જો જમાઈને “વહુ” નો રોલ નિભાવવો પડે તો? વાંચો અને તમારો પણ અભિપ્રાય આપો..

જો જમાઈને “વહુ” નો રોલ નિભાવવો પડે તો?

કોઈ પણ મોટી કંપનીમાં નોકરી કરવા જાઓ એટલે બાયોડેટામાં ઇન્ટરવ્યૂઅર જુએ કે તમે કેટલા અને કયા પ્રકારનાં કામ કરવા સક્ષમ છો? જો તમને તમારી પકડ મજબૂત હોય તે સિવાય અન્ય કોઈ વિકલ્પ પસંદ કરવો પડે, તો તમે કરી શકો કે નહીં?

એ જ રીતે, લગ્ન કરવા લાયક યુવતીના બાયોડેટામાં પણ “હોબી” કોલમ હોય છે. ભાવિ સાસુ – સસરા એમ જુએ કે આવનારી “વહુ” કેટલી પારંગત છે!! દીકરીના બાયોડેટામાં એક ન દેખાય તેવી કોલમ હોય છે. જેની અમુક બાબતો લખેલી ન હોવા છતાં સમજવાની હોય છે. એટલે કે, થનારી “વહુ” કયા કયા વિભાગોમાં આવડતથી ભરપૂર હોવી જોઈએ. , જેમ કે, ઘરને લગતા તમામ કામ, બહારનાં પણ કામ જેવાં કે, બિલ ભરવા, ઘરને લગતી ખરીદી કરવી, બાળકો આવે પછી તેમને લગતી તમામ જરૂરીયાત પૂરી કરવા માટે તૈયાર, વિગેરે વિગેરે.

સામે પક્ષે, દીકરીના પેરેંટ્સને જમાઈમાં મુખ્ય આ ગુણ જોઈએ. કમાતો હોવો જોઈએ અને દીકરીનું ધ્યાન રાખે.બસ!! આટલામાં બધું પૂરું. હવે વિચારો, જો આ જમાઈઓને “સાસરે” વળાવવામાં આવે તો શું થાય? 90 ટકા પુરુષો પોતાના ઘરમાં રાજા – મહારાજાની જેમ રહેતા હોય છે. સવારે ઊઠીને પોતાની પત્નીના નામની માળા જપતા પતિદેવો પોતાના રૂમાલની ખરીદી પણ માંડ માંડ કરતા હોય છે. તમે જ કહો, ઘણી સ્ત્રીઓને મોઢે તમે સાંભળ્યું હશે કે સવાર સવારમાં તો સમય જ નથી હોતો. તમે ક્યારેક સવારે વહેલા કોઈને ઘેર જશો તો તમને “ચા તૈયાર છે? મારો ટુવાલ ક્યાં છે? મારા મોજા ક્યાં છે? ટીફીન તૈયાર છે? મારી ઘડિયાળ ક્યાં છે?” જેવા સામાન્ય પ્રશ્નો સંભળાશે. જો આવા પતિદેવોને સાસરે મોકલી દેવામાં આવે તો તેઓ “માન, સમ્માન, અપમાન” જેવા શબ્દોના રોજેરોજના વપરાશથી પરિચિત થઈ જાય. ઘરનું કામ કરવું એ મોટી વાત નથી. ઘરનાં દરેક સભ્યો ઘરકામ કરી જ શકે. પણ ઘરનાં વડીલો, જેમની સાથે લોહીનો સંબંધ નથી, તેમની સાથે રહેવું, તેમની સંભાળ લેવી, ટકોર સાંભળવી, રસોડાને લગતા કામ કરતા કરતા ઓફિસ પણ સાંભળવી, એ એક ચેલેંજથી વિશેષ છે. ઘણી વખત આત્મસમ્માન બાજુ પર મૂકી પણ અપમાનના જે ઘૂંટડા “વહુઓ” પીવે છે, તેની સામે કોઈ પણ પ્રકારની ચેલેંજ નબળી પડે.આ તો વાત હતી ધ્યાન કેન્દ્રિત કરવા રૂપે. પણ જો સ્થિરતાથી વિચારીએ, તો સમાજનો એક એવો નિયમ કે જ્યાં વહુ પોતાપણું ભૂલી, પોતાનું સર્વસ્વ, બીજાને “પોતાનાં” કરવા માટે સમર્પિત કરતી વખતે જરા પણ વિચાર કરતી નથી, ત્યાં જમાઈઓને એક દિવસ પણ જો “વહુ” નો કાર્યકાળ સોંપવામાં આવે તો ઘરની “અદાલતમાં” ભૂકંપ આવી જાય છે. એનાં આફ્ટર શોક પણ વર્ષો સુધી આવે છે.

વારંવાર પોતાના સાસુ – સસરાની સેવામાં ઉપસ્થિત જમાઈને “ઘર જમાઈ” કહી તેની ઉપેક્ષા કરવામાં આવે છે. મારો સૌને પ્રશ્ન એ છે કે, જો પારકી દીકરી, સાસુ-સસરાની સેવા કરી શકે તો પારકો દીકરો તેના સાસુ સસરાની સેવામાં ભાગ કેમ ન લઈ શકે? એમાં શું એનો દરજ્જો ઓછો થઈ જાય છે? ફક્ત દીકરી હોય તો જ જમાઈ તેના પેરેંટ્સનું ધ્યાન રાખે તે માન્યતા પણ તદ્દન પાયાવિહોણી છે. અને જો દીકરો હોય અને છતાં પણ થોડું ઘણું ધ્યાન જમાઈ રાખે તો પણ તેનું અલગ અર્થઘટન કરવામાં આવે છે.

પેરેંટ્સનું ધ્યાન રાખવું એ મહત્વનું છે, નહીં કે કોણ અને કેટલું રાખે છે. માત્ર રિસ્પેક્ટ આપવાથી ફરજ પુરી થતી નથી. ક્યારેક જમાઈઓને પોતાની પત્નીના પેરેંટ્સને મદદ કરવી પડે, તો તેમાં ગૌરવ લેજો. એ આશીર્વાદ ક્યારેય નિષ્ફળ નથી જતાં.
અસ્તુ!!

લેખક : પ્રાપ્તિ બુચ

અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો કે તમે શું વિચારો છો આ બાબતમાં, દરરોજ અવનવી રસપ્રદ વાતો વાંચતા રહો અમારા પેજ પર.

ટીપ્પણી