પાઈલટ બનેલા સુરતના યુવાને કોલકતાથી ફ્લાઇટ ઉડાવી વતનમાં જ લેન્ડિંગ કરી

એરક્રાફ્ટ એન્જિનિયરિંગ બાદ કમર્શિયલ પાઈલટ બની ફ્લાઇટ લઈને આવ્યો

“મંઝિલ ઉન્હી કો મિલતી હૈ, જીનકે સપનોમેં જાન હોતી હૈ, સિર્ફ પંખો સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ…” આ પંક્તિ સુરતના યુવાન પાઈલટે સાર્થક કરી બતાવી છે. અત્યાર સુધી રોડ કે ટ્રેન મારફતે સુરત આવતો સમર દેસાઈ રવિવારે પોતાના વતન સુરતમાં સ્પાઇસ જેટની ફ્લાઈટના કર્મશિયલ પાઈલટ તરીકે કોલકાત્તાથી 747-800 બોઇંગ ઊડાવીને સુરત એરપોર્ટ પર લેન્ડ થતાં પરિવાર અને સુરતવાસીઓ માટે આ ક્ષણ અવિસ્મરણીય બની ગઈ હતી.

નાનપણમાં આકાશમાંથી ઉડતા વિમાનને જોઈને પાઈલટ બનવાના સપના જોનાર સમરે પ્રથમ મુંબઈના પવનહંસ અને બાદમાં ઑસ્ટ્રેલિયાના સિડની ખાતે કમર્શિયલ પાઈલટની ટ્રેનિંગ લીધી હતી. પાયલટ તરીકે પ્રથમવાર સુરત આવેલા સમર દેસાઈએ પોતાના સંઘર્ષની વાતો સાથે યુવાનોને ગ્લેમરસ એવી એવિએશન ઇન્ડસ્ટ્રીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

અશોકભાઈ દેસાઈ અને કેતકીબેન દેસાઈના એકના એક પુત્રની પાઈલટ બનવાની આકાંક્ષાને પૂર્ણ કરવા માટે જિંદગીને તમામ મૂડી પાછળ લગાવી દીધી હતી, પિતાની નાદુરસ્તીનો પડકાર છતાં સામે હિમાલય જેવું લક્ષ્ય સમરના ધ્યેયની આગળ ઝૂકી ગયું હતુ.

સુરતમાં રવિવારે સ્પાઇસ જેટની કોલકાતાથી સુરત ફલાઈટનો બોઇંગ 737-800 એરક્રાફ્ટ લેન્ડ કર્યા પછી સમર દેસાઈએ “ નવગુજરાત સમય “ સાથે તેની સંઘર્ષમય સફરની વાતો વાગોળી હતી. તેમણે કહ્યુ કે, શરૂઆતમાં એરક્રાફ્ટ એન્જિનિયરિંગ કરવા છતાં વિમાન ઉડાડવાનું મળી શક્યું ન હતું. આગળ જવા મથામણ કરી તો ઓસ્ટ્રેલિયામાં કમર્શિયલ પાઈલટની ટ્રેનિંગ લેવી જરૂરી હોવાનું જાણવા મળતાં ઓસ્ટ્રેલિયા પહોંચી ખૂબ પરિશ્રમ કર્યો હતો. ત્યારપછી સંઘર્ષ ચાલુ જ રહ્યો અને ઇજિપ્તમાં બોઇંગ 737-800 એરક્રાફ્ટની ટ્રેનિંગ લીધા બાદ પણ પાઈલટની જોબ મળી નહીં.

જોકે પાંચેક વર્ષ બાદ નશીબ આડેથી પાંદડું દૂર થવાની સાથે એકની જગ્યાએ બબ્બે એરલાઇન્સ કંપનીઓ તરફથી જોબની ઓફર કરવામાં આવી હતી. હાલમાં સમર 1000 કલાક કરતા વધુ સમય પેસેન્જર એરક્રાફ્ટ ફ્લાય કરી ચુક્યો છે. સુરતના નવયુવાનોને આ ફિલ્ડમાં વધુ સંઘર્ષ કરવો ના પડે તે માટે ટ્રેનિંગ સહિતની તમામ મદદ કરવા સમરએ ખાત્રી પણ આપી હતી. સમરે ડોમેસ્ટિક ઉપરાંત દુબઈ- થાઈલેન્ડ- ઇન્ડોનેશિયા સહિતના ડેસ્ટિનેશનો માટે પણ ફ્લાઈંગ કર્યું છે. સમરને ફ્લાઇટ ઉડાડવા ઉપરાંત ફોટોગ્રાફીનો પણ શોખ છે.

પથારીવશ પિતાએ આપેલી હિંમત પ્રેરકબળ બની રહી: સમર દેસાઈ

મારા પરિવાર અને ખાસ કરીને મારા પિતાનું સપનું હતું કે હું પાઈલટ બનું, પિતાની કિડનીની બીમારીના પગલે એક સમયે પાઈલટ બનવાનું સપનું તોડી નાખવાનું વિચાર્યું હતું. પરંતુ પથારીવશ પિતાએ હિંમત આપી હતી અને એક વર્ષ સિડની ખાતે ટ્રેનિંગ લેવા માટે મોકલ્યો હતો, જે મારા માટે પ્રેરકબળ બની રહ્યું હતુ.

સૌજન્ય :- ચેતન શેઠ

ટીપ્પણી