11:11 – પ્રેમની એક વિશ – Must Read Story from Dhawal Barot

બદલતા મોસમનો પહેલો વરસાદ ઝરમર-ઝરમર પડી રહ્યો હતો. વરસાદ સાથે જૂની યાદોમાં ભીંજાવા મીરાએ બારી ખોલી અને યાદોમાં ખોવાઈ ગઈ. ગયા વર્ષે તેણે અને રાજે એક સાથે વરસાદની મજા લીધી હતી પરંતુ આ વર્ષે રાજ તેની સાથે નતો, આ વાતનો એહસાસ થતાં જ તેની ખુશી માનો ક્ષણભરમાં જ ગાયબ થઇ ગઈ.

કોઈ પણ નવી પરણિતાની જેમ મીરાના મનમાં આશા અને ઉમઁગો ઘણા હતા અને બીજી બાજુ દુનિયાના દરેક પતિની જેમ રાજ પણ અનેક જવાબદારીઓ નિભાવામાં લાગી ગયો હતો. મીરા રાજ સાથે લગ્ન પહેલા વિતાવેલ યાદોના સફરમાં નીકળી ચુકી હતી. વાંક તેનો નતો, આખરે, રાજે પણ યાદોની મુસાફરી માટે તેને ટિકિટરૂપી ઘણા પ્રેમભર્યા ક્ષણો આપ્યા હતા. બસ જયારે તે રાજ સાથે લગ્ન પહેલા વરસાદમાં વિતાવેલ પળો યાદ કરી રહી હતી ત્યારે જ તેનો ફોન રણક્યો.

મીરાએ ફોન ઉપાડ્યો અને સામેથી તરત જ રાજે કહ્યું, “ઓંય! ચલ જલ્દી એક વિશ માંગ.”

આ સાંભળતા જ મીરાએ તરત જ ઘડિયાળ સામે જોયું. ઘડિયાળમાં કંઈક 11:11 વાગ્યા હતા. એટલે ફરીથી નિરાશ થઇને, તેણે રાજને પૂછ્યું, “અત્યારે? એટલે મારો મતલબ, કઈ ખુશીમાં, એમ કહો?”

સામેથી રાજે જવાબ આપતા કહ્યું, “11:11 વાગ્યા છે અને અહીં અમેરિકામાં એવું કહેવાય છે કે આ સમયે માંગેલી વિશ પુરી થાય છે.”

મીરાને રાજથી આ જવાબની અપેક્ષા નતી એટલે તે રાજ પર વધારે ગુસ્સે થઇ અને કીધું, “રેવાદો। આવું બધું કઈ ના હોય અને તમે આ બધી વિશ-બિશમાં ક્યારથી માંગતા થયા?”

“જ્યારથી તને મળ્યો ત્યારથી.” આ ચાર શબ્દોમાં જ રાજે ઘણુંબધું કહી દીધું.

હરખાઈને મીરાએ મનમાંને મનમાં તેની વિશ માંગી લીધી પણ છતાંય તેનો પત્ની ધર્મ નિભાવતા કહ્યું, “મારે કોઈ વિશ નથી માંગવી અને તમે તો રોમેન્ટિક ના થાઓ તે જ સારું. આ રોમેન્સ અને બધા ડાયલોગો નાટક છે તમારા. હું ઓળખું ને તમને.”

“લે, કેમ? શું થયું?” રાજે તરત જ પૂછ્યું.

“કારણ કે તમે.. છોડો જવાદો. તમે નહીં સમજો.” આટલું કહીને, દુનિયાની દરેક પત્નીઓની જેમ મીરાએ પણ તેના ગુસ્સાનું કારણ પતિથી ગુપ્ત રાખીને ફોન કાપી નાખ્યો.

સામેના છેડે રાજ હેલો-હેલો કરતો રહ્યો પણ ફોન કપાઈ ચુક્યો હતો. પછીની દસ મિનિટમાં રાજે ઘણા ફોન કર્યા પણ નારાજ મીરાએ એક પણ ફોન ના ઉપાડ્યો.

અમુક જ મિનિટોમાં ઘડિયાળના ત્રણ કાંટા એકબીજાને ભેંટ્યા અને રાતના 12 વાગ્યા. મીરાનો મોબાઈલ રણક્યો અને તેણે તરત જ ફોન હાથમાં લીધો. આ વખતે રાજનો ફોન નતો એટલે તેણે ના ઉપાડ્યો અને ફોન કાપી નાખ્યો કારણ કે તે ઇચ્છતી હતી કે રાજ તેના જન્મદિવસ પર સૌથી પહેલા વિશ કરે. ફરી ફોન રણક્યો અને ફરી તેની આશા તૂટી કારણ કે ફોન રાજનો નતો. આખરે વ્હોટસર્પ અને ફેસબુકમાં જન્મદિવસની બધાઈના મેસેજો આવવા લાગ્યા પરંતુ તેણે કોઈ પણ ખોલ્યા નહીં.

આખરે તેના ધીરજની સીમા તૂટી અને તેને સામેથી રાજને ફોન લગાડ્યો અને જેવો રાજે ફોન ઉપાડ્યો તરત જ કહ્યું, “ભૂલી ગયા ને? મને ખબર જ હતી? હું જ ગાંડી હતી કે આશા રાખીને બેઠી હતી કે સૌ પ્રથમ તમે વિશ કરશો. તમે પોતે અમેરિકામાં બિઝનેસ મિટિંગમાં હોવાથી આપણે લગ્ન પછીના મારા પ્રથમ જન્મદિવસે સાથે નહીં હોઈએ આ વાતને માંડ-માંડ ગળે ઉતારી પણ તમે વિશ પણ નહીં કરો આવું ક્યારેય નતું વિચાર્યું. લગ્ન પછી તમે પણ બદલાઈ ગયા. જવાદો મારે વધારે કશું નથી કહેવું.”

આટલું કહીને ગુસ્સે થયેલ મીરાએ ફોન કાપી નાખ્યો અને તરત જ તેના મોબાઈલ પર રાજનો એક મેસેજ આવ્યો જેમાં લખ્યું હતું કે – “હવે ગુસ્સો ઠંડો થયો હોય તો દરવાજો ખોલ.”

આટલું વાંચતા જ મીરાના હોઠને ખુશીનો વળાંક મળ્યો. કંઈક આવી રીતે મોસમના પહેલા વરસાદમાં મીરાની 11:11 વાગે માંગેલ એક વિશ પુરી થઇ. અને ફરી વાર બન્ને પ્રેમી-પંખીડાઓએ મોસમના પહેલા વરસાદમાં પોતાના પ્રેમને ભીંજવ્યો.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

આપ સૌ ને સ્ટોરી કેવી લાગી ? અચૂક કોમેન્ટ માં જણાવજો !!

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી