સોશિયલ મીડિયાની જબરદસ્ત તાકાત અને તેના દુરુપયોગો ! Informative Article By Tushar Raja

સોશિયલ મીડિયાએ વિશ્વને સાવ નજીક લાવી દીધું છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો સોશિયલ મીડિયા એ દુનિયાના અલગ અલગ સ્થળોએ રહેલા માણસોને જોડતી એક કડી-એક સુવિધા છે. છેલ્લાં થોડા વર્ષોમાં સોશિયલ મીડિયાના રૂપમાં દુનિયાભરમાં લોકોને એવી અદભૂત ભેટ મળી છે કે તેઓ ગણતરીના સમયમાં જ પોતાની વાત દુનિયા સમક્ષ રજુ કરી શકે છે, એટલું જ નહિ પરંતુ તેના વડે દુનિયાભરની તમામ ઘટનાઓથી વાકેફ રહી શકે છે. સામાન્ય સેલ્ફીથી લઈને કોઈ મોટી ઘટના કે પ્રસંગ તરત જ શેર કરી શકાય છે.કોઈ અગત્યનો સંદેશ કે સુચના હજ્જારો લોકોને તરત જ મોકલી શકાય છે. સામાન્ય સંપર્ક,સંવાદ કે મનોરંજન સિવાય પણ સોશિયલ મીડિયાના અનેક ઉપયોગો હવે થવા લાગ્યા છે. નોકરી કે વ્યવસાય શોધવા માટે,તેમ જ અનેક પ્રકારના મોટા સોદાઓ પણ હવે સોશિયલ મીડિયા વડે થઇ શકે છે. કેલીફોર્નીયા યુનિવર્સીટીના પ્રોફેસર મેન્યુઅલ કેસટલ સોશિયલ મીડિયા વિષે અલગ જ મંતવ્ય ધરાવે છે.

તેમનાં જણાવ્યા મુજબ,આપણે સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમો જેવા કે ફેસબુક, ટ્વીટર,વિગેરે દ્વારા જે સંવાદ કરીએ છીએ તેને માસ કોમ્યુનીકેશન ન કહી શકાય પરંતુ માસ સેલ્ફ કોમ્યુનીકેશન કહી શકાય.

છેલ્લાં થોડા વર્ષોમાં ઈન્ટરનેટના કારણે આપણી સમગ્ર જીવનશૈલી સાવ બદલાઈ ગઈ છે. આપણી જરૂરિયાતો, કામ કરવાની પધ્ધતિ, શોખના વિષયો જ નહિ પરંતુ આપણા સામાજિક સબંધો પણ ઈન્ટરનેટ પર આધારિત થઇ ગયા છે. સોશિયલ નેટવર્કિંગ સાથે સામાજિક સબંધોના તાણાવાણા એટલી હદે ગૂંથાઈ ગયા છે કે આપણે ઘરમાં બેઠા બેઠા એવા લોકો સાથે નવા સબંધો બનાવી રહ્યા હોઈએ છીએ જેમાંથી ઘણાને ક્યારેય આપણે મળ્યા પણ નથી હોતા. આપણે એવા લોકો સાથે સાવ અંગત વાતો કે આપણી રોજનીશી શેર કરતાં હોઈએ છીએ જેમની સાથે વાસ્તવિક જિંદગીમાં આપણી ક્યારેય મુલાકાત જ નથી થઇ હોતી.

સોશિયલ મીડિયાના કારણે સામાજિક સબંધો બનાવવામાં કે માહિતીની ઝડપી આપ લે કરવામાં ઘણો ફાયદો થાય છે, તેના ઘણા બધા ઉપયોગો છે. આમ છતાં,તેનો ગેરઉપયોગ પણ ઘણો થાય છે. સોશિયલ મીડિયાના કારણે કોઈ પણ માહિતી ગણતરીની પળોમાં જ દુનિયાભરમાં ફેલાઈ જતી હોવાથી ઘણી વાર સુરક્ષા કે અન્ય જરૂરી કારણોસર તેના પર નિયંત્રણો મુકવા પણ જરૂરી બની જાય છે. 2011માં આરબ દેશોમાં થયેલ આંદોલનોમાં ફેસબુક,ટ્વીટર વિગેરે જેવા સોશિયલ મીડિયાના માધ્યમોએ બહુ મોટો ભાગ ભજવ્યો હતો.

લીબિયા અને સિરિયામાં થયેલ આંદોલનોમાં પણ સોશિયલ મીડિયાનો ઘણો દુરુપયોગ કરવામાં આવ્યોહતો. આ બધા આંદોલનો પછી દુનિયામાં આવા બનાવો વખતે ‘ઈન્ટરનેટ સેન્સરશીપ’ લાગુ કરી દેવાની સિસ્ટમ શરુ થઇ ગઈ તેમ કહી શકાય. આ માટે ઈન્ટરનેટ બ્લોક કરવાના તેમ જ તે સિવાયના અન્ય પગલાંઓ પણ લેવામાં આવે છે. આપણે ત્યાં ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે સોશિયલ મીડિયા મારફત આંદોલનકારીઓ કોઈ પ્લાનિંગ ન કરી શકે અને લોકોમાં ખોટી અફવાઓ ન ફેલાય તે માટે ઈન્ટરનેટ બંધ કરવાના નિર્ણય લેવામાં આવ્યા હતા, તે તો આપણે જાણીએ જ છીએ.

આવી જ રીતે મુંબઈમાં બાળાસાહેબ ઠાકરેના અવસાન પછી મહારાષ્ટ્રની એક યુવતી દ્વારા સોશિયલ મીડિયામાં કાઈક કોમેન્ટ કરવામાં આવી હતી અને તેની બહેનપણી દ્વારા તેણે ‘લાઈક’કરવામાં આવી હતી,તે બાબતે પણ આ બંને યુવતીઓને તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું અને આ બાબતે ઘણો હંગામો મચી ગયો હતો. આ સિવાય, કોઈને બદનામ કરવાં માટે પણ સોશિયલ મીડિયાનો બહુ મોટા પ્રમાણમાં દુરુપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને નિર્દોષ યુવતીઓને ફોસલાવીને કે પછી બળજબરીથી તેનો વિડીયો ઉતારીને બદનામ કરવાના બનાવો પણ વધતા જાય છે. આ ઉપરાંત કોઈને બદનામ કરવાં તેના વિશેના બનાવટી સમાચારો કે મનઘડંત વાતો સોશિયલ મીડિયા વડે ફેલાવી દઈને સમાજમાં તેની બદનામી કરવામાં આવે છે.

આવા બનાવોનું પ્રમાણ ખુબ વધી જતાં બાદમાં, થોડા સમય પહેલા સરકાર દ્વારા એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે વ્હોટ્સએપ્પમાં આવતા મેસેજને 90 દિવસ માટે સુરક્ષિત રાખવા પડશે અને તેને ડીલીટ નહીં કરી શકાય. પરંતુ,આ નિર્ણયનો વિરોધ થતા કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રસ્તાવ પાછો ખેંચવામાં આવ્યો હતો.

અમેરિકામાં ઈન્ટરનેટ પર સેન્સરશીપ લાવવા માટે થોડા વર્ષો પહેલા ‘સોપા’ અને ‘પીપા’ નામના વિધેયક પસાર કરવામાં આવ્યા હતાં અને તેના વિરોધમાં અંગ્રેજી વિકિપીડિયા થોડો સમય માટે ‘ગૂમ’ કરી દેવામાં આવ્યા હતાં. ઇન્ટરનેટનો વધી રહેલ દુરુપયોગ અને તેની સંભવિત વિનાશક શક્તિને ધ્યાનમાં લઈને ઘણા દેશોમાં ઇન્ટરનેટને લગતા કાનૂન સખત બનાવવામાં આવી રહ્યા છે. 2010માં ‘ઓપન નેટ ઇનીશીએટિવ’ દ્વારા વિશ્વના 40 જેટલા દેશોનું લિસ્ટ બહાર પાડ્યું હતી,જ્યાં સરકાર દ્વારા ઇન્ટરનેટ ‘ફિલ્ટર’ કરવામાં આવતું હતું. ત્યાર બાદ,2012માં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ દ્વારા ઇન્ટરનેટ સ્વતંત્રતાને લગતો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો,જેમાં બધા દેશોના નાગરિકોને ઇન્ટરનેટ પર અભિવ્યક્તિની આઝાદીના આ પ્રસ્તાવને સમર્થન આપવા અપીલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયાની તાકાતને હવે રાજકારણીઓએ પણ સ્વીકારવી પડી છે. છેલ્લી લોકસભાની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીએ ફેસબુક, ટ્વીટર અને યુ-ટ્યુબની મદદ વડે હાઈટેક પ્રચારનો જે મારો ચલાવ્યો હતો અને તેનો જે લાભ લીધો હતો તે એક ઇતિહાસ છે.

તેમની સ્પીચ,સંદેશાઓ,ફોટાઓ,સમાચારો અને વીડિયો એકબીજી વ્યક્તિઓ દ્વારા ફોરવર્ડ થઇ ને મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચવામાં સફળ થઈ હતી. અગાઉ,અમેરિકાની ચૂંટણીમાં બરાક ઓબામા આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની તાકાતની કમાલ વડે પ્રેસિડન્ટ બનાવમાં સફળ થયાં હતાં અને દુનિયાને સોશિયલ મીડિયાની તાકાતનો પરિચય કરાવ્યો હતો.

દુનિયાની મહત્વની સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ફેસબુક,ટ્વીટર અને વ્હોટસએપ્પની હેડઓફિસ અમેરિકામાં આવેલ છે. આખી દુનિયાને પોતાની માયાજાળમાં જકડી લેનાર મહત્વની તમામ સોશિયલ મીડિયા સાઈટ્સ અમેરિકાથી નિયંત્રિત થતી હોવાથી ભવિષ્યમાં અમેરિકા ધારે તો દુનિયાભરની જોઈએ તે માહિતી તેમનાં દ્વારા મેળવી શકે અને તેનો ઉપયોગ કરી શકે તે પણ એક હકીકત છે.

લેખક : તુષાર રાજા

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી