ગલો ગોર – દરેક માતા પિતા ખાસ વાંચે આ વાર્તા…

“ગલો ગોર”

ગલા ગોરના ઘરમાંથી લગતાર અઠવાડિયાથી ઉલ્ટીના અવાજ સાંભળતી ‘બામણ ફળી’ની બાયુ આજે જમનાના ઘરે ભેગી થઈ હતી.
‘બાઈ…આ મા-બાપ વનાની સોકરીને હું થ્યું હઈશે?’
‘ઘેલહાગરી થ્યું હોય તારુ કપાળ? દહ દિ’થી ઓકે સે તો ભાન નથી પડતી તને?’
‘હાસી વાત, નક્કી પેટમાં હમેલ સે’
‘અરે પણ…આ ભોળી પારેવા જેવી સોકરી હાટુ આવું શેં વિસારો તમે?’

‘મારી બઈ..પારેવું હોય કે શિયાળ પેટ કોઈનું હગુ નો થાય.’
‘એલી…ઝાઝી વાત્યે ગાડા ભરાય, હું સું કવ ? ગલો ગોર ઘરમાં નો હોય તંયે સોકરીને જ પૂસી લેવી તો?’
અંતે સર્વસંમતિથી મયુરીની બેનપણી ભાવનાને જાસૂસ બનાવીને મોકલવામાં આવી.જે બાતમી બહાર આવી એનાથી બાયુના મોં ગાંધીજીના ત્રણ વાંદરાઓની મુખમુદ્રા જેવા થઈ ગયા.ગલઢી ડોસીયું ડબ્બી જેવા બોખા મોં પર હાથ મૂકીને ડોળા ડબકાવવા માંડી, વહુવારુએ કાનમાં કીડા પડ્યા હોય એમ કાન ઢાંકી દીધા અને ઉગતા મોગરાની કળી જેવી નાનડીયુંએ આવનારા ભવિષ્યની એંધાણી જોઈ આંખો પર હાથ મૂકી દીધા.બાબત જે એ હતી કે કોઈ મોરલો એવી કળા કરી ગ્યો’તો કે ગલા ગોરની યુવાન પૌત્રી મયુરી કુંવારી ગર્ભવતી થઈ હતી.

ગલો ગોર એટલે ગામનો જબરો માણસ. નામ તો મજાનું ગુલાબચંદ્ર હતું પણ રુંવેરુંવે કાંટા ઉગ્યા હોય એવો સ્વભાવ.આખી બામણ ફળી એનાથી ફફડે એવો એનો રુઆબ. ગોરપદુ કરે એટલે તમામ ધર્મગ્રંથો એની જીભ પર રમે પણ ભાષા પર સરસ્વતીની કૃપા!રાજા હોય કે રંક બધાને મોં પર ચોપડાવી દેવાની ભૂંડી ટેવ હોવાથી ગામલોક કામ વગર એની હડફેટે ન ચડે.એની દાદાગીરી એવી કે કર્મકાંડ કરાવવા હોય તો એ કહે એટલી વસ્તુ અને એ કહે એટલી દક્ષિણા આપો તો જ કામ હાથમાં લે.નહીં તો ‘બીજા પાસે કરાવી લો.’ કહીને ચલતી પકડે! કોઈને ત્યાં માથાકૂટ થાય તો વગર બોલાવ્યો જાતે જ મધ્યસ્થી કરવા પહોંચી જાય. એક ઘા ને બે કટકા કરીને વાતનો નિકાલ લાવી દે.એકદમ તટસ્થ રહીને ફેંસલો સંભળાવે, વળી સમજાવટથી કહે પણ ખરો ‘ હય્શે..વા’લા…ભૂલ તો હંધાયની થાય. માણસ ભૂલ નહીં કરે તો કોણ કરશે? પણ મુદ્દે ભૂલ થ્યા કેડે એને હામી છાતીએ સ્વીકારવી ય પડે અને સજા મળે ઈ ભોગવવી પણ પડે.

કડવા ઝેર જેવા ગલાની ગામ આખું વાતો કરતું
‘આને દીકરી કોણ દેશે?’
‘અરે મારા ભાય..ઊંડા ભાડિયામાં નંખાય પણ ગલાગોર વેરે દીકરી નો દેવા’ય’
‘એલા..આનો વંશવેલો તો આંયા જ પૂરો થઈ જાહે ને?’
‘અરેરે..બામણનું કૂળ ને દીકરીયે ય દીવો નહીં રે?’
‘અરે પણ…કાંટાના વારસાને આગળ વધારીને કામેય હું સે?’

પણ ભગવાનને કરવું તે ગલાગોરને બાયડી ય મળી ગઈ ને મજાનો દીકરો પણ થયો.પણ ખાટલે મોટી ખોટ એ રહી કે દીકરો ઓટીવાળ પાક્યો.ચોરી,જુગાર,દારુ જેવા અપલક્ષણો એનામાં ભારોભાર ભર્યા હતાં. નામ દીપક પરંતુ કૂળમાં અંધારા પાથરવા આવ્યો હતો.
ફરી ગામલોકોએ વાતો કરવા માંડી…

‘ભાઈ.. ગમે એવો તોય ગલો ખાનદાન તો ખરો ! આ સોકરો તો કપાતર પાક્યો.’
‘આણે તો આડો આંક વાળ્યો સે’
‘આને તો હો ટકા કોઈ દીકરી નો દ્યે..લખી લ્યો હોનાના પતરે..’
ઈશ્વરે ફરી પોતાની સર્વોપરિતા સાબિત કરી અને નાજુકડી મીનાવહુ રુમઝુમ પગલે દીપકના ઓરડે આવી ગઈ. થોડા સમય બાદ કોમળ કળી જેવી મયુરી જન્મી અને ગામલોકોના મોઢા સિવાઈ ગયા.પરંતુ ગલાગોરની ખુશી લાંબો સમય ટકી ન શકી. દીપકના કરતૂતોથી ત્રાસેલી મીનાવહુ ફારગતિ લઈ, મયુરીનો હાથ ગલાના હાથમાં સોંપીને ચાલી ગઈ.દારુના અતિસેવનને કારણે દીપક પણ ઈશ્વરના દરબારમાં ગયો, વાંસોવાંસ ગોરાણી પણ ગયા. ગલો ગોર હતપ્રભ બનીને ઈશ્વરની અકળ લીલાને જોઈ જ રહ્યો હતો.સામાન્ય માણસ હોત તો ભાંગી પડ્યો હોત પણ આ તો ગલો ગોર !એના શિરે હજું મયુરીની નાજુક જવાબદારી હતી ભાંગી પડવું કોઈ કાળે પોસાય તેવું ન હતું.બધા જ આઘાતોને શંકરની જેમ ગળામાં ભંડારીને અડીખમ પથ્થર જેવો ગલો વધુ મજબૂત બનતો ગયો.

મયુરીને નજીકના સગાને ત્યાં મોટી કરવા મૂકી અને પાંચેક વર્ષની થઈ એટલે ગલો એને પોતાની સાથે રહેવા લઈ આવ્યો.મા ગણો કે બાપ, દાદો ગણો કે દોસ્તાર જે ગણો તે મયુરીને માટે ગલો ગોર જ સર્વસ્વ!ગલા ગોરે સગા બાપની જેમ પૌત્રીને મોટી કરી ,એનો પડ્યો બોલ ઝિલ્યો, એને ગમતું બધું જ કર્યું, પાણી માંગતા દુધ અને વિડિયો ગેમ માંગતા મોબાઈલ હાજર કર્યો. પૌત્રીને અછો-અછોવાના કરતા ગલાનું આ કોમળ સ્વરૂપ ગામલોકો માટે અજાણ્યું હતું. પથ્થર જેવો ગલો પૌત્રી પાસે મીણ જેવો નરમ થઈ જતો.ગલો ઘર-પરિવાર-વ્યવહાર બધું જ સરસ રીતે સંભાળી લેતો.એનું ઘર ચકચકાટ અને રસોડું ધમધમાટ રહેતું.મયુરી તો આખો દિવસ ચોપડિયું અને મોબાઈલમાં જ પડી રહેતી.

તકલિફ એક જ રહી ગઈ કે ગલાએ બાપ બની બતાવ્યું પરંતુ મા બનતા ન આવડ્યું! મા-દીકરીનું એક અનોખુ સાયુજ્ય હોય છે. બે સ્ત્રીઓ વગર બોલ્યે એકબીજાના મનની વાત સમજી લેતી હોય છે.પોતાના જ અંશ જેવી દીકરીના હૈયાની ગોપિત વાતો મા પાસે છૂપી રહી શકતી નથી. યુવાનીના ઉંબરે પગ મૂકી રહેલ મયુરીને સમયોચિત શીખામણ આપવાવાળી કોઈ સ્ત્રીના હૂંફાળા સાથની જરુર હતી.કોઈ એવું કે જે એના મનોશારિરીક પરિવર્તનો વિશે માહિતી આપી શકે, એના ખભે હાથ મૂકી બધું સમજાવી શકે,એની અંદર ચાલતા ઉર્મીઓના ઉછાળા અને લાગણીના તોફાનોને સમજી શકે.પરંતુ એ ન મળતા આવા જ કોઈ સહારાની આશમાં મયુરી એક આંધળુ પગલું ભરી બેઠી અને એના પરિણામ સ્વરૂપે આજે મયુરી ગર્ભવતી બની હતી.બામણ ફળીની સ્ત્રીઓ મોઢા વકાસીને આવનારા ભવિષ્યની રાહ જોતી બેઠી હતી.

ગામ આખામાં મયુરીના સમાચાર કીડીવેગે પ્રસરી રહ્યાં હતા.ધીમેધીમે ગલા ગોર સુધી પણ પહોંચ્યા.મયુરી તો એટલી સ્તબ્ધ હતી કે શું થયું અને શું થશે એ વિશે વિચારવાની શક્તિ ગૂમાવી ચૂકી હતી.જમાનાના ખાધેલ ડોસી-ડોસલા કોઈ ભયંકર ઘટનાની આગાહી કરી રહ્યાં હતાં. કડવો ઝેર અને નિર્દય ગલો હવે મયુરીની શી વલે કરશે એ જાણવા ગામલોક ઉત્સુક હતું.લોકોની આંખ સામેથી ગલાના રૌદ્ર સ્વરુપો ખસતાં ન હતાં. પોતાની બૈરીને વાળ પકડીને ખેંચતો ગલો,દીપકને ઢોરમાર માર્યા પછી લાત મારીને ડેલો બંધ કરી દેતો ગલો,ઉછીના ઝગડા માથે લેતો ગલો,ગામના ચોર ઉચક્કાઓ માટે ગાળોની રમઝટ બોલાવતો ગલો. એક ઘા ને બે કટકા કરનારો આ કઠોર માણસ હવે શું કરશે એના વિશે અટકળો ચાલી રહી હતી.

સાંજ પડી અને ગલો ગોર ભાંગેલા પગે બામણ ફળી તરફ આવતો દેખાયો,આંખોમાંથી જાણે નૂર ચાલ્યું ગયું હતું.ચહેરા પરનો કડપ ક્યાંક ગાયબ થઈ ગયો હતો.ચાલની ખુમારી પર લૂણો લાગી ગયો હતો. ભરી બજારે એક કુંવારી પૌત્રીના ગર્ભનો ભાર ગલા ગોરના ખભા પર આવી ગયો હોય તેમ એ ખભા ઢાળીને ચાલ્યો આવતો હતો.ગલો ગોર જાણે ગલો ગોર હોય જ નહીં એ રીતે આસપાસની દુનિયાથી બેખબર બની ગયો હતો. લોકોની તીર નજરનો સામનો કરવાની હિંમત ન બચી હોય એમ એ નીચી નજરે ઘરમાં પ્રવેશ્યો અને દરવાજો બંધ કરી દીધો.લોકો મયુરીની ચીસો સાંભળાવા માટે કાન સરવા કરી બેસી રહ્યાં.ક્ષણો-મીનીટો-કલાકો જવા લાગી પણ ગલા ગોરના ઘરની દિવાલોને જાણે સાપ સૂંઘી ગયો હોય તેમ નિઃશબ્દ બની ગઈ હતી. ન રસોડામાં વાસણો ખખડ્યા, ન સૂવાના ઓરડાની બત્તી બુઝાઈ. દાદા-દીકરી ખબર નહીં શું ખીચડી પકાવી રહ્યાં હતા!એક પણ ઈચ્છાદૃષ્ય જોવા ન મળતા બામણફળીના ‘શુભચિંતકો’ પોતપોતાના ઘરમાં ચાલ્યા ગયા.

બીજી સવારે ગલા ગોરના ફળિયાના તુલસીક્યારે ન દીવો થયો કે ન ઘરમંદીરમાંથી ઘંટડીનો અવાજ આવ્યો. ન રસોડામાં ચા-પાણીની હલચલ સંભળાઈ કે ન ગલા ગોરની પ્રાતઃપ્રાર્થનાના શ્લોકો સંભળાયા.લોકો સૂના ઘર તરફ ઝીણી નજરે જોવા લાગ્યા અને આંચકો ખાઈ ગયા! ગલો ગોર એની બેજીવસોતી પૌત્રીને લઈને હવામાં ઓગળી ગયો હતો.ચારે દિશાઓ સ્તબ્ધ હતી. આકાશ-પાતાળ ચૂપ હતા.સૂરજ ઉગતાની સાથે ગામમાં ગલા ગોરનું મહાભિનિષ્ક્રમણ ચર્ચાઈ રહ્યું હતું.

‘હયશે..શરમનો માર્યો ભાગી ગ્યો..બીજું શું?’
‘એમ તો મરદનું ફાડિયું હતો કંઈ મોઢું છૂપાવી ભાગે ઈ માયલો નો’તો.’
‘તો ગ્યો ક્યાં? જમીન ગળી ગઈ કે આકાશ ખેંચી ગ્યું?’
‘ભલા માણસ…દીકરી કાંઈ અમથી સાપનો ભારો કીધી છે? જોયું ને ગલા જેવા ગલાની મૂંછના લટકતાં લીંબુ હેઠા ઉતાર્યા ને?’
‘હું તો કવ…દીકરીયુંને આમ ભણાવીને ફટાવી નો મરાય, નક્કર આવા દિવસો જોવાનો વારો આવે’

‘મને લાગે છે કે મોટા શેરમાં પેટ ખાલી કરાવવા ગ્યા લાગે છે. તૈણ દી’માં પાછા નો દેખાડું તો ફટ્ટ કેજો’
‘એમ પેટ ખાલી થ્યે ગયેલી આબરુ થોડી પાછી આવશે?’
‘મારા ભાય..આમ આબરુના લેખાંજોખાં કાઢનારા આપણે કોણ?’

જેટલા મોઢા એટલી વાતો હતી. જેટલી આંખો એટલા સવાલ હતા પરંતુ આ સવાલનો જવાબ આપનારી બન્ને જીભ કોઈ અતલ ઊંડાણમાં જઈ બેઠી હતી.દિવસો વિતતા ગયા અને લોકોએ દાદા-દીકરીના પાછા આવવાની આશા છોડી દીધી.

લગભગ એકાદ વર્ષ પછી વહેલી સવારે ગલાગોરના તુલસીક્યારે દીવો થયો,ઘંટડી રણકવા લાગી, શ્લોકો સંભળાવા લાગ્યા,વાસણો ખખડવા લાગ્યા અને સાથોસાથ એક ઝીણકો રુદનનો સ્વર સંભળાવા લાગ્યો. બામણફળીના લોકો ઊંઘરેટી આંખે દોડીને ગલા ગોરના ફળિયે જઈ ઊભા.ગામલોકો જે વારતાને ભૂલી ગયા હતા તેના પાત્રો અચાનક જીવંત બનીને ઘરમાં આવી વસ્યા હતાં.દરવાજા પર ગલો ગોર એના અસ્સલ પહાડી રૂપમાં સાક્ષાત હાજર થયો. એ જ ઉઘાડા ખભે પીળી જનોઈ,આંખોમાં એ જ ખુમારી, બસ માત્ર ચહેરા પર કડપને બદલે કોમળતા આવી હતી. બન્ને હાથમાં એક નાનકડા જીવને લઈને હરખાતા હરખાતા બહાર આવ્યો અને બોલ્યા’ હાલો…પેંડા ખવરાવું બાપલિયા..જે ગલા ગોરને ન્યાં દીકરી યે ય દીવો નો’તો રે’વાનો એને ન્યાં વંશનો વારસદાર આવ્યો છે વા’લા.મારી મયુરીને ન્યાં ગલા ગોરનો ભાણિયો જનમ્યો છે.આજે કોઈએ પેંડા ખાધા વિના જાવાનું નથી વા’લા…’

જોવા આવનારાના મોં આખેઆખો પેંડો સમાઈ જાય એવા ખુલ્લા રહી ગયાં. છપ્પનની છાતી વાળા ગલા ગોરે મયુરીની ભૂલને એના પરિણામ સહિત સ્વીકારી લીધી હતી.પારકા દીવાનું પોતિકું અજવાળું એના આખાયે અસ્તિત્વને અજવાળી રહ્યું હતું.ઉગતા સૂરજના કિરણો ભાણિયાના ચહેરા પર ચમકી રહ્યાં હતાં અને ગલો ગોર મલકી રહ્યો હતો.

લેખક : પારુલ ખખ્ખર

દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી