દીલ વીનાનું સંગેમરમરના પથરા સરીખું આ નગર

દીલ વીનાનું સંગેમરમરના પથરા સરીખું આ નગર…..

ક્યાંક કોઈ ઘટના પર બે મીનીટ ચેં ચેં પેં પેં કરતું આ નગર….

યુવાન ભગતસિંહો અહીં આઝાદ છે, તેમની નશોમાં હવે આક્રોશ,તોફાન કે ફનાગીરી નહી પણ રક્ત વહે છે, obc,sc, st, open નામના બ્લડ ગ્રુપનું રક્ત……

વોટ્સેપ પર આંદોલનો થાય છે, વોટ્સેપ પરજ આક્રોશ.. દેશદાઝ અને નવ સર્જનની મશાલો સળગે છે, શબ્દોના રેલાથી શહીદની શ્રધ્ધાંજલી વહે છે, અને વાકસ્ટ્રાઈકથી દુશ્મનોના છક્કા છુટી જાય છે, મોબાઈલના પાંચ છ ઈંચના સ્ક્રીન પર છાતી છપ્પન ઈંચ ફુલે છે…..

હા, દીલ વીનાનું સંગેમરમરના પથરા સરીખું મારું નગર……

અહીં રોડ પર ગાય કાગળ વીણી ખાય છે અને દેશભક્તના દીલમાં એ માતા તરીકે પુજાય છે.

બુઢા ગાંધીજીઓ અહીં ” મારા ફેસબુક ના પ્રયોગો ” લખવામાં વ્યસ્ત છે, સત્ય અસત્યની સોળમાં લપાઈને જીવે છે.

દાંત વીનાના બોખાં મોઢાં આઝાદીને ચુંસે છે. લોકશાહીના લાડમાં આળોટતું મારું દીલ વીનાનું સંગેમરમર ના પથ્થર સરીખું નગર..

જેમાં ભગતસીંહો અને ગાંધીજીઓ સ્ટેચ્યુ બની ગયા છે…. કાશ સરહદના બદલે કોઈ મગજસ્ટ્રાઈક થાય અને આ સ્ટેચ્યુ માંથી કોઈ એક ફરી જીવંત થાય….

મારા નગરમાં જીવવિજ્ઞાન સદંતર ખોટું છે…. અહીં મળદાંઓ દોડે છે, જીવે છે, એમનામાં રક્ત વહેછે… આઝાદ દેશના ગુલામ મળદાંઓ કીલ્લોલ કરે છે..

લેખક – અનીલ કુમાર ચૌહાણ

ટીપ્પણી