખાણ્યો પણ કોઈએ મદદ કરવા હા ન પાડી. કોઈ પાસે નાણાં નહોતાં, કોઈ પાસે જમીન નહોતી તો કોઈને પાણીની અછત નડી ગઈ. રાધિકા હતાશ થઇ. પણ આમ બનવાથી રાધિકામાં નવી ચેતનાનો સંચાર થયો અને તેમની આ ધ્યેય પાર પાડવા અંગેની ઈચ્છા વધુ પ્રબળ બની.

એક દિવસ જયારે તેઓ ટ્રેનમાં બેસીને પોતાના વતન ચંદીગઢ જઈ રહ્યાં હતાં ત્યારે તેમની સાથે પ્રવાસ કરી રહેલા એક સદ્ગૃહસ્થ જોડે તેમની મુલાકાત થઇ.રાધિકાએ દેશભરમાં પોતાના વૃક્ષો અને ફળો ઉગાડવાના વિચારો રજૂ કર્યા, કહ્યું કે આ લક્ષ્ય માટે તે પોતાનું ભંડોળ વાપરશે. પેલા સદ્ગૃહસ્થ રાધિકાની વાતોથી પ્રભાવિત થયા અને કહયું કે તેઓ રાધિકાને ફરી મળશે.

બીજા જ દિવસે એ પુરુષે પોતાનું વચન પાળી ફોન કર્યો. એ સદ્પુરુષ એક આર્મી ઓફિસર હતા. એમના કહેવા મુજબ આર્મીના જનરલ રાધિકાને એના વૃક્ષારોપણના ઉદ્દેશ્યને લઈને મળવા માંગતા હતા જેથી તેઓ મદદમાં આવી શકે.

બસ, ત્યારથી જ રાધિકાની યાત્રા શરૂ થઇ. અત્યાર સુધીમાં તેમણે ભારતીય આર્મીના સહયોગથી ૧,૮૫,૦૦૦ વૃષોનું વાવેતર કર્યું છે. તેમણે હિમાચલ પ્રદેશ,દિલ્હી,પંજાબ,હરિયાણા,ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પોતાનું કાર્ય કર્યું છે અને સમગ્ર ભારત સુધી આ ધ્યેયને વિસ્તારવા માંગે છે.

રાધિકા સ્થળને અનુરૂપ ઉગી શકે તેવાં વૃક્ષો ઉછેરવા માટે પસંદ કરે છે. પછી આર્મીને તેની વાવણી અને જાળવણીનું કામ સોંપે છે.
તેમણે કેરી,આંબલી,આમળાં, જાંબુ અને ફણસીના ફળો ઉગાડ્યાં છે.

અન્ય લોકો પણ તેમના આ નિસ્વાર્થ સપનાને સાકાર કરવા જોડાઈ આ લક્ષ્યને વ્યાપક ચળવળ બનાવી રહ્યાં છે. રાધિકાને આશા છે કે ‘FALVAN ‘ એક ઉચ્ચ કક્ષાને આંબશે.

રાધિકા આનંદ એક બહાદુર સ્ત્રી છે કેમકે તેમણે પર્યાવરણની જાળવણીનાં જે પગલાં લીધાં છે તે દાદ માંગી લે તેમ છે. મિત્રો, આપણે સહુ પણ આ વાર્તામાંથી પ્રેરાઈને, આ ધ્યેયમાં આપણું યોગદાન ચોક્કસ આપવા જેવું ખરૂં.

સંકલન : રૂપાળ વસાવડા (બેંગ્લોર)

ટીપ્પણી