પ્લેટોનિક લવ

જેમ વિષ પીવું કઠીન છે, તેમ “આંસુ”પીવાં પણ કઠણ છે.શંકર વિષ પી ગયા હતા, અને પચાવીને “નિલકંઠ” કેહવાયા હતા.પણ આંસુ પીનારા કોઈ હજુ સુધી “અશ્રુકંઠ” કેહવાયા નથી સાંભળ્યા,છતાં આંસુપીવાં વિષ પાન કરતા પણ કઠણ છે તે સત્ય અને પુરવાર થયેલી હકીકત છે.આવી એક સત્ય ઘટના ને હું શબ્દદેહ આપું છું.

કોલેજમાંથી સ્નાતકની પદવી લઇ ,ફૂટડો જુવાન ૨૧ વર્ષ ની ઉમરેબેન્ક ની નવી નોકરીમાં વતનથી થોડે દુરના એક શહેરમાં જોડાયો.હસમુખો સ્વભાવ,વાચાળ,આનંદી,સુંદર- મોહક વ્યક્તિત્વ, ફિલ્મ કલાકાર યુવાન દેવ આનંદ જેવી છટા,ઉપરાંત તેનું મધુર સ્મિત,સાહિત્ય પ્રત્યેની તેની રૂચિ,લેખન શક્તિ,હાજર જવાબીપણું તેના વ્યક્તિત્વમાં કલગી સમાન હતા.

શહેરની પ્રતિષ્ઠીત બેન્કમાં કેશિયર યુવાને ટુંકા સમયમાં શહેરની સ્વ-જ્ઞાતિની યુવતીઓમાં ઘેલું લગાડ્યું.તે પૈકીની એક યુવતી તેના એક તરફી પ્રેમમાં લપેટાઈ.યુવાનને ખબર સુદ્ધાં ના હતી કે યુવતી તેને દિલ દઈ ચુકી છે.શહેરના અલગ,અલગ છેડા ઉપર રેહતા,બને યુવાન દિલની કુદરત મજાક કરવા માંગતો હોય તેમ,અજ્ઞાત રીતે અચાનક જ બંને પડોશી બન્યા.

એકલો રહેતો યુવાન પોતાના માતા- પિતાને સાથે રેહવા બોલાવતો હોય,તેણે મોટું મકાન શોધ્યું અને આમ અચાનક જ બંને યુવાન હૈયા પડોશી બન્યા.

પ્રેમ અને પાણી કોઈના રોક્યા રોકાતા નથી.ધીમે ધીમે યુવતી દિન પ્રતિદિન યુવાનની નજરમાં વસવા કોશિશ કરવા લાગી.યુવતી M.A ભણેલી હતી શહેરની મહિલા કોલેજમાં અર્થશાસ્ત્રની પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતી હતી,ઉપરાંત સંસ્કારી,ખાનદાન,ધર્મિષ્ઠ,નિખાલસ,અને સ્વરૂપવાન હતી..

એક દિવસ તક સાધીને બેન્કથી પાછાફરતા યુવાનને રોકીને તેણે લગ્નનો પ્રસ્તાવ મુક્યો.

તેની પહેલા પોતાની વિધવા માં પાસે તેણે યુવાન સાથેના પ્રેમનો એકરાર કરી લગ્ન માટેની વાત મુકી અને માતાની સંમતિ પછી યુવાનને વાત કરી.યુવતીએ પોતાના પ્રેમનો એકરાર કરતા કહ્યું કે
“જો તું મારી સાથે લગ્ન નહી કરે તો દુનિયાના બધા યુવાનો મારા ભાઈઓ છે અને હું આજીવન કુંવારી
રહીશ”

યુવાને તેના પ્રેમનો અંદાઝ માપ્યો તેમ છતા યુવાન પોતાના માતા પિતાની સંમતી વિના આગળ વધવા તૈયાર ના હતો. તેથી યુવતીના પ્રસ્તાવ ના જવાબમાં કહ્યું કે “જો મારા માતા પિતા સંમત થાય તો તેની લગ્ન કરવાની તૈયારી છે.પરંતુ તે સંમતી લેવાની જવાબદારી યુવતીની રેહશે.

યુવાનના માતા પિતા રૂઢિચુસ્ત હતા, વળી પિતાનો ઉગ્ર સ્વભાવ યુવાનના આ નિર્ણયને સ્વીકારશે નહી, તેવી યુવકને ખાત્રી હતી. અને બન્યું પણ તેમ જ પિતાના વિરોધ સામે યુવાન લાચાર હતો .એક બાજુ પ્રેમ બીજી બાજુ વડિલોની આમન્યા,કે જે તે સમયે “કુટુંબના સંસ્કાર” ગણાતા હતા.
યુવાને પોતાની મજબૂરી બતાવતા યુવતીની દરખાસ્તને માન્ય ના રાખી.

૧૯૬૪ની આ વાતને ચાર ચાર વર્ષના વહાણા વાઈ ગયા, સમય” દિલ ના દર્દ” નું ઔષધ છે
“ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે હમ દોનો” ના સંકલ્પ સાથે બને યુંવાદિલ પડોશી
રોજીંદા જીવનમાં વણાઈ ગયા.

૧૯૬૮, યુવાનની બદલી થતા પોતાના વતન ભણી રવાના થઇ ગયો પણ,મીરાં જેમ કૃષ્ણ ઘેલી હતી તેમ યુવતીથી હવે યુવક નો વિરહ દુસહ્ય બન્યો.દરમ્યાનમાં યુવકના લગ્ન અન્ય યુવતી સાથે થઇ ગયા. આ સમાચારે યુવતીના દિલ દિમાગને જંજેડી નાખ્યું યુવતી પ્રેમદીવાની તો હતી જ પણ હવે વિરહની આગમાં સળગવા લાગી અને વધુ પાગલ બની ગઈ. દિવસ રાત તે યુવક ને દિલથી યાદ કરી આંસુ પીતી થઇ ગઈ.

કોલેજનું મેં માસ નું વેકેશન ખુલ્યું.પહેલે દિવસે હાજર થઇ યુવતી એ બીજે દિવસે પોતાનું રાજીનામું આપી દીધું….બસ, હવે બહુ થયું યુવક ની યાદે તેને બેચેન બનાવી દીધી.પોતાના શબ્દોને યાદ કર્યાં.”દુનિયાના તમામ યુવાનો મારા ભાઈ જ છે “.” હું આ જીવન કુંવારી રહીશ ”
અને જાણે ન્યાય મેળવવા ઈશ્વરને શરણે કેમ જતી હોય તેમ તેણે સંસાર ત્યાગી,વિશ્વની બહુપ્રતિષ્ઠિત આધ્યાત્મિક સંસ્થામાં એક ત્યાગી- તપસ્વીજીવન શરૂ કર્યું. યુવકના પ્રેમમાં પાગલ યુવતી એ ઘર, નોકરી, વૃધ્ધ,વિધવામાતા,અને નાનાભાઈને છોડી રાજ્ય બહારના એક Spiritual આશ્રમમાં પોતાની જિંદગી આજે પણ વિતાવે છે.૧૯૬૮ થી 2016, ની 48 વર્ષની લાંબી મજલ પછી આજે 74 વર્ષ ની ઉમરે તેમના મુખ ઉપરનું તેજ, તેના આધ્યાત્મિક વિચારો, સેવાભાવી સ્વભાવ, કુટુંબની ખાનદાની તેના આદર્શ, એ તેને આશ્રમમાં “વ્યક્તિ-વિશેષ” બનાવી દીધેલ છે.

બીજી બાજુ, યુવક લગ્ન પછી પોતાના સંસારમાં,અને નોકરીમાં દિન પ્રતિ દિન પ્રગતિ સાધતો રહ્યો. અને પોતાના સાંસારિક જીવનથી,અને શિક્ષિત, ખુબસુરત પત્ની, અને બાળકોથી ખુશ હતો.

વર્ષ 1988, યુવક હવે બેન્કના અધિકારી પદેપહોંચ્યો હતો. એક વાર પ્રવાસે નીકળતા તેણે તે આશ્રમની મુલાકાત લીધી, આશ્રમમાં દર્શન કરવા સમયે અચાનક જ એક સફેદવસ્ત્રમાં સજ્જ થયેલ ગૌરવર્ણ તપસ્વિની સમાધિ પર ફૂલ ચડાવતી દ્રષ્ટિગોચર થઇ.

યુવક ઓળખી ગયો. આ એજ ભગ્ન હૃદયી યુવતી હતી જે વર્ષો પહેલા પ્રેમમાં મળેલી નિષ્ફ્ળતાથી પ્રેરાઈને સંસાર ત્યાગ્યો હતો. સમાધિના દર્શન પતાવી, યુવક તે તપસ્વિનીની રાહ જોતો બહાર ચોકમાં બેઠો, થોડીવારે તે આવતા તેને મળ્યો, યુવકે પોતાની ઓળખ આપી, અને હાલ ક્યાં છે, અને પરિવારના સભ્યો વિષે પણ વાત કરી. તપસ્વિનીએ એટલોજ આદર ભાવ દર્શાવી પરિવારના ખબર પૂછ્યા, બાળકો માટે નાની સુની ભેટ મોકલાવી, અને છુટા પડ્યા.

લગભગ પદરેક દિવસ પછી યુવક બેંકમાં પોતાની કેબિનમાં બેસી વ્યસ્ત હતો, એવામાં પટાવાળાએ આવી એક આંતર્દેશીય પત્ર યુવકના ટેબલ પર મુક્યો. પત્ર પોતાનો જ હતો, પણ મોકલનારનું સરનામું ન હોય યુવક આશ્ચ્રર્ય પામ્યો, પત્ર ખોલ્યો,પત્ર પેલી તપસ્વિનીનો જ હતો. વાંચ્યો, પત્ર આ પ્રમાણે હતો

” આદરણીય, ગુરુવર્ય,
સંબોધનથી તમને આશ્ચ્રર્ય થશે, પણ તે યોગ્ય જ છે,
અહીંથી નીકળી, પ્રવાસ પૂરો કરી આપ સુખરૂપ પહોંચી ગયા હશો,
અત્રેનો આશ્રમ, વાતાવરણ અને અહીંનું તપસ્વી જીવન કદાચ ગમ્યું પણ હોય,
ખાસ તો આ પત્ર આપનો આભાર માનવા લખું છું,
આભાર એટલા માટે કે, યુવાનીના જોશમાં પ્રેમ અને શુદ્ધ લાગણીના બંધનમાં આવ્યા પછી પણ તમે જયારે મારી દરખાસ્તનો અસ્વિકારી કર્યો અને તે કારણે મેં દુન્યવી મોહમાયા ત્યાગી ઈશ્વરનું શરણ શોધ્યું, તેના નિમિત્ત તમે છો. જો કદાચ તમે મને અપનાવી હોત, તો ચોક્કસ આજે હું એક આદર્શ ગૃહિણી હોત. સમાજમાં, આપણી જ્ઞાતિમાં, સગા-સબંધીઓ,અને આડોશ-પડોશમાં હું આપના સ્ટેટ્સનું ગૌરવ અનુભવતી હોત પણ સંયોગવશાત તેમ ન બનતા હું અત્રે આવી. અને એક અનન્ય અનુભૂતિ સાથે આધ્યાત્મિકતાના વાતાવરણે મને જે કઈ આપ્યું છે, તે સંસારના સુખમાં કદાપિ પ્રાપ્ય ન હોત, તે રીતે જુવો તો આપ મારા ગુરુ છો, કે મને સાચો રસ્તો બતાવ્યો, શક્ય છે કે એ પણ આપને થયેલી ઈશ્વરીય પ્રેરણા પણ હોઈ શકે

એક વાત પૂછું? તમે બેન્કના ઉચ્ચ અધિકારી છો, સુંદર બાળકો છે,માતા-પિતાની શીળી છાંય પણ હજુ હોવા માટે ભાગ્યશાળી છો, આર્થિક, શારિરીક અને સામાજિક રીતે પણ તમે મજબૂત છો, તેમ છતાં રાત્રે પથારીમાં પડ્યા ભેગી,એકજ પડખે ઘસઘસાટ ઉંઘ તમને કદી આવે છે? ચોક્સ એનો જવાબ ના હશે, જયારે હું ઈશ્વરમય જીવનમાં એટલી ઓતપ્રોત થઇ ગઈ છું, કે સંસારની કોઈ માયા,વળગણ,સમસ્યાઓ, ખટપટ, કૂથલી,કે ચિંતા મને સ્પર્શતા નથી,અને હું પુરેપુરી ઊંઘ સ્વસ્થતાથી લઉં છું, આટલો મારા અને આપ વચ્ચેના જીવનનો તફાવત છે, અરે ! ત્યાં સુધી કે મેં મારી માં અને ભાઈ સાથેનું પણ લાગણીનું કોચલું ફગાવી દઈ સત્ય અને સનાતનની શોધ તરફ વળગી છું. હું ગૌરવ સાથે આપને જણાવું કે આજે આ આશ્રમમાં હું એકથી પાંચમા સ્થાન પામી ચુકી છું,અહીં મળેલ માન-સન્માન,પ્રેમ,વિશ્વાસ,લાગણી,મને કદાચ સાંસારિક જીવનમાં કદીયે પ્રાપ્ત ન થાત તેની મને ખાતરી છે, હું સુખી છું,ખુશી છું, અને આધ્યાત્મિકતાની આટલી ઉંચી ટોચ પર પહોંચ્યાનો મને પૂર્ણ સંતોષ છે
પત્રનો જવાબ લખવાની આવશ્યકતા નથી, અને એટલેજ મેં પ્રેષક તરીકે મારુ નામ,કે સરનામું લખ્યા નથી,ઈશ્વર આપનું તથા આપના પરિવારનું સદાય કલ્યાણ કરે એવી હું પ્રાર્થના કરું છું,અને કરતી રહીશ ”
લી ,,,,,,,,,,,,,,,,ના પ્રણામ,

બહુજ થોડા સમયમાં બેન્કના એ અધિકારીની યુવાનપત્ની બત્રીશ વર્ષની ભરયુવાનીમાં ચાર સંતાનોને મુકી આકસ્મિક મ્રત્યુને ભેટી ફાની દુનિયાનીને અલબીદા કરી ચાલી ગઈ.

હાલ, એક બાજુ ચાર સંતાનોની જવાબદારી સાથે,નિવૃત્ત બેંક અધિકારી વિધુરાવસ્થા ભોગવતા, 74 વર્ષની ઉમરે સંસારિક માયાના કોચલામાં વિટલાયા છે, જયારે બીજી બાજુ હમઉમ્ર ભગ્ન પ્રેમિકા સંસારના બધા બંધનો ને તોડીને દુન્યવી મોહમાયા ત્યાગીને સંસાર રસ ખારો સમજી ભવસાગર તરવાના પ્રયાસ રૂપે , ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા સાધ્વી તરીકે તપસ્વી જીવન વિતાવે છે.

પ્રેમ-ભગ્ન, યુવતીના “પ્લેટોનિક લવ” ને લાખ લાખ સલામ……

લેખક :- વ્યોમેશ ઝાલા

ટીપ્પણી