ઘઉંના લોટમાંથી બનાવેલ પિઝા બેઝ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને હેલ્થી પણ છે. ટ્રાય કરો

ઘઉંના યીસ્ટ વગરના પીઝાના રોટલા

મોટા ભાગના લોકો પીઝા માટેના રોટલા બહાર બેકરીમાંથી જ લાવતા હોય છે જે મેંદા અને યીસ્ટ વાળા હોવાથી એટલા હેલ્ધી નથી હોતા.

આજે ખાસ તમારા બધા લોકો માટે મેંદા અને યીસ્ટ વિનાના ઘઉંના લોટના ઇન્સ્ટન્ટ પીઝાના રોટલા બનાવાની રીત લાવી છું. જે કુકર માં સરળતાથી બની જાય છે અને ઓવનમાં પણ બનાવી શકાય છે. એક વાર બનાવશો પછી બહાર થી ક્યારેય નહીં લાવો એની ગેરંટી છે મારી.

 સામગ્રી:-

2 કપ ઘઉં નો લોટ ( મેં મલ્ટિગ્રેન લોટ લીધો છે,)
1 ચમચી મિક્સ હર્બસ અથવા 1/2 ચમચી અજમો ક્રશ કરેલો,
1 ચમચો દહીં,
1 ચમચી બેકિંગ પાવડર,
1/2 ચમચી ખાંડ,
4 મોટા ચમચા તેલ,
મીઠું સ્વાદઅનુસાર,
1 કપ પાણી,
કણક કુણવવા માટે થોડું તેલ,

રીત : 

સૌ પ્રથમ પાણી સિવાયની બધી સામગ્રી મિક્સ કરો.

અને હવે ધીરે ધીરે પાણી ઉમેરી ને મીડિયમ સોફ્ટ કણક બાંધો. હવે હાથ તેલ વાળા કરતા જાવ અને 10 -15 મિનીટ સુધી કણક ને બરાબર મસળી ને કુણવતા જાવ. બહુ કઠણ લગે તો જ વધુ પાણી ઉમેરો કણક માં..આપણે સોફ્ટ કણક બાંધવાની છે.

10 -15 મિનીટ ભીનું કપડું ઢાંકી દો અને પછી ફરીવાર 2 મિનીટ કણક કુણવી લો . ત્યારબાદ કણક માંથી લુઆ બનાવો. હવે લુઆ ને થોડું અટામણ લઈ ને ભાખરી જેવું જાડું વણી ને રોટલો બનાવો.

રોટલા ની બંને બાજુ કાંટા થઈ કાણા કરો. એવું કરવાથી બંને બાજુ અંદરથી બરાબર ચઢી જાય અને કાચું ના રહે.

હવે ખાલી કુકરમાં એક થોડું ઊંચું હોય એવું સ્ટેન્ડ મુકો અને એની ઉપર એલ્યુમિનિયમની તેલ થી ગ્રીસ કરેલી ડીશ મુકો. હવે આ ખાલી કુકર ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે ડીશ માં એક પીઝાનો રોટલો મુકો.

અને કુકરના ઢાંકણમાંથી રિંગ અને સીટી નિકાળીને કુકર બંધ કરી દો. સાવ ધીમા ગેસ પર 5-7 મિનીટ પીઝાના રોટલા ને થવા દો. પછી ઢાંકણ ખોલીને પીઝાના રોટલાને બીજી સાઈડ ફેરવી ને પાછું બંધ કરો.

અને ફરી થી ધીમા ગેસ પર થવા દો. 5-7 મિનિટ પછી જોઈ લો આછાં ગુલાબી રંગના થયા હોય તો બહાર નીકાળી લો અને ઠંડા થવા દો.

ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં મૂકી દો.

જ્યારે મન થાય એટલે બટર થી બંને શેકી ને મનગમતું ટોપિંગ કરીને પીઝાની મજા માણો.

બહાર કરતા ખૂબ જ સરસ બનતા પીઝા રોટલા હવે ઘરે જ બનાવો.

આ પિઝાના રોટલા 3-5 દિવસ સ્ટોર કરી શકાય છે. એટલે તમે અગાઉ થી બનાવી ને મૂકી દો તો પણ ચાલે .

ઓવનમાં બનાવવા માટે:- 

આજ પીઝા ના રોટલાને આપણે ઓવનમાં પણ બનાવી શકાય. 220° તાપમાને 10- 15 મિનિટ માટે પ્રિહીટ કરેલા ઓવન માં રોટલા ને ગ્રીસ કરેલી બેકિંગ ટ્રેમાં વણીને મૂકી દો અને જોતા રહો. જ્યારે આછા ગુલાબી રંગના થાય એટલે બહાર નીકાળી લો. બંને બાજુ શેકાય ગયા છે કે નહીં તે ચેક કરી લેવું.

નોંધ:- 

-પીઝાના રોટલાની કણકને બરાબર કૂણવશો તો જ પીઝા બેઝ બહાર જેવો સરસ બનશે.

-આપણે ઘઉંના લોટના બનાવ્યા હોવાથી કલર થોડો ડાર્ક લાગશે બહાર કરતા પરંતુ ટેસ્ટ તો ચોક્કસ થી વધુ સારો હોય છે.

-કુકર પહેલા ગરમ કરવાથી બધી બાજુ થી એકસરખું ગરમ થાય છે.અને રોટલા કાચા નથી રહેતા. તમે મીની પીઝા બેઝ પણ બનાવી શકો

-તમને એકદમ થીન ક્રસ્ટ બનાવા હોય તો પાતળા રોટલા વણો.

-ખૂબ જ ઓછી સામગ્રીથી બનતા આ પીઝાના રોટલા ખૂબ સ્વાદિષ્ટ બને છે.

-રોટલા બનવતી વખતે ગેસ ની આંચ સાવ ધીમી જ રાખવી.

-પીઝા બનાવતી વખતે રોટલા ને પહેલા બટર થી શેકી લેશો પછી તમને એનો ક્રસ્ટ વધુ ક્રિસપી બનશે અને સ્વાદિષ્ટ પણ લાગશે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી