જુનાગઢ પાસે આવેલા તુલસીશ્યામ વિષે તમે જાણો છો?? આવો આજે અમે તમને જણાવીએ….

ભારતના પ્રજા જીવનનાં ઘડતરના પાયા એ ધર્મસ્થાનકોનાં ઇતિહાસ અને પુરાણોમાં પડ્યા છે. તેવુંજ ગિરનું પ્રાચીન અને રમણીય ધર્મસ્થાનક એટલે તુલસીશ્યામ.

તુલસીશ્યામ ગુજરાત રાજયનાં જુનાગઢ જિલ્લાનાં ઉનાથી શહેરથી આશરે ૨૯ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે કે જયાં ઘોડા ખેલાય છે, હરણાં કુદે છે, ભમરા મીઠો ગુંજારવ કરે છે, અને સિંહ ભયાનક ત્રાડો પાડે છે તેવા લીલા જંગલની વનરાઇઓથી સજાયેલ છે. આમ આ સ્થળ મનને શાંતિ આપે અને હરિલે તેવું છે. જયાં પહોચવા માટે ઉનાથી પાકા ડામર માર્ગે ધોકડવા અને જસાધાર થઇને પહોચી શકાય. ધારીથી માત્ર 45-50 કિ. મી. ના અંતરે આવેલુ આ પ્રસિધ્ધ પ્રવાસન સ્થળે પહોચી શકાય છે.

એવુ કહેવાય છે કે જાલંધર નામનો એક અજેય યોધ્ધો હતો જે ન્યાય માટે યુધ્ધે ચઢેલો. દેવોને તોબાહ પોકરાવી ઇન્દ્રનો ધમંડ એણે ઉતારી નાખ્યો. દેવો તો અમર રહ્યા, મરે નહિ પણ મીનો ભણી ગયા. ભાગ્યા, અને ગયા વિષ્ણુ પાસે. વિષ્ણુ દેવોની વહારે ચઢયા. જાલંધરનું યુધ્ધ કૌશલ જોઇને પ્રસન્ન થઇ ગયા તેની પર ખુશ થઈને વિષ્ણુએ તેને વરદાન માંગવા કહ્યું તો તેણે માંગ્યું કે વિષ્ણુ અને પોતાની બહેન લક્ષ્મી પોતાના ઘરે રહે. ભગવાને તેને વરદન આપી દિધું અને કહ્યું કે જે દિવસે તેનાથી અધર્મનું આચરણ થશે તે દિવસે તેઓ ત્યાંથી જતા રહેશે.

જાલંધરને પત્ની વૃંદા જેવી એક સતી સ્ત્રી હતી. હવે તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું પરંતુ દેવો સાથે તેણે વેર બાંધી લીધા હતાં. નારદજીએ એક વખત તેમની પાસે આવીને કહ્યું કે બધા જ દેવોની પાસે એક સુંદર પત્ની છે તો તારી પાસે શું છે? તેણે કહ્યું કે મારી પાસે વૃંદા છે તો નારદે કહ્યું સતી ખરી પણ સ્વરૂપવાન તો નહી જ ને. તેમણે નારદને પુછ્યું કે સૌથી સ્વરૂપવાન કોણ છે? નારદે કહ્યું પાર્વતી તો તેમણે પાર્વતીને પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું. ત્યારે જાલંધરની મતિ બગડી ત્યારે તેનો ધર્મભ્રષ્ટ થયો. હવે વિષ્ણું તેનો સાગરલોક છોડીને વિષ્ણુંલોકમાં પાછા ફર્યા.

અત્યારે જ્યાં તુલસીશ્યામ છે ત્યાં વિષ્ણુએ મનોહર ઉદ્યાનની રચના કરી અને સાધુનો વેશ લઈને સમાધિમાં બેસી ગયાં. બીજી બાજુ વૃંદાને સ્વપ્નું આવ્યું કે કંઈક અમંગળ બનવાનું છે. તે વાતની ખાત્રી કરવા માટે ચાલી ત્યાં રસ્તામાં તેને તે સુંદર ઉદ્યાનમાં તપસ્વી દેખાયા. તે તેમની પાસે ગઈ અને તેમને પોતાની વાત જણાવી. સાધુએ કહ્યું તે તારા પતિનુ મૃત્યું થયું છે અને વૃંદાના ખોળામાં તેના પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા. વૃંદાને વિલાપ કરતી જોઈને વિષ્ણુએ નકલી જાલંધર ઉત્પન્ન કર્યો અને વૃંદાએ તેની સાથે સંભોગ કર્યો તેથી તેનો સતી ધર્મ નષ્ટ થયો. વૃંદાનો સતી ધર્મ નષ્ટ થવાથી શંકર સાથેના યુદ્ધમાં જાલંધરનું મૃત્યું થયું. તેને ખ્યાલ આવી ગયો કે આ બધી વિષ્ણુની માયા છે તેથી તેણે વિષ્ણુને શાપ આપ્યો કે તારી પત્નીનું પણ કોઈ તપસ્વી દ્વારા અપહરણ થશે.

વિષ્ણુએ વૃંદાને મનાવવાના ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ વૃંદાનું મન માન્યું નહિ. વિષ્ણુંએ તેને વરદાન આપ્યું કે તુ વનમાં તુલસી બનીને રહીશ અને દરેક શુભ કાર્યોમાં તારૂ મહત્વ રહેશે. તુ પ્રાણીઓની પીડાને ઓછી કરીશ. તુ તુલસીરૂપે અને હું શ્યામ શૈલ રૂપે અવતરીશ અને તુલસીશ્યામ રૂપે આપણે દુનિયામાં ખ્યાત બનીશું. આ રીતે ભગવાનના વરદાનથી વૃંદા તુલસીના રૂપે અવતરી અને વિષ્ણુ શ્યામ શૈલ્યના રૂપે અવતર્યા. અને તે જ મનોહર ઉદ્યાનમાં તુલસીશ્યામની પ્રતિષ્ઠા થઈ. આમ,ભગવાન વિષ્ણુના વરદાન અને જ્યા ભગવાન નો વાસ છે તેવા આ મંદિરના દર્શન કરવા લાખો શ્રધ્ધાળુઓ આવે છે અને જંગલ અને કુદરતી શોદર્યનો લ્હાવો લે છે.

આ જ્ગ્યામાં વિષ્ણુ મંદીર આવેલું છે તે ઉપરાંત રૂક્ષમણીજીનું મંદીર છે. જે ૪૦૦ પગથિયાં ચઢિને ડુંગરા ઉપર આવેલું છે. તેમજ આ જ્ગ્યાને ચેતનવંતી બનાવનાર પ્રતાપી સંતશ્રી દુધાધારી મહારાજ થયાં. જેનાં સમયથી જ આ જગ્યા વધારે પ્રકાશમાં આવી. કારણકે ત્યાં દુધાધારી મહારાજે ખુબજ તપશ્ચર્યા કરી હતી જે દરમિયાન ભગવાને સ્વપ્નમાં આવીને દર્શન દઇને મહારાજને કહ્યુ કે મારી આ જગ્યાએ ખંડીત મુર્તિને તુ પુન:પ્રતિષ્ઠ કરજે. જેથી બીજામાણસોને બોલાવીને ત્યાં ખોદકામ ચાલુ કરાવ્યું હતુ. તેમાંથી નીકળેલ મુર્તિની જુગલ રાયચંદ નામનાં ભકત દ્વારા આ મંદીર બનાવી આપેલ. આમ મંદીર સાથે ગરમ પાણીના કુંડ પણ બાંધવામા આવ્યા. જે આજે પણ છે. તેમજ ગૌશાળા આવેલી છે. આ જગ્યામાં ટ્રસ્ટ્ર દ્વારા બનાવવામા આવેલુ અતિથીગ્રૂહ છે અન્ય ધર્મશાળા પણ આવેલી છે. તેમજ યાત્રિકો માટે અન્નક્ષેત્ર અને ચા પાણીની દરરોજની વ્યવસ્થા છે.

આમ આ તુલસીશ્યામની ચારે બાજુ ગિરનું જંગલ હોવાથી આજુબાજુ કોઇ ગામ નથી. ઝાડીમાં માલધારીઓ પોતાના ઢોર સાથે નેહડા બાંધીને રહે છે. અહીં ભાદરવા સુદ અગિયારસે જળઝિલણીના પર્વે મોટો મેળો ભરાય છે. દુરદુરથી લોકો બહોળી સંખ્યામાં આવીને શામજી મહારાજનાં દર્શને ઉમટે છે. આમ સાવજ-દીપડાના નિવાસની વચ્ચે આવેલુ તુલસીશ્યામમાં છેલ્લા એક હજાર વર્ષથી દીવડો ઝાંખો થયો નથી. આમ ગુજરાત રાજયનું એક મહત્વનુ યાત્રાધામ છે.

સૌજન્ય : દિવ્યભાસ્કર

શેર કરો આ સુંદર સ્થળની રમણીય વાતો તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી