નવરાત્રી ના પ્રસાદ માટે ખાસ લઈને આવ્યા છે આ મજેદાર પંજાબી સ્ટાઇલ કેસર રબડી ખીર…લાઈફ માં ક્યારેય નહિ ખાધી હોય

નવલી નવરાત્રી નો રંગ બરાબર જામ્યો છે… શક્તિની ઉપાસનાના આ મહાપર્વમાં પૂજાનું વિશેષ મહત્વ હોય છે… પૂજા થાય ત્યાં પ્રસાદ પણ હોય જ…તો પ્રસાદ માટે ખાસ લઈને આવ્યા છે આ મજેદાર પંજાબી સ્ટાઇલ કેસર રબડી ખીર…
હવે રબડી અને ખીર બંનેનો આસ્વાદ માણો એક જ વાનગીમાં એ પણ કેસર-ઈલાયચી-ડ્રાયફ્રુટસની ફલેવર સાથે…

કેસર રબડી ખીર

વ્યક્તિ : ૫
સમય :
પૂર્વ તૈયારી માટે : ૬૦ મિનિટ
વાનગી માટે : ૬૦ મિનિટ

સામગ્રી :

૧.૫ લીટર મલાઈવાળું દૂધ
૧/૨ કપ બાસમતી ચોખા
૧/૨ કપ ખાંડ
૧/૪ ટી.સ્પૂ. ઘી
૧/૨ ટી.સ્પૂ. ઈલાયચી-જાયફળનો પાવડર
૧/૮ ટી.સ્પૂ. કેસર
૧૦ નંગ કાજુ
૧૦ નંગ બદામ
૧૦ નંગ પિસ્તા
૧૦ નંગ દ્રાક્ષ
૨ ટીપાં રોઝ એસેન્સ
૧૦ નંગ ગુલાબની પાંદડી (સજાવટ માટે)

રીત :

(૧) સૌ પ્રથમ બાસમતી ચોખાને પાણી વડે ધોઇને બરાબર સાફ કરી લો. ચોખામાં ૨ કપ પાણી ઉમેરીને ૧ કલાક માટે પલાળી રાખો.

(૨) ચોખા પલળે પછી હાથ વડે એક દાણાના ૩-૪ ટુકડા થાય તેમ મસળી લો. ચોખાના ટુકડા કરી લીધા બાદ પાણી નિતારી લો. થોડું પાણી ઉમેરીને બરાબર ધોઈ લો અને પૂરેપૂરું પાણી નિતારી લો.

(૩) એક જાડા તળીયાવાળા વાસણમાં નીચે ૧/૪ ટી.સ્પૂ. જેટલું ઘી લગાડી લો. હવે તે વાસણમાં દૂધ ઉમેરીને ગેસ પર મધ્યમ આંચ પર ઉકળવા મુકો. દૂધમાં ઉભરો આવે એટલે ગેસની આંચ એકદમ ધીમી કરી દો. દૂધ ઉપર મલાઈની પરત જામે તેને તબેથા વડે વાસણની બાજુ પર કરી લો. બે ત્રણ પરત કિનારે કર્યા બાદ ઉકળતા દૂધમાં ચોખા ઉમેરીને બરાબર હલાવી લો અને દૂધને ધીમી આંચ પર ઉકળવા દો.

(૪) દૂધ ઉકળે ત્યાં સુધી, બદામ અને પિસ્તાની હૂંફાળા ગરમ પાણીમાં ૧૦-૧૫ મિનિટ પલાળી રાખો અને ત્યારબાદ છાલ ઉતારીને ઝીણી કતરણ કરી લો. કાજુનાં બે ફાડા કરી લો. દ્રાક્ષને પાણી વડે ધોઈને સાફ કરી લો. ૫ ઈલાયચી અને ૧/૮ ઇંચ જેટલો જાયફળનો ટુકડો લઇ બંનેને એકદમ ઝીણું વાટીને પાવડર બનાવી લો. કેસરને દૂધમાં પલાળી દો.

(૪) દૂધની ઉપર મલાઈ જામે તેને કિનારે કરતાં જાઓ. ખીરને વચ્ચે વચ્ચે હલાવતાં રહો જેથી ખીર તળિયે ચોંટે નહીં. ધીમી આંચ પર લગભગ ૫૦-૬૦ મિનિટ સુધી ઉકળ્યા બાદ દૂધ લગભગ અડધું થઈ જશે અને ખીર ઘટ્ટ થવા લાગશે તે સમયે ખાંડ ઉમેરો. સાથે સાથે દૂધમાં પલાળેલું કેસર અને દ્રાક્ષ પણ ઉમેરી દો.

(૫) ખાંડ ઉમેર્યા બાદ ખીર થોડી પાતળી થશે. તેને ધીમા તાપે થોડી વાર ઉકળવા દો. કિનારી પરથી મલાઈની પરત ઉખેડીને ખીરમાં ભેળવી લો. તેમાં ઈલાયચી-જાયફળનો પાવડર, બદામ-પિસ્તાની કતરણ અને રોઝ એસેન્સ ઉમેરી મલાઈની પરત તૂટે નહીં તેમ હલકા હાથે હલાવી લો. ખીર તૈયાર થાય એટલે ગેસ બંધ કરી દો.

(૬) ગરમાગરમ ખીર વાડકી કે બાઉલમાં કાઢી લો. ઉપરથી બદામ-પિસ્તાની કતરણ, કાજુનાં ફાડા, કેસરનાં તાંતણા અને ગુલાબની પાંદડી વડે સજાવીને પીરસો.

ઠંડી કરીને પણ ખીરની મજા માણી શકાય. તેના માટે ખીર થોડી ઠંડી પડે એટલે ફ્રિજમાં મૂકીને ૫-૬ કલાક ઠંડી થવા દો. ઠંડી કરેલી ખીરને સજાવીને પીરસો.

નોંધ :

* સ્વાદ મુજબ ખાંડ વધારે-ઓછી ઉમેરી શકાય.
* રોઝ એસેન્સના બદલે ગુલાબજળ કે કેવડાજળ પણ ઉમેરી શકાય. તેનું પ્રમાણ એકદમ ઓછું રાખવું.
* કેસરની સાથે થોડો પીળો ફૂડકલર પણ ઉમેરી શકાય.
* ખીર ઠંડી પડ્યા બાદ વધુ ઘટ્ટ થશે આથી ઉકાળતી વખતે ધ્યાન રાખવું.

ભૂમિ પંડ્યા – આણંદ

શેર કરો આ વાનગી તમારી મમ્મી, બહેન અને ભાભી સાથે અને બધા સાથે મળીને આંનદ માણો..

ટીપ્પણી