પોતાની કહાની પોતે લખો… – Inspiring Article

‘સંસાર આખો કદાચ આ રીતે જ ચાલતો હશે. રમણીકલાલની રીતે… છોકરો ભણવા જેટલો થયો છે, સારી નિશાળ શોધીને મૂકી દો… પરણવા જેવડો થયો છે, સારી છોકરી શોધીને પરણાવી દો… બધું બહુ સરળ હતું. આટલી બધી સરળ વાત ક્યારેય સાચી ન હોઈ શકે.

આ કંઈ ગૌશાળા નથી. રેસના ઘોડા ઉછેરવાનો તબેલો પણ નથી. ગમે તેવું મોટું પણ આ એક ઘર છે, એમાં માણસો રહે છે. એ માણસોને પોતાની મરજીથી પરણવાનો, ન પરણવાનો, ખોટી પસંદગી કરવાનો, ને પછી દુઃખી થવાનો પૂરેપૂરો હક છે. સુખી થવું એ સારું છે; પણ દુઃખ વહોરી લેવાનોય માણસને હક તો હોવો જોઈએ – તમે કાયમ તમારી ત્રીજી પેઢીનો વિચાર ન કરી શકો, એ સારી નીવડે એટલા માટે થઈને તમારાં સંતાનોને બધી વાતે યોગ્ય જોડી શોધીને પરણાવી ન દઈ શકો… એમણે, રમણીકલાલે એ વાત સમજવી પડશે, કેશવે એમને એ સમજાવવી પડશે.’

૧૯૬૭માં નવનીત-ગુજરાતી ડાયજેસ્ટમાં ક્રમશઃ પ્રસિદ્ધ થયેલી તથા ૧૯૬૮માં પુસ્તકરૂપે પ્રકાશિત થયેલી લઘુનવલ ‘વાંસનો અંકુર’ માંનો આ સંવાદ છે. લેખિકા છે, ધીરુબેન પટેલ. તેઓ ૪૧ વર્ષના હતા યારે આ લઘુનવલ લખેલી. હાલ તેઓ ૮૯ વર્ષના છે અને અફલાતુન જિંદગી જીવે છે. જયારે આ કોલમ બુધવારની પરાગ પૂર્તિમાં આવતી ત્યારે (‘જન્મભૂમિ પ્રવાસીમાં)એ વાંચીને ધીરુબેન પટેલે આ લેખકડાને વધાવવા ફોન કરેલો અને એક મસ્તમજાનો સબંધ રચાયો.

છેલ્લા અઠવાડિયે સાંતાક્રુઝ-મુંબઈમાં તેમની સાથે ઘણો સમય વાતો કરી. ફક્ત વાતો! વચ્ચે છ-છ દાયકાનું અંતર છે એવું એક સેકન્ડ માટે પણ ન લાગ્યું! જનરલી, મોટા માણસો કે વડીલો સાથે વાતો કરતી વખતે એક પ્રકારનું વજન લાગતું હોય છે. અહીં કશો જ ભાર નહોતો. અને ફોન પર તો તમે ધારી પણ ન શકો કે એમની ઉંમર અઈટીઅપ હશે! ખેર, એમનું લખેલું નાટક ‘ભવની ભવાઈ’ વિષે વાતો થઈ; એમનો હાલ જ પ્રકાશિત થયેલો કવિતાસંગ્રહ તથા અન્ય વાર્તાસંગ્રહો વિષે પણ અઢળક વાતો થઇ. હજુ, આજે પણ તેઓ દિવસના ત્રણથી ચાર કલાક વાંચે છે, લખવાનું તો ચાલુ જ છે.

ઉપરોક્ત ફકરો જેમાંથી લીધો છે એ લઘુનવલ એસ.એન.ડી.ટી. તથા અન્ય યુનિવર્સીટીઓમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદગી પામી ચૂક્યું છે. તેમણે માર્ક ટ્વેનની પ્રશિષ્ટ કૃતિ ગણાયેલી સુખ્યાત કિશોરકથાઓ ‘ટોમ સાયરનાં પરાક્રમો’ તથા ‘હકલબરી ફિનનાં પરાક્રમો’ના આસ્વાદ્ય અનુવાદ કર્યા છે. અન્ય અગ્યાર નવલકથાઓ અને પાંચ લઘુનવલ ગુજરાતી સાહિત્યને આપી છે. ફરી પાછા ઉપરના ફકરા પર આવું તો, મેં એમની સાથે વાતોવાતોમાં કહ્યું કે, તમારી આ બુકનું રમણીકલાલનું કેરેક્ટર બેસ્ટ સિમ્બોલ છે!

અને આમાં થોડું, ઈન ફેક્ટ ઘણું મને ‘તમાશા’ મુવી જેવું લાગ્યું! તેમણે સ્માઈલ આપી! રમણલાલ નાના છે અને કેશવ એમનો દોહીત્ર. વાર્તામાં કેશવ એમને દાદા કહે છે. તેઓ રૂઢિચુસ્ત કે જડ કે એવા કોઈ નથી, પણ પરફેક્શનના આગ્રહી છે. એકદમ ચોક્કસ, વ્યવસ્થિત, એક જ ઘરેડમાં થવું જોઈએ- એવું બધું એમને ગમે! એમને ગમે ત્યાં સુધી ઠીક છે પણ પછી એમના કુટુંબીજનોને પણ ગમે એવો તેમનો આગ્રહ કે દુરાગ્રહ કે હઠાગ્રહ- તમે જે કહો તે.

આ સમયે ચા પીવાની, આ સમયે વાતો કરવાની, આ સમયે હસવાનું, આટલુંક રડવાનું.. બધું જ વ્યવસ્થિત રીતે. આમ જીવવાનું, આમ મરવાનું-બધું ટાઈમટેબલમાં! અને બધા એમનું માને, એક કેશવ સિવાય. એ મોટો એમની પાસે થયો છે પણ એને નથી બધું રુચતું, જચતું. એ ધીમેકથી બહાર નીકળવાની ટ્રાય કરે છે. અને દાદા-દોહીત્રા વચ્ચે શરુ થાય છે દ્વંધ…
ઉપરનો સંવાદ; આમ તો લઘુનવલ જ અને ઈમ્તાઝ અલીનું અફલાતુન સર્જન ‘તમાશા’, બંને વચ્ચે ઘણી સામ્યતા છે. પહેલા ‘તમાશા’નું વર્કિંગ ટાઈટલ એટલે કે ફિલ્મ બની રહી હતી તે વખતેનું નામ ‘વિન્ડો સીટ’ હતું. ટ્રેનની બારીમાંથી જોઈએ તો વ્રુક્ષો, બાગ-બગીચાઓ, પુલો, બિલ્ડીંગો, મકાનો અને માણસો, બધું જ પસાર થતું દેખાય. ખરેખર આપણે પસાર થઇ રહ્યા છીએ, એ નહિ! ગતિ આપણી છે એ તો સ્થિર છે. આપણે પણ બધું પસાર થતું દેખાય છે –બાળપણ, કિશોરાવસ્થા, યુવાની, વનપ્રવેશ અને બુઢાપો કે વૃદ્ધત્વ. ‘વિન્ડો સીટ’માં બેસીને બધું જ જોવાનું છે અને સ્ટેશન આવતા ટ્રેનમાંથી ઉતરી જવાનું છે.

જેને આગળ જવાનું છે એ બેઠો રહેશે અને અમુક આપણી પહેલા પણ ઉતરી જશે. ધીસ ઈઝ ઈટ. આ સર્કલ છે. પણ આ સર્કલમાં બધા એકસરખા નથી. બધા અલગ છે. એ અલગતા બાળપણમાં દેખાય છે. એકદમ ચોક્ખી દેખાય છે. નાદાનિયત અને માસુમિયતની સાથે શું કરવું ગમે છે, ક્યાં નિરાંતે બેસવું ગમે છે, ગુનગુનાવું ગમે છે કે કશુંક દોરવું ગમે છે-એ બધું જ ખબર છે. સમજાતું નથી, પણ અંદર કશુક છે. પછી ધીમેકથી બાળક ‘માણસ’ બને છે, ‘મોટો’ થાય છે. અને બચપણ નામના રંગબેરંગી પતંગીયાને પોતાના જ પગથી કચડી નાખે છે. પછી ભૂલી જાય છે કે હું તો કૈક અલગ હતો, કૈક ઔર હતો. હવે, એ બીજા-તમામ ‘માણસો’ જેવો થઇ જાય છે. અને શરુ થાય છે રૂટીન… રૂટીન લાઈફ, રૂટીન જિંદગી.. રોજ કમાવા માટે નીકળવું, ખાવું, સુવું, કમાવું..! રોજ દોડવું! શા માટે? ખબર નથી. બસ દોડો.. પછી એ પતંગીયું ક્યારેય હાથ નથી લાગતું..

‘તમાશા’ ફિલ્મને મિશ્ર પ્રતિભાવ મળ્યા. ‘૩ ઈડીયટસ’માં અગાઉ ‘દિલ કહે છે એ કરો’ની વાત કહેવાઈ ચુકી છે. ‘તારે ઝમીં પર’પણ આવી ચુકી છે, એટલે લોકોને રીપીટેશન લાગ્યું. અમુકનું કહેવું છે કે, ‘રૂટીન જરૂરી છે. અલબત્ત રૂટીન જ લાઈફ છે’ કે ‘ઈન્જીનીયર્સ પણ જરૂરી છે નહિતર આપણે જીવી ન શકીએ. ફક્ત કલાકારો કે આર્ટથી દુનિયા ન ચાલે.’ વાત સાચી છે. પણ ઈનજીનીયર્સ ‘૩ ઈડિયટ્સ’ના રેંચો જેવા હોય તો બરાબર છે; એના સર પેલા બોમન ઈરાની કે ચતુર જેટલા માસ્ટર-હોશિયાર-ચપળ હોય તો પણ ઠીક છે, પણ ઘેટાની જેમ એન્જીનીયર્સની ફૌજ દર વર્ષે જે બહાર પડે છે, એટલે ફિલ્મકારોને પ્રતિક તરીકે પણ એ જ બતાવવા પડેને!

અને લઘુનવલમાં જે કહેવાયું છે અને મુવીમાં પણ છે કે, લોકો(એમના વાલીઓ) ઈચ્છે છે કે બાળકો આ ભણે, અહીં મેરેજ કરે, આમ કરે અને આમ ન કરે. થઇ શકતું હોય ત્યાં સુધી આ ઉચિત છે પણ પછી એક અલગ અસ્તિત્વની જિંદગી તમે ન જીવી શકો. એ એને જ જીવવાની છે. તમે એને તમારા જેવા ન બનાવી શકો. નહિતર તો એવું જ જીવન, જે તમારું હતું-તમે જીવ્યા એવું-એની કોપી જેવું જીવી નાખશે. ‘વાંસના અંકુર’માં એક સંવાદ છે: ‘સંપૂર્ણતા એમનું નીલપંખી છે, જેને પકડવા એ જિંદગીભાર દોડ્યા છે. કેશવ પણ એની જ પાછળ દોડશે, એને પકડશે. ને રમણીકલાલ જેવો શક્તિશાળી થશે. પછી એ શાંતિથી વિચારી જોશે કે એમ દોડવામાં પોતે બરાબર કર્યું કે નહીં. હમણાં તો ફુરસદ નથી. દોડવાનું છે.’ કેશવને રમણીકલાલ નથી બનવાનું, એને ‘કેશવ’ જ રહેવાનું છે.

ઈમ્તિયાઝ કહે છે કે, ‘ઉપરવાળાએ વ્રુક્ષો, પાંદડાઓ, પ્રાણીઓ, માણસો, વગેરે, બધું જ અલગઅલગ બનાવ્યું છે. કંઈ જ એક જેવું નથી. પણ માણસ એક જ એકજેવા સ્લોટમાં ફીટ થઇ જાય છે. એક ફોરમેટમાં બંધાઈ જાય છે. એટલે સુધી કે માણસ ટીવી ચેનલ્સ પણ અમુક જ જુએ છે! વર્તન પણ એનું ફિક્ષ હોય છે. એક્ચ્યુલી માણસ અંદરથી અલગ છે. પણ આમ એકજેવા થવાથી એની અંદરનો માણસ મરવા લાગે છે.’ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આજે ભણસાલી કે ઈમ્તિયાઝ અલી કે અનુરાગ કશ્યપ જેવા જુજ ડાયરેક્ટરો જ છે જે પોતા માટે જ ફિલ્મો બનાવે છે. પોતાને ગમે છે એ કરે છે. બાકી ફિલ્મોમાં પણ બધું રૂટીન જ છે! અઘરું છે, મન ચાહે તે કરવું. અને એમ જ કરવું! એ પ્રોસેસમાં બહુ તકલીફ પડે છે પણ અંતે મજા પડે છે. અહીં સફળતા-નિષ્ફળતા નથી હોતી, મનની મૌજ હોય છે. માંહ્યલાનો આનંદ હોય છે. લખતી વખતે પ્રસવની પીડા જેવી તકલીફ પડે પણ પછી એટલો જ આનંદ હોય છે.

સો, તમને જે વિચારો આવતા હોય એને અનુસરો. કમાવું જરૂરી છે તો કમાતે કમાતે ગમતા કામ કરો. તમે જે કહાની વિચારેલી છે એ તમારી જિંદગી છે. તમે ડુપ્લીકેટ જિંદગીને તમારી અસલી કહાની ન સમજો. કારકીર્દી કે જીવનસાથી તમે પસંદ કરો; જે તમારું મન કહે એને પસંદ કરો. નહિ કે, કેરિયર કે છોકરો/છોકરી તમને પસંદ કરી જાય! જિંદગીના મહત્વના નિર્ણયો આપણે બીજાના માન, ઈજ્જત, આદર ખાતર કે બીક, મજબૂરી કે ઘેટાવૃતિને આધીન થઇ લઇ લેતા હોઈએ છીએ. ક્યારેક દિલનું સ્વપ્ન પૂરું કરવા મગજ કામે લગાવું પડે તો લગાવવું. પણ દિલને સાંભળવું.. કેમ કે, એ જ તો સીધો કુદરતના કોન્ટેક્ટમાં છે!

સપનોં કા વો આંગન કહાઁ
દર્પણ બતા બચપન કહાઁ…- ઈર્શાદ કામિલ

લેખક : પાર્થ દવે

ટીપ્પણી