આ હોબી ક્લાસીસ છે શું? આવો આજે જાણીએ વિગતે…

બાળકોનાં હોબી ક્લાસ કે પેરેંટ્સની મેરેથોન!!

સામાજિક વ્યવસ્થાને આગળ ધપાવવા માટે લગ્ન સંસ્થાનો પણ તેનાં એક અવિભાજ્ય અંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. જેવો કોઈ વ્યક્તિ લગ્ન સંસ્થાનો મેમ્બર બન્યો નથી કે તેની પાસેથી એ સામાજિક વ્યવસ્થાનાં ભાગ રૂપે કુટુંબ આગળ વધારવાની અપેક્ષાઓ શરૂ થઈ જાય છે. પરિણામ સ્વરૂપ, લગ્ન પછીનાં 3-4 વર્ષમાં મિનિમમ એક બાળકના માતાપિતા કહેવડાવાનું સૌજન્ય સાંપડે છે.

ઘરમાં ખુશાલીનો માહોલ. ઘોડિયામાં સુતેલા બાળકનું ભવિષ્ય તેને પ્રથમ નજરમાં જોનારા ભાખીને સારી રીતે માતાપિતાને સમજાવી દે છે. રૂપરંગથી લઈને શરીરના આકારનું પણ નિરીક્ષણ કરવામાં આવે છે. જેમ કે આંગળીઓ લાંબી છે, નક્કી આર્ટિસ્ટ બનશે અને એના જેવા અનેક નિરીક્ષણ.

બાળક જેવું બે વર્ષનું થાય ત્યાં સુધીમાં તો દરેક પ્રકારની સ્કૂલ માટે પેરેંટ્સની તપાસ શરૂ થાય છે. કોમન ઇન્ટરેસ્ટ દરેકે દરેક પેરેંટ્સનો એક સરખો. હવે સ્કૂલની ભણાવવાની પધ્ધતિ કરતાં સ્કૂલનું બિલ્ડિંગ, તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એકસ્ટ્રા એક્ટિવિટીની વ્યવસ્થાઓ, લેબોરેટરીમાં રહેલા અત્યાધુનિક સાધનો, લાઇબ્રેરી, વિગેરે વિગેરે ડિપાર્ટમેંટને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. (આમાંથી અમારા જેવા પેરેંટ્સ પણ બાકાત ન રહી શકે, પણ અમારું ગણિત અહીંયા સુધીનું જ. આગળ લખેલ મુદ્દાઓ સાથે અમારો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી.)

આ બધું ચકાસ્યા પછી જ્યાં સુધી બાળક ચાર વર્ષનું ન થાય અને તેને એડમિશન ન મળે ત્યાં સુધી મન મનાવવા માટે પેરેંટ્સ એકબીજાને સાંત્વના આપતા રહે છે કે, જે સ્કૂલમાં એડમિશન મળે, તે ચાલશે અને ચલાવશું. એમાં પણ જો મનગમતી સ્કૂલમાં એડમિશન મળ્યું એટલે ગંગા નાહ્યાં જેવું લાગે.

અહીંયા આ વિવાદાસ્પદ રિસર્ચ પૂરું નથી થતું. હજી બાળકો તો નાના છે. એમને કાંઈ થોડી ખબર છે કે કેવી કોમ્પિટિશન છે બહાર? ભવિષ્યમાં કાંઈક બનવાની અપેક્ષાઓ સારી સ્કૂલમાં એડમિશન મળવાથી પુરી થાય તે નક્કી કરવું સહેલું નથી. એના માટે એક મુખ્ય રિસર્ચ બાકી હોય છે અને તે છે, હોબી ક્લાસીસ.

પહેલાં એ જાણીએ, કે આ હોબી ક્લાસીસ છે શું? મારા પર્સનલ મતે, આ એક એવી જગ્યા છે, જ્યાં પેરેંટ્સ પોતાનાં બાળકોને શિક્ષણની સાથે સાથે કલા, સંસ્કૃતિ, સાહિત્ય, વિજ્ઞાન, સંગીત, નૃત્ય, કરાટે, સ્કેટીંગ, ક્રિકેટ વિગેરેથી વાકેફ કરાવે છે. પરંતુ, જે રીતે આજના પેરેંટ્સ જાણે એક મેરેથોનમાં પ્રવેશી ચૂક્યા હોય એમ બાળકોને દોડાવવામાં લાગી જાય છે. સ્કૂલમાંથી બાળક ઘેર આવ્યું નથી કે તેને અઠવાડિયામાં લગભગ બે થી ચાર દિવસ હોબી ક્લાસીસમાં વ્યસ્ત કરી દેવામાં આવે છે. આર્ટને નામે બાળકોની શારીરીક ક્ષમતાને વધારવા માટેના પણ લલચામણાં આયોજનો કરવામાં આવે છે. “મારું બાળક કેમ પાછળ રહી જાય?” તે માનસિકતાનો લાભ, આજના સમયમાં હોબી ક્લાસના નામે ચાલતી ફેક્ટરીઝ બરાબર ઉઠાવે છે.

ક્યારેક તમારાં બાળકોને પૂછજો કે બેટા, તમને ખરેખર શું કરવાની ઇચ્છા છે? શું આ ક્લાસ સિસ્ટમથી તમે ખુશ છો? અમારી પાસેથી શું આશાઓ છે તમને? જવાબ જે મળે એને સ્વીકારવાની શરતે એમને સવાલ કરજો અને જવાબને આવકારજો. મેં આ જ કર્યું.

મારા બાળકને 8 વર્ષનો થવાં છતાં એની ઇચ્છાને માન આપીને અમે કોઈ પણ પ્રકારના આવાં ગતકડાંથી એને દૂર રાખ્યો છે. એ એની ચોઇસ છે અને એનો સ્વીકાર કરવો જ રહ્યો. હા, જો તમારું બાળક હોંશેહોંશે આ બધી એક્ટિવિટી કરવામાં રસ ધરાવે તો એનાથી વિશેષ કાંઈ નથી.

બાળકને સમજો. એને પણ તમને સમજવાનો સમય આપો. તમારું બાળક ક્યાંયથી અને કોઈથી પાછળ નહીં રહી જાય એ નિશ્ચિત છે. એનાં ડરને કાઢો. શિસ્તતા શીખવાડવાની ફરજ ચોક્કસ પેરેંટ્સની છે પણ બાળકની ઇચ્છાને માન આપવાની સમજદારી પણ એમની જ છે. તમારી ઇચ્છાને પૂર્ણ કરવામાં એનું બાળપણ ન છીનવાઇ જાય તે પણ સુનિશ્ચિત કરો.

બાળક સાથે બાળક બનવામાં જે મજા છે તે તેને નાની ઉંમરમાં ભણતર સાથે વધારે બોજો આપવામાં નથી. પેરેંટ્સ હંમેશા બાળકમાં પોતાનું અધુરું જીવન જીવે છે માટે એને તમારું એવું જીવન જીવવાનું સાધન ન બનાવો.

સ્વતંત્રતાની સાથે આત્મવિશ્વાસનો વધારો, એને જ પ્રાથમિકતા આપો. એને રેસનું સસલું નહીં બનાવો તો ચાલશે પણ કાચબો જરૂરથી બનાવો. ધીમે પણ મક્કમ મનથી આગળ વધતાં બાળકોમાં શિક્ષણ અને સંસ્કાર બંનેનું સિંચન એ જ મુખ્ય ફરજ છે આપણી. બાળકોનું જતન કરો, શોષણ નહીં. ઉછેર યોગ્ય હશે તો સમય જરૂર સાથ આપશે.

બાકી આજના સમયમાં આવી મેરેથોન ઠેર ઠેર જોવા મળે છે. તમે કઈ દિશામાં દોડો છો તે નક્કી કરી લેજો!!
અસ્તુ!!

લેખન સંકલન : પ્રાપ્તિ બુચ

દરરોજ આવી ઉપયોગી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી