મધ્યમ વર્ગનો છોકરો કેવી રીતે દેશનો સૌથી યુવાન અબજોપતિ બની ગયો ?

મધ્યમ વર્ગનો છોકરો કેવી રીતે દેશનો સૌથી યુવાન અબજોપતિ બની ગયો ?

સ્વભાવે શર્માળ એક હિન્દી મિડિયમમાં ભણેલો સામાન્ય છોકરો કેવી રીતે બની ગયો દેશનો સૌથી યુવાન અબજોપતિ.
શું તમને ખબર છે ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામ સાથે જોડાયેલો આ વ્યક્તિ દેશનો સૌથી યુવાન અબજોપતિ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ વ્યક્તિ એક વખતે એવા સમયમાંથી પસાર થઈ રહ્યો હતો જ્યાં તેની પાસે ખાવા માટે ખીસ્સામાં પૈસા નહોતા. દરેક મુશ્કેલીઓનો અડગ રીતે સામનો કરતા તેણે 24% ના વાર્ષિક વ્યાજ દર પર પૈસા લોન પર લઈ એક વ્યવસાયને સફળતાના શીખરે પોહંચાડી દીધો. આ કંપનીનો એક-એક રૂપિયો તેના સંઘર્ષની કથા વ્યક્ત કરે છે. સામાન્ય રકમથી શરૂઆત કરી દેશના રીટેઇલ બજારમાં ક્રાંતિ લાવનાર આ વ્યક્તિની કથા ખુબ જ પ્રેરણાદાયી છે.કોણ છે આ વ્યક્તિ જેણે 67000 કરોડ રૂપિયાનો વ્યવસાય ઉભો કરી દીધો ?

વિજય શેખર શર્મા આજે ભારતીય ઉદ્યોગ જગતના સૌથી જાણીતા નામોમાનું એક છે. ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના એક નાનકડા ગામમાં એક મધ્યમ-વર્ગના કુટુંબમાં જન્મેલા વિજય બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતા. ગામની હિન્દી મિડિયમ શાળામાં તેમણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેમણે માત્ર 12 વર્ષની ઉંમરમાં દસમું અને 14 વર્ષની ઉંમરમાં ઇન્ટર પાસ કરી લીધું હતું.પોતાની બહેનને પોતાનો આદર્શ માનનારા વિજયે આગળના અભ્યાસ માટે દીલ્લી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો. કારણ કે વિજયે પોતાનો અભ્યાસ હિન્દી મિડિયમમાં કર્યો હતો, માટે તેમને અવારનવાર કોલેજમાં અંગ્રેજીના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પણ પોતાની આ નબળાઈના કારણે તેમણે ક્યારેય પોતાના આત્મવિશ્વાસને નબળો ન પડવા દીધો. એક મધ્યમ-વર્ગમાંથી આવનારા વિજય રૂપિયાના મહત્ત્વને ખુબ સારી રીતે જાણતા હતા, માટે તેમણે કોલેજમાં જ એક મિત્ર સાથે મળીને બિઝનેસ શરૂ કરી દીધો.

શું હતો વિજયનો બિઝનેસ આઇડિયા અને પછી તેમણે કેવી રીતે Paytmનો પાયો નાખ્યો ?1997માં વિજયે પોતાના એક મિત્ર સાથે મળીને ઇન્ડિયા સાઇટ ડોટ નેટ નામની એક કંપની ખોલી. જો કે પાછળથી તેનો સોદો એક અમેરિકન કંપની સાથે કરી પોતે તે જ કંપનીમાં નોકરી કરવા લાગ્યા. લગભગ એ વર્ષની નોકરી કર્યા બાદ તેમને પોતાનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર આવ્યો. સિલિકોન વેલીમાં મોટી-મોટી કંપનીઓને જોઈ વિજયે પણ સ્વપ્ન જોવા શરૂ કરી દીધા. પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે તેમણે જોબને વિદાય આપી દીધી અને ભારત પાછા ફર્યા.વર્ષ 2001માં પોતાની બચતથી તેમણે One97 નામની એક કંપનીની શરૂઆત કરી. આ કંપની મોબાઈલ સાથે જોડાયેલી વેલ્યુ એડેડ સર્વિસિઝ જેમ કે એગ્ઝામ રિઝલ્ટ્સ, રિંગટોન્સ, સમાચાર, ક્રિકેટ સ્કોર, જોક્સ વિગેરેની સેવા આપતી હતી. ધીમે ધીમે કંપની મોટી થતી ગઈ અને હચ, એયરટેલ જેવી મોટી ટેલિકોમ કંપનીની સાથે કરાર કરવામા સફળ રહી. પરંતુ દુર્ભાગ્ય પૂર્ણ રીતે 2011માં આર્થિક વિશ્વમાં ભયંકર પડતી આવવાના કારણે કંપની ખોટમાં જતી રહી. અને પરિણામ રૂપે વિજય એક રીતે દેવાળિયા બની ગયા.કેવી રીતે વિજયે હાર ન માનીને 24% ટકાના વાર્ષિક વ્યાજ દર પર લોન લઈ કંપનીને ફરી ઉભી કરી ?
આ ખરાબ સમયમાં વિજયે પોતાના મિત્ર અને કેટલાક સંબંધીઓ પાસેથી 24 ટકાના વાર્ષિક વ્યાજ દર પર પૈસા ઉધાર લીધા. કંપની ફરી શરૂ થઈ પણ તેમાંથી જે પણ આવક થતી તે બધી લોકો પાસેથી ઉધાર લીધેલા રૂપિયાના વ્યાજ, ઓફિસનું ભાડુ, કંપનીના 22 કર્મચારીઓના પગાર પાછળ ખર્ચાઈ જતી. વિજય માંડ માંડ પોતાની ખીસ્સા ખર્ચી માટે પૈસા બચાવી શકતા. વિજય માટે આ સમય ખુબ જ પડકારજનક હતો. તેમણે પોતાના વ્યક્તિગત જીવનની કેટલીક સુવિધાઓ પણ છોડી દીધી હતી. તેમણે કાર છોડી બસ-ઓટોમાં સફર કરવા લાગ્યા હતા અને ભોજનની જગ્યાએ ચા-બિસ્કિટથી જ કામ ચલાવવાનું શરૂ કરી દીધું.

ઘરનું ભાડુ નહીં ચૂકવી શકવાના કારણે વિજય હંમેશા ઘરે મોડા જતા અને સવારે વહેલા જ ઘરેથી નીકળી જતા. તંગીના આ સમયમાં તેમણે કન્સલટન્ટ તરીકે એક જગ્યાએ નોકરી પણ શરૂ કરી દીધી. જો કે આ કપરી સ્થિતિમાં પણ વિજયે ક્યારેય સ્વપ્ન જોવા ન છોડ્યા અને બિઝનેસ માટે કોઈ એક નવા અવસરની શોધમાં લાગી ગયા.

છેવટે વિજયના મગજમાં એવો કયો આઇડિયા આવ્યો જેણે તેમને ભારતના સૌથી ધનાડ્ય યુવાન બનાવી દીધા ?
હોટમેઇલના સંસ્થાપક સબીર ભાટિયા અને યાહૂના સંસ્થાપક જેરી યાંગ તેમજ ડેવિડ ફિલોને પોતાના વ્યવસાયી આદર્શ માનનારા વિજયને વર્ષ 2010માં ધ્યાનમાં આવ્યું કે ભારતમાં સ્માર્ટફોનનો ઉપયોગ ખુબ જ ઝડપથી વધી રહ્યો હતો. વિજયે આ ક્ષેત્રમાં એક મોટો અવસર દેખાયો અને પછી તેની સાથે જોડાયેલા એક એવા આઇડિયા પર કામ કરવાનું શરૂ કીર દીધું જેનાથી લોકોની સમસ્યાઓનું સોલ્યુશન લાવી શકાય. તેમણે પોતાની જુની કંપની One97 હેઠળ જ પેટીએમ ડોટ કોમ નામની વેબસાઇટ ખોલી અને ઓનલાઇન મોબાઈલ રિચાર્જ સુવિધા શરૂ કરી. જો કે તે સમયે બજારમાં કેટલીએ અન્ય વેબસાઇટ પણ હતી જે મોબાઈલ રિચાર્જ સેવા આપતી હતી પણ પેટીએમની સિસ્ટમ તેમની સરખામણીએ ખુબ જ સરળ અને સીધી હતી. પેટીએમની આ જ ખાસીયતના કારણે લાખો-કરોડો લોકો તેના ગ્રાહક બનવા લાગ્યા. વિજયે ત્યાર બાદ ક્યારેય પાછુ વળીને જોયું નથી અને એક પછી એક પોતાના વ્યવસાયનું વિસ્તરણ કરતા ઓનલાઇન વોલેટ, મોબાઈલ રિચાર્જ, બિલ પેમેન્ટ, બસ તેમજ પ્લેન બુકિંગ, મની ટ્રાન્સફર અને ઓનલાઈન શોપિંગ જેવી બધી જ સુવિધાઓને તેમાં જોડી દીધી.

વિજયની સફળતા પાછળનું રહસ્ય122 મિલિયન સક્રિય ઉપયોગકર્તાઓ અને 130 મિલિયન વોલેટ ઉપયોગ કર્તાની સાથે પેટીએમ આજે 67000 કરોડની કંપની બની ગઈ છે. કંપનીને અહીં સુધી પહોંચાડવામાં વિજયે જે અથાગ પરિશ્રમ અને દ્રઢ સંકલ્પનો દાખલો પુરો પાડ્યો છે તે ખરેખર અનોખો છે.

હાલમાં જ ‘ફોર્બ્સ’ દ્વારા વિશ્વના અબજોપતિઓની લિસ્ટમાં વિજય શેખર શર્મા (39) પોતાની કુલ 11 હજાર કરોડની મૂડી સાથે ભારતના સૌથી યુવાન અબજોપતિ છે.

વિજય શેખર શર્માનું જીવન ખુબ જ પ્રેરણાત્મક છે. તેમણે જીવનમાં જે કંઈ પણ મેળવ્યું છે તે માત્ર તેમની મહેનત અને લગનનું જ પરિણામ છે. કરોડોની કંપની તેમને કંઈ વારસામાં નહોતી મળી. આ કંપનીનો એક-એક પૈસો તેમના સંઘર્ષની કથા વ્યક્ત કરે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક લોકોની વાતો અને માહિતી મેળવો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી