કળયુગની અસમંજસ : જો તમે વોટ્‌સએપ ગ્રુપમાં નથી, તો શું તમારું અસ્તિત્વ નથી?

કળયુગની અસમંજસ : જો તમે વોટ્સએપ ગ્રુપમાં નથી, તો શું તમારું અસ્તિત્વ નથી?

શિર્ષક વાંચીને નવાઈ લાગી ને? ઘણાને લાગશે અને ઘણા વિચારશે કે આ તો એક્દમ સામાન્ય બાબત છે. વોટ્સએપને સામાન્ય જનજીવન સાથે કોઈ જ નિસ્બત નથી. તો આ વિષય પર ચર્ચા શેની? પણ જો આપણા રૂટીનમાં આ વાતને પ્રાધાન્ય આપીએ તો ઘણાને આ વોટ્સએપએ પોતાનાં અસ્તિત્વ સાથે સાંકળી લીધા છે.

આજના ટેક્નોલોજીના જમાનામાં આપણે આગળ તો વધ્યાં પણ ઘણું બધું પાછળ છોડીને. જરા ઊંડાણથી વિચારીએ તો ટેક્નોલોજી આવતાં કુદરતી લાગણીઓનું સ્થાન જાતજાતનાં ઈમોજીએ લીધું છે. બે જણાં વચ્ચેની લાગણીઓને વ્યક્ત કરવા માટે આપણે ઈમોજીનો સહારો લેવો પડે છે. ફોન પર વાત થતી હતી ત્યારે એમ લાગતું કે જાણે સામેની વ્યક્તિને આપણે રૂબરૂ મળ્યાં. વાતચીતના અંશો યાદ કરવામાં સરળતા રહેતી.

અને હવે? વાતચીત કરવાનું ટાળીને સોશિયલ મીડિયામાં પોતાનાં લેખિત અભિપ્રાય આપવાનાં અને સતત જોયા કરવાનું કે કેટલાં લોકોએ તમારી કમેંટ વાંચી અને એમાં પોતાનાં મંતવ્યો આપ્યા.

એક સરળ ઉદાહરણ લઈએ વોટ્સએપ ગ્રુપ્સનું. વોટ્સએપનું કામ અલગ જ છે. ફોનમાં માત્ર એપ ડાઉનલોડ કરવાની અને ફોનમાં જાણે એક શહેર જ વસી ગ્યું!! ફોનમાં બહુ ઓછા કોન્ટેક્ટસ એવા હોય કે જેની પાસે આ એપ ન હોય. એટલે સામાન્યથી સામાન્ય બાબત પણ ગ્રુપમાં શેર થાય. ગુડ મોર્નિંગથી લઈને બ્રહ્મજ્ઞાન, બધું જોવા મળે. આપણે એટલા બધા ટેવાઈ ગયા છીએ કે અમુક મેસેજ જોવાની તસ્દી પણ લેતા નથી. પણ જો જવાબ ન આપો તો અન્ય સોશિયલ મીડિયાની જેમ અહીંયા પણ વિરોધનો ભોગ બનતા વાર નથી લાગતી. વોટ્સએપ ગ્રુપનાં પ્રકાર જોઈએ તો ફેમિલી, સ્કૂલ ફ્રેન્ડ્સ, ઑફિસ, કોલેજ ફ્રેન્ડ્સ, જો બાળકો હોય તો તેની સ્કૂલમાં ભણતાં બાળકોની મમ્મીઓનું ગ્રુપ, વિગેરે વિગેરે..

જન્મદિવસથી લઈને લગ્ન તારીખ કે પછી અવસાન નોંધ, બધું આ ગ્રુપ્સમાં શેર થાય. જો તમે એમાં તમારી નોંધણી કરાવાનું ભૂલી જાઓ તો એની ચર્ચા કરવા માટે પણ એક અલગ ગ્રુપ બનાવવામાં આવે. જેમ વર્ષે એકાદ બે વખત પર્સનલ બ્રેકની જરૂર હોય તેમ આવા વોટ્સએપ ગ્રુપમાંથી પણ જો તમે પર્સનલ બ્રેક લેવાનું વિચારો તો સમજી લેવું કે તમારી મહત્વતા સિદ્ધ કરવા તમારે ગ્રુપમાં ફરી પ્રગટ થવું જ રહ્યું. અને જો તમે કોઈ પણ ગ્રુપમાં નથી તો પાર્ટીઝના આમંત્રણથી પણ તમે અલિપ્ત રહી શકો છો. ન્યૂઝ ચેનલ પછી સૌથી વધારે લાઇવ રીપૉર્ટીંગ થતું હોય તો તે છે વોટ્સએપ ગ્રુપમાં. એમાં પણ મીડિયાની જેમ સ્પર્ધા હોય છે.

ઘણી વાર એમ થાય કે આવા બધા જ ગ્રુપમાંથી સન્યાસ લઈ લેવો જોઈએ. પણ જેમ પોલિટીક્સમાં જેમ નેતાઓને ખુરશી નથી છૂટતી એમ આવા ગ્રુપ્સ આપણાથી જલ્દીથી છૂટે એમ નથી. ટેક્નોલોજીનો કર્મ તરીકે સદુપયોગ કરતાં મનુષ્યોને કોઈ ફેર નથી પડતો પણ ધર્મ તરીકે પૂજતા મનુષ્યો માટે આ એક પડકાર છે, પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવાનો!!

હવે નક્કી તમારે કરવાનું છે કે તમે કર્મથી સિધ્ધ થાશો કે ધર્મથી!!
અસ્તુ.

લેખક : પ્રાપ્તિ બુચ

દરરોજ આવી અનેક માહિતી અને જાણવા જેવું વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી