હીંચકો – કેમ એક માતા પોતાની દિકરીને ધુત્કારી રહી હતી…

‘હીંચકો’
*******

એ ઝૂલી રહી હતી વર્ષોથી, એકધારી-સતત. ઝૂલવું એ શ્વાસ લેવા જેવી સહજ ક્રિયા હતી એના માટે. સવાર-બપોર-સાંજના ભેદભાવ રાખ્યા વગર, ઋતુઓના બંધન સ્વીકાર્યા વગર એ ઝૂલતી રહેતી.સુંદર મજાનો બંગલો,મોટો જબ્બર પોર્ચ અને પોર્ચમાં લટકતો વાંસનો સિંગલ હીંચકો એ એની બારમાસી જગ્યા.લગભગ પંદરેક વર્ષથી એને આ ‘હીંચવા’ લાગુ પડ્યો હતો.ન કોઈ પડોશી સાથે સંબંધ કે ન સગા વ્હાલાઓ સાથે.કોઈ એને ત્યાં આવે નહીં ને એ કશે જાય નહીં.એને ન ટી.વી. જોવું ગમે, ન વાંચવું.ન ગાવું કે ન સાંભળવું. ટૂંકમાં એમ કહી શકાય કે મોજ-મજા-આનંદ જેવા શબ્દોને એણે શબ્દકોષમાંથી રદબાતલ કરી નાંખ્યાં હતાં.

રાતે પોર્ચમાં હીંચકતી હોય ત્યારે અંધારામાં ઓગળી ગઈ હોય એવું લાગે.ક્યારેક એકધારું હીંચકતી જોઈએ ત્યારે હીંચકાનો પર્યાય બની ગયેલી લાગે.સાવ અવ્યવસ્થિત વસ્ત્રો, સફેદ રુક્ષ વાળ,શરીર પર એકેય શણગાર નહીં અરે…ચાંદલો સુદ્ધા નહીં.ન જાતને સજાવે ન ઘરને. ન જમવાનો શોખ ન જમાડવાનો.એમ કહો ને કે બેરંગ, બેદાગ, સફેદ કાગળ જેવી જિંદગી જીવી રહી હતી.અલબત્ત એમ કહેવું વધું યોગ્ય રહેશે કે એક રંગબેરંગી-ચમકતાં કાગળને રદ્દી બનાવીને જીવી રહી હતી.

આમ તો બહુ જૂની વાત નથી માત્ર થોડાક વર્ષો પાછળ જાઓ તો એક સુંદર ભૂતકાળ મળી આવે!ઉછળતી-કૂદતી ઝરણાં જેવી ચંચળ સંધ્યા જીગરના ઘરમાં પરણીને આવી ત્યારે ઘરનો ખૂણેખૂણો ઝળહળાં થઈ ગયો હતો.ઉમંગ અને ઉત્સાહથી ફાટફાટ થતી સંધ્યા જીવનને કચકચાવીને જીવવામાં માનતી.જીવનરસનો એક એક ઘૂટ માણવામાં માનતી.પોઝીટિવિટીનો તો જાણે લાઈફટાઈમ કોર્સ કર્યો હોય એવી વિચારધારા.એને અઢળક શોખ, એની અસંખ્ય માંગણીઓ.એની તમામ જીદ એ કેમેય કરીને પૂરી કરાવતી.

એના સિમંત પ્રસંગે એનો ઠાઠ જુઓ તો ઓળખી પણ ન શકો.શું શણગાર ! શું રૂપ ! આહા…!સાંજીની સાથે રાસગરબા પણ રાખ્યાં.
વળી કહે’ મારા બાળકનું સ્વાગત આમ રંગેચંગે થાય તો એ પણ મારા જેવો જીવનથી ભરપૂર થાય.’
સખીઓ એને ચીડવે ‘આ ‘જેવો’એટલે શું? તને ખાતરી છે કે દીકરો જ આવશે?’
એ મસ્તક ટટ્ટાર કરી કહેતી’સંધ્યા મહેતાને ત્યાં દીકરી આવે જ નહીં.આ કરોડોની સંપત્તિનો વારસદાર આવશે જો જો..! અમારા ઘડપણનો આધાર આવશે.’

એ દિવસે હોસ્પિટલનાં લેબર રૂમમાં એ કણસતી હતી.ચહેરા પર એક અનોખો આત્મવિશ્વાસ હતો.અમળાતી-ગૂંગળાતી કાયાએ એક છેલ્લો પ્રયત્ન કર્યો અને કૂમળા રૂદનની ગૂંજ વાતાવરણમાં ભળી ગઈ.થાકીને ચૂર થયેલી સંધ્યાએ બંધ આંખે જ ડોકટરને કહ્યું’લાવો…મારા લાડકવાયાનું મોઢું બતાવો મને.’
ડોકટરે હસીને એક ફૂલ જેવો ગુલાબી દેહ સંધ્યાની બાજુંમાં સૂવરાવી ને વધામણી આપી’લાડકવાયાના દિવસો ગયાં. હવે તો લાડકીને વધાવો.’બેટી બચાઓ…બેટી પઢાઓ.’
ડોકટરનાં શબ્દો જાણે સાંભળ્યા જ ન હોય તેમ સંધ્યા એકધારી બાજુંમાં સૂતેલા માદા શરીરને જોઈ જ રહી…બસ…જોતી જ રહી.ઈશ્વર એની સાથે ક્રુર મજાક કરી ગયો હતો અને એ સ્તબ્ધ હતી.

બસ…ત્યારની ઘડી એ આજનો દિવસ !ડોકટરે બાળકીની ગર્ભનાળ કાપી કે સંધ્યાની જીવવનાળ કાપી કંઈ સમજાયું નહીં.સંધ્યા દીકરીનો જન્મ ન પચાવી શકી.એનો ઉત્સાહ-એનો ઉમંગ, એની ચાલની મસ્તી-એની આંખની ચમક બધું જ જાણે લેબરરૂમનાં ખાટલા પર જ સ્વાહા થઈ ગયું.શરીર પરના શણગારની સાથોસાથ જીવનતત્વ પણ ખરી પડ્યું એની હયાતિ પરથી.એ અચાનક ઉષામાંથી સંધ્યામાં તબદિલ થઈ ગઈ જાણે !એ સ્વીકારી જ ન શકી કે સંધ્યા મહેતાને પણ દીકરી જન્મી શકે.

બાળકી અનમોલ મોટી થતી રહી અને સંધ્યા ક્રમશઃ મરતી રહી.મા તરીકેની બધી જ ફરજો મન વગર નિભાવતી રહી.અનમોલ એવી તો વ્હાલુડી કે દુશ્મનનેય ગળે લગાડવાનું મન થાય પણ સંધ્યાએ તો પથ્થરનાં પહેરણ પહેર્યા હતાં.દીકરીને લાડ લડાવવા,એની સાથે કાલીઘેલી વાતો કરવી, એને વાર્તાઓ કહેવી, એની સાથે રમતો રમવી આ બધી ફરજો પિતાએ અદા કરી લીધી.અનમોલ નામ પ્રમાણે અનમોલ હતી. ભણવામાં ખૂબ હોંશિયાર, રમત-ગમત અને અન્ય પ્રવૃતિઓમાં પણ અગ્રેસર રહેતી.સંધ્યા જેવી જ દેખાવડી અને ઉત્સાહી. જાણે સંધ્યાની જ કાર્બનકોપી ન હોય !સંધ્યાને ન એનું રૂપ પીગળાવી શક્યું ન એને મળેલા ઈનામ અકરામ.અનમોલ યુવાન થઈ રહી હતી અને સંધ્યા અકાળે વૃદ્ધ! એણે પોતાની જાતને ઈશ્વર તરફ વાળી લીધી હતી. આખો વખત વ્રત-જપ-તપમાં જ ડૂબેલી રહેતી.હીંચકો એનો એકમાત્ર સાથીદાર. ત્યાં બેસી એ મંત્રજાપ કરતી હશે કે ઈશ્વરને ફરિયાદ કરતી હશે, મૃત્યુ માંગતી હશે કે પોતાની હારનો વસવસો કરતી હશે એ બાપ દીકરી માટે અટકળનો વિષય હતો.પડોશીઓ તો એને ‘સાયકો’ જ સમજતાં.

કોઈ અજાણી જગ્યાએ સૂતેલી સંધ્યાએ ધીમેથી આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો તો અંધારુ ઘેરી વળ્યું.હાથ વડે કશુંક ફંફોસવા લાગી અને શુષ્ક હોઠ પરથી ‘પાણી’ શબ્દ ખરી પડ્યો.અચાનક અજવાળું પથરાયું અને એક સૌમ્ય સ્પર્શ એને ઘેરી વળ્યો.બે મજબૂત હાથે એને બેઠી કરી અને પાણીનો ગ્લાસ હોઠે અડાડ્યો.
એક ફૂટડા યુવાને હસીને કહ્યું ‘પાણી પી લો આન્ટી.’
‘ત..ત..તમે કોણ છો?’
‘માનો તો પોતાનો અને ન માનો તો પરાયો. હું અનમોલનો દોસ્ત આત્મન છું.’
સંધ્યા કશું ન બોલી માત્ર આંખો ઢાળી પડી રહી.
અતિશય કઠોર તપ અને વ્રત-ઉપવાસને કારણે અપૂરતા પોષણવાળો દેહ આખરે જવાબ દઈ ગયો અને એ ઝૂલા પર જ બેહોશ થઈ ઢળી પડી હતી.અત્યારે હોસ્પિટલના બિછાના પર બેસી એ શું થયું હતું એ યાદ કરી રહી હતી પરંતુ મગજમાં જાણે શૂન્યાવકાશ પથરાઈ ગયો હતો.કંઈ જ યાદ આવતું ન હતું.નજર સામે માત્ર સ્વચ્છ ઓરડો,’આન્ટી’નામનું મીઠડું સંબોધન અને પોતાનો કહેવાનું મન થાય એવો આત્મન હતો. એ માથું પકડીને બેસી ગઈ કેમ કશું યાદ આવતું ન હતું?હું ક્યાં હતી? મને શું થયું? હું કેમ અહીંયા છું?
આત્મને એને હળવેથી ટેકો આપી ફરી સૂવરાવતા કહ્યું’આન્ટી..આટલો બધો લોડ ન લો. તમને કશું નથી થયું. અશક્તિને કારણે પડી ગયા હતાં એટલે અહીંયા લઈ આવ્યા છે. અંકલ અને અનમોલ નીચે ડોકટર પાસે છે. ત્યાં સુધી તમારો હવાલો મારી પાસે છે. ચલો…હવે આરામ કરો.’
અતિશય થાક લાગતો હોય તેમ એ ફરી આંખો મીંચી ગઈ.
ધીમા સાદે થતી બોલચાલથી એ ફરી જાગી ગઈ.આંખ સામેના બે ધૂંધળા આકારોને ઓળખવા મથી રહી. માંડમાંડ જીગર અને અનમોલના ચહેરા ઓળખાયા.અનમોલ તો એને આંસૂભરી આંખે વળગી જ પડી.પતિ એના માથા પર વ્હાલભર્યો હાથ ફેરવી રહ્યાં હતાં. સંધ્યાને આ બન્ને સપર્શો સાવ અજાણ્યા લાગતા હતાં.વર્ષો પછી પથ્થર પીગળવા આતૂર બન્યા હતા.જાણે દિવાલની પેલે પારથી કોઈ ટકોરા મારી રહ્યું હતું અને એ ટકોરાં સંધ્યાના અસ્તિત્વને નવો આકાર આપવા તત્પર બન્યા હતાં.

સંધ્યાની સારવાર ઉતમ રીતે ચાલી રહી હતી. લોહીના બાટલા ચડાવ્યાં પછી હવે તબિયતમાં સુધારો હતો.અનમોલ અને આત્મન આખો દિવસ સંધ્યાની આસપાસ હાજર રહેતાં. ફળોનો રસ, નળિયેર પાણી અને દવાની અસર થવા લાગી હતી.પાલક-બીટનો સૂપ એનો ચમત્કાર બતાવી રહ્યો હતો.જીગરની લાગણીભરી હૂંફનો અનુભવ કદાચ પહેલી વાર થઈ રહ્યો હતો.અનમોલનું વ્હાલ એને અંદર સુધી સ્પર્શી રહ્યું હતું.જીગર અને અનમોલ તો ઠીક પણ પેલો અજાણ્યો છોકરો આત્મન પણ એને આત્મિય લાગવા લાગ્યો હતો.ખબર નહીં ક્યા ઋણાનુબંધે તેના પર વ્હાલ આવી રહ્યું હતું.સંધ્યા વિચારી રહી હતી કે આ બધું અત્યાર સુધી ક્યાં ગાયબ હતું? એ લોકો બદલાયા છે કે હું ?કદાચ આ બધું મારા સુધી હું જ પહોંચવા દેતી ન હતી.મારી ફરતે ચણેલી દિવાલની પેલી તરફ આટલો બધો પ્રેમ હતો અને હું સાવ જ અજાણ રહી ગઈ! ક્યારેય કોઈને મારા સુધી આવવા જ ન દીધા!દીકરાનો મોહ મને દીકરીની અવગણના સુધી લઈ ગયો! હું આટલી નિષ્ઠુર કેમ બની ગઈ?

ઘરે જવાનો દિવસ આવી ગયો. પતિ અને અનમોલે તેને સાચવીને ગાડીમાં બેસાડી. સંધ્યાની નજરો આત્મનને શોધી રહી હતી પણ એ તો કાલ રાતથી દેખાયો જ ન હતો.સંધ્યાએ એક સંતોષભરી નજર હોસ્પિટલના બિલ્ડીંગ પર નાંખી. આ જગ્યાએ જ એને જીગર અને અનમોલના પ્રેમનો સાક્ષાત્કાર કરાવ્યો હતો.અહીંથી એ એક નવી જિંદગી પામીને જઈ રહી હતી.રસ્તામાં અનમોલે એકાદ ફોન પર ધીમા સાદે વાતચીત કરી લીધી ત્યાં જ ઘર આવી ગયું.સંધ્યાનું મન તો હોસ્પિટલમાં વિતાવેલા પાંચ દિવસોને વાગોળી રહ્યું હતું.

ગાડી ઘર પાસે ઊભી રહી, અનમોલે હાથ ઝાલી એને સાચવીને ઉતારી. ઘર તરફ નજર નાંખતા જ સંધ્યા થંભી ગઈ!આખું ઘર ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.દરવાજા પર આસોપાલવનું તોરણ હતું. આંગણામાં રંગોળી હતી.ઘરની અંદર અસંખ્ય દીવડાઓ ઝળહળી રહ્યાં હતાં. એ કંઈક બોલવા જાય એ પહેલા જ પાછળથી બે હાથ એની આંખ પર ઢંકાઈ ગયા.કોઈ એનો હાથ ઝાલી અંદર લઈ જઈ રહ્યું હતું.ધીમે ધીમે પોર્ચના પગથિયાં ચડી એ ઉપર આવી અને ત્યાં જ એની આંખ પરથી હાથ હટાવી લેવામાં આવ્યાં.પોર્ચમાં બે જણ બેસી શકે એવો લાકડાની સુંદર કોતરણીવાળો નવો નક્કોર હીંચકો મૂકાઈ ગયો હતો.હીંચકા પર હળવેકથી બેસતાં જ અચાનક આત્મન પ્રગટ થયો સંધ્યાની સાવ અડોઅડ બેસી તેની આંખોમાં આંખ પરોવી બોલ્યો ‘વેલકમ બેક ટૂ યોર લાઈફ..બ્યુટીફૂલ લેડી!’સંધ્યાને અંદરથી વ્હાલનો ઉછાળો આવ્યો અને આંખ વાટે વહેવા લાગ્યો.
આત્મને સંધ્યાની બન્ને હથેળી પોતાના હાથમાં લઈ પૂછ્યું ‘આન્ટી, હું તમારો લાડકવાયો બની શકું?’
સંધ્યા તો બાઘી બનીને જોઈ જ રહી.હળવેથી અનમોલ આત્મનની બાજુંમાં આવી ઊભી રહી, આત્મને કહ્યું’આન્ટી, તમારી દીકરીએ મને પસંદ કર્યો છે, હું તમારા વ્હાલનો વારસદાર બની શકું? મને તમારા ઘડપણની લાકડી બનવા દેશો?’
સંધ્યા આસપાસ જોવા લાગી. ધીમેથી જીગર તેની બાજુંમાં આવી ઊભો રહ્યો. સંધ્યાની આંખમાં વર્ષો જૂના દરિયાઓ ઉમટી પડ્યાં. પતિએ એનો ખભો ધીમેકથી દબાવ્યો અને સંધ્યાએ આત્મનના બન્ને હાથ પકડીને ચૂમી લીધા. એના માથા પર, ગાલ પર, ખભા પર હાથ પસવારવા લાગી જાણે હમણાં જ જન્મેલો પુત્ર એનાં ખોળામાં કોઈ મૂકી ગયું હોય !સંધ્યાની અંદર જાણે કશુંક તૂટીને પીગળી રહ્યું હતું, કંઈક વહી રહ્યું હતું.જાણે કોઈ તૂટેલી નાળ ફરી જોડાઈ રહી હતી.જાણે કોઈ સૂકાયેલી ડાળખી ફરી કોળાઈ રહી હતી.

બીજી સવારે આંખો ચોળતી ચોળતી અનમોલ સંધ્યાના રૂમમાં આવી અને દરવાજામાં જ સ્થિર થઈ ગઈ.તેની આંખ સામેનું દૃષ્ય કલ્પનાતિત હતું. નવી નક્કોર સાડી પહેરેલી સંધ્યા ડ્રેસીંગ ટેબલ પર બેસીને વાળને કલર કરી રહી હતી.આસપાસ ફ્રેન્ચ પરફ્યુમની સુગંધ આવી રહી હતી. મીરરમાંથી આંખો ઉલાળી અનમોલને ‘ગૂડ મોર્નીંગ’ કહેતી સંધ્યાને જોઈ અનમોલ હરખથી પાપાને ઉઠાડી આવી. બાપ દીકરીએ સંધ્યાને વ્હાલથી ગૂંગળાવી નાંખી.ત્યારે જ દરવાજા પર મીઠડું હસતો આત્મન હાથમાં બ્રશ પકડેલી સંધ્યાને મોબાઈલની ક્લીકથી સેવ કરી લેતા બોલ્યો ‘ હાય…બ્યુટીફૂલ લેડી…જિંદગીનો નવો રંગ મુબારક હો !’આ સાંભળીને સંધ્યાના મોંઢા પર ઈન્દ્રધનુષના સાતેય રંગો લીંપાઈ ગયાં. એ થનગનતી ચાલે હીંચકા તરફ ગઈ. કશુંક ગણગણતી હીંચકવા લાગી.હીંચકો ચાલી રહ્યો હતો અને સંધ્યા દોડી રહી હતી જિંદગી તરફ…!

લેખક : પારુલ ખખ્ખર

દરરોજ આવી લાગણીસભર વાર્તાઓ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી