“પ્લેટફોર્મ” – જેને સાચા દિલથી કામ કરવું જ હોય એને ગમે ત્યાંથી પ્લેટફોર્મ મળી જ રહે

દાદર રેલવે સ્ટેશન!!

દાદર રેલવે સ્ટેશન મુંબઈનાં પ્લેટફોર્મ પર સમીર ઉભો હતો. પ્લેટફોર્મ પર ચહલ પહલ હતી સવારનાં દસ વાગવા આવ્યાં હતાં. ગુજરાત તરફ થી આવતી ગાડી આવવાને હજુ કલાકેકની વાર હતી. સમીર એક બાંકડા પર બેઠો હતો. બાંકડાની એક બાજુ એક સ્ટોલ હતો.ત્યાં ખાણી પીણી ની ચીજ વસ્તુઓ મળતી હતી. સમોસા,વડાપાંવ, બટેટા પૌવા,પફ ,પાણીની બોટલ, અને ઠંડા પીણા, એની બાજુમાં જ એક સામયિકોનો સ્ટોલ હતો. એની બાજુમાં એક નાનકડી ટ્રોલી પર ચાય અને કોફી વેચવા વાળો ગાડીની રાહ જોઈ રહ્યો હતો. સામેની સાઈડ હમાલ બેઠા હતાં.કેટલાક મોબાઈલમાં વ્યસ્ત હતાં તો ઘણાં મરાઠી દૈનિક સામના વાંચી રહ્યા હતાં.પ્લેટફોર્મ ની વચ્ચે એક મોટી ઘડિયાળ હતી. પાછળની સાઈડ એક ઓવર બ્રીજ હતો.ત્યાંથી સિદ્ધિવિનાયક જવાનો એક શોર્ટ કટ હતો.બહાર એક રસ્તો હતો ત્યાં ટેક્ષીવાળાઓ રાહ જોઇને બેઠા હતાં. ઓવર બ્રિજના પગથીયા પર ફૂલો વેચવા વાળા બેઠા હતાં.

મોટા મોટા ટોપલામાં વિવિધ ફૂલો હતાં. એની ઉપર ડ્રેસ વેચવા વાળા!! એની ઉપરના પગથીયા પર જ્યોતિષ વાળા બેઠા હતાં. હસ્તરેખાવાળાઓ બેઠા હતાં અમુક તો છેલ્લાં દસ વરસથી લાખો લોકોને લખપતિ બનાવવાનો દાવો કરનારા એક તૂટેલા ફાટેલા કોથળા પર અઘોર તાંત્રિકો પણ હતાં!! એક સાઈડ નપુંસકોની નબળાઈ પર પૈસા ખંખેરવા વાળા જડ્ડીબુટી લઈને બેઠા હતાં. ઓવર બ્રિજની મધ્યભાગમાં, ૩૦ દિવસમાં અંગ્રેજી શીખવવાની ચોપડીઓ લઈને અભણ માણસો બેઠા હતાં. રમકડા વાળા પણ હતાં.ઓવર બ્રીજ પર માણસોનો પ્રવાહ ચાલતો હતો.કાનમાં દટ્ટીઓ ભરાવીને ભરાવીને યુવાધન પોત પોતાની રીતે મસ્ત હતું.

ગાડીઓ આવતી હતીને જતી હતી. માણસોના ટોળાઓ ઉતરતા હતાં અને ચડતા હતાં.પોર્ટરો હમાલો અને ટેક્ષીવાળાઓ માણસોના ટોળામાંથી પોતાની રોજી શોધી રહ્યા હતાં!! ચાય ગરમ!! કોફી ગરમ!! ના અવાજો આવી રહ્યા હતાં!! સમીર આજુબાજુનું ગતિવિધિઓ જોઈ રહ્યો હતો!! આજ તેની પત્ની સુરતથી આવી રહી હતી!! તેને લેવા માટે તે આજ વહેલો આવી ગયો હતો.સાથે પોતાનો એકનો એક લાડકો દીકરો અનંત પણ આવી રહ્યો હતો!! છેલ્લાં વીસ દિવસથી સમીર એકલો હતો!! પોતાની પત્ની અને અનંત પિયર ગયાં હતાં આમતો સેજલ ૩૦ દિવસ રોકાવાની હતી પણ કાલેજ સમીરે સેજલને કીધું હતું.

“સેજુ પ્લીઝ કાલે વહેલી સવારની ટ્રેનમાં તું આવતી રહે!! હું એકલો એકલો કંટાળી ગયો છું!! ઘરની નીરવતા મને પાંગળો કરી નાંખશે, જો તું નહિ આવે તો હું સાંજની ટ્રેનમાં સુરત આવું છું” અને આજે સવારે જ સેજલ સવારની ગાડીમાં સુરતથી બેસી ગઈ હતી અને હવે એ ગાડી આવવાની જ હતી.

અચાનક જ સમીરની નજર એક વૃદ્ધ પર પડી!! એનાં મગજમાં એક ઝબકારો થયો. હા એજ છે!! સો ટકા એજ છે!! ચહેરા પરની એજ દૃઢતા,એજ જુસ્સો,એજ ખમીરવંતી ચાલ!! એજ છે!! જેને તે કેટલાય સમયથી શોધતો હતો!!

ઓવરબ્રિજ પરથી એક વૃદ્ધ ઉતરી રહ્યો હતો.હાથમાં એક થેલી આંખો પર ચશ્માં અને તેમની અનુભવી નજર આખા સ્ટેશનનો ચિતાર લઇ રહી હતી. એ વૃદ્ધ સમીરની પાસેથી પસાર થયો.સમીરે એને ધારીને જોયો. સમીરની બાજુમાં બીજા બાંકડા પર એ બેઠો.. સમીર એને એકીટશે તાકી રહ્યો. વૃદ્ધે પણ સમીર સામે જોયું પણ સમીરની આંખોમાં એને કોઈ પરિચિતપણું ના દેખાયું એટલે વૃદ્ધે બીજી તરફ નજર કરી.સમીર ઉભો થયો. વૃદ્ધની બાજુમાં જઈને બેઠો વૃદ્ધે ફરીથી સમીર તરફ નજર નાંખી. આ વખતે સમીર હસ્યો અને બોલ્યો.

“આપ અત્તર વાળાને,?? આર કે અત્તરવાળાને,, ? જો હું ખોટો ના હોવ તો!!!

“હા, પણ માફ કરશો, મેં આપને ઓળખ્યા નહિ!! કદાચ આપ મને સારી રીતે ઓળખો છો એવું આપના ચહેરા પરથી વરતાઈ આવે છે પણ ભલે હું વૃદ્ધ થયો પણ આપને ક્યારેય હું પ્રત્યક્ષ રીતે મળ્યો હોય એવું મને યાદ નથી, આપ આપની ઓળખાણ આપો તો મને વાતો કરવી ગમશે!! હું અજાણ્યા માણસ સાથે લગભગ વાતો નથી કરતો.પણ મને એકલો ભાળીને તમે મને કોઈ જાળમાં ફસાવવાનું વિચારતા હો તો એ આપની ભૂલ હશે પણ હું આપને જણાવી દઉં કે છેલ્લાં ૫૦ વરસથી હું મુંબઈમાં રહું છું” વૃદ્ધે ખુબ લાંબુ ભાષણ આપ્યું.સમીર હવે આગળ બોલ્યો.

“આપની વાત સાચી છે દાદા, હું આપને ફક્ત એક જ વખત મળ્યો છું, એ પણ આપની જાણ બહાર એટલે તમે મને નથી ઓળખતાં અને આમ જુઓ તો હું પણ તમને બરાબર ઓળખું છું પણ આપની વિષે બહું જ ઓછું જાણું છું!! પણ એ એક મુલાકાત થઇ હતી આજ પ્લેટફોર્મ પર!! આજ લાઈનમાં જુઓ પેલું ૨ નંબર લગાવેલું પાટિયું દેખાય છે ત્યાં જુઓ!! એની પાછળ એક બાંકડો છે ત્યાં આપ બેઠા હતાં.આપની સાથે આપનો પુત્ર અને પુત્રવધુ હતાં, પુત્ર અને પુત્રવધુની સાથે એક નાનકડું બાળક હતું.

એ લોકો પુના જઈ રહ્યા હતાં!! આપ એને અહીં મુકવા આવ્યાં હતાં સાંજનો સાતનો સમય હતો. તમે તમારાં પુત્રને તમારો ઈતિહાસ કહી રહ્યા હતાં!! તમારો પુત્ર અને પુત્રવધુ એ બધું કંટાળાથી સાંભળી રહ્યા હતાં!! હું બરાબર બાજુના બાંકડા પર હતો.તમારી વાત મે રસ પૂર્વક સાંભળી હતી!! હું કંટાળેલો માણસ હતો!! પણ આર કે અત્તર વાળા દાદાજી તમારી વાતો સાંભળીને મારી અંદર એક છુપાયેલું વિશ્વ જાગી ગયું!! અને પછી મારી આઉટ લાઈન વાળી ગાડી ટ્રેક પર ચડીને આજે હું જે કાઈ છું તેનું પ્લેટફોર્મ મને આ પ્લેટફોર્મથી જ મળ્યું હતું, પછી તો હું ઘણીવાર અહી આવતો પણ તમે ક્યાય દેખાયા જ નહિ.

મેં મારી પત્નીને પણ આ વાત કરી હતી.!! આજે મારી પત્ની આવી રહી છે સાથે મારો નાનકડો પુત્ર અનંત પણ છે!! આજ એમને હું તમારા દર્શન કરાવીશ દાદાજી આજ હું એમને તમારા દર્શન કરાવીશ” બોલતાં બોલતાં સમીરની આંખોમાંથી અશ્રુ ધાર વહેતી થઇ અને આર કે અત્તરવાળા નવાઈ પામ્યાં.એમણે સમીરના ચહેરા પર હાથ ફેરવ્યો!! એમની આંખોમાં વિશ્વાસની એક ચમક હતી. અને આર કે અત્તર વાળા ને દસ વરસ પહેલાની એ ઘટના યાદ આવી ગઈ!! આજ પ્લેટ ફોર્મ!! એજ ૨ નંબરનું બોર્ડ!! એની પાછળ દેખાતો એ બાંકડો અને બાજુમાં જ તેનો પુત્ર કીર્તન અને પત્ની માધવી ઉભા હતાં અને માધવીએ એક વર્ષનો પ્રશાંત તેડેલો હતો!! આર કે અત્તરવાળાને એ દિવસની એક એક ક્ષણ યાદ આવી ગઈ!!એણે આંખો બંધ કરી દીધી!! એ ભૂતકાળમાં સરી પડ્યા!!!

આર કે અતરવાળા એક સખત મહેનત થી આગળ આવેલ નામ!! ઘરેથી ભાગીને મુંબઈની ગાડીમાં બેસી ગયેલ,બાપના માર થી કંટાળીને ભાગી જનાર નાનકડો બાર વરસનો ટેણીયો જાગ્યો ત્યારે દાદર સ્ટેશન આવ્યું હતું. શરૂઆતમાં તો આટલા બધાં માણસો જોઇને તે બી ગયેલો. થોડો રડ્યો પણ ખરો!! પણ આ મુંબઈ અહી સહુ પોતપોતાનામાં વ્યસ્ત!! બસ પછી તો એ પોતાની મહેનતથી આગળ આવેલા એ જ વાત એ આજથી દસ વરસ પહેલાં આજ પ્લેટફોર્મ પર પોતાના દીકરા કીર્તનને અને વહુ માધવીને સમજાવતા હતાં.કીર્તન તો પિતાજીની આ વાર્તા સાંભળીને ત્રાસી ગયો હતો.

જોકે વહુના માટે સસરાજીની આ વાત નવી હતી પણ એનેય કંટાળો આવતો હતો!! દીકરો અને વહુ પુના જઈ રહ્યા હતાં. દીકરો એન્જીનીયર હતો અને વહુ પણ સારું ભણેલી.આમ તો આર કે એ દીકરાને કીધેલું કે અહી આપણે ધીકતો ધંધો છે અત્તરનો !! લોકોને સુવાસિત કરવાનો કસદાર ધંધો!! નોકરીની શી જરૂર પણ જેમ બકરી ચારાના ભારા બાજુ દોરવાઈ એમ કીર્તન માધવીથી દોરવાઈ ને ના જ પાડી કે એ બધાં અત્તર ફત્તરના ધંધા આપણને ના ફાવે!! અને એ જરૂરી નથી કે બાપા જે કામ કરે એ દીકરાએ જ કરવું અને દુનિયા ખુબ આગળ વધી ગઈ છે અને સ્કોપ ઘણાં બધાં છે અને આવા સ્કોપ માટે માધવી અને કીર્તન પ્રાઈવેટ કંપનીમાં નોકરી માટે પુના જઈ રહ્યા હતાં અને આર કે અત્તરવાલા એ શરુ કર્યું પોતાના દીકરાને શિખામણ ના શબ્દો!!

“જો બેટા જે પણ કાઈ કરવું એ નિષ્ઠાથી કરવું,સમયનો ભોગ આપવો,જે કંપનીમાં તું કામ કર્ય છો એ આપણો રોટલો કહેવાય એ રોટલાને પાટુ ક્યારેય ના મારવું, સમય કરતાં વહેલા આવવું અને સમય કરતાં મોડા જવું,તો જ પ્રગતિ થશે, દિલ દગડાઈ અને દાંડાઈ ના કરવી. ઉપરી લોકોનું માન સન્માન જાળવવું” પણ કીર્તનને કશું લક્ષ્ય ના આપ્યું અને આર કે તોય બોલતાં રહ્યા.છેવટે આર કે એ પોતાના ગળામાં રહેલી રુદ્રાક્ષની માળા પોતાના પૌત્રને પહેરાવી પણ તરત જ માધવી બોલી.

“શું બાપુજી તમેય તે આ ગંદી માળા નાના છોકરાને પહેરાવાતી હશે!!!??? ,આમાં કેટલાય જંતુઓ હોય!!” એમ કહીને મો બગાડીને એ માળા સસરાજીને પાછી આપી દીધી, કીર્તને પણ ત્રાંસી નજરથી અણગમો વ્યકત કર્યો. પુનાની ગાડી આવી. આર કે એ સજળ નયને વિદાય આપી.

આર કે એ આંખો ખોલી બાજુમાં જ સમીર બેઠો હતો.સમીર બોલ્યો.

“દાદા તમે અજાણતા જ મારો માર્ગ બદલાવી નાંખ્યો છે, ભલે તમને ખબર નહિ હોય કે તમારા શબ્દોએ મને એક નવો રાહ બતાવ્યો. તમને મળ્યાં પહેલાં હું જેવી તેવી નોકરી કરતો,કામચોરી પણ કરતો,સ્વભાવ ચીડિયો થઇ ગયો હતો,પત્ની પણ ચાલી ગઈ હતી પિયર !! હું એકલો જ રહેતો!! ઘરબાર વગરના બિયરબાર માં વધારે જોવા મળે એમ હું પણ રાતે બિયરબારમાં જ હોવ. નોકરીમાં પણ ટોળ ટપ્પા જ વધારે મારતો.. એક બીજાની પટ્ટી ઉતારવી એ મારું મહત્વનું કામ હતું.પણ તમારા શબ્દો દિલને સ્પર્શી ગયાં.આમેય મને મારી જાત પ્રત્યે તિરસ્કાર છૂટતો હતો. તમારા મોટીવેશનલ શબ્દો મગજમાં ઘુમરાતા હતાં અને એક અઠવાડિયા પછી મેં એ પ્રમાણે વર્તવાનું શરુ કર્યું.

ઓફિસમાં એક કલાક વહેલો જતો, અને એક કલાક મોડો આવતો!! કામથી કામ ,કોઈની સાથે કોઈ વાત નહિ ને કોઈ ખટપટ નહિ!! શરૂઆતમાં મને બધાં કહેતા કે આનું છટકી ગયું છે!! પણ તમારા શબ્દો સતત મગજમાં ઘુમરાતા રહ્યા કે જે તમને રોટલો આપે છે એનું બૂરું ના ઇચ્છવું.!! ઉપરી અધિકારી પણ હવે ખુશ હતાં. એક વરસ વીતી ગયું આમને આમ ભલે પગાર ના વધ્યો પણ માનસિક શાંતિ તો મળીજ,સાંજે હું કામ કરીને એટલો થાકી જતો કે ઘરે જ ઊંઘ આવી જતી!! પહેલાં તો ઊંઘ આવે એ માટે બીયર બાર જવું પડતું પણ હવે એ માટે સમય જ નહોતો.

ઓફિસનું કામ ઘણી વાર ઘરે પણ લાવતો અને એક વરસ પછી મારા બોસે મને એક કાગળ આપ્યો.કંપનીની એક ઓફીસ પનવેલમાં ખુલી રહી હતી અને એનું મેનેજર પદ મને મળી રહ્યું હતું.બમણો પગાર ,એક ગાડી અને કંપનીનો એક રહેવા માટે ફ્લેટ!! મારી આંખોને વિશ્વાસ નહોતો!! મારી આંખમાં હરખનાં આંસુ હતાં.મારા સસરાને પણ મારી પ્રગતિની ખબર પડી!! અને એક દિવસ હું મારી પત્નીને તેડી લાવ્યો,દાદા આપને કારણે આજે હું ખુબ ખુશ છું, મને હજુ વધારે જાણવાની ઈચ્છા છે આપના વિષે” સમીરે બોલવાનું પૂરું કર્યું આર કે અતરવાળાને નવાઈ લાગી.પોતે વાવેલું એક અજાણી જમીન પર ઉગી નીકળ્યું હતું. સમીરના આગ્રહને વશ થઈને આરકે એ કોફી પીધી અને બોલ્યાં.

“મને આનંદ છે કે કોઈક તો છે કે જેણે મારું માન્યું!!! ચાલ બેટા હું તને મારી કહાની ટૂંકમાં સમજાવું. અહી આવ જો આ બધાં ફૂલવાળા છે ને એમ જ હું શરૂઆતમાં અહી ફૂલો વેચતો.સવાર સાંજનો રોટલો નીકળી જાય.અહી બાંકડા પર સુઈ રહેવાનું ઘણી ગાડીઓ અહી કલાક રોકાઈ ત્યારે એ ગાડીના ડબ્બામાં જઈને નાહી લેવાનું અને આ ફૂલો વેચવાના.!! એક માણસ હતો જે આ ફૂલો દઈ જતો.એ કયાંથી લાવે છે એ અમને કોઈ ખબર નહોતી.પણ પછી એ માણસ સાથે પરિચય વધ્યો.એ મને એની સાથે લઇ જવા લાગ્યો.દુર આવેલા ખેતરોમાંથી ફૂલો દરેક રેલવે સ્ટેશન પર પહોંચાડવાના,અમુક ફૂલો અતર બનાવે ત્યાં આપતાં.

એમાં પણ મેં તનતોડ મહેનત કરી. ફૂલો વિષે ખ્યાલ વધવા લાગ્યો.પછી મને ખ્યાલ આવ્યો કે જે ફૂલો અતરવાળાને ત્યાં મોકલવામાં આવે છે એ અલગ જ હોય છે,એમાં એક અતરવાળા એ મને રાખ્યો.માસિક પગાર અને અતર બનાવવાનું.ત્યાં લગભગ દસ વરસ મેં નિષ્ઠાથી કામ કર્યું ખર્ચ તો બીજો કોઈ હતો નહિ.એ શેઠ ગુજરી ગયાં પછી એનાં છોકરાએ એ કારખાનું બંધ કરી દીધું એ મેં સંભાળી લીધું.થોડાં થોડાં પૈસાના હપ્તા કર્યા.પણ સતત મહેનત ને કારણે અતર બનાવવાનું એક રહસ્ય હું જાણી ગયો હતો.અને પછી બજારમાં મારા અતરની બોલબાલા થઇ.પછી તો હું પરણ્યો.મારે ત્યાં સંતાનનો જન્મ થયો.કમાણી વધતી ચાલી.પણ છોકરાને પરણાવ્યો.

ઘણો ખર્ચ કર્યો.મારી એવી ઈચ્છા હતી કે મારો વ્યવસાય મારો દીકરો સંભાળે પણ એ પુના જતો રહ્યો.વરસે એકાદ વાર આવે મેં એને ત્યાં મકાન લઇ દીધું છે એ સુખી છે પણ હવે બહું આવતો નથી. એની મમ્મીનું પણ અવસાન થયું છે.મકાન છે, જરૂર પડતો પૈસો પણ છે.અત્તરનું બંધ કરી દીધું છે,, હવે ખોટી માથાકૂટ શા માટે કરવી.!!?? જીવાય એટલાં પૈસાનું વ્યાજ આવે છે. અહી બે ત્રણ દિવસે આવું છું..

મજા આવે છે!! જીવનમાં જે કરો એ ધગશથી કરો!! સો ટકા દિલ દઈને કરો!! નિષ્ફળતા મળે તો અફસોસ ના થવો જોઈએ કે મેં પૂરતા પ્રયત્નો નહોતા કર્યા.!!અત્યારે ઘણાં બબુચક એમ કહે છે કે તમે તમારી કંપનીને ચાહો નહિ,એ તમને ગમે ત્યારે છુટા કરી દે,પણ હું એ બબુચકોને કહેવા માંગુ છું કે તમારું કામ જ એવું હોવું જોઈએ કે કંપની તમને ક્યારેય છુટા ના કરી શકે!! જેવી જેની સમજ” આર કે એ વાત પૂરી કરી અને ટ્રેઈન આવી,સમીર અને આર કે ટ્રેઈન પાસે ગયાં, સેજલ ડબ્બામાંથી નીચે ઉતરી અને સમીરે વાત કરી.

“હું તને વારંવાર વાત કહેતો એ આર કે અતર વાળા દાદાજી છે” સેજલ આર કે ને પગે લાગી. અનંતને આર કે એ તેડી લીધો અને વહાલ કર્યું. થોડીવાર વાતો કર્યા પછી સમીરે એનું કાર્ડ આપ્યું.

“બસ આ સરનામે ગમે ત્યારે આવશો તો ગમશે, અથવા સાથે રહો તો પણ ગમશે,કહેવા ખાતર નથી કહેતો પણ દિલથી કહું છું,આવો તો ખુબ ગમશે” સમીરે કાર્ડ આપ્યું બે હાથ જોડીને વિદાય લીધી.આર કે એમને જતાં જોઈ રહ્યા,થોડું આગળ ચાલીને પછી આર કે ઉભા રહ્યા અને બુમ પાડી.

“સમીર,એક મિનીટ બેટા ઉભો રહે!!” સમીર,સેજલ ઉભા રહ્યા.આર કે તેમની પાસે જઈને અનંતના ગળામાં પેલી રુદ્રાક્ષની માળા પહેરાવીને બોલ્યાં.

“સુખી રહો બેટા, દીકરો પણ તારી જેવો જ થશે,મારા દિલથી આશીર્વાદ છે!!” બસ બેય હાથ ત્રણેયના માથા પર ફેરવીને તેઓ ચાલતા થયા. પ્લેટફોર્મ પર ગાડીઓ આવતી હતી ને જતી હતી.

“જેને સાચા દિલથી કામ કરવું જ હોય એને ગમે ત્યાંથી પ્લેટફોર્મ મળી જ રહે છે અને જગતમાં જે અનુભવોથી તમે વાવો છે એ યોગ્ય સ્થળે કયાંકને ક્યાંક તો ઉગી જ નીકળે છે!!!

લેખક:-મુકેશ સોજીત્રા

આપ સૌ ને આ સ્ટોરી કેવી લાગી અચૂક જણાવજો ! શેર કરો તમારા ફેસબુક પર..

ટીપ્પણી