દરેક માતા પિતાએ ખાસ વાંચવું જો તમે ઈચ્છો છો કે તમારું બાળક આસાનીથી પરીક્ષા પાસ કરે તો ખાસ વાંચો…

બોર્ડ એક્ઝામ્સ, ડર કે આગે જીત હૈ…

માર્ચ મહિનો નજીક આવતાં જ ટીનએજ બાળકો કે જેઓ 10th અથવા 12th માં છે, તેઓ અને તેમના માતા-પિતા, બંને પક્ષે એક બેચેની તરવરતી હોય છે. જાણે કે એક અકલ્પનીય વિશ્વયુધ્ધ!! આમ તો આ વિશ્વયુદ્ધ કરતાં સ્વયંયુદ્ધ વધારે લાગે. સેનાપતિઓ એટલે કે માતા-પિતા હંમેશા પોતાનાં સૈનિક, એટલે કે બાળકોને પાછલા એક – બે વર્ષથી એક અલગ પ્રકારનું યુદ્ધ લડવાની તૈયારીમાં વ્યસ્ત કરી દે છે. જાણે ખરેખર જંગ જીતવાની હોય એમ બાળક દિવસ – રાત મહેનત કરે છે. વાંક પેરેંટ્સનો પણ શું કાઢીએ? એંજિનિયર, ડૉક્ટર, સી. એ. , સી. એસ., વિગેરે વ્યાવસાયિક રીતે લાભદાયી હોદ્દા સુધી પહોંચવા માટેની પ્રક્રિયાના પગથિયાં ઓળંગવાના પાયા મજબૂત બનાવતા કારખાનાઓ, જેને આપણે સ્કૂલ, શાળા, નિશાળ, વિગેરે નામે ઓળખીએ છીએ, તે પણ આમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ગ્રેડ સિસ્ટમવાળી શાળાઓમાં હજી એટલું જોખમ નથી જેટલું માર્કસ સિસ્ટમવાળી શાળાઓમાં છે. નાનપણથી કોમ્પિટિશન. હવે તો શાળાઓમાં એડમિશન પણ પેરેંટ્સના ઇન્ટરવ્યૂ પછી આપવામાં આવે છે એટલે કે પેરેંટ્સએ પણ એક યુધ્ધ જ જીતવાનું હોય છે.

હજી તો બાળકે સ્કૂલ જવાનું શરૂ જ કર્યું હોય ત્યાં એ ભવિષ્યમાં શું બનશે એની ધારણાઓ કરવામાં ઘરનાં સગા-વ્હાલા મેદાનમાં ઉતરી આવે છે. મેથ્સ બહુ સારું છે, લાગે છે કે તમારું બાળક એંજીનિયર બનશે. સાઇન્સ સારું છે? નક્કી ડૉક્ટર બનશે. અને આવી અનેક અટકળોનો ભોગ આજના બાળકો બનેલા છે.

જેમ જેમ બોર્ડ એક્ઝામ્સ નજીક આવે છે, તેમ તેમ પેરેંટ્સ તેમનાં યોદ્ધાઓને સલાહરુપી ઢાલ અને અપેક્ષારુપી તલવાર પકડાવે છે. પણ એ યોધ્ધાને પોતાના વિચારો વ્યક્ત કરવાની અભિવ્યક્તિ કોઈક જ માતાપિતાએ શીખવાડી હોય છે. બહુ ઓછા પેરેંટ્સ છે જેઓ પોતાના બાળકોને શિક્ષણ પ્રત્યે જાગૃત બનાવે છે પણ સાથે સાથે વિપરીત પરિસ્થિતિ સામે લડવાની કળા પણ શીખવાડે છે.

બાળકો માટે અગત્યના એવા ભણતરના વર્ષો સફળતાથી પાર થાય તેના માટે બાળકો સાથે પેરેંટ્સના પ્રયત્નો પણ ઓછા ન હોવા જોઈએ. અને એમાં પણ, ભવિષ્ય માટે સતત ડરાવવા કરતાં તેમને ભવિષ્ય વિશે સજાગ કરવા જોઈએ. સામાન્ય રીતે સફળતા અને નિષ્ફળતા, બંનેના પરિણામો વિશે ચર્ચા કરવી જોઈએ. તમારું બાળક મુકત મને તમારી સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરી શકે તેવી પરિસ્થિતિ ઉભી કરવી જોઈએ. નહીં કે બાળક તમારા સિવાય બધા સાથે તેના મનની વાત કરે અથવા તો કોઇની પણ સાથે ન કરી શકે. બાળકનાં જીવનમાં “આત્મવિશ્વાસ” જેટલો અગત્યનો ભાગ ભજવે છે, તેટલું જ મહત્વ “સભાનતા” પણ ધરાવે છે. કોઈ પણ પ્રકારના નિર્ણયો સભાનતાથી લેવામાં આવે તો બોર્ડ એક્ઝામ પછી ન્યૂઝપેપરમાં આવતા આત્મહત્યાના કિસ્સા બનવાની શક્યતા ઘટી જાય. બાળક બોર્ડ એક્ઝામની આટલી અઘરી પરીક્ષાઓ આપી શકે એમ હોય, છતાં રિઝલ્ટ આવતા આવતા, એનાં આત્મવિશ્વાસ સાથે જાણે ચેડાં થયા હોય એમ એ પોતાના જીવન સાથે સંકળાયેલા તમામ સંબંધોને ભુલી જાય છે. શું છે તેનું કારણ? પેરેંટ્સનું પ્રેશર, પોતાની નબળાઈ ન સ્વીકારવાની જીદ કે પછી આવી પરિસ્થિતિનો અચાનક સામનો?

જો પેરેંટ્સ તરીકે ફરજ બજાવતા જ હો, તો સૌથી મોટી ફરજ એ છે કે તમારા બાળકોને ફ્રીડમ આપો તમારી સાથે વાત કરવાની. એમને સપના જોતા જરૂર શીખવાડો પણ એ સપનાને સાકાર કરવાની પધ્ધતિથી વાકેફ કરાવો. તેનાં પરિણામોની અસર વિશે માહિતગાર કરો. સફળતા પચાવતાં અને નિષ્ફળતામાં સંયમ રાખતા શીખવાડો. અપેક્ષાઓ રાખો, પણ બાળક સાથે તમારા મનને પણ આવનાર સંજોગો સાથે સાંકળવાની તૈયારી રાખો. સમાજના ડરથી પેરેંટ્સ તરીકે તમારું સ્થાન ડગે નહીં તેની કાળજી રાખો. બાળકના મિત્ર બનો. આટલું કરશો તો તમે પણ બોર્ડ એક્ઝામથી પણ મોટી જંગ જીતી લેશો અને એ છે બાળકનો તમારામાં “વિશ્વાસ”.

જો અમુક પેરેંટ્સએ આવો વિશ્વાસ પોતાનાં બાળકો પર ન મૂક્યો હોત તો આજે આપણને આલ્બર્ટ આઈન્સ્ટાઈન, વિલિયમ શેકસ્પિયર, સ્ટીવ જોબ્સ, સચિન તેંડુલકર, અક્ષય કુમાર, મેરિ કોમ,વિગરે વિગરે ન મળી શક્યા હોત. માટે આવનારી બોર્ડ એક્ઝામ માટે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ. અને હંમેશા યાદ રાખો.. “ડર કે આગે જીત હૈ..”.
જો આ આર્ટિકલ તમને યોગ્ય લાગ્યો હોય તો જરૂરથી શેર કરજો.
અસ્તુ!

લેખક : પ્રાપ્તિ બુચ

દરરોજ આવી ઉપયોગી અને પ્રેરણાદાયી પોસ્ટ માટે લીક કરો અમારું પેજ.

ટીપ્પણી