પ્રેમનો સ્વાદ

“અરે! ખરેખર જમવાનું બહુ સ્વાદિષ્ટ બન્યું છે.” રાજની માતાએ તેને કહ્યું.

“ના. ભલેને હું ફાઈવ સ્ટાર હોટેલનો મોટો શેફ કેમ ના હોવું પણ રોજના જેમ આજે પણ મારા બનાવેલા ખાવામાં તારા હાથથી બનાવેલા ખાવા જેવો સ્વાદ નથી. કંઈક એકાદ વસ્તુ ખૂટતી હોય તેવું લાગે છે. તારા હાથથી બનેલા ખાવા જેવી સંપૂર્ણતા અને સંતૃપ્તતાનો એહસાસ નથી આવતો/ ચલ મમ્મી આજે આખરે કહી જ દે કે એવું તો શું નાખે છે તું ખાવામાં?” રાજે દિલ ખોલીને તેની માઁ ને પૂછ્યું.

રાજની વાત સાંભળી તેની માતાએ ચહેરા પર હલ્કી મુસ્કુરાહટ સાથે ફક્ત એક જ શબ્દ કહ્યો, “પ્રેમ.”

આ સાંભળીને અસમંજનમાં આવી ગયેલ રાજે પૂછ્યું, “શું? મને કંઈ ખબર ના પડી મમ્મી.”

રાજની માતાએ તેને સમજાવતા કહ્યું, “જો દીકરા. મેં સોમવાર અને મંગળવારે તારા પિતાને ભાવતું, બુધ-ગુરૂવારે નણંદ અને દેવરના પસંદનું, શુક્રવારે સાસુ-સસરાના મનપસંદનું, શનિ-રવિ રજાના દિવસોમાં તમને છોકરાઓને ભાવતું જમવાનું બનાવ્યું છે અને તમને બધાને પ્રેમથી ખવડાવ્યું છે. ઝીંદગીની કંઈક આજ રૂપરેખાને મારા ઘરનું રસોડું ઓળખે છે.”

ત્યારે જ રાજને એહસાસ થયો કે તેની માઁ આખી ઝીંદગી અઠવાડિયાના સાત દિવસ પરિવારની પસંદગીમાં વહેંચી દીધા હતા. તેણે તરત જ તેની માઁ ને પૂછ્યું, “અને તારી પસંદનું શું મમ્મી?”

“મારી પસંદ? તમને બધાને જમાડતા-જમાડતા ખબર પણ ના પડી કે ક્યારે તમારા બધાની પસંદગી મારી પસંદગી બની ગયી. ‘ખાવા સરસ બન્યું છે.’ – આ સાંભળવું દુનિયાની કોઈ પણ ગૃહિણીની જેમ મારો પણ મનપસંદ સ્વાદ હતો જે તમે લોકોએ બેખુબ આપ્યો.” રાજની માતા તેને જણાવ્યું.

“પરંતુ માઁ તો પણ…” રાજ હજુ કંઈક કહેવા જઈ રહ્યો હતો.

ત્યારે જ તેની માઁ એ તેને અટકાવતા કહ્યું, “તું જાણે છે દીકરા. હું જયારે સાસરે આવી ત્યારે મને કઈ પણ ખાવા બનાવતા નતું આવડતું. ઘણીબધી ગૃહિણીઓની જેમ હું પણ સમય સાથે પરિવારને ખુશ કરવા માટે બનાવતી ગયી અને શીખતી ગઈ અને આજે જો એક ફાઈવ સ્ટાર હોટેલના મોટા શેફને રસોઈની ટીપ આપું છું.”

આ સાંભળીને રાજ મુસ્કુરાયો.

આખરે વિસ્તાર-પૂર્વક સમજાયેલા રાજના સવાલનો સંક્ષેપમા જવાબ આપતા રાજની માતાએ ઉમેર્યું, “દીકરા ફર્ક એટલો જ છે કે તારું ખાવાનું તું પૈસા લઇને ખવડાવે છે જયારે મારુ હું પ્રેમનાખીને અને પ્રેમ લઇને. દુનિયાનો કોઈ પણ શેફ આ જ કારણે કોઈ ગૃહિણી જેવું જમવાનું ના બનાવી શકે.”

રાજને તેના પ્રશ્નનો બેખુબ જવાબ મળી ગયો હતો છતાંય તેણે કુતુહલતાના ભાવે તેની માતાને પૂછ્યું, “મમ્મી, તું આટલું બધું જાણે છે અને આટલું સરસ જમવાનું બનાવે છે તો મને એમ ખબર નથી પડતી કે અમુક વાર પપ્પા કેમ મીઠું ઓછું છે ને આ વધારે છે એવું બધું કહે છે. સાચું કહું તો મને તો ક્યારેય ઓછું વધારે એવું કઈ લાગ્યું નથી. તો પછી પપ્પા કેમ…”

રાજના આ માસુમ પ્રશ્ન પર તેની માઁ એ તરત જ હસી સાથે કહ્યું, “એ તો પતિ-પત્નીના લગ્ન જીવનનો એક ભાગ છે. એટલે જ કહું છું બેટા કે લગ્ન કરી દે. તને ખબર પડી જશે કે આ મીઠું વધારે-ઓછું કેમ હોય છે.”

રાજ તેની માતાના કહેવાનો ભાવાર્થ સમજી ગયો અને બન્ને માં દીકરો એકબીજા સામે જોઈને હસી પડ્યા.

મિત્રો, આ વાર્તા તમે શેર કરો ના કરો પણ દિલથી એક વિનંતી છે કે તમારા ઘરની અન્નપૂર્ણાના હાથથી બનેલા ખાવાના વખાણ કરતા રહેજો. સબંધોમાં પ્રેમનો સ્વાદ આપો-આપ ઉમેરાઈ જશે.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

ટીપ્પણી