મા ની મમતા બોલે છે પણ પિતાની લાગણીઓને વાચા નથી હોતી.

મા ની મમતા આપણને દેખાય છે કેમ કે એ પ્રત્યક્ષ છે. મા પોતે ભૂખી રહી બાળકને પેટ ભરીને જમાડશે. માની એ અધૂરી થાળી બધાને દેખાય છે. પણ પુત્રને ‘branded’ શૂઝ લઇ દેવા પપ્પાના ચપ્પલના ઘસાય ગયેલા તળિયા આપણાં ધ્યાનમાં નથી આવતા.

આપણી જીદ માટે વઢતા પિતાનું કઠોર સ્વરૂપ આપણે જોયું છે.
પણ રાત્રે આપણે સુતા પછી કેટલીયે વાર સુધી આપણાં માથે હાથ ફેરવતા એ કોમળ હાથથી આપણે અજાણ રહી જઈએ છીએ. આપણાં સપનાઓને ખરીદવા પપ્પા પોતાની ઊંઘ વેચી દે છે.

એક પુરુષ હજી રડી શકે છે,પણ એક બાપ (દીકરીની વિદાય સિવાય) કદી રડી શકતો નથી. કારણકે દરેક સંતાન માટે પિતા એક ઢાલ સમાન હોય છે અને ઢાલ ને ઓગળવાનો હક નથી હોતો. તેને તો બસ દરેક પરિસ્થિતિમાં કઠોર જ રહેવાનું હોય છે.

બાળપણમાં રહેલો પિતાના નામનો ડર ક્યારે હિંમતમાં ફરી જાય છે આપણને ખ્યાલજ નથી રહેતો. જીવનની કોઈ પણ મુશ્કેલી હોય, હ્રદયમાં એક અવાજ આવતો, “પપ્પા છે ને!? થઇ જશે બધું સરખું”
અને પપ્પા હંમેશા બધું સરખું કરી જ દેતા…પણ મોટાભાગે આપણને ન ખબર પડે એમ.

સામન્ય રીતે પિતાને ઘડપણ જલ્દી આવે છે. જુવાનીમાં પોતાના સ્વપ્નાઓ પાછળ દોડતો પુરુષ જ્યારે પિતા બને છે ત્યારથી પોતાના સંતાનના સ્વપ્નોનો ભાર ઉપાડવા માંડે છે.

ક્યારેય પપ્પાની ઊંડી ઉતરી ગયેલી આંખો ધ્યાનથી જોઈ છે?
એમની એ આંખોમાં તમને તમારા સપનાઓ એકદમ ચોખ્ખા દેખાશે. તમારા સપનાઓને ખાતર પણ એમના સપના પુરા કરજો, તમારા સ્વપ્નો આપોઆપ પુરા થઇ જશે.

મારા માટે તો દરરોજ હેપી ફાધર્સ ડે !

લેખક : નૈમિષ જી. ખારા (રાજકોટ)

આપ સૌને મારી આ અભિવ્ક્તી કેવી લાગી અચૂક જણાવજો!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block