પેલો કોળિયો – આંખ ભીની ના થઇ જાય જો જો ! – મુકેશ સોજીત્રા !!

સાંઈબાબાના મંદિર ની આજુબાજુ એ અચૂક જોવા મળે. ઉમર હશે પચાસની આજુબાજુ.. એક તો ભિખારી અને એ પણ ગાંડો એટલે કપડાં ના ઠેકાણા તો હોય નહીં. વાળ વધી ગયેલાં!! ક્યારેક એ નળ નીચે પહેરેલ કપડાં સાથે જ નાહી લે!! કોઈ વળી ટી શર્ટ આપે તો એ પહેરે બાકી ફાટેલું જીન્સનું પેન્ટ હોય..

એને જોવા લોકો ટોળે વળતા પછી તો એ મંદિર એ ગાંડા ભિખારીને કારણે જ પ્રખ્યાત થઈ ગયેલું. નાના છોકરા થી માંડીને મોટેરા સહુ એ ગાંડા ભિખારીને જોતાં.. મહેમાન આવે તો મંદિરે લઇ જાય અને ભગવાનની પહેલા એ ભિખારીનાં દર્શન કરાવે અને ધન્યતા ના અનુભવ કરાવે!! તમે આપો એ બીડી ગાંડો ભિખારી પી જાય.. !!

ઘણા વાતો કરતા કે કોઈ છુપી પોલીસનો માણસ છે તો કોઈ કહેતા કે ગયાં જન્મનો અભાગી આત્મા છે.!! કારણ ગમે તે હોય પણ એ ગાંડા ને કારણે મંદિર ધમધોકાર ચાલ્યું!!

એને કોઈ જમવાનું આપે તો એ નિરાંતે પલાંઠી વાળીને બેસી જાય!! ભોજનમાંથી પેલો કોળિયો એ હાથમાં લઈ આજુબાજુ જોવે!! ઉપર નીચે જુએ!! આંખમાંથી આંસુ પડે અને એ કોળિયો આજુબાજુ કોઈ કૂતરા ને નાંખી દે બીજો કોળિયો એ ખાઈ જાય!! અને પછી એ ઉભો થાય ને દોડવા લાગે!! આ એક જ એની ખાસિયત ને કારણે એ પ્રખ્યાત!!

આમ એની કોઈ રંજાડ નહીં!! છોકરાં હેરાન કરે તોય એ કાંઈ ના બોલે પથ્થર મારે તો પણ એ કઈ ના બોલે એક વૃદ્ધ મિશ્રાજી નીકળે એટલે એની પાસે બેસી જાય!! મિશ્રાજી એને એક બીડી આપે અને એ સળગાવે!! અને પછી એ પાછો દોડવા લાગે!! ઘણાં મિશ્રાજીને એને વિશે પૂછતાં પણ કોઈ જ જવાબ ના મળતો!!

એક વાર કોલેજની છોકરીઓ સાંઈબાબાના દર્શન કરવા આવી અને પેલા ને ભોજન આપ્યું. રાબેતા મુજબ એણે એક કોળિયો લઈને આજુબાજુ જોયું. બે આંસુડાં પાડ્યા અને એક બીજો કોળિયો ખાધો.. છોકરીઓને રમત થઈ એ પેલાને ખીજવવા લાગી.. હાથમાં કોળિયો લઈ ને ભિખારીની પાછળ પડી અને ઓલ્યો આડેધડ દોડે..

અને પછી એ તો એ વિચિત્ર અવાજ કરવા લાગ્યો.. છોકરીઓને રમત થઈ અને મિશ્રાજી આવી ગયાં ને પેલો ચૂપ થઈને બેઠો..અને રોવા લાગ્યો..!!!

મિશ્રાજી એ બધાને ધમકાવ્યા

“શરમ કરો શરમ તમને ખબર છે એ કોણ છે?, એક વખત તમારી જેમ જ એ યુવાન હતો. હોંશિયાર હતો. આ શહેરમાં જ ભણતો હતો. એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો. મારી હોટેલમાં જ એ છોકરી સાથે જમવા આવતો. જમતી વખતે એ પેલો કોળિયો એ છોકરીને ખવરાવતો.

અને પછી જ એ જમતો.. આ એનો રોજનો ક્રમ !! એ છોકરી બીજા સાથે નાસી ગઈ અને આ ગાંડો થઈ ગયો છે, કુટુંબીજનોએ છોડી દીધો પણ એણે એની ટેવ ના છોડી, એ બધું જ ભૂલી ગયો પણ એક વાત નથી ભુલ્યો!! એ આજે પણ પહેલા કોળિયાં માટે એ છોકરીને શોધે છે, શરમ કરો શરમ કરો.” અને સહુ ભીની આંખે વિખરાઈ ગયાં!!

લેખક : મુકેશ સોજીત્રા

આપ સૌ ને આ વાત સ્પર્શી હોય તો આગળ શેર કરજો !!

ટીપ્પણી