પ્રતિનિધિ – સત્ય ઘટના ને આધારિત ! Must read…

“ખાના બદોશ… ખાના બદોશ… ફિરતે હૈ હમ ખ્વાબો કે સંગ…”

એના ફેવરેટ સોંગની ટ્યુન એલાર્મ તરીકે રણકી.

“હેય, માન્યા! આ મોબાઈલ ચીસો પાડે છે, ઉઠ હવે. ૭ એ.એમ. ઓલરેડી. હું જાઉં છું કોલેજ. સી યુ ઇન ધી ઇવનિંગ બેબ્સ.”

“ઓહ યેસ… યાર આઈ હેટ મન્ડેઝ” ઉંઘરેટા અવાજે બોલતી માન્યા ઉભી થઈ. ટૂથબ્રશ કરતાં કરતાં એને દરેક સોમવાર સવાર જેમજ વૈરાગી વિચારો આવવા માંડ્યા કે પોતાની જડોથી દૂર થઇ શહેરના પી.જી. કે હોસ્ટેલમાં વસતા દરેક લોકો વણજારાઓના કોઈ મોડર્નાઇઝ્ડ વર્ઝન જેવા બની ગયા હોય છે નહીં! પોતે પણ એમાંની જ એક હતી. બી.એ.

અને ક્લિનિકલ સાયકોલોજીમાં માસ્ટર્સ પછી મલ્ટી-સ્પેશિઆલીટી હોસ્પિટલમાં નવા શહેરમાં નવી જોબ અને એ સાથેજ પબ્લિક ટ્રાન્સપોર્ટના ધક્કાઓ, ૯ થી ૭ની જેઈલ અને વિકેન્ડ્ઝમાં જીવાતી જિંદગી. રોજ કોઈ નવી ચેલેન્જ સામે આવીને ઉભી હોય અને એમાં પણ છોકરી હોવાને લીધે લાડમાં મળેલી અનેક સમસ્યાઓ અલગથી!

આવા વિચારોને કારણે જાણે કોઈએ મોમાં લીમડો મૂક્યો હોય એવો પોતાનો ચહેરો અરીસામાં જોઈ માન્યા ફિક્કું હસી પડી. ઓછી ભીડ વાળી બસ પકડવી હોય તો ભાગવું જ પડશે એમ વિચારી એ ફટાફટ તૈયાર થવા લાગી.

ઘરની બહાર નિકળતા પહેલાં ફુલ મિરરમાં એક નજર નાખી વી નેક ટી શર્ટની નેકલાઇન ફરતે સભાનતા પૂર્વક સ્ટોલ વીંટાળી દીધો. બસ સ્ટોપ સુધીમાં વિકેન્ડ દરમિયાન થયેલી “મેન આર ડોગ્ઝ” ની જલદ ચર્ચાઓએ એના મગજને ફરી ઘેરી લીધેલું હતું. મોટા શહેરમાં વસતી દરેક વર્કિંગ વુમનની જેમ એણે પણ સતર્કતાનું કવચ રચી બસમાં પગ મૂક્યો.

“હાશ…ભીડ ઓછી છે.. કોઈને નજીક આવવાનું બહાનુજ નહિ. બલા ટલી” ” એણે વિચાર્યું અને બારી બહાર જોવા લાગી.

આગળના સ્ટોપથી એક યુવાન છોકરો ચડ્યો. રીમલેસ ચશ્માં, બોડી ફીટ ટી શર્ટ, ટાઈટ જીન્સ અને ખભા પર પુરુષ સહજ બેફીકરાઇ જેમજ ઝૂલતું બેગ. એના ચહેરા પર હળવું હાસ્ય રમતું હતું. માન્યા સાથે આંખ મળી તો એ થોડું વધુ હસ્યો.

“આ સ્માઈલ નફફટતાની છે કે એનો ચાર્મ છે?!” માન્યાના મગજમાં શંકાઓ ચાલી. પણ વધુ વિચાર કર્યા વિના બે ડગલાં આગળ ચાલી છોકરા તરફ પીઠ આવે એ રીતે ઉભી રહી ગઈ.

લાસ્ટ સ્ટોપ પહેલાના સ્ટોપ પર એક આધેડ વયના પુરુષે ઉતરતી વખતે માન્યાની બાજુમાં ઉભેલા એક બહેનની પીઠ સાથે જાણી જોઈને ઘસાઈને દરવાજા પાસે ગયા. પેલા છોકરાએ સતર્કતાથી એમના પગને આંટી મારી જેથી એ થોડા ગબડ્યા અને બંધ થતા દરવાજા સાથે “સોરી અંકલ” કહી માન્યા સામે જોયું.

આ વખતે માન્યાથી પણ નાનું સરખું સ્મિત અપાઈ ગયું.

“તમારી સાથે પણ આવું ક્યારેય થયું છે?” એણે માન્યાને પૂછ્યું

“ના, લકીલી આજ સુધી નથી થયું, આ શહેરમાં એટ લીસ્ટ. બાકી તો.. કાગડા બધેય કાળા “ માન્યાનું મો ફરી કઈંક કડવું ચવાઈ ગયું હોય એવું થઇ ગયું.

“વેલ, આઈ એમ સોરી.”

“વ્હોટ? આઈ મીન વ્હાય આર યુ સોરી? “ માન્યાને બે પળ માટે એ છોકરો સનકી લાગ્યો…

“ આવા લોકોને લીધે તમારા જેવી સુંદર સ્ત્રીઓ ચહેરા પર મુસ્કાન જેવા બેસ્ટ ઘરેણાંને બદલે ઇનસિક્યોરિટીનું કવચ ઓઢીને નીકળે છે. બદનસીબે આવા બધા વાહિયાત માણસો અને હું ફોર્મમાં જેન્ડર કોલમ પર એકજ જગ્યાએ ટીક કરીએ છીએ.

સો, હું એમની કમ્યુનીટીનો કહેવાઉં. ” એક હળવા મૌન પછી એણે માન્યાની આંખોમાં જોઈ કહ્યું, “આઈ રીઅલી એમ સોરી એ દરેક વાહિયાત વ્યક્તિના બદલામાં..આજ સુધી તમને થયેલા કે આગળ થનારા આવા કોઈ અનુભવ માટે. બટ પ્લીઝ ડોન્ટ લૂઝ હોપ એન્ડ સ્માઈલ. લાઈફ ઈઝ કોલિંગ યુ ” એના ચહેરા પર ગીલ્ટ અને અવાજમાં શત પ્રતિશત પ્રમાણિકતા છલકાતી હતી!

અવાચક માન્યા એને લાસ્ટ સ્ટોપના ધસારા વચ્ચે ઓઝલ થતાં જોઈ રહી. અનાયાસે એનાથી ગળે વીંટાળાયેલો સ્ટોલ થોડો ઢીલો થયો અને નિઃશ્વાસ જોડે ગળામાં વર્ષોથી અટકેલી કડવાશ મુક્ત થઈ હોય એવું લાગ્યું.

હોસ્પિટલ પહોચતાં જ એ સૌથી પહેલી ટ્રોમા સેક્શનમાં પોસ્ટ રેપ ટ્રોમાની અસર હેઠળ ૬ મહિનાથી સારવાર લેતી ૨૯ વર્ષની રિચા પાસે જઈને બેઠી.

“ગુડ મોર્નિંગ રિચા” એનો હાથ પોતાના હાથમાં લઇ રીચાની કોરા કાગળ જેવી ભાવ વિહીન આંખોમાં પોતાની આંખો પરોવી બોલી,

“આજે નો કાઉન્સેલિંગ, બસ એકજ વાત કરવી છે, રિચા. તને ખ્યાલ જ છે “મેન આર ડોગ્ઝ” પણ તન એે પણ ખ્યાલ છે મેન આર લોયલ ટુ! તારો બોયફ્રેન્ડ સુમિત છેલ્લા ૬ મહિનાથી તારી સેવા કરે છે. તારા માં બાપ પણ જયારે જવાબદારી લેતાં ખચકાય છે એવા સમયે એ સૌથી આગળ હોય છે એ તું જોઈ રહી છે. અમુક વાહિયાત વ્યક્તિઓ સાથે એ પોતાની જેન્ડર શેર કરે છે માત્ર એ વાત માટે એને સજા અન્યાય ન કહેવાય?!સ્માઈલ રિચા, લાઈફ ઈઝ કોલિંગ યુ…”

ધ્રુજતા હાથ અને તરલ આંખો રિચાની ૬ મહિના પછીની પહેલી મૂવમેન્ટ હતી. હળવા સ્મિત સાથે એનો વંકાએલો હોઠ માન્યાને બસમાં એની તરફ ફેંકાએલ એક સ્મિતનો પડઘો લાગ્યો.

કોઈ અજાણ્યા પુરુષે 5 વર્ષ પહેલાં કરેલી બદસલૂકી માટે સહજતાથી માફી માગતા એક જેન્ટલમેનને આ વાર્તા અર્પણ… 🙂

લેખક : એંજલ ધોળકિયા

ટીપ્પણી