સાચો જીવનસાથી એ કેવો હોવો જોઈએ… વાંચો અને જાણો..

ખરા અર્થમાં જીવનસાથી કોને કહેવાય?

સામાન્ય રીતે “જીવનસાથી” શબ્દનું અર્થઘટન કરીએ તો જીવનનાં તમામ સુખ અને દુઃખ, બંને સંજોગોમાં તમારો સાથ આપનાર વ્યક્તિ! એટલે કે, “જીવનસાથી”. એવા અણમોલ સાથીનો આભાર વ્યક્ત કરવા માટે કદાચ એક આખી જિંદગી ઓછી પડે. વિરાસત મૂવીનું એક યાદગાર ગીત છે, “તારે હૈં બારાતી, ચાંદની હૈ યે બારાત.. સાતો ફેરે હોંગે અબ, હાથો મેં લેકે હાથ… જીવનસાથી હમ, દીયા ઔર બાતી હમ…” આ એક એટલું પોપ્યુલર ગીત છે, જેને જ્યારે સાંભળવામાં આવે ત્યારે તમને પોતાનાં જીવનસાથીની યાદ તાજી કરાવે અને જો એ હયાત હોય તો એને ઘણું બધું કહેવાનું મન કરાવે.

લગ્ન કરવા એટલે માત્ર એક લાઇફ પાર્ટનરની પસંદગી જ નહીં પણ તેના અભિગમને અપનાવવા તરફનો એક સહિયારો પ્રયાસ છે. આ પ્રયાસ જો માત્ર એક તરફી હોય તો જેમ વિધિનું વિધાન અકલ્પ્ય અને અસાધારણ છે તેમ આ પ્રકારનો સંબંધ પણ જલ્દીથી જમીનદોસ્ત થાય છે. પતિ-પત્ની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિનું આવવું, વિશ્વાસનો અભાવ હોવો,સહનશક્તિનું પ્રમાણ ઓછું હોવું, નાની નાની વાતમાં રિસાઈ જવાની સાથે સાથે એવી વાતોને મોટું સ્વરૂપ આપવું, વિગેરે એક નબળાં સંબંધને હચમચાવી નાખે છે.

પતિ કે પત્નીને એકબીજા સાથે સંયમથી વર્તવા માટે કોઈ ખાસ તાલીમની જરૂર નથી. હા, જરૂર છે, તો માત્ર એકબીજામાં વિશ્વાસ હોવાની. વિશ્વાસનો અભાવ, કોઈ પણ સંબંધને અંધકાર તરફ પ્રેરે છે. એનો અર્થ એવો નથી કે પુખ્ત વયના થયેલા બાળકોને વિશ્વાસનાં મેન્ટેનન્સ માટે હંમેશા તાલીમ આપવામાં આવવી જોઈએ.

યોગ્ય જીવનસાથીની પસંદગી કરવામાં સ્વભાવ, વર્તન, સંયમ, સમજણ, વિગેરે પાસાઓ અગત્યનો ભાગ ભજવે છે. પરણાવવા જેવી ઉંમરના બધા જ લોકો એક વાત ધ્યાન કેન્દ્રિત કરી સમજે કે બધી જ લવ સ્ટોરી, કુમાર ગૌરવની ફિલ્મ “લવ સ્ટોરી” જેવી નથી હોતી. થોડુંક છોડવાની સંભાવના સાથે સંકળાયેલો સંબંધ, હંમેશા તલવારની ધાર પર ચાલે તો છે પણ કપાતો નથી કે તૂટતો નથી. અને એનાં ઘા સહન કરવાની શક્તિ આપોઅપ જ મળે છે.

કાંઈક જતું કરવાની ભાવના સાથે સંકળાયેલા પતિ – પત્ની હંમેશા સ્વસ્થ કુટુંબ ધરાવે છે. એક સરસ ઉદાહરણ લઈએ તો, સચિન તેંડુલકર અને તેના પત્ની અંજલિ. સચિન તેંડુલકર, ક્રિકેટ જગતનું અત્યંત જાણીતું નામ. પણ અંજલિ તેંડુલકર? ડૉક્ટર હોવા છતાં, પોતાની કારકિર્દીને તિલાંજલી આપી, ઘર અને બાળકો પાછળ પોતાનાં મહત્વના વર્ષો આપ્યા. પણ તેમના આ નિર્ણયથી સચિનની કારકિર્દીને વિના અવરોધ એક દિશા મળી અને અંજલિ તેંડુલકરને એક પ્રેમાળ અને સદા તેમના ત્યાગનું સમ્માન કરનાર જીવનસાથી.

યોગ્ય દિશામાં લેવાયેલાં ડગલાં ક્યારેય ડગમગતા નથી. વિશ્વાસની કસોટી થશે, ધ્યેય ધૂંધળો થશે, સમાજ તરફનો અભિગમ પણ બદલાશે, પણ જો આ પરિસ્થિતિમાં યોગ્ય જીવનસાથી સાથે હશે તો કદાચ આ કહેવું અતિશયોક્તિ ભર્યું નહીં હોય કે “ઓ સાથી રે.. તેરે બીના ભી ક્યા જીના”!

અસ્તુ!!

લેખક : પ્રાપ્તિ બુચ

દરરોજ આવી અનેક જાણવા અને સમજવા જેવી વાતો માટે અત્યારે જ લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી