“પ્રસાદી” – જાણે-અજાણે તમને ક્યારેય પણ તમારી કિસ્મત પર અફસોસ થતો હોય તો આ પોસ્ટ અચૂક વાંચો

હોસ્પિટલમાંથી બહાર નીકળતા જ શ્રુતિના પગ ભારે થઇ ગયા.ચહેરા પર ઉદાસી લીંપાઈ ગઈ. ડૉ.ભટ્ટનાં શબ્દો એના કાનમાં પડઘાયા..“ખુશનસીબ છો શ્રુતિબેન, તમે એક સુંદર મજાની ઢીંગલીને પૃથ્વી ઉપર કિલ્લોલ કરવા માટે નિમિત બનવાના છો.’ રસીલી અને મીઠી મધ ભાષા ડૉ. ભટ્ટની આગવી શૈલી હતી કોન્ગ્રેચુલેશન્સ.

સુકેતુની આંખો હર્શાશ્રુથી છલકાઈ,પણ શ્રુતિ હજુ અવાચક હતી. ‘એક દીકરી તો પહેલેથી જ ઘરમાં છે અને હવે આ બીજી ને શું કરવી ?’અણગમાએ એના ચહેરાની લાલીમાં ઉડાડી દીધી. દીકરો હોઈ તો કુળદીપક ગણાઈ, ઘડપણની લાકડી બને પણ દીકરી તો સાપનો ભારો, પરાયું ધન જેવી પાંખો આવતા પંખી ઉડી જાય.શ્રુતિએ નિશ્વાસ નાખ્યો.
દીકરાની ઝંખના શ્રુતિને વિહવળ બનાવતી. એક તો લગ્નના એક દશકા પછી ખોળો ભરાયો ને એય વળી પાછી દીકરી; અને હવે અધૂરામાં પૂરું ફરીથી દીકરી.શ્રુતિની આંખોમાં ઝાકળના બિંદુ બાઝી ગયા.

હવે શું ? વિચારોએ એને ઘેરી લીધી. “મારી દીકરાની ઝંખના શું અધુરી જ રહી જાશે ?” આંખોમાં આવેલા અશ્રુ પર એણે રૂમાલ રૂપી પરદો ઢાંક્યો. સુકેતુએ ત્રાસી નજરથી એ જોયું. આમેય સુકેતુ શ્રુતિની પુત્ર લાલસા થી વાકેફ તો હતો જ પણ સમજદારી એનું ઘરેણું હતું.

“શ્રુતિ,આ તો ભગવાનની પ્રસાદી કે’વાય, આમાં આપણા જેવા પામર મનુષ્યનું ના ચાલે. વિધિ સામે આપણે લાચાર છીએ. લલાટે જે લખ્યું હોઈ એ પ્રસાદ સમજીને ગ્રહણ કરવું એજ મનુષ્યની મહાનતા છે, શ્રુતિ, સ્વીકાર સિવાય બીજો કોઈ રસ્તો ક્યાં ? તું ભણેલી-ગણેલી અને સમજુ છો. વાસ્તવિકતા સ્વીકારી લે. પણ શ્રુતિ ઉદાસ, દિવસ રાત વિચારોમાં ગુમ.
એક રાત્રે બેડરૂમમાં સુકેતુના પ્રવેશ સાથે જ પોતાની વિચારોની મેલી પોટલી છોડી.

‘સુકું,આપણે એબોરશન કરાવી નાખીએ.’
અરે ! તું આ શું કહે છે ..તને ભાન છે ..તું શું બોલે છે ?
દીકરીના જન્મ પહેલા..જ.. ભ્રુણ-હત્યા ? એક સ્ત્રી થઇ તું આવું વિચારે છે !
‘હા..સુકેતુ..મારો આ નિર્ણય અફર છે.મને દીકરો જ જોઈએ છે. પ્લીઝ યાર તું સમજને..આ મોંઘવારીના સમયમાં બબ્બે દીકરી …ના બાબા..ના..’
‘ પણ’

‘કઈ પણ..બણ..નહિ..દીકરો એટલે દીકરો…’
સુમીને, શીલાને, તૃપ્તિને, રેખાને….બધાને દીકરા છે..ને મારે પેટ આ પાણો ?

સુકેતુને આજ શ્રુતિમાં એક હત્યારી માનાં દર્શન થયા.
અચાનક જોરદાર પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો. ધડાકા સાથે બેડરૂમનું બારણું ખુલ્યું, ધીમે ધીમે એક પ્રકાશપુંજ રૂમમાં દાખલ થયો.

ઓરડો ચારે તરફ ઝળહળાં, પ્રકાશપુંજ મોટો થવા લાગ્યો. શ્રુતિની આંખો અંજાઈ ગઈ. ધીમે ધીમે પ્રકાશપુંજમાંથી અદભૂત,મનમોહક આકૃતિ સ્પષ્ટ થઇ. સિંહની સવારી સાથે સાક્ષાત મા અંબા સામે આવીને ઉભા રહ્યા.શ્રુતિની આંખો પહોળી થઇ ગઈ.

‘મા..માતાજી..અને એ માના ચરણમાં.
‘દીકરી..હું તારી મોટી દીકરીને લેવા આવી છું.’
‘જાન્હવીને ?’ શ્રુતિ ગભરાઈ.

‘હા, દીકરી, તારે બે દીકરી નથી જોતીને,એટલે એક મને આપી દે.’
‘પણ..મા ?’
“અરે પણ તારે એકને તો મારવી જ છે ને, તો જે જન્મી નથી એનો શું દોષ ? આ મોટી મને આપી દે. અને હા આમેય મોટીનું આયુષ્ય પાંચ વર્ષનું હતું જે પૂરું થયું, એટલે ચાલ જલ્દી..મોટી જાન્હવી મને સોંપી દે, એક હાથ લે એક હાથ દે.” માએ પ્રેમથી કહ્યું.

“પણ..જાન્હવી તો..મારી દીકરી..મેં એને મોટી કરી,મારી…જાન્હવીં તો કેવી મીઠડી છે..ના..ના..એની અંદરની માતા જાગી ઉઠી.

‘અરે..પણ..તું..આમેય અજ્ન્માને તો મારે છે..એટલે મને જાન્હવી સોંપી દે.
‘ના..જાન્હવી તો મારો દીકરો..છે.’

માતાજી…નજીક આવ્યા..શ્રુતિની બાજુમાં સુતેલી જન્હવીને હાથમાં પ્રેમથી તેડીને…પ્રકાશપુંજ ધીમે ધીમે…અદ્રશ્ય.

‘જાન્હવી..જાન્હવી..શ્રુતિએ બેબાકળી થઇ મા અંબાની પાછળ દોટ મુકી, ધડામ કરતી દરવાજા સાથે અથડાઈ.

આંખો ખુલતા જ સામે જાન્હવી અને સુકેતુ નિરાંતે સુતા હતા. ભાવાવેશમાં આવી એને જન્હ્વીને તેડી, ચુમીઓથી નવરાવી દીધી. એક સપનાએ શ્રુતિને ખરેખર જગાડી દીધી. થોડા સમયમાં ઘરમાં એક નવા મહેમાન.પધાર્યા..ને શ્રુતિએ એનું નામ..અંબિકા રાખ્યું.

લેખક : શૈલેશ પંડ્યા

મિત્રો, આપણે પણ એ યાદ રાખવુ જોઇએ કે આ જીવન એ ભગવાનની અણમોલ પ્રસાદી છે.. જીવનને પ્રસાદ-રુપે જીવવાનો ઇમાનદાર પ્રયત્ન કરવો જ જોઇએ.. જીવનમાં ઉતાર-ચઢાવ તો આવવાનાં જ, પણ એના લીધે નાસીપાસ થઇને આપણે પોતાની કિસ્મત પર અફસોસ કરવાનું કોઇ કારણ નહીં.. દરેક વસ્તુ આપણા ધાર્યા મુજબ જ થાય કે આપણને અનુકુળ જ થાય એવુ જરુરી નથી.. આવા સમયે આપણે એ યાદ રાખવાનું છે કે આ જીવન એ પ્રભુની પ્રસાદી છે, અને જીવનમાં આવતી દરેક વ્યક્તિ પણ ભગવાને જ મોકલાવેલી ભેંટ છે.

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

જાણે-અજાણે તમને ક્યારેય પણ તમારી કિસ્મત પર અફસોસ થતો હોય તો આ પોસ્ટ અચૂક લાઇક અને શેર કરો જેથી વધુને વધુ લોકો સુધી આ વાર્તા પહોંચે અને તેઓ પણ જીવનમાં ખોટુ પગલુ ભરતા રોકાઇ જાય.

ટીપ્પણી