પપ્પાએ ભૂલ કબૂલ કરી! એક દીકરાએ સમજાવી બાપની ભૂલને વાચો કેમ અને કેવી રીતે

પપ્પાએ ભૂલ કબૂલ કરી ! 

“સાહેબ, મને મોટા સાહેબથી મલવા દો, મારે થોડીક વાત કરવી છે !” બેંકના શાંત વાતાવરણમાં એક આધેડ વ્યક્તિનો અવાજ ગુંજ્યો ! મેં કહ્યુ, “એ ભાઈને અંદર આવવા દો” એ ભાઈ મારી કેબિનમાં આવ્યા, એમના ચહેરા પર ચિંતા સિવાય કંઈ જ નહોતું દેખાતું. મેં પૂછ્યું, “કાકા તમારે કઈ વાત કહેવી છે ?” આટલું પૂછતાં જ એમની આંખોમાં ભીનાશ આવી ગઈ ! મેં કહ્યું, “કાકા તમે રડો નહીં, બોલોને શું થયું છે ?” હું એમની બાજુમાં બેઠો, પાણી આપ્યું અને એમણે બોલવાનું શરું કર્યું, “સાહેબ મારે પૈસાની જરૂર છે એટલે કે લૉન લેવી છે.” મેં કહ્યુ, “બરાબર, તમારે કાર માટે લૉન લેવી છે કે મકાન માટે ?” એ કંઈ જ ન બોલ્યા ! મેં કહ્યું, “કાકા તમારું નામ શું છે ?” એ ભાઈએ જવાબ આપતાં કહ્યુ, “મારું નામ ગોપાલ છે.” ત્યારબાદ હું બોલ્યો, “ગોપાલભાઈ ચિંતા કર્યા વગર બોલો કે શું સમસ્યા છે ?” એમણે કહ્યું, “હું એક નાનો વેપારી છું અને થોડા થોડા રૂપિયા રોકીને મેં એક મકાન લીધુ, એમાં બે લાખ રૂપિયા ખૂટતાં હતા તો મેં મારી પત્નીના ઘરેણાં વેચીને એ પૈસા ભર્યા અને આજે એ બિલ્ડર એમ કહે છે કે તમે પૈસા ભર્યા જ નથી !” હું થોડીવાર વિચારમાં પડી ગયો, એ ભાઈએ કહ્યું, “અને મારી દીકરીનાં લગ્ન પણ નજીકમાં જ છે, તમે જ મને સાચો ઉપાય બતાવો !” મેં કહ્યું, “ગોપાલભાઈ આપની સાથે જે ફ્રોડ થયું છે એના કોઈ કાગળ છે, એટલે કે તમે જે પૈસા ભર્યા છે એની કોઈ પાવતી ?” એમણે કહ્યું, “ના સાહેબ, મને કોઈ પાવતી આપી નથી !” મેં કહ્યું, “કાકા તમે આવતીકાલે સવારે આવો ત્યાં સુધી હું કંઈક વિચારી રાખું.” એમણે કહ્યું, “ભલે સાહેબ”

હું છેલ્લા પાંચ વર્ષથી બેંકમાં મેનેજર છું અને ઘણાં લોકો લૉન માટે ખોટા નાટકો કરતાં હોય છે, પણ પહેલીવાર કોઈ વ્યક્તિએ મને મુંઝવણમાં મૂકી દીધો. મારી પત્ની ભાવિકાનો ફોન આવ્યો અને એણે કહ્યું,”મિતેષ આજે વહેલો ઘરે આવજે ને !”

 મેં કહ્યું, “કેમ કંઈ કામ હતું ?” ભવિકાએ કહ્યું,”આજે આપણે મુવી જોવા જવું છે !” મે કહ્યું, “સારું….હું આવી જઈશ !” હું સાંજે ઘરે પહોંચ્યો, મમ્મી પપ્પા દિલ્હી ગયા હતા એટલે હું અને ભાવિકા બહાર જમવા ગયા. મારું ધ્યાન હજુપણ ગોપાલભાઈની વાતમાં જ હતું. ભાવિકાએ પૂછ્યું, “શું થયું છે મિતેષ ? આજે તારું ધ્યાન ક્યાં છે ?” મેં કહ્યું ક્યાંય નહીં, બસ ઑફિસની એક વાત વિચારતો હતો ! એણે પૂછ્યું, “કઈ વાત ?” મેં ભાવિકાને બધી જ વાત કરી. એણે કહ્યું, “મિતેષ તું એ ભાઈ પાસેથી ડોક્યુમેન્ટ લઈને ચેક કર અને આવતીકાલે એમ પણ પપ્પા આવે છે તો એમને પૂછી લેજે કે આ કયો બિલ્ડર છે ! મેં કહ્યું, “સારું…” ભાવિકાએ કહ્યું, “મિતેષ આજે આપણે મુવી જોવા નથી જવું ઓકે…!” મેં કહ્યું, “શું થયું ભાવિકા…?” એણે કહ્યું, “આજે તું થાકી ગયો છે અને ગોપાલભાઈની વાત ને લઈને ચિંતામાં છે એટલે !” હું કંઈ ન બોલ્યો અને અમે ઘરે જવા માટે નીકળ્યા અને કાર પણ ભાવિકાએ જ ચલાવી.

મારા મનમાં એક જ સવાલ ગુંજતો હતો કે એ બિલ્ડર કોણ હશે કે જેણે ફ્રોડ કર્યું. બીજો વિચાર એ હતો કે એમણે એમની પત્નીના ઘરેણાં પણ વેંચી નાખ્યા અને સામે એમની દીકરીના લગ્ન પણ છે ! આ બધા સવાલો વચ્ચે જ સવાર પડી. હું મમ્મી-પપ્પાને લેવા માટે એરપોર્ટ ગયો અને આવીને અમે બધાએ નાસ્તો કર્યો. મેં પપ્પાને પૂછ્યું, “પપ્પા મારે તમારી પાસે એક વાત કરવી છે, એક બિલ્ડરને લઈને !” પપ્પાએ કહ્યું, “બેટા કંઈ અરજન્ટ ન હોય તો સાંજે બેંકથી આવીને કરજે ને.” મેં કહ્યું ઓકે ! હું બેંકમાં પહોંચ્યો અને ગોપાલભાઈ ત્યાં પહેલેથી જ બેઠાં હતાં. ગોપાલભાઈએ કહ્યું, “સાહેબ તમે મારી મદદ કરશો ને ?” મેં કહ્યું, “હા કેમ નહીં !” મેં ગોપાલભાઈને કહ્યું, “ગોપાલભાઈ એ બિલ્ડરનું નામ શું છે ?” એમણે કહ્યું,”એમનું નામ રઘુવીરભાઈ છે. ” હું આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો અને મેં મારા મોબાઈલમાં એક ફોટો બતાવ્યો અને કહ્યું, “ગોપાલભાઈ આ જ છે ??” એમણે હા માં જવાબ આપ્યો. હું કંઈ જ ન બોલ્યો. મેં પાણી  પીધું…મારા પગમાં ખાલી ચઢતી હતી અને મનમાં વિચારોનો ભૂકંપ આવ્યો હતો કેમ કે રઘુવીરભાઈ મારા પપ્પા જ હતાં !
મેં ગોપાલભાઈને કહ્યું, “ગોપાલભાઈ તમને આવતીકાલે મકાન મળી જશે..!” એમણે કહ્યું,”સાચે જ ?? અને કઈ રીતે ?” મેં કહ્યું,”ઘણીવાર પૈસાની લાલચ સ્વમાન પણ છીનવી લે છે…! ગોપાલભાઈએ કહ્યું, “તમે શું બોલ્યા એમાં મને કંઇ જ. ખબર ન પડી !” મેં કહ્યું, “તમે હવે જઈ શકો છો અને તમને આવતીકાલ સુધીમાં મકાન મળી જશે !” મેં ક્લાર્કને બોલાવ્યો અને કહ્યું, “હું આજે અડધી રજા લઉં છું, કંઈ કામ પડે તો કોલ કરજો ઓકે..!” હું ઘરે જવા નીકળ્યો અને કારમાં ભાવિકાને કોલ કરીને મેં બધુ જ કહ્યું. હું ઘરે પહોંચ્યો અને ત્યારે પપ્પા સામે જ બેઠા હતાં. હું એમની તરફ જઈને જોરથી બોલવા લાગ્યો અને ત્યારે જ ભાવિકા આવી અને મને રોકીને કહ્યું, “મિતેષ શાંત થઈ જા….આરામથી વાત કર !” મમ્મી પણ બહાર આવ્યા અને કહ્યું, “શું થયું બેટા કેમ રાડો નાંખે છે ??” મેં કહ્યું,”એ તો પપ્પાને પૂછો !” પપ્પા બોલ્યા, “મેં શું કર્યું ?” મેં કહ્યું, “ગોપાલભાઈને ઓળખો છો ?” મમ્મીએ કહ્યું, “કોણ ગોપાલભાઈ ?”  મેં કહ્યું, “ગોપાલભાઈ એટલે એ વ્યક્તિ કે જેમનું મકાન પપ્પાએ ફ્રોડ કરીને છીનવી લીધું !” મમ્મીએ પપ્પાને કહ્યું,”મિતેષ સાચું કહે છે ?” પપ્પા કંઈ જ ન બોલ્યા અને મમ્મીએ વધારે બોલતાં કહ્યું, “સાંભળો…. આપણે કોઈના ઓરડા છીનવી લઈશું તો શું ભગવાન આપણો ઓરડો સલામત રાખશે ?” પપ્પાએ કહ્યું, “બેટા મિતેષ ગોપાલે પૈસા ટાઈમ પર ના આપ્યા તો મારી પાસે બીજો કોઈ ઉપાય જ નહોતો !” મેં કહ્યું, “પપ્પા તમે અત્યારે જ ગોપાલભાઈને એમનું મકાન આપો નહીંતર હું આ મકાનમાં નહીં રહું !” મમ્મીએ પપ્પા સામે જીદ કરી અને આખરે પપ્પા માની જ ગયા અને પોતાની ભૂલ સ્વીકારી ! મેં પપ્પાને કહ્યું, “પપ્પા તમે પોતે જ ગોપાલભાઈના ઘરે જાઓ અને એમને એમનું મકાન તમારા હાથે જ આપો તો તમારી ભૂલ સુધરી જશે અને કદાચ ભગવાન પણ તમને માફ કરી દે’શે !”


પપ્પા માની ગયા અને ગોપાલભાઈના ઘરે ગયા અને સાંજે અમે બધા ઘરે બેઠાં હતાં ત્યારે પપ્પા આવ્યા અને હું કંઈ બોલું એ પહેલાં જ ગોપાલભાઈ પોતાના પરિવાર સાથે આવ્યા.
પપ્પાએ કહ્યું, “બેટા મિતેષ, આજે ગોપાલ અને એમનો પરિવાર આપણાં ઘરે જમવા માટે આવ્યાં છે !”  આ વાત સાંભળીને અમે ખૂબ જ ખુશ થઈ ગયા અને જાણે બે પરિવાર મળતાં હોય એવું લાગતું હતું ! આ સાથે ગોપાલભાઈને પોતાનું ઘર મળી ગયું.

લેખક : પ્રદીપ પ્રજાપતિ

રોજ નવી વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી