ઘડપણને એક વ્હાલસોયો પત્ર – દરેક યુવાન મિત્રો ખાસ વાંચે…

“ઘડપણ” ને એક વ્હાલસોયો પત્ર…

પ્રિય ઘડપણ,

તને શું એમ કહીને ખુશ કરું કે હું તારા આવવાની આતુરતાથી રાહ જોઉં છું? કે પછી તને એમ કહીને થોભાવું કે તારા આવવાનો નિર્ણય જરા પાછો ઠેલવવામાં આવે, તો તને વાંધો નથી ને?

તારા આવવાના પડઘા તો માનસિક રીતે ૪૦ થી આછા આછા સંભળાતા હોવા છતાં તને આવકારવા માટે શારીરિક બીજા 10 નહીં 15 વર્ષ કુરબાન કરી દઈશ. મન તો એમ ઇચ્છે કે તને જ્યાં છો ત્યાં જ થંભાવી દઉં. મારી આસપાસ પણ ન ફરકવા દઉં. તું એક જ એવો પડછાયો છો જેની પ્રતિતી સુરજ ખુદ આવીને કરાવે તો પણ સ્વીકારવાનું ન તો મન થાય કે ન તો એ સ્વીકારવાની લાગણી થાય કે હા, આ તો મારું જ પ્રતિબિંબ!!

હું જાણું છું કે તારા આગમનથી મારા જીવનમાં કોઈ ઝાઝા ફેરફાર આવશે નહીં. “માનસિક” તો નહીં જ. હા, કદાચ ઉંમર સાથે મને વધારે સંયમી અને સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા તું આપીશ તો એ તો મારો અધિકાર છે. કદાચ એ પ્રેરણા મને મારા અંતિમ સફરમાં થાક લાગવા દેશે નહીં. છતાં, “શારીરિક” ફેરફાર તો મારે સ્વીકારવા જ રહ્યાં. મને સ્વીકાર્ય છે સફેદ વાળ, મોઢા પરની કરચલીઓ, વાંચવા માટેનાં ચશ્મા, ધીમી ચાલ, બધું જ. પણ, સ્વાસ્થ્ય સાથે ચેડાં, જરાય નહીં. તું આવ, પરંતુ તારી સાથે એ વિશ્વાસને લઈને આવ, જે મને તારી સાથે જીવવામાં મદદરૂપ થવા માટે દરેક ક્ષણે મારી પડખે ઊભો રહે.


યુવાનીનો તરવરાટ ચકડોળે ચડે એમ તું આવજે. તને આવકારતાં હું જરા પણ ખચકાટ ન અનુભવું, એમ તું આવજે. મને ખબર છે કે તારા વિના કોઈ પણ મનુષ્ય કે કોઈ પણ જીવ અધૂરો છે. પરંતુ તારા આગમનને જરા ધીમી ગતિ આપજે.
જાણું છું કે તારું આગમન, ઘણા લોકો માટે એક દુ:સ્વપ્ન સમાન છે. માનસિક અને શારીરિક રીતે તું ઘણાને ડંખે છે. અને એનો ભાર સહન ન કરી શકતા જીવ માટે તારી સાથે જીવવું ભારે પડી શકે છે. માટે તું દરેક જીવ માટે આશીર્વાદ બની જાજે.

ઘડપણ…, તારું સ્વાગત કરવા માટે કોઈ તત્પરતા નથી પણ તને આવકાર્યા વગર છૂટકો પણ નથી. મને મારા પરિવાર સાથે સુખદ સમય મળે એની ખાસ તકેદારી રાખજે. અચાનક તારું પોત ન પ્રકાશે એ બાબતે જરા ગંભીર રહેજે. શરીર જો સાથ આપે તો મન દરેક પરિસ્થિતિમાં કાબુમાં રહે છે. પરંતુ શરીર નબળું પડે તો માનસિક રીતે ભાંગી પડતાં વાર નથી લાગતી. તો એવા સંજોગોમાં પણ તું મને અવિરત પ્રેમ કરજે અને જેટલો સમય તારી સાથે પસાર કરું એને બીજા માટે યાદગાર બનાવવામાં મને મદદ કરજે.

મિત્ર બની રહેવામાં જે મજા છે એ દુશ્મની નિભાવવામાં નથી. માટે મારા “અમૂલ્ય” અને “એકમાત્ર”, એવા જીવનમાં તું જ્યારે આવે ત્યારે ટકોર કરજે. તને સુખેથી આવકારવા માટે હું ચોક્કસ તત્પર રહીશ.
મારા સ્વભાવ પર હાવી થવાની જરાય હિંમત કરજે નહીં. મારી સાથે જીવતા મારા કુટુંબ માટે હું એક આદર્શ ઉદાહરણ બનું તે તું સુનિશ્ચિત કરજે. જ્યારે હું તારી સાથે “વિદાય” લઈશ ત્યારે મારી હાજરી ન હોવા છતાં હાજરી વર્તાશે, ત્યારે જ તારી કસોટી છે એ યાદ રાખજે.
હજી તો તું ઘણું દુર છે છતાં તને હસતે મુખેથી આવકાર આપવાનું વચન આપું છું.

તારી રાહ જોતું,
તારું અતીત…..

લેખક : પ્રાપ્તિ બુચ

દરરોજ આવી લાગણીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી