સન્નાટો એવો કે ટાંચણી પડે તો પણ અવાજ સંભળાય – વાંચીને અનુભવો!

‘પિન ડ્રોપ સાયલન્સ’ એટલે શું? ત્રણ અત્યંત રસપ્રદ કિસ્સાઓ માં જાણીએ
કેટલાક કિસ્સાઓ વાંચીએ જ્યારે નીરવ શાંતિ નો પડઘો, ઊંચા અવાજ કરતાં વધુ પડ્યો.

કિસ્સો 1:

ફિલ્ડ માર્શલ સામ બહાદુર માણેકશા

ફિલ્ડ માર્શલ સામ બહાદુર માણેકશાએ એક સમયે અમદાવાદમાં એક જનમેદનીને અંગ્રેજીમાં સંબોધિત કરવાનું શરૂ કર્યું. ત્યાં ઉપસ્થિત મેદનીએ ‘ગુજરાતી’ ‘ગુજરાતી’ એવા નારા લગાવ્યા. “અમે તમને તો જ સાંભળીશુ જો તમે ગુજરાતીમાં બોલશો.” ફિલ્ડ માર્શલ સામ બહાદુરે દેશના સર્વોચ્ચ સૈનિકના સ્વાભિમાન, ડિસિપ્લિન અને કડકાઇ ને આંખોમાં ભરી દઈ ઉત્તર આપ્યો. “મિત્રો, મે મારી કારકિર્દીમાં અનેક લડાઇઓ લડી છે. શીખ રેજિમેન્ટના સૈનિકો પાસેથી હું પંજાબી શીખ્યો; મરાઠી, મરાઠા રેજિમેન્ટ પાસે. બંગાળ સેપર્સના જવાનો પાસે બંગાળી, બિહાર રેજિમેન્ટ પાસે હિન્દી; નેપાળી પણ શીખ્યો ગોરખા રેજિમેન્ટ પાસે. બદનસીબે કોઈ ગુજરાતી સૈનિક ન મળ્યો કે જેની પાસે હું ગુજરાતી શીખી શક્યો હોત.’’
ટાંચણી પડે તો પણ અવાજ સાંભળાય, સન્નાટો અનુભવી શકાતો હતો…….

સૌજન્ય : ફિલ્ડ માર્શલ સામ માણેકશા – સોલ્જરિંગ વિથ ડીગ્નિટી

કિસ્સો 2:

વચ્ચે અમેરિકી પ્રમુખ જે.એફ.કે. જમણે ડીન રસ્ક

અમેરિકન પ્રમુખ જોહન એફ કેનેડીના સેક્રેટરી ઓફ સ્ટેટ, ડીન રસ્ક, 1960ના ઉત્તરાર્ધમાં ફ્રાંસમાં હતાં ત્યારે ચાર્લ્સ દ ગોલ, તત્કાલિન ફ્રેંચ પ્રમુખે નાટો સંગઠનમાં થી અલગ થવાનું નક્કી કર્યું. દ ગોલે કહ્યું કે અમેરિકી સેનાઓ ને ફ્રાંસમાં થી તુરંત હટાવી લેવામાં આવે. રસ્કનો વળતો ઉત્તર આવ્યો, “શું આમાં અમારા એ 1,80,000 સૈનિકો પણ સામેલ છે જે અહી ફ્રાંસ માટે લડાઈમાં કુરબાન થઇ કબરોમાં દટાયેલાં પડ્યા છે.
દ ગોલ નિરુત્તર હતાં…
ટાંચણી પડે તો પણ અવાજ સાંભળાય, સન્નાટો અનુભવી શકાતો હતો…….
સૌજન્ય : સી.એન.એન. આર્કાઇવ્સ

કિસ્સો 3:

પેટ્ટિ ઓફિસર મૌર્ય સાહેબ યુવાનીમાં

પ્રદીપ કુમાર મૌર્ય, 65 વર્ષના ભારતીય સદગૃહસ્થ વિમાન દ્વારા ઢાકા પહોંચ્યા. બાંગ્લાદેશી કસ્ટમ ચેકિંગમાં તેમને પોતાના હેંડબેગમાંથી પાસપોર્ટ શોધવામાં થોડી મિનિટો લાગી ગઈ. આ સમયના વ્યય થી અકળાયેલા સ્વરે કસ્ટમ અધિકારીએ તેમને પુછ્યું, શ્રીમાન આપ પહેલા ક્યારેય બાંગ્લાદેશ આવ્યા છો?
શ્રી. મોર્યએ કબૂલ્યું કે તેઓ આ પહેલા પણ બાંગ્લાદેશમાં આવી ચૂક્યા છે. “તો તમને એટલી ખબર હોવી જોઈએ કે તમારો પાસપોર્ટ તૈયાર રાખો.”
હિન્દુસ્તાનીએ જવાબ આપ્યો, “છેલ્લે જ્યારે હું અહી આવેલો ત્યારે મારે પાસપોર્ટ બતાવવો નહોતો પડ્યો.”
“અશક્ય. ભારતીયોએ બાંગ્લાદેશમાં અરાઈવલ સમયે, હમેશા તેમના પાસપોર્ટ દેખાડવાજ પડે.” કસ્ટમ અધિકારી બરાબરનો ગિન્નાયો.
ભારતીય વડીલે પેલા બાંગ્લાદેશીને ધારદાર નજરે નખશીખ ઘુર્યો પછી શાંતિ પૂર્વક ઉત્તર વાળ્યો…
“1971નાં વર્ષે ડીસેમ્બર મહિનાનાં બીજા અઠવાડિયામાં સવારે 5 કલાકે, જયારે મેં ભારતીય યુદ્ધજહાજમાંથી ઉતરીને ચિતાગોંગનાં દરિયા કિનારે આ તમારા દેશને આઝાદી અપાવવા પગ મુક્યો, ત્યારે મને એક પણ બાંગ્લાદેશી ન દેખાયો, કે જેને હું પાસપોર્ટ દેખાડી શકું….”
ટાંચણી પડે તો પણ અવાજ સાંભળાય, સન્નાટો અનુભવી શકાતો હતો…….
સૌજન્ય : વેટરન પેટ્ટી ઓફિસર પ્રદીપ કુમાર મૌર્ય

લેખક – પૂર્વ નૌસૈનિક મનન ભટ્ટ

ટીપ્પણી