ટીનએજનો તરખાટ, સમજુ બાળકોની અણસમજ – ટીનએજને ઉજવો પણ સાથે સમજદારીની ભેટ પણ આપજો.

ટીનએજનો તરખાટ : સમજુ બાળકોની અણસમજ

એક સીધો સવાલ તમને. શું તમારા ઘરમાં કોઈ ટીનએજ બાળક છે? જો તમારો જવાબ “હા” હોય તો અચૂક વાંચજો.
ટીનએજ, એક એવી ઉંમર, જેને પરિણામે ઘણાં સાચા ખોટા નિર્ણયો બાળકોથી લેવાઈ જાય છે. પેરેંટ્સની નાનામાં નાની ભૂલ, એમનાં ટીનએજ બાળકોને આખી જીંદગી અફસોસ કરાવે એવાં નિર્ણયો લેવા માટે મજબૂર કરે છે. આપણી આસપાસ એવા ઘણા દાખલા છે. તમારી આજુબાજુ રહેતા લોકો વિશે વિચારશો તો તમે પણ મારી સાથે સંમત થશો.
આપણું બાળક જ્યારે 13 વર્ષનું થાય એટલે આપણે જોરશોરથી ચર્ચા કરીએ છીએ કે આ “અમારું બાળક ટીનએજ પર પહોંચ્યું છે”. આને ઢંઢેરો પીટીને સમાજને જણાવવામાં આવે છે. હવે તો ઘણા બુધ્ધિશાળી લોકો ટીનએજ બાળકો માટે પાર્ટી પણ રાખે છે. અને એમાં કોઈને શું વાંધો હોય? વાંધો એ નથી કે પાર્ટી કરી, વાંધો એ છે કે આ ઉજવણી પછી જે સમજ્યા વગરનાં પ્રત્યાઘાતો આવે છે, તે પેરેંટ્સ સહન કરી શકતા નથી.આના અનેક ઉદાહરણો છે. જેમ કે, પરિક્ષાનાં પરિણામો આવતાં પહેલાં જ આપઘાત કરતા કાયરો, 18 વર્ષ થતાં જ ભાગતા અબોધ પ્રેમીઓ, ખરાબ મિત્રોની સંગતમાં આવીને ડ્રગ્સ, દારૂની લત લગાડતાં નબીરા, પૂરજોશમાં ગાડી હંકારી કોઈ નિર્દોષને મારી નાંખતા બેફિકરાઈથી ભરપૂર સંતાનો.
બાળકોને યોગ્ય ઉછેર આપવાની જવાબદારી ફક્ત અને ફક્ત પેરેંટ્સની છે. જો ઉછેરમાં ચૂક રહી જાય તો એમાં આસપાસના લોકો, મિત્રવર્તુળ, સગા સંબંધીઓ કોઈ કાંઈ ભાગ ભજવશે નહીં. અંતે આંગળીઓ તો પેરેંટ્સ તરફ જ ઉઠશે. જાગૃત પેરેંટ્સ પોતાનાં બાળકોના જીવનનું ઘડતર તેમનામાં શિક્ષણ સાથે સંસ્કારનું રોપણ કરીને કરે છે. મોટાઈ, ચડસાચડસી, ઘમંડ, બેફિકરાઈ, વિગેરેથી દૂર રહેતાં બાળકો વિનમ્રતાથી ભરપૂર હોય છે. તેમને માન – સમ્માન, પરિસ્થિતિ, સમય, સંજોગ અને સૌથી મહત્વનું, સંબધોનું ભાન હોય છે.
સંસ્કારી અને સમજદાર બાળકો પરિસ્થિતિથી ગભરાઈને પગલાં લેતા નથી. તેઓ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ હોય છે. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં, પોતાના પેરેંટ્સ, પરિવાર, વિગેરે વિશે વિચારે છે. જ્યારે અણસમજ અને અણઘડ બાળકો, આગળ જણાવેલ પરિસ્થિતિ કરતાં એક્દમ વિપરીત હોય છે. નાની નાની વાતમાં ખોટું બોલવું, પોતાનાથી મોટી ઉંમરના લોકોનું અપમાન કરવું, પોતાની જ દુનિયામાં મસ્ત રહેવું, પેરેંટ્સની ચિંતા ન કરવી, અને કોઈ પણ પગલાં ભરતા પહેલા તેના પરિણામની અસર પેરેંટ્સ પર કેવી થશે તે વિચાર કર્યા વગર જ તેને અંજામ આપવો, તેવી મૂર્ખતાથી ભરેલા હોય છે.

આવા સંજોગોમાં, પેરેંટ્સએ સતત સાવચેતી રાખવી જોઈએ. પોતાનું ટીનએજ બાળક ક્યાં જાય છે, કોની સાથે તેની દોસ્તી છે, ફોન પર કોની સાથે વાત કરે છે, રૂટિન કરતાં કોઈ ચેંજ હોય તો તે પણ નજરમાં આવવું જોઈએ. એક દાખલો લઈએ. એક શિક્ષિત, સંસ્કારી અને પૈસાદાર કુટુંબની દીકરી પોતાને 18 વર્ષ પૂરા થતાં જ તેના ડાંસ ટીચર સાથે લગ્ન કરવા ભાગી ગઇ. ભાગીને લગ્ન કર્યાં. લગ્નના ફોટા પેરેંટ્સને કૂરિયરથી મોકલી દીધા. વિચાર કરો કે એ પેરેંટ્સને કેવું થયું હશે?અમદાવાદના એક અત્યંત અવિકસિત એરિયામાં રહેતો, મહિને માંડ 7000 કે 8000 રૂપિયા કમાતો, એ રૂપાળી રાધાથી 10 વર્ષ મોટો છોકરો હતો એ. પેરેંટ્સને આઘાત લાગ્યો હતો. રોતા રોતા દિવસો કાઢ્યા. દીકરીને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા પણ મળી નહીં. અંતે એ ઓછી અક્કલવાળી દીકરી, પેરેંટ્સને મળવા અચાનક આવી. તેને સમજાવવાના બધાએ બહુ પ્રયત્નો કર્યા પણ એ માનવા તૈયાર ન થઈ. પછી એક સદગ્રુહસ્થ અને અનુભવી સગાંએ તેને પરીકલ્પનાઓના જીવનમાંથી બહાર નીકળી આવે તેવી સ્પષ્ટ વાતો કરી. તેને દસ વર્ષ પછીનું તેનું જીવન કેવું હશે, તેની ચર્ચાઓ કરી. અને અંતે 5/6 કલાક સમજાવ્યા પછી તે અણસમજ દીકરીમાં થોડી ઘણી સમજ આવી અને તે ત્યાં જ, પેરેંટ્સ પાસે રહી ગઈ. સાસરે ગઈ જ નહી. પિતાએ તેને ખૂબ વ્યવસ્થિત સમજાવી છૂટાછેડા લેવડાવ્યા. આજે એ જ દીકરી પિતાના કહેવાથી ભણી અને એક શિક્ષિત અને કમાતા એવા એક સજ્જન પેરેંટ્સના દીકરાને પરણી સુખી થઈ ગઈ છે.

આ દાખલો એટલે આપ્યો કેમ કે બાળકને રૂપિયા બતાવીને છકાવી દેવાય નહીં. તેને શિસ્તતા અને જીવનના નિયમો સાથે પણ પરિચિત કરાવવા જોઈએ. કારણ કે આવાં પગલાં ન ભરતાં બાળકો પણ સમજણને અભાવે પોતાનું જીવન સારી રીતે જીવી શકતા નથી.

બાળકોનું ઉંમર પ્રમાણે જો આપણે ઘડતર કરીએ તો તેમની સાથે આપણું ભવિષ્ય પણ સુરક્ષિત બનાવીએ છીએ. બાળક તો અજાણતા પગલાં ભરી દે છે પણ એની સજા એનાં પેરેંટ્સ જીવે ત્યાં સુધી ભોગવે છે. બહારથી ખુશ દેખાતો પરિવાર એક આદર્શ કુટુંબની વ્યાખ્યા ત્યારે જ આપી શકે જ્યારે એ પરિવારમાં આંતરિક સૂજબૂજ પણ હોય અને બાળકોને શિક્ષણ સાથે શિસ્ત અને સંયમ શીખવવામાં આવે. બાકી આપણા બાળકને પણ રસ્તો ભૂલતા વાર નથી લાગતી.

ખરા અર્થમાં માતાપિતા બનવું એ પણ એક વિકાસની નિશાની છે. ટીનએજને ઉજવો પણ સાથે સમજદારીની ભેટ પણ આપજો.

અસ્તુ!!

લેખક : પ્રાપ્તિ બુચ

દરરોજ અવનવી અને જાણવા અને સમજવા જેવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી