‘પીચર’ની ટીકીટ

રાજકોટમાં રેસકોર્સની સામે જ એ ગોલા વેચતો. ‘વિજય ગોલાવાળા’ નામની એની રેંકડી. ગેલેક્સી સિનેમાનો શૉ છૂટે એની દસ મિનિટ પહેલેથી ઉભો રહી ગયો હોય.. ભોલો, શરબતના એક બે શીશા અને બરફની છીણના મશીનવાળી તૂટલીફૂટલી રેંકડી સાથે. શૉ છુટતાં જ લોકોનું ધાડું બહાર નીકળે ત્યારે ભોલાને બે વાતની કાગડોળે રાહ હોય. એક તો, એની બોણી થાય અને બીજું એના કાને ‘પીચર’ની એક બે વાત પડે તો મજો મજો થઈ જાય. એમાંય એકાદો કોઈ માણસ ગોળા ખાવા ઉભો રહી ગયો હોય તો બરફની છીણ બનાવતા બનાવતા કાન સરવા રાખીને ભોલો પીચર અને ‘અમીતાબચન’નો થોડોક ચિતાર મેળવીને ખુશ ખુશ થઈ જાતો.

ઘરાકી ન હોય ત્યારે ગોળાની ચૂસકી લેતો હોય એમ બચ્ચનના ચિતરેલા પોસ્ટરને આંખોથી પી જતો. રેકડીનું નામ પણ ‘વિજય’ કાંઈ અમથું રાખ્યું’તું? રોજની એકાદ રૂપિયા જેટલી કમાણી, ને ઘરમાં ખાનારા સાત.. ભોલાના બચ્ચનને પરદા પર જોવાના ઓરતા પોસ્ટર સુધી જ રહી જતા.

સિનેમા સામે તાકીને વિચાર્યા કરતો,”ગેલેક્સીમાં તો મોટા માણહ પીચર જોવે. આપડે તો ધરમ ટોકીજમાં ‘વીર માંગડાવાળો’ જ પોહાય.”

આજેય કાંઈ ખાસ ઘરાકી હતી નહીં એટલે ‘દિવાર’ના પોસ્ટરને લાલચભરી નજરે જોતો બેઠો જ હતો, ત્યાં જ એની નજર રસ્તા પરની વપરાયેલી ટીકીટ પર પડી, બચ્ચનનો ફોટોય હતો એમાં. ધારી ધારીને જોયા પછી ધીરેકથી એણે ખિસ્સામાં સરકાવી દીધી. રાત્રે કિસાનપરા પાછળની વસાહતમાં એના ઝુંપડામાં છોકરાઓનો અડ્ડો જામ્યો હતો. વચ્ચે ભોલો ઠાઠથી બેઠો હતો અને કહેતો હતો..”આજે તો કાંંય વકરો થ્યો, તે મેં તો તૈણ રૂપિયા ખરચી નં ટિકિટ લીધીને દિવાર પીચર જોયું.. આમ મોઢા ફાડીનં કાંં જોવો? જોઈ લ્યો આ ટીકીટ.. ગેલેક્સીની સે. અમિતાબચન તો સું જાઈમો સે! હાલ એય પવલા..મારી મોર થા નં કનુભાઈ ન્યાંંથી મારે હાટુ પાન લેતો આય તો..”

ને, ભાઈબંધોમા ભોલાનો રોલ અત્યારે દિવારના ‘વિજય’થી જરાય કમ ન હતો.

લેખક – મેધા અંતાણી

ટીપ્પણી