“આદર્શ દીકરી અને પ્રેમની પરિભાષા એટલે તાન્યા!” વાંચો, શેર કરો અને લાઇક કરો….

“આદર્શ દીકરી અને પ્રેમની પરિભાષા એટલે તાન્યા !”

સાંજે જમ્યા બાદ પરિવારના સદસ્યો ફળિયામાં બેઠા હતાં. નિકુંજના પપ્પાએ કહ્યું, “સોનગઢમાં તો કેટલી શાંતિ છે ને ?” નિકુંજ અને એના મમ્મી-પપ્પા મૂળ સોનગઢના હતાં, પણ વર્ષોથી મુંબઈમાં રહેતાં હતાં. આ વખતે વેકેશન માણવા સોનગઢ આવ્યા હતાં ! દાદીએ નિકુંજના પપ્પાને જવાબ આપતાં કહ્યું, “બેટા મનસુખ, તું તો ત્રણ ચાર વર્ષે સોનગઢ આવે સે, તો તારા દીકરા નિકુંજને તો દર વર્ષે સોનગઢ મુકતો હોય તો ?” નિકુંજના પપ્પાએ કહ્યું, “પણ મા, નિકુંજની કૉલેજ મુંબઈમાં છે, એટલે એણે એટલો સમય ન મળે ! ” ત્યારે બહારથી નિકુંજ આવે છે અને બોલે છે, “પપ્પા અહીંયા ઠંડી બહુ જ છે !” દાદી કહે છે, “બેટા નિકુંજ, અહીં બાજુમાં આવ અને આ ચૂલા પાસે હાથ પગને થોડાંક શેક !”

દાદીના કહેવાથી નિકુંજ ચૂલા પાસે જાય છે અને તાપણું કરે છે ! નિકુંજ અને દાદી ચૂલા પાસે બેઠા હોય છે ત્યારે ડેલી માંથી અવાજ એક અવાજ આવે છે, “એ મનસુખ આવ્યો કે નઈ ??” નિકુંજના દાદા કહે છે, “અરે આવ કરશન મનસુખ તો આજે જ આવ્યો !” કરશનભાઈ અને નિકુંજના પપ્પા બાળપણના મિત્રો હોય છે ! કરશનભાઈ બોલે છે, “અરે મનસુખ ઘણાં સમય પછી સોનગઢ આવ્યો હો, મને તો એમ લાગ્યું કે મુંબઈ જઈને અમને ભૂલી જ ગયો કે શું ?” નિકુંજના પપ્પા કહે છે, “ના રે ના કરશન, મુંબઈમાં આપણાં વતન જેવી મજા ક્યાંથી ?” આમ કરશનભાઈ અને નિકુંજના પપ્પા હળવી વાતો સાથે મજાક કરતાં હોય છે ! નિકુંજના પપ્પા કહે છે, “કરશન તારી દીકરી તાન્યા શુ કરે છે ?” કરશનભાઈ જવાબ આપે છે, “કાંઈ નહિ મનસુખ, એ જ્યારથી એની મમ્મી દુનિયા છોડીને ગઈ છે ત્યારથી એનું કોઈ કામમાં મન જ નથી લાગતું !” નિકુંજ આ બધી વાતો ધ્યાનથી સાંભળતો હતો. કરશનભાઈએ કહ્યું, “ઘણીવાર તાન્યા મારી સાથે ખેતરે પણ આવે છે !” આટલું કહીને કરશનભાઈ જાય છે અને ત્યારબાદ બધા સુવા માટે જાય છે.

નિકુંજના મનમાં એક જ સવાલ હતો કે “તાન્યાનું નામ તો મોર્ડન ક્લાસ જેવું છે, તો પછી તાન્યા કેમ ગામમાં રહે છે અને કામ પણ કરે છે ?” સવાર પડી અને ગામનું અસલી સૌંદર્ય તો સવારે જ જોવા મળે અને એમાં પણ શિયાળાની સવાર ! નિકુંજ ઉઠ્યો અને તૈયાર થઇને નાસ્તો કરવા બેઠો. નિકુજે એના પપ્પાને કહ્યું, “પપ્પા, રાત્રે મસ્ત ઊંઘ આવી હતી !” નિકુંજના પપ્પા બોલ્યા, “બેટા, તે હજી ગામ જ ક્યાં જોયું છે ? એક વાર ગામમાં ફરવા તો નીકળ એટલે ખબર પડે !” ત્યારે દાદી બોલે છે, “દીકરા નિકુંજ, આ કરશન વાળી સોકરી છે સે તાન્યા એણે કેજે એ તુને આખું ગામ ફેરવસે !” નિકુંજના મમ્મી કહે છે, “નિકુંજ એક કામ કર તું કરશન કાકા સાથે એમના ખેતરે જા એટલે તને તાન્યા પણ મળશે અને તને ખેતરમાં મજા પણ આવશે !”

‎ નિકુંજના દાદા પણ ત્યાં બેઠા હોય છે અને એ કહે છે, “તું નાસ્તો કરી લે, ત્યાં હુધી કરશન અહીંયાથી જ હાલસે ખેતરે જાવા !” નિકુંજ નાસ્તો કરીને ઉભો થયો અને થોડીવાર બાદ કરશનભાઈ ત્યાંથી જાય છે અને બોલે છે, “એ ખીમજી કાકા રામ રામ !” નિકુંજના દાદા બોલે છે, “એ કરશન અહીંયા આવ તો !” કરશનભાઈ ડેલીમાં આવે છે અને બોલે છે, “બોલો ખીમજી કાકા હું કામ હતું ? અને મનસુખ આજે વેલો ઉઠી ગયો ?” નિકુંજના દાદા કહે છે, “જો કરશન, આ મારા લાડકા નિકુંજને ગામ અને ખેતર ફરવું સે, તો તારી દીકરી તાન્યાને કેજે ને ?” કરશનભાઈ બોલે છે, “એમાં કંઈ મોટી વાત છે, હાલ નિકુંજ, તૈયાર થઈ જાય !” નિકુંજ બોલે છે, “અંકલ હું તો તૈયાર જ છું !” આમ નિકુંજ અને કરશનભાઈ બંને વાતો કરતાં કરતાં ખેતરે જાય છે.

કરશનભાઈ અને નિકુંજ રસ્તામાં વાતો કરતાં હોય છે, ત્યારે કરશનભાઈ નિકુંજને પૂછે છે, “બેટા નિકુંજ, તું શું ભણે સે ?” નિકુંજ જવાબ આપે છે,”કાકા હું અવકાશ વિજ્ઞાન ભણું છું !” કરશનભાઈ બોલે છે, “સારું બેટા, આગળ હુધી ભણજે હો ?” નિકુંજ કહે છે, “કાકા એક સવાલ પૂછું ?” કરશનભાઈ કહે છે, “બોલ ને બેટા, મુંજાયા વગર બોલ !” નિકુંજ પૂછે છે, “કાકા, તાન્યાની ઉંમર મારા જેટલી જ છે, તો એ શા માટે ભણતી નથી અને એ ખેતરમાં કામ પણ કરે છે ?” કરશનભાઈએ કહ્યું, “બેટા એમાં એવું સે કે તાન્યાનો જન્મ અહીંયા થયો પણ એ એના ફુઈના ઘરે અમદાવાદ જ ભણી સે અને જ્યારે તાન્યાની મમ્મી છોડીને જતી રહી ત્યારથી તાન્યા એકલી પડી ગઈ છે. ઘણીવાર મને પણ રડું આવી જાય છે.” કરશનભાઈ થોડા ભાવુક થઈ જાય છે. કરશનભાઈ ચાલતાં ચાલતાં નિકુંજ સાથે વાત કરે છે, “તાન્યા આજે પણ મારા કરતાં પહેલાં ખેતર પર જતી રહી !” નિકુંજ વિચારે છે કે કોઈ છોકરી આટલી ઉંમરમાં મેચ્યોર કેવી રીતે હોય ? વાતોમાં અને વાતોમાં નિકુંજ અને કરશનભાઈ ખેતરમાં પહોંચી જાય છે.

નિકુંજ અને કરશનભાઈ જ્યારે ખેતરે પહોંચે છે ત્યારે તાન્યા બળદની મદદથી ખેતર ખેડતી હોય છે. તાન્યા તેના પપ્પાને અને નિકુંજને જોઇને તેમની નજીક આવે છે. તાન્યા દેખાવમાં શહેરની મોર્ડન છોકરીએ ગામડાંની છોકરીના વસ્ત્ર પહેર્યા હોય એવી લાગતી ! દેખાવમાં ખૂબ જ સુંદર લાગતી હતી અને બોલવામાં સુમધુર હતી. તાન્યા નજીક આવીને બોલી, “પપ્પા તમે આવી ગયા !” તાન્યાના પપ્પા બોલ્યા, “હા બેટા અને આ નિકુંજ સે, આપણા પેલા મનસુખ કાકાનો દીકરો” તાન્યા નિકુંજથી હાથ મિલાવે છે. તાન્યાના પપ્પા બોલે છે, “બેટા તાન્યા, તું સવારની કામ કરે છે ! હવે થાકી ગઈ હોઈશ, એટલે તું નિકુંજને આજુ બાજુના ખેતરોમાં ફેરવ અને શામજીકાકાની હોટલ પર તું અને નિકુંજ કંઈક ખાઈ લેજો હો !” તાન્યાએ કહ્યું, “પણ પપ્પા, તમે આખો દિવસ એકલા કામ કરશો ? ના મારે ક્યાંય નથી જવું, હું તમારી સાથે ખેતરનું કામ કરીશ !” આમ તાન્યા જીદ કરતી રહી અને તાન્યાના પપ્પાએ જવાબ આપતા કહ્યું, “બેટા, તું દરરોજ ખેતર પર આવીને કામ કરે છે અને ઘરે પણ એટલું જ કામ કરે છે, તો તને પણ થોડોક આરામ મળી જશે અને નિકુંજ આપણો મહેમાન પણ છે !” આ બધુ નિકુંજ ધ્યાનથી જોતો હતો. આખરે તાન્યાએ જીદ મૂકી અને નિકુંજ સાથે ફરવા જવાનું મન બનાવી જ લીધુ !

તાન્યાએ નિકુંજને કહ્યું, “તમે મુંબઈથી છો ?” નિકુજે હકારમાં જવાબ આપ્યો. તાન્યાએ બીજો સવાલ પૂછ્યો, “તમે શું કરો છો ?” નિકુજે જવાબ આપતા કહ્યું, “હું સ્પેશ સાયન્સ પર ભણું છું !” તાન્યા બોલી, “ઓહ..તમે તો ખૂબ હોશિયાર છો !” નિકુજ હસવા લાગ્યો અને કહ્યું, “તમારા વિશે તમારા પપ્પાના મોઢે સાંભળ્યું, તમે પણ કંઈ ઓછા નથી હો !” આમ, નિકુંજ અને તાન્યાની વાતો આગળ ચાલતી ગઈ અને તાન્યા નિકુંજને ખેતર બતાવતી બતાવતી આગળ વધતી હતી. નિકુજે કહ્યું,”હું તને એક સવાલ પૂછી શકું ?” તાન્યાએ કહ્યું, “મને ખ્યાલ છે કે તમારે મારી લાઈફ વિશે જાણવું છે, તો હું એક જ વાક્યમાં કહી દઉં છું, મારી મમ્મી નથી અને મારા પપ્પાને જરાય દુઃખ ન લાગે એટલે એક દીકરી કંઈ પણ કરે છે !” નિકુંજ આશ્ચર્યમાં મુકાઇ ગયો અને વિચારવા લાગ્યો કે “કોઈ દીકરી આટલી પણ આદર્શ હોય ?”

‎બપોરનો સમય થઈ ચૂક્યો હતો અને તાન્યાએ કહ્યું, “ચાલો નિકુંજ, સામેના રોડ પર મારા એક અંકલની હોટલ છે, તો પહેલા ત્યાં કંઈક જમી લઈએ ?” નિકુજે હકારમાં જવાબ આપ્યો અને તાન્યા અને નિકુંજ શાંત થઈને દેશી જમવાનું જમતાં હતાં. નિકુંજના મનમાં કેટલાય પ્રશ્નો હતા, પણ એ બધુ છોડીને નિકુંજ માત્રને માત્ર તાન્યાને જોતો હતો ! તાન્યા અને નિકુંજ જમીને ઉભા થયા અને હોટલની સામે એક પાર્લર હતું તો એ જોઇને નિકુજે તાન્યાને પૂછ્યું, “તાન્યા તું કયું કોલડ્રિન્ક પીવે છે ?” તાન્યા બોલી,”હું જ્યારે અમદાવાદ હતી ત્યારે કૉક પી’તી અને એક વર્ષથી મેં કોઈ કોલડ્રિન્ક જ નથી પીધું !” નિકુંજે કહ્યું, “તાન્યા મારે પાણી પીવું છે, પણ અહીંયા પાણી ગરમ છે !” તાન્યાએ કહ્યું, “વેઇટ, હું અંદરથી ફ્રીઝનું પાણી લઈ આવું !” તાન્યા હોટલની અંદર ઠંડુ પાણી લેવા જાય છે ત્યારે નિકુંજ સામેના પાર્લર માંથી બે કૉક લઇને આવે છે અને તાન્યાને ન દેખાય એ રીતે છુપાવી દે છે. પછી તાન્યા પાણી લઇને આવે છે, પણ નિકુંજના બંને હાથમાં કૉક હોવાથી એ પાણી પીવાની ના પાડે છે અને ત્યારબાદ નિકુંજ અને તાન્યા ખેતર તરફ આગળ વધે છે.

નિકુંજ કહે છે, “તાન્યા આખો બંધ કર !” તાન્યા કહે છે, ” શું ??” નિકુંજ કહે છે, “આંખો બંધ કર ને !” તાન્યા આંખો બંધ કરે છે અને નિકુંજ તાન્યાના હાથમાં કૉક પકડાવે છે અને તાન્યા ખુશ થઈ જાય છે. તાન્યા ખુશ મિજાજમાં બોલે છે, “નિકુંજ, આ કૉક ક્યાંથી ?” નિકુંજ કહે છે, “એ બધું છોડ અને ખાલી એન્જોય કર !” નિકુંજ અને તાન્યા એક ઝાડની નીચે બેસીને કૉક પીવે છે અને એ સમયે તાન્યાની આંખમાં આંસુ આવી જાય છે. નિકુંજ કંઈ જ બોલ્યા વગર તાન્યાના ખભા પર હાથ મૂકે છે અને કહે છે, “તાન્યા ડોન્ટ વરી, બધુ જ ઠીક થઈ જશે !” તાન્યા આંખો લૂછે, ત્યારે નિકુંજ કહે છે, “તાન્યા તે તારા પપ્પા માટે તારું ભણતર અને તારી લાઈફ સ્ટાઇલને છોડી દીધી એજ મહાન વાત છે !” તાન્યાએ કહ્યું, “મારા પપ્પા ખુશ રહે એજ મારું સુખ છે !” આમ, તાન્યા અને નિકુંજ સાંજ સુધી વાતો કરતાં રહ્યાં ! તાન્યાને નિકુંજ સાથે ફાવી ગયું હતું, કેમ કે નિકુંજ શહેર માંથી આવ્યો હતો.

નિકુંજ અને તાન્યા ખેતર પર પહોંચ્યા અને તાન્યા પપ્પાએ કહ્યું, “કેવું રહ્યું બેટા નિકુંજ ?” નિકુંજે જવાબ આપતાં કહ્યું, “કાકા બહુ જ મજા આવી ગઈ !” ત્યારે તાન્યા અચાનક બોલી, “પપ્પા, નિકુંજ સાંજે આપણે ત્યાં જમશે હો ?” નિકુંજ આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો અને નિકુંજ કંઈ બોલે એ પહેલાં તાન્યાના પપ્પાએ કહ્યું, “બેટા આ નિર્ણય સારો લીધો !” તાન્યા, નિકુંજ અને કરશનકાકા ત્રણેય ઘરે જાય છે અને નિકુંજ એના પપ્પાને તાન્યાના ઘરે જમવાની વાત જણાવે છે ! રાત્રે નિકુંજ તાન્યાના ઘરે જમવા જાય છે અને તાન્યા પોતાના હાથથી જમવાનું બનાવે છે અને નિકુંજને પીરસે છે.

ત્રણેય જમતાં હોય છે ત્યારે તાન્યાના પપ્પા નિકુંજને પૂછે છે, “બેટા, હવે મુંબઈ ક્યારે જવાનો છે ?” નિકુંજ જવાબ આપતાં કહે છે, ” હું પરમદિવસે મુંબઈ જઇશ” બધા જમી લે છે અને ત્યારે તાન્યાને ખુશ જોઇને તાન્યાના પપ્પા બહુ જ ખુશ થાય છે. તાન્યાના પપ્પા તાન્યાને કહે છે, “બેટા તાન્યા, હું આજે થોડો થાકી ગયો છું, એટલે સુવા જવું છું, તું અને નિકુંજ ચૂલા પાસે તાપણું કરીને બેસો એટલે ટાઢ ના લાગે !” ત્યારે તાન્યા તાપણું કરે છે અને નિકુંજને કહે છે, “નિકુંજ તારી પાસે તો સ્માર્ટ ફોન છે અને તું મુંબઈમાં રહે છે તો તારી પાસે ઘણાં ફોટોઝ પણ હશે ને ? મને બતાવીશ ?” ત્યારે નિકુંજ મુંબઈના ફોટોઝ તાન્યાને બતાવે છે અને બંને ઘણી બધી વાતો કરે છે ! તાન્યા વાતો કરતી કરતી પપ્પાને બોલાવતી કહે છે, “પપ્પા, નિકુંજ રાત્રે અહીંયા જ સુઈ જશે તો એની પથારી ક્યાં લાગવું ?” તાન્યાના પપ્પા અંદરથી બોલે છે, “બેટા એક કામ કર, ડેલામાં લગાવી દે !” આમ તાન્યા અને નિકુંજ આખી રાત વાતો કરે છે અને તાન્યાના પપ્પાને પોતાની દીકરી માટે સાચી વ્યક્તિ મળી હોવાનો પણ આનંદ હોય છે !

લેખક : પ્રદિપ પ્રજાપતિ

મિત્રો દરરોજ આવી વાર્તા અને જાણવા જેવી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી