કાઠિયાવાડી સ્વભાવ : ભોળા કે મુરખ? દેશી કે બેફિકરે?

કાઠિયાવાડી સ્વભાવ : ભોળા કે મુરખ? દેશી કે બેફિકરે?

પેલો બહુ જૂનો ચવાઈ ગયેલો જોક છે, ‘એક ભાઈ રાતની ટ્રેનમાં અમદાવાદ આવી રહ્યા હતા, અને ઊંઘ માંથી ઉઠી રેન્ડમલી કોઈ સ્ટેશન આવતા બારી માંથી પૂછ્યું કે કયું સ્ટેશન છે આ?’ અને જવાબ મળે છે કે 10 રૂપિયા આપો તો કહું અને એ ભાઈને ખ્યાલ આવે છે કે અમદાવાદ આવી ગયું! ઓકે, આપણે પૂર્વગ્રહનાં UV લેન્સ કાઢીને સમજવાનો પ્રયત્ન કરીએ! છેલ્લા એક દાયકાનો અનુભવ કહું તો અમદાવાદીઓ અને કાઠિયાવાડીઓ વચ્ચે સતત એક કોલ્ડ વોર ચાલતી રહે છે, એકબીજાને ભાંડવાની, કોસવાની અને સતત બંને પક્ષે ટીકાઓ થતી રહે છે.

આપણે સૌ માણસની બોલી પર થી જ એને જજ કરી લઈએ છીએ, અને ત્યાં જ કાચું કપાય છે. કાઠિયાવાડી માઈન્ડસેટ સહેજ પણ પ્રેક્ટિકલ નથી પણ એનામાં સુઝ-સમજ અને ઈન્ટેલેક્ટ ઠાંસોઠાંસ ભરેલું છે. અમદાવાદી જીવ પોતાના સગાઓને સ્માર્ટલી કહેશે, ‘ઉબર છેને બકા, એરપોર્ટ થી કરી લેજે, હવે તો 49 અને 99 ની સ્કિમ ચાલે છે!’. સૌરાષ્ટ્રમાં એકદમ રિવર્સ પરિસ્થિતિ છે: રાજકોટ કે જામનગરમાં તમે કોઈને સરનામું પુછો તો જો નજીક હશે તો તમને એ ભાઈ છેક તમારા ડેસ્ટિનેશન સુધી મૂકી પણ જશે! તો શું સૌરાષ્ટ્રમાં લોકો નવરા છે, એકદમ કામધંધા વગરનાં? જી ના, અહીં એકબીજા માટે લોકોને (અજાણ્યા માટે પણ) જે કન્સર્ન છે, મદદ કરી છુટવાની એક ધગસ છે એની કોઈ સરખામણી ન થઇ શકે.

સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં અજાણ્યાને ચા-પાણી પીવડાવવા અને બેલ મારો તો બારણું રોકડા 2.75 ઇંચ ખોલી ‘કોનું કામ છે?’ પુછવા જેટલો ફર્ક છે! અહીં અમદાવાદમાં સૌરાષ્ટ્રથી આવતા યંગસ્ટર્સ કાઠિયાવાડી બોલે ત્યારે પીઠ પાછળ એમને ‘દેશી તમંચો’ અને ક્યારેક વાતને વધુ મોણ નાંખી કહેવાની આદતને કારણે ‘રોકેટિયા’ પણ કહેવાય છે! કાઠિયાવાડીઓનો એક બીજો ગુણધર્મ છે હંમેશા કમ્ફર્ટ ઝોનમાં જ રહેવાનો! એ સમાધાન કરી પરત ફરી જશે પણ મુશ્કેલી અને હાલાકી સહન નહિ કરે, અમદાવાદનું બાપુનગર મિત્ર ચિંતન મહેતા કહે છે એમ ગારિયાધાર-અમરેલીથી છલકાય છે! બાપુનગર હોય કે સુરતનાં વરાછા-કતારગામ, કાઠિયાવાડીઓએ પોતાના Ghetto (એક નાના ગામ) બનાવી દીધા છે જ્યાં એમનાં સંતાનો પણ બીજા કાઠિયાવાડીઓ વચ્ચે જ ઉછરે!

 

અમદાવાદીઓનો આખાબોલો સ્વભાવ એ સૌરાષ્ટ્રવાસીઓને નથી પચતો, તો સૌરાષ્ટ્રનો અતિ આગ્રહી સ્વભાવ અને સરસ રીતે મિક્સ થઇ જવાની આદતને અમદાવાદીઓ ‘કાઠિયાવાડીઓ કોણી એ ગોળ લગાડવામાં માહેર’ કહીને ઉતારી પાડે છે! કાઠિયાવાડી છોકરો અમદાવાદ કે વડોદરા આવી પ્રેમમાં પડે તો એ ઓલમોસ્ટ ‘હાફ ગર્લફ્રેન્ડ’નો માધવ ઝા જ હોય છે જે તરત ઓડ વન આઉટ અલગ તરી આવે છે. પરિણામે થાય છે એવું, કોલેજ સુધી ભણેલા કાઠિયાવાડી યુવાનો આગળ જઈ ભલે ફોરેન યુનિવર્સીટીમાં પણ ભણ્યા હશે કે બીજે મેડિકલ કોલેજમાં ડોક્ટર બન્યા હશે પણ વાઈફ તો સૌરાષ્ટ્રની જ લાવશે! અનુકૂલન તો સાધવાનું ને સાહેબ….

પાનનાં ગલ્લે શર્ટનું પહેલું બટન ખુલ્લું રાખી મોઢામાં ગુટખા ભરાવી ત્રણ-ચાર કલાક બેસી રહેવું એ અવગુણ કેમ નથી જતો? બદલાતી જનરેશન હવે આ બધાથી દૂર રહે છે તો એ સૂકા સાથે લીલું પણ કેમ બળે છે? વ્યક્તિની બોલી થી એનું આકલન કરી લેવું એ તો મુર્ખામી છે….વર્તન માહૌલ થી બને છે, માણસ એની આસપાસનાં વાતાવરણ થી ઘડાય છે. સ્વાભાવિક છે કે અમદાવાદ કે વડોદરામાં કોસ્મો ક્લચર મળવાથી, સહકર્મીઓ નોન ગુજરાતી હોવાથી અંગ્રેજી પરનું પ્રભુત્વ હોય કે સોફિસ્ટિકેશન હોય બધામાં અહીં ફર્સ્ટ મુવર એડવાન્ટેજ મળવાનો! પણ પાણી એનો રસ્તો કરી લે છે, એવી જ રીતે સૌરાષ્ટ્ર થી આવતા ધ્રાંગધ્રા થી ધોરાજીનાં બ્રાઇટ યંગસ્ટર્સ પોતાનું એક સ્થાન બનાવી જ લે છે!

શેરબજારનું જ્ઞાન એ અમદાવાદમાં ગળથુથીમાં પિવડાવાય છે, સૌરાષ્ટ્રમાં ખાસ ફાયનાન્સિયલ પ્લાનિંગ કે કરિયર પ્રત્યે સભાનતા ન હોવાથી એ બાબતમાં લોકો પાછળ પડી જાય છે! ઉડાઉ અને મોજીલો સ્વભાવ ક્યારેક બળતામાં ઘી ઉમેરે છે, સવારે મોડા ઉઠી રાત્રે મોડે સુધી જાગવું એ સૌરાષ્ટ્રની તાસિર છે! છોકરાઓ છોકરીઓ સાથે કોન્ફિડેન્સથી તો દુર નોર્મલી પણ વાત નથી કરી શકતા કારણકે પહેલેથી જ કો-એજ્યુકેશન જેવું કઈં રાખવામાં જ નથી આવ્યું! અલગ અલગ ભણી, મોટા થઇ મા-બાપ કહે ત્યાં પરણી જવું એ સૌરાષ્ટ્રનાં સંતાનોની શિક્ષાપત્રી છે! કોઈ જો આડું અવળું થઇ અહીં આવી પ્રેમમાં પડે તો બહુ માછલાં ધોવાય છે!

સૌરાષ્ટ્રની આ બંધ દિમાગ માનસિકતા એ આખા વિસ્તારને માનસિક રીતે લગભગ એક દાયકો પાછળ રાખી દીધું છે એ હું એક કાઠિયાવાડી તરીકે સ્પષ્ટપણે કહી શકું છું! અંગ્રેજી પણ તમે કાઠિયાવાડી ટોનમાં બોલો અને વર્ષો વિતવા છતાં ન શીખો એ આજનાં મારફાડ સમયમાં કેમ ચાલે? સૌરાષ્ટ્રમાં કોઈ બે જણની આંખો મળી જાય, પ્રેમ થાય પછી લગ્ન મોટેભાગે બીજે ક્યાંક જ થાય છે? કેવીક હોય છે ‘સૌરાષ્ટ્રની લવ સ્ટોરીઝ’?? કાલે વાત કરીશું!!

લેખક – ભાવિન અધ્યારુ

ટીપ્પણી