દ્રષ્ટાંતકથાકાર… ઓશો- મરતા પેહલા પિતાએ દીકરાને આપી બે સલાહ, જાણો શું કહ્યું…

એક સાંજે મુલ્લા નસરુદ્દીન અને તેના બે મિત્રો દોડ્યા ટ્રેન પકડવા. નસરુદ્દીન ચૂકી ગયો, પગ લપસ્યો. પડી ગયો. તે બંને ચડી ગયા. સ્ટેશન માસ્તરે આવીને ઉઠાડ્યો અને કહ્યું: ‘નસરુદ્દીન, દુઃખની વાત છે કે તમે ચૂકી ગયા!’ નસરુદ્દીને કહ્યું: ‘મારે માટે દુઃખી ન થાઓ. બંને ચડી ગયા છે, તે મને મૂકવા આવ્યા હતાં! હું તો બીજી ટ્રેન પણ પકડી લઈશ; તેમનું શું થશે?’

એ જ મુલ્લા નસરૂદ્દીને મરતી વખતે પોતાના પુત્રને કહ્યું કે હું બે વાતો સમજાવી દઉં છું. મરતાં પહેલાં તને કહેતો જાઉં છું. આ ધ્યાનમાં રાખજે. બે વાતો છે. એક, ઓનેસ્ટી(પ્રમાણિકતા) અને બીજી છે વિઝડમ(ડહાપણ). તો, દુકાન તું સંભાળજે, કામ તું સંભાળજે. દુકાન પર તખતી લાગેલી છે- ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલીસી. આનું તું પાલન કરજે. ક્યારેય કોઈને છેતરતો નહી. ક્યારેય વચનભંગ ન કરતો. જે વચન આપ તે પૂરું કરજે. આટલું સાંભળી પુત્ર બોલ્યો: ‘ઠીક. બીજું શું છે? ડહાપણ, એનો શો અર્થ છે?’ નસરુદ્દીને કહ્યું: ‘ભૂલથી પણ ક્યારેય કોઈને વચન ન આપવું!’

***

મુલ્લા નસરુદ્દીનની પહેલી વાત કરી એમાં, જેને જવું હતું એ રહી ગયા છે અને જે ચડી ગયા છે- જઈ રહ્યા છે એને જવું જ ન હતું! આશ્ચર્યની વાત છે! એટલે કે જે ચડી ગયા છે-સફળ થયા છે, એનાં વિશે પાકું માની કે સમજી નહી લેવું કે તેઓ ક્યાંક પહોંચી જશે. અને જે અસફળ બની ચડી ન શક્યા-રહી ગયા, એનાં વિશે ક્યારેય એમ ન માનવું કે સમજવું કે તેઓ હારી ગયા છે-કૈક ખોઈ બેઠેલા છે. અહીં બધાં ચડનારા-ન ચડનારા, સફળ-અસફળ, જીતેલા-હારેલા બધાં જ એકસરખા છે. અને જે પ્રયત્નમાં નિષ્ફળ થયા છે-ક્યાંક ટ્રેન ચૂકી ગયા છે એ તો બીજાં પ્રયત્ને-બીજી ટ્રેન પકડી પણ લેશે. પણ જેઓ ખોટા રસ્તે-ખોટી ટ્રેનમાં, ઉતાવળથી ભૂલમાં ઠેકડોમારી ચડી બેઠા છે તેઓ શું કરશે?

હવે બીજી, પ્રમાણિકતા અને ડહાપણની વાત! બીજી વાર વાંચીને વિચારો કે આપણું જીવન આવી જ પ્રમાણિકતા અને ડહાપણ વચ્ચે-વિપરીત પરિસ્થિતિમાં નથી વહેંચાયેલું? કોઈને છેતરવું નથી, વચનભંગ નથી કરવું, નિષ્ઠાવાન અને પ્રમાણિક રહેવું છે. પણ જયારે દુનિયાદારીમાં વ્યવહાર કરવાની વાત આવે, લોકો સાથે કામ કરવાનું થાય, ‘પનારો પાડવો’ પડે ત્યારે આપોપાપ ક્યાંકથી ‘ડહાપણ’ આવી જ જાય છે. ત્યારે દુકાનમાં લાગેલી પ્રમાણિકતાની તકતી ભૂલાઈ જાય છે. નસરુદ્દીન પોતાના દીકરાને ઓનેસ્ટીની વાત કર્યા પછી, વિઝડમવિશે સમજાવતા જ ભૂલી જાય છે કે પછી જાણીજોઈને એ ટાળતો હશે! ક્યારેક આપણે પણ આમ જ ટાળતા હોઈએ છીએ ને! પણ દીકરો તો નાનો છે, એને ખબર નથી દુનિયાની, દુનિયાદારીની. એ નિખાલસ છે, નિર્દોષ છે. એ પૂછી બેસે છે. ત્યારે કહેવું પડે છે કે પ્રમાણિકતા સાથે કોઈને વચન ન આપવું! વ્યક્તિને પોતાનું નામ-પ્રતિષ્ઠા ‘સારા માણસ’ તરીકેનું જોઈએ છે અને રહેવું-જીવવું બધું કરવું ‘પોતાની રીતે’ છે! એ શક્ય નથી. પ્રતિષ્ઠા રામ જેવી અને બનવું રાવણ જેવું! એ નિખાલસ બાળક અત્યારે હા માં હા મેળવશે, શરૂઆતમાં ચોંકસે અને પછી એ ઘરેડમાં ગોઠવાતો જશે.

નાનાં બાળકોનાં મનમાં કૈક લઇ લેવાની કે જીતી જવાની ઈચ્છા નથી હોતી. એમનું હ્રદય ચોખ્ખુંચણાક હોય છે. એમના પ્રશ્નો ભેળસેળ વિનાના હોય છે. તેમને જે, જેવું અને જયારે મનમાં આવે એ પૂછવાના. પૂછી લેવાના. અને નાનાં હોય ત્યારે બહુ સારા-સાચા-ચોકસ જવાબોની અપેક્ષા પણ નથી રાખતા! અપેક્ષાઓની દુનિયા તો પછી આવે છે. એક એવા પ્રશ્નની વાત કરું. એક વૃદ્ધ કાગડો તેના દીકરાને શિક્ષણ આપતો હતો. તેને કહેતો હતો કે ‘જો અનુભવની વાત છે- માનવીથી સાવધાન રહેજે; માનવી ભરોસાપાત્ર નથી. અને જો કોઈ માનવીને નીચે નમતા જો, તરત ઊડી જજે; તે પથ્થર ઉપાડતો હશે.’ છોકરાએ વિચારીને પૂછ્યું ‘અને તે પથ્થર પહેલાંથી જ બગલમાં દબાવીને આવતો હોય તો?’ આ સાંભળતા જ વૃદ્ધ કાગડો ઊડી ગયો અને તેણે કહ્યું કે, આ છોકરો પણ ખતરનાક છે! એની પાસે રોકાવું ઉચિત નથી!!

આ હળવા રમુજી પણ ઘણું શીખવાડી જતાં દ્રષ્ટાંત આપનાર છે, શ્રી ચંદ્રમોહન જૈન. આવી નાની નાની દ્રષ્ટાંતકથાઓથી શરુ કરી, તેમણે ભગવદગીતાથી લઈને ઉપનિષદો સુધીના ગ્રંથોપર પ્રવચનો કર્યા. માનવ-ચેતનાના વિકાસના પ્રત્યેક પાસા પર બોલ્યા. બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, શિવ, શાંડિલ્ય, નારદ જીસસથી કરીને આદિ શંકરાચાર્ય, ગોરખ, કબીર, નાનક, મલુકદાસ, રૈદાસ, મીરાં વગેરે… વિશે બોલ્યા, પ્રવચનો આપ્યા. બધું સ્વતંત્રતાથી કોઈ પણ ક્ષોભ વગર.

વ્યક્તિઓ ઉપરાંત વિવિધતમ વિષયો જેવા કે, રાજકરણ, કલા, વિજ્ઞાન, મનોવિજ્ઞાનથી લઈને દર્શન, શિક્ષણ, કુટુંબ, સમાજ, ગરીબી, પર્યાવરણ વગેરે વિશે પણ ક્રાંતિકારી જીવનદ્રષ્ટી ફેંકી. તેમના આ બધાં પ્રવચનોમાંથી ૬૫૦થી પણ વધુ પુસ્તકો લખાયા. ૩૦થી વધુ ભાષાઓમાં અનુવાદિત થયા. ને આ બધાં દરમ્યાન તેઓ એક પછી એક નામ ધારણ કરતાં ગયા અને છોડતાં ગયા. પહેલાં ચંદ્રમોહન જૈન, એમાંથી આચાર્ય રજનીશ, આચાર્યમાંથી ભગવાન શ્રી રજનીશ અને ત્યાર પછી ૧૯૮૯માં ‘ઓશો’ બન્યા. તેઓએ જીવનદર્શક અને જીવનપ્રેરક અઢળક દ્રષ્ટાંતો- અવતરણો, દ્રષ્ટાંતકથાઓ અત્યંત બારીકાઈ અને માર્મિકતાથી આપ્યા છે. એક નાનકડું દ્રષ્ટાંત આપણને કેટલું બધું શીખવાડી જાય છે. ઓછામાં ઘણું બધું કહી નાખવાની તાકાત હતી એમની પાસે. આખું પુસ્તક કે લાંબુલચક પ્રવચન જે ન કહી શકે એ ઓશો એક દ્રષ્ટાંતથી કહી નાખતા. એમની દ્રષ્ટાંતકથાનું એક પુસ્તક ‘માટીના દિવા’-ગુજરાતીમાં પ્રગટ થયું છે. જેનું અનુવાદ શકુંતલા મહેતાએ કર્યું છે.

૧૧ ડીસેમ્બર, ૧૯૩૧નાં દિવસે મધ્યપ્રદેશનાં કુચવાળા ગામમાં જન્મ અને ૨૧માર્ચ, ૧૯૫૩નાં દિવસે-૨૧ વર્ષે જબલપુરના ભંવરતાલ બગીચાનાં મૌલશ્રી નામના વ્રુક્ષ નીચે ભ્રહ્મજ્ઞાન થયું. ત્યારથી તેઓ આચાર્ય રજનીશ તરીકે ઓળખાવા લાગ્યાં.

‘ઓશો’ શબ્દ એમને વિલિયમ જેમ્સનાં શબ્દ ‘ઓશિયાનિક’ શબ્દ પરથી મળ્યો. જેનો ભાવ સાગરમાં વિલીન થઇ જેવું એવો થાય છે. ઓશોનો બીજો અર્થ એવો પણ થાય છે કે, જે વ્યક્તિ વરદાન પામેલો હોય અને જેના પર હમેંશ આકાશમાંથી ફૂલોની વર્ષા થતી રહે છે.
તેઓએ ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦માં ઓશો કમ્યુન ઇન્ટરનેશનલ, પૂણેમાં દેહ છોડ્યો. અને આજે પણ ત્યાં, ઓશોની સમાધી ઉપર સ્વર્ણ અક્ષ્રરોમાં લખાયેલું છે:

ઓશો
કદી જન્મ્યા નહોતા
કદી મર્યા નહોતા
ફક્ત આ પૃથ્વી ગ્રહની મુલાકાત લીધી
૧૧ ડીસેમ્બર,૧૯૯૩૧ – ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦ની વચ્ચે.

લેખન : પાર્થ દવે.

શેર કરો આ સમજવાલાયક વાત તમારા ફેસબુક પર.

ટીપ્પણી