જ્યારે ટ્રાફિક પોલીસે રોકી દીધો PM નો કાફલો..શું હતો મામલો…

ગુજરાતની બે દિવસે મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદી મંગળવારે ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે ઈન્દીરાબ્રીજ પાસે અચાનક અમદાવાદ ટ્રાફિક પોલીસના જવાને વડપ્રધાનના કાફલાને રોકવાનો ઈશારો કરતા વડાપ્રધાનના સલામતીના રક્ષણની જવાબદારી સંભાળતા સ્પેશીયલ પ્રોટેક્શન ગ્રુપના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. કારણ સામાન્ય રીતે સ્થાનિક પોલીસ ક્યારેય વડાપ્રધાનનો કાફલો રોકવાની હિમંત કરતી નથી.

ગાંધીનગરનો કાર્યક્રમ પુરો કર્યા બાદ વડાપ્રધાન દિલ્હી જવા માટે અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા ત્યારે તેમનો કાફલો ઈન્દીરાબ્રીજથી એરપોર્ટ જવા માટે જેવો અમદાવાદમાં દાખલ થયો ત્યારે રસ્તાની બંન્ને તરફ બંદોબસ્તમાં રહેલા પોલીસ અધિકારીએ કાફલાને રોકવા માટે ઈશારો કર્યો હતો.

કાફલામાં સૌથી પ્રથમ રહેલી કોન્વેય માર્શલને પણ પ્રથમ તબક્કે અમદાવાદ પોલીસની હરકત સમજાઈ નહીં, પણ બીજી જ ક્ષણે કોન્વેય માર્શલ તરીકે ફરજ બજાવી રહેલા ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટને ખ્યાલ આવી ગયો કે એક એમ્બ્યુલન્સ કાર એક દર્દીને લઈ નિકળી છે, પણ રસ્તો બ્લોક હોવાને કારણે તેને ઉભા રહેવાની ફરજ પડી છે.

ફરજ ઉપરના પોલીસ અધિકારીએ ત્વરીત નિર્ણય કર્યો અને વડાપ્રધાનના કાફલા અને એમ્બ્યુલન્સમાંથી કોને પહેલા જવા દેવા જોઈએ તેનો નિર્ણય કરી લીધો અને કાફલાને રોકી એમ્બયુલન્સ માટે રસ્તો ખોલી નાખ્યો હતો. સામાન્ય સંજોગોમાં પોલીસ આવી હિમંત કરતી નથી, પણ અમદાવાદ પોલીસના અધિકારીએ વડાપ્રધાન કરતા એક દર્દીના જીવને વધુ મહત્વ આપ્યુ હતું.

વડાપ્રધાનના સુરક્ષા નિયમ પ્રમાણે સ્થાનિક પોલીસ આ પ્રકારનો નિર્ણય કરે ત્યારે કોન્વેય માર્શલ તે વાહન રોકી શકતા હતા, પણ તેમણે પણ દર્દીના જીવનને મહત્વ આપી કોન્વોયને અટકાવી દેવાનો આદેશ આપ્યો. અચાનક વડાપ્રધાનના કોન્વોયને એમ્બયુલન્સ કારે ઓવરટોક કરતા એસપીજીના અધિકારીઓને આશ્ચર્ય થયું હતું.

અમદાવાદ પોલીસના એક સિનિયર પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પોલીસ કમિશનર એ. કે. સિંઘની સુચના હતી કે વડાપ્રધાનના કાફલા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હોય ત્યારે કોઈ પણ સ્થળે એમ્બ્યુલન્સ સહિતના કોઈ પણ ઈમરજન્સી વાહનોને રોકવા નહીં.

સાભાર – સંદેશ ન્યુઝ

ટીપ્પણી