“રાજુ અને શિક્ષિકા” – (સત્ય ઘટના પર આધારિત) ગુરુ-શિષ્યના સંબંધ નો તાજ એટલે આ સ્ટોરી – An Epic One

એક નાના શહેરમાં પ્રાથમિક શાળામાં, પાંચમા ધોરણની એક શિક્ષિકા હતી.

તેને આદત હતી કે તે વર્ગ શરૂ કરતાં પહેલાં ” આઈ લવ યુ ઓલ ” બોલતી. પણ તે જાણતી હતી કે તે સાચું નહોતું કહેતી. તે વર્ગમાંના બધાં બાળકોને એટલો પ્રેમ નહોતી કરતી.

વર્ગમાં એક એવું બાળક હતું ,જે તેને જરાપણ પસંદ નહોતું. તેનું નામ રાજુ હતું. રાજુ મેલાઘેલા વેશમાં શાળાએ આવજા કરતો. તેના વાળ ખરાબ, ખુલ્લા બુટ, શર્ટ ને કોલર પર મેલના ડાઘ રહેતા. ભણાવતી વખતે પણ તેનું ધ્યાન ક્યાંક બીજે જ રહેતું.

શિક્ષિકા જો ઠપકો આપે તો તે ચોંકી જતો અને ધ્યાન આપતો…પણ તેની ખાલી નજરથી લાગતું કે તે શારીરિકરૂપે ભલે વર્ગમાં રહેતો પણ માનસિકરૂપથી ગાયબ રહેતો. ધીમેધીમે શિક્ષિકાને રાજુ માટે નફરત થવા લાગી. તેમણે હવે વર્ગમાં દાખલ થતાંવેંત જ રાજુને વખોડવો શરુ કર્યો. બધાં ખરાબ ઉદાહરણોમાં રાજનું જ નામ અપાતું. બાકીના છોકરાંઓ પણ ખડખડાટ હસતાં. શિક્ષિકા તેને અપમાનિત કરી સંતોષ મેળવતી. જો કે, રાજુએ તેમની એક પણ વાતનો જવાબ આપ્યો નહોતો.

શિક્ષિકા તેને એક પથ્થર સમાન જડ પદાર્થ ગણતી, જેની અંદર અનુભૂતિ નામની કોઈ ચીજ નહોતી. દરેક વખત જયારે તેને વઢવામાં આવતો કે સજા આપવામાં આવતી, તે તો બસ પોતાની ભાવના ખાલી નજરોથી જ વ્યક્ત કરતો અને માથું નીચે જુકાવી દેતો.

વર્ષનું પહેલું સત્ર પૂરું થયું અને પરિણામ આપવાનો સમય થયો. શિક્ષિકાએ રાજુના રિપોર્ટમાં બધી જ ખરાબ વાતો લખી. આ રિપોર્ટ માતા-પિતા આગળ જતાં પહેલાં હેડ મિસ્ટ્રેસ પાસે જતો. જયારે તેમણે રાજુનો રિપોર્ટ જોયો તો શિક્ષિકાને બોલવી કહયું, ” પ્રગતિ રિપોર્ટમાં કોઈ પ્રગતિ વિશે પણ લખવું જોઈએ.”
” હું માફી ચાહું છું, પણ રાજુ એકદમ અસભ્ય અને નકામો બાળક છે. મને નથી લાગતું કે હું તેની પ્રગતિ વિશે કઈ પણ લખી શકું. ” શિક્ષિકા ધિક્કાર સભર લહેકામાં બોલીને ત્યાંથી ચાલતી થઇ.

હેડ મિસ્ટ્રેસે એક નવો કીમિયો અજમાવ્યો. તેમણે નોકરને હાથે શિક્ષિકાના ટેબલ ઉપર રાજુના આગળના વર્ષોના રિપોર્ટ મુકાવ્યા. બીજા દિવસે જયારે શિક્ષિકાએ વર્ગમાં પ્રવેશ કર્યો તો રિપોર્ટ પડેલા દેખાયા. ફેરવીને જોયું તો એ રાજુના રિપોર્ટ કાર્ડ્સ હતાં. ” પાછલાં વર્ષોમાં પણ કઈ ઉકાળ્યું નહીં હોય.” એમ વિચારીને તેમણે ત્રીજા વર્ગનો રિપોર્ટ ખોલ્યો. રિપોર્ટમાં જે લખ્યું હતું તે વાંચી તેમના આશ્ચર્યની કોઈ સીમા ન રહી, જયારે તેણે જોયું કે અંદર તો રાજુના વખાણ જ વખાણ લખેલાં હતાં.” રાજુ જેવો બુદ્ધિશાળી બાળક મેં આજ સુધી નથી જોયો.”…… ” ખૂબ સંવેદનશીલ બાળક છે અને પોતાના મિત્રો તેમજ શિક્ષકો પ્રત્યે તેને ખૂબ લાગણી છે.”

છેલ્લા સત્રમાં પણ રાજુનું પ્રથમ સ્થાન હતું. શિક્ષિકાએ હાલકડોલક માનસિક પરિસ્થિતિ સાથે ચોથા વર્ગનો રિપોર્ટ ખોલ્યો. ” રાજુની માંની બીમારી તેના પર ખૂબ અસર કરી રહી છે.”… ” રાજુની માં કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે. ઘરે તેનું ધ્યાન રાખવાવાળું બીજું કોઈ નથી, જેથી તેના ભણતર પર ખૂબ ગંભીર અસર થઇ છે.”

રાજુની માં મરી પરવારી હતી. અને તે સાથે જ રાજુનું જીવન અને રોનક પણ. “એ પહેલાં કે બહુ મોટું નુકસાન થઇ જાય…રાજુને ઉગારવો પડશે..” શિક્ષિકાના દિમાગ પર એક ભયાનક ભાર પેસી ગયો. ધ્રુજતા હાથે તેમણે રિપોર્ટ બંધ કર્યો. તેમની આંખોમાંથી એક પછી એક આંસુ ટપકવા લાગ્યાં.

બીજા દિવસે જયારે તે વર્ગમાં દાખલ થઇ તો તેણે પોતાના રિવાજ મુજબ કહ્યું, “આઈ લવ યુ ઓલ.” પણ તે જાણતી હતી કે તે આજે પણ ખોટું બોલી રહી હતી. કેમકે એ વર્ગમાં બેઠેલા, વીખાયેલાં વાળવાળા રાજુ માટે તેને જે પ્રેમ હતો, તે વર્ગમાંના બીજા કોઈ બાળક માટે થઇ શકે તેમ નહોતો ! વર્ગમાં ભણાવતી વખતે રોજની જેમ તેમણે એક સવાલ રાજુને પૂછ્યો ને રાજુએ માથું જુકાવી દીધું.

થોડીવાર બાદ તેને શિક્ષિકાનો ઠપકો કે સાથે બેઠેલા સહાઘ્યાયીઓની હાંસીનો અવાજ ન સંભળાયો તો તેણે આશ્ચર્યથી એ તરફ જોયું. આજે શિક્ષિકાનું મોં તંગ નહોતું, તે સ્મિત વેરી રહી હતી. તેણે રાજુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછેલા સવાલનો જાતે જ જવાબ આપ્યો. રાજુને ફરીથી એ જ જવાબ આપવા આગ્રહ કર્યો. ૩-૪ વાર થયેલા આગ્રહ પછી રાજુ બોલ્યો. તેના જવાબથી જાતે જ ખુશ થયેલી શિક્ષિકાએ તાળીઓ પાડી અને પડાવી.

પછી તો આ રોજનો ક્રમ બની ગયો. શિક્ષિકા દરેક સવાલનો જવાબ જાતે જ આપતી અને પછી રાજુના ખૂબ વખાણ કરતી. દરેક સારું ઉદાહરણ રાજુનું અપાવવા લાગ્યું. ધીરે-ધીરે પહેલાંનો રાજુ, મૌનની કબરના સન્નાટામાંથી બહાર આવ્યો. હવે શિક્ષિકાએ સવાલ સાથે જવાબ આપવો પડતો નહોતો. તે રોજ કોઈ ભૂલ વગર જાતે જ જવાબ આપીને બધાને પ્રભાવિત કરતો અને નવા સવાલો પૂછીને સહુને દંગ કરી દેતો.

હવે તેના વાળ અમુક હદ સુધી બરાબર લાગતાં હતાં, કપડાં પણ ઘણી હદે સાફ રહેવાં લાગ્યાં હતાં, જેને કદાચ તે જાતે જ ધોતો હતો. જોતજોતામાં વર્ષ પસાર થઇ ગયું ને રાજુ બીજા ક્રમે સ્થાન મેળવી શક્યો.

વિદાઈ સમારંભમાં બધાં છોકરાંઓ શિક્ષિકા માટે સુંદર ભેંટસોગાદો લાવ્યા અને તેમના ટેબલ પર રાખી દીધી. આ સુંદર પેકેટો વચ્ચે, એક જૂના છાપાંમાં વીંટાળેલી એક ભેંટ પડેલી હતી. બાળકો તેને જોઈને હસવા લાગયાં. બધાંને અનુમાન કરતાં વાર ન લાગી કે આ સોગાદ રાજુ જ લાવ્યો હશે. શિક્ષિકાએ તેની આપેલી ભેંટને આ નાનકડા ગંજ વચ્ચેથી કાઢી. ખોલીને જોયું તો અંદર એક સ્ત્રીના અત્તરની, અર્ધ વપરાયેલી શીશી અને હાથમાં પહેરવાનું એક મોટું કડું હતું. કડાંનાં મોટા ભાગના મોતી ખરી પડ્યાં હતાં. શિક્ષિકાએ ચૂપચાપ અત્તર છાંટયું અને હાથમાં કડું પહેરી લીધું. બાળકો આ જોઈને નવાઈ પામ્યા. ખુદ રાજુ પણ નવાઈ પામ્યો. છેવટે રાજુથી ન રહેવાયું અને શિક્ષિકાની પાસે ગયો. થોડા સમય બાદ તેણે અટકી અટકીને શિક્ષિકાને કહયું કે, ” આજ તમારામાંથી મારી માં જેવી સુગંધ આવે છે.”

સમય ઝડપભેર વહેવા લાગ્યો. દિવસને અઠવાડિયામાં, અઠવાડિયાંને મહિનાઓમાં અને મહિનાઓને વર્ષોમાં તબદીલ થતાં કેટલી વાર લાગે છે ? પણ દર વર્ષના અંતમાં, શિક્ષિકાને નિયમતરૂપે રાજુ તરફથી એક પત્ર અવશ્ય મળતો, જેમાં લખેલું રહેતું, ” આ વર્ષે હું ઘણા નવા શિક્ષકોને મળ્યો, પણ તમારા જેવું કોઈ નહોતું.” પછી રાજુની શાળા પૂર્ણ થઇ અને પત્રોનો સિલસિલો પણ. ઘણા વર્ષો પસાર થઇ ગયાં અને શિક્ષિકા નિવૃત્ત થઇ ગયાં. એક દિવસ તેમની ટપાલપેટીમાં તેમને રાજુનો પત્ર મળ્યો, જેમાં લખ્યું હતું, ” આ મહિનાના અંતમાં મારા લગ્ન છે અને તમારા વગર હું લગ્ન કરવા વિચારી પણ ન શકું. બીજી એક વાત, હું જીવનમાં ઘણા લોકોને મળ્યો છું, પણ તમારા જેવું કોઈ નથી…ડો.રાજુ.”

એ પરબીડિયામાં પત્ર સાથે વિમાનની ટિકીટ પણ જોડેલી હતી. હવે શિક્ષિકા માટે મન મનાવવું અઘરું હતું. તેમણે પોતાના પતિની અનુમતિ માંગી અને બીજે શહેર જવા માટે નીકળ્યાં. લગ્નના દિવસે તે જયારે પહોંચ્યા ત્યારે થોડું મોડું થઇ ગયું હતું. એમને લાગ્યું કે લગ્ન સમારંભ કદાચ પતી ગયો હશે. પણ તે જોઈને આશ્ચર્યચકિત રહી ગયા, જયારે જોયું કે શહેરના નામી ડોક્ટરો, ઉદ્યોગપતિઓ અને ખુદ લગ્ન કરાવનાર પંડિત પણ રાહ જોઈને બેસી રહ્યા હતા.આખરે એવું તે કોણ બાકી છે? પણ રાજુ તો લગ્નમંડપને બદલે દરવાજા તરફ મીટ માંડીને બેઠો હતો અને રાહ જોઈ રહ્યો હતો. પછી બધાંએ જોયું કે શિક્ષિકાએ પ્રવેશ કરતાંવેંત રાજુ એ તરફ સરક્યો. તેણે શિક્ષિકાનો હાથ પકડ્યો. તેમણે હજુ પણ પેલું સડેલું કડું પહેરેલ હતું. તે શિક્ષિકાને સીધો મંડપ પર લઇ ગયો. માઈક હાથમાં પકડીને તેણે આમ કહ્યું, ” દોસ્તો, તમે સહુ, હંમેશ મને મારી માં વિશે પૂછ્યા કરતાં હતાં…અને મેં તમને વાયદો કરેલ હતો કે જલ્દીથી હું તમને મારી માં સાથે મુલાકાત કરાવીશ….આ મારી માં છે….!!”

વ્હાલા દોસ્તો, આ સુંદર વાર્તાને ફક્ત ગુરુ-શિષ્યના સંબંધની દ્રષ્ટિએ ન જોશો. તમારી આસપાસ નજર ફેરવશો, રાજુ જેવા કેટલાય ફૂલ કરમાઈ રહયાં છે. જેમને તમારી જરા જેટલી પણ દરકારી, પ્રેમ અને સ્નેહ, એક નવું જીવન બક્ષી શકે છે.

મૂળ વાર્તા/લેખ સંશોધન-સૌજન્ય : ટીમ-જલ્સા કરોને જેંતીલાલ .
અનુવાદ : રૂપલ વસાવડા

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી