‘ ટેટુ ‘ – એક બોલ્ડ છોકરીની પ્રેરણાત્મક કથા !

લાઈબ્રેરી બંધ થવાનો સમય થઈ ગયો હતો, મારી બાજુમાં કેટલાક છોકરાઓ બેઠા હતાં અને એ વાતો કરતાં હતાં કે “અરે..જો પેલી છોકરીએ કેટલા ટૂંકા કપડાં પેર્યા છે !” મેં કહ્યું, “કોણ …?” એ બોલ્યો, “સામે બુક ઇસ્યુના કાઉન્ટર પાસે જે છોકરી ઉભી છે એ અને એના હાથમાં ટેટુ પણ દોરેલું છે !” મને ક્યારેય છોકરીને ઘુરી ઘુરીને જોવાની આદત નહોતી, પણ મારા મિત્રો જાણે આંખોથી બળાત્કાર કરતાં હોય એમ જોતાં હતાં ! લાઈબ્રેરી બંધ થઈ અને હું મારા ફ્લેટમાં જવા માટે નીકળ્યો ! દિલ્હીમાં હું અને મારા ત્રણ મિત્રો યુપીએસસીની તૈયારી કરવા આવ્યા હતાં ! હું મારા ફ્લેટ પર પહોંચ્યો. હું સવારે વહેલો લાઈબ્રેરીમાં પહોંચ્યો, અને મેં મારી તૈયારી શરું કરી. લાઈબ્રેરી આખી ખાલી હતી, કારણ કે આજે રવિવાર હતો અને હજુ તો લાઈબ્રેરી ખુલી જ હતી ! હું વાંચતો હતો ત્યારે વચ્ચે એક અવાજ આવ્યો, “સ્ક્યુઝ મી… તમારી પાસે સિલેબસ હશે ?” મેં જોયું તો એજ છોકરી હતી, જેના વિશે ગઈકાલે છોકરાઓ વાતો કરતાં હતાં ! એ મારી સામે બેઠી અને સિલેબસ જોવા લાગી, તેના હાથ પર ટેટુ દોરેલું હતું, એ હું જોતો હતો અને એ બોલી, “આ ટેટુ મને પ્રેરણા આપે છે !” મને આ સાંભળીને નવાઈ લાગી અને મેં પૂછ્યું, “પ્રેરણા ?” એણે કહ્યું, “મારી જિંદગી ખૂબ જ એકલી છે, કારણ કે હું અહીંયા એકલી જ રહું છું અને હું મારું જીવન મારા કમ્ફર્ટ પ્રમાણે જીવું છું અને આ ટેટુ હર હંમેશ મારો સાથ આપે છે !” એ આટલું કહીને પોતાના ટેબલ પર જતી રહી !

બ્રેકનો સમય થયો અને હું કેન્ટીનમાં ગયો, હું ઘરેથી નાસ્તો લઈને આવ્યો હતો અને ત્યાં ટેબલ પર બેઠો, આજે રવિવાર હોવાથી કેન્ટીન એકદમ ખાલી જેવી જ લાગતી હતી ! ટેટુ વાળી છોકરી આવી અને કેન્ટીનમાં પૂછવા લાગી, “પીઝા છે ?” કેન્ટીન માંથી અવાજ આવ્યો, “સોરી મેમ, આજે સન્ડે છે એટલે ચા સિવાય કંઈ જ નહીં મળે !” એ નિરાશ થઈ ગઈ ! એ જતી હતી અને મેં કહ્યું, “સ્ક્યુઝ મી…! કેન યુ જોઈન વિથ મી ??” મેં આટલું પૂછ્યું અને એ કંઈ જ બોલ્યા વગર મારા ટેબલ પર બેસી ગઈ અને બોલી, “થેંક્યું.. આજે મેં સવારનું કંઈ જ. નહીં ખાધું બોલ..!” હું હસવા લાગ્યો અને બોલ્યો, “અરે…તો ચિંતા ના કર..લે આ તારું સમજ…!” એ છોકરીએ જાણે ચાર પાંચ દિવસથી કંઈ જ ના ખાધું હોય એમ ખાવા લાગી અને હું એને જોતો હતો, અને થોડીવારમાં તો એણે આખો ડબ્બો ખાલી જ કરી નાખ્યો ! છેલ્લે મારી પાસે એક બોટલમાં છાસ હતી, એ પણ મેં એ છોકરીને આપી તો એ એક જ જટકે પી ગઈ ! મને ભૂખ લાગી હતી, પણ એને મારાથી વધારે ભૂખ લાગી હતી એટલે મેં કંઈ જ ના ખાધું !

હું અને એ છોકરી પાછા વાંચવા માટે લાઈબ્રેરીમાં ગયા, અને એ મારી પાસે આવીને બોલી, “સાંજે ઘરે જાય ત્યારે કહેજે !” મેં પૂછ્યું, બ એણે જવાબ આપતાં કહ્યું, “ઘરે જાય ત્યારે મને કહેજે ને, મારે એક કામ છે !” મેં કહ્યું, હા …! હું વાંચવા બેઠો પણ મારું ધ્યાન વાંચવામાં લાગતું જ નહોતું, મનમાં એક જ વિચાર હતો, “કે એ છોકરીને મારું શું કામ હશે ?” સાંજ થઈ અને લાઈબ્રેરી બંધ થવાનો સમય થયો. હું રજીસ્ટરમાં મારું નામ લખીને બહાર નીકળ્યો અને જોયું તો એ છોકરી બહાર જ ઉભી હતી ! એ મારી નજીક આવીને બોલી, “તું શું લઈને આવ્યો છે ?” મેં કહ્યું, “શું..?” એ બોલી, “તું મેટ્રોમાં જ આવે છે ને ?” મેં કહ્યું, “હા..!” એ સ્મિત સાથે બોલી, “કંઈ પણ સવાલ ના પૂછતો મારી સાથે મારી કારમાં ચાલ !” હું થોડો ગભરાયો અને એની સાથે કારમાં બેઠો ! એણે ઈંગ્લીશ ગીત ચાલુ કર્યું અને કાર ખૂબ જ ઝડપે હંકારી ! એ છોકરી મને એક રેસ્ટોરન્ટમાં લઈ ગઈ અને બોલી, “આઈ એમ સૉરી, આજે બપોરે હું તારો નાસ્તો ખાઈ ગઈ હતી ને ! એટલે અત્યારે મારા તરફથી ટ્રીટ !”

એ આ વખતે મારા સામે નહીં, પણ મારી બાજુમાં બેઠી હતી ! અને એણે ગુજરાતી થાળી ઓર્ડર કરી અને મારી સામે જોઇને બોલી, “ગુજરાતી બહુ મીઠા હોય છે !” મેં કહ્યું, “તમારું નામ શું છે ?” એ જોરથી હસવા લાગી અને બોલી, “યાર….નામ તો મેં પૂછ્યું જ નહીં !..હાય..આઇ એમ શ્રદ્ધા” મેં કહ્યું, “માય એમ ઇઝ વરુણ !” એણે હસતાં હસતાં વાતો કરવાની ચાલુ કરી અને પૂછ્યું, “મારે પણ ગુજરાત ફરવું છે !” મેં કહ્યું, “મારે પંજાબ ફરવું છે !” અમે બંને હસવા લાગ્યા અને મેં પૂછ્યું, “તું કેમ ટૂંકા કપડાં પહેરે છે ?” એણે જવાબ આપતાં કહ્યું, “હું અમેરિકા ભણી છું અને મારા મમ્મી પપ્પા પણ ત્યાં જ રહે છે અને હું મારા કમ્ફર્ટ પ્રમાણે કપડાં પહેરું, પણ આજકાલના લોકો નેરો માઈન્ડના છે !” હું કંઈ જ ન બોલ્યો, કારણ કે એના જવાબે મને ચૂપ કરી દીધો હતો ! એ બોલી, “બધા જ લોકો મારા પગ જુએ અને મારા ટેટુ પર પણ કૉમેન્ટ્સ કરે, પણ તે આવું નહોતું કર્યું એટલે હું તારી સાથે બહાર આવી !” મેં કહ્યું, “તું શું ભણે છે ?” એણે કહ્યું, “હું ઇન્ડિયન કલચર પર પી.એચ ડી. કરું છું !” એણે કહ્યું, “ચાલ હવે નીકળીએ, હું તને તારા ઘરે ડ્રોપ કરી દઉં છું !” મેં ના પાડી પણ એ ના માની અને મને ઘર સુધી મુકવા આવી ! મારું ઘર આવી ગયું હતું અને એણે પૂછ્યું, “તારી પાસે ઇન્ડિયન કલચર પર કોઈ સારી બુક છે ?” મેં કહ્યું, “મારી પાસે નથી, પણ એક બુક સ્ટોર છે, ત્યાં મળી જશે !” એણે કહ્યું, “આવતીકાલે મારી સાથે આવજે, અને આવતીકાલે મારો બર્થડે છે તો ઘરેથી નાસ્તો ના લાવજે !” એ આટલું કહીને પોતાના ઘરે ગઈ !

હું વિચારમાં પડી ગયો હતો, કે કોઈ છોકરી પોતાનો આવતીકાલે જન્મદિવસ હોય તો મને શું કામ કહે ? હું મારા ફ્લેટ પર પહોંચ્યો અને અગાસી પર જઈને વાંચવા લાગ્યો અને મોડી રાત્રે સુઈ ગયો ! સવારે રાબેતા મુજબ હું લાઈબ્રેરી પહોંચ્યો અને આજુ બાજુ જોયું તો શ્રદ્ધા આવી નહોતી ! મેં મારું રીડિંગ ચાલુ કર્યું અને ઘણીવાર રાહ જોઈ પણ શ્રદ્ધા ન આવી ! હું શ્રદ્ધા માટે ગિફ્ટ પણ લાવ્યો હતો. મોબાઈલમાં એક મેસેજ આવ્યો, “વરુણ હું શ્રદ્ધા, લાઈબ્રેરીની બહાર આવી જા !” હું ખુશ થઈને લાઈબ્રેરીની બહાર ગયો અને એ કાર લઈને ઉભી હતી અને હું એની સાથે કારમાં બેઠો અને મેં કહ્યું, “હેપ્પી બર્થ ડે ” એણે કહ્યું, “થેન્કયું !” એણે કાર હંકારી અને એક રિસોર્ટમાં મને લઈ ગઈ અને ત્યાં એક ગાર્ડનમાં હું અને શ્રદ્ધા બેઠા ! મેં શ્રદ્ધાને ગિફ્ટ આપ્યું અને ગિફ્ટમાં ઘણી બધી ચોકલેટ અને શ્રદ્ધાને જે બુક જોઈતી હતી એ આપી, એ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને કહ્યું, “થેંક્યું ડિયર વરુણ !” અમે બંને એ ત્યાં જ લંચ કર્યું અને ગાર્ડનમાં ફરતાં ફરતાં એક જગ્યાએ બેઠા અને ત્યાં શ્રદ્ધા રડવા લાગી ! મેં પૂછ્યું, “શ્રદ્ધા શું થયું ?” એણે રડતાં રડતાં કહ્યું,”મારા બર્થડે પર મારા પેરેન્ટ્સ જ મારી સાથે નથી અને મારો કોઈ મિત્ર પણ નથી !” મેં મારા રૂમાલથી એના આંસુ લુછ્યા ! મેં કહ્યું, “હું છું ને !, હવે સ્માઈલ આપ !” એણે સ્મિત આપ્યું અને આમ રાત પડી ગઈ અને મેં કહ્યું, “હવે તારે મારી સાથે આવવું પડશે !” એણે પૂછ્યું, “ક્યાં ?” મેં કહ્યું, “તારી કારમાં જ જવાનું છે !” હું શ્રદ્ધાને એક કૅફેમાં લઈ ગયો અને ત્યાં મેં શ્રદ્ધાને એક પંજાબી કુર્તી ગિફ્ટમાં આપી અને કહ્યું, “લે શ્રદ્ધા આ અત્યારે જ પહેરીને આવ, ત્યાં વોશરૂમ છે !” શ્રદ્ધા વોશરૂમમાં કુર્તી પહેરીને આવી અને આજે સાચે જ પંજાબી લાગતી હતી ! આવીને મને કહ્યું, “હું કેવી લાગુ છું ?” મેં કહ્યું, “કલ્પના બહારની !” ત્યાર પછી મેં અને શ્રદ્ધાએ નાસ્તો કર્યો અને ત્યારે શ્રદ્ધાએ કહ્યું, “વરુણ તું ઘરેથી કેટલા વાગ્યે નીકળે છે ? મેં કહ્યું, ” સવારે નવ વાગ્યે ! પણ કેમ ?” એણે ગુલાબી સ્મિત સાથે કહ્યું, “આવતીકાથી તારી સાથે મેટ્રોમાં જ આવીશ !” આમ, મને શ્રદ્ધા પર મારા દિલની સાચી શ્રદ્ધા ઉતરી !

લેખક : પ્રદિપ પ્રજાપતિ

શેર કરો આ વાર્તા તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી