ફર્સ્ટ ફીમેલ સુપરસ્ટાર ઓફ બોલીવુડ: શ્રીદેવી

ફર્સ્ટ ફીમેલ સુપરસ્ટાર ઓફ બોલીવુડ: શ્રીદેવી

24 ફેબ્રુઆરીની મોડી રાતથી મેસેજનો મારો ચાલુ થયો કે શ્રીદેવીનું દુબઈમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું. શ્રી દેવી તેના ભત્રીજા મોહિક મારવાહના લગ્નપ્રસંગે ત્યાં પુત્રી ખુશી અને પતિ બોની કપૂર સાથે હાજર હતી. સંજય કપૂરના કહેવા મુજબ રાત્રિના 11થી 11:30 વચ્ચે આ બનાવ બની ગયો.


થોડા દિવસો પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘મોમ’માં વિલનનો રોલ ભજવનાર અક્ષય ખન્નાએ કહ્યું કે, ‘શ્રીદેવી અતિશય ઓછું બોલે છે. તે અલ્ટ્રા નોન-કમ્યુનિકેટર છે! તેની સાથે વાત કરવી અતિમુશ્કેલ છે.’ કમાલની વાત એ છે કે અક્ષય ખન્નાનો સ્વભાવ પણ એવો જ-એકાંતપ્રિય છે! શ્રીદેવીને મોમ ફિલ્મની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૫૦ વર્ષ પૂરા થયા. પાંચ દાયકા ઈન્ડસ્ટ્રિમાં પસાર કરનાર શ્રીદેવીએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, ‘મને હજુ એવું જ ફિલ થાય છે કે જાણે મારી આ પહેલી ફિલ્મ હોય.

હું પોતાને ન્યુ કમર જ માનું છું. કારણ કે જો હું એમ વિચારતી થઇ જઈશ કે મેં ઘણી બધી ફિલ્મો કરી છે અને આટલા બધા વર્ષો પસાર કર્યા છે તો હું વધારે કામ નહીં કરી શકું. ઈવન, કોઈપણ કલાકારે પોતાની નેક્સ્ટ ફિલ્મમાં જાણે પહેલી ફિલ્મ હોય એ રીતે જ કામ કરવું જોઈએ. હું મારા ભૂતકાળ તરફ જોતી જ નથી. મારી નજર નેક્સ્ટ શું છે એના પર જ હોય છે.’


શ્રીદેવીનો જન્મ ૧૩ ઓગસ્ટ, ૧૯૬૩ના રોજ તમિલનાડુમાં થયો હતો. તેનું મૂળ નામ શ્રીઅમ્મા યંગર છે. પિતાનું નામ અય્યપન અને માતાનું નામ રાજેશ્વરી છે. શ્રીદેવીના પિતા વકીલ હતા. તેની એક બહેન અને બે ઓરમાન ભાઈઓ છે. બહેનનું નામ શ્રીલતા અને ભાઈઓનું નામ આનંદ અને સતીશ છે. શ્રીદેવીએ માત્ર ચાર વર્ષની ઉંમરે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે તમિલ ફિલ્મ ‘કંધન કરુણાઈ’માં કામ કર્યું હતું. ૧૯૭૧માં તો તેને મલયાલમ ફિલ્મ ‘પૂમબતા’ માટે કેરલા સ્ટેટ ફિલ્મ એવોર્ડ પણ એનાયત થયેલો. શ્રીદેવીની પહેલી હિન્દી ફિલ્મ હતી ૧૯૭૫માં આવેલી ‘જુલી’. આ દરમિયાન તે તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી રિજનલ ભાષાની ફિલ્મો કરતી રહી અને અમુક એવોર્ડસ પણ મળતા રહ્યા.


આજે તો શ્રીદેવીની મોટી દીકરી જાહ્નવી પણ ફિલ્મમાં આવવાની તૈયારી કરી રહી છે. શ્રીદેવીએ પણ નાની ઉંમરમાં જ કામ કરવાનું ચાલુ કરી દીધું હતુ. એક જગ્યાએ તે ત્યારની અને આજની વાત કરતા કહે છે કે, ‘મારી મા હંમેશ મારી પડખે ઊભી રહી છે. હું નાની હતી, શૂટિંગ માટે જતી ત્યારે સેટ પર માને દરરોજ સામે ઊભેલી જોતી. હું તેને કારણે સિક્યોર ફિલ કરતી હતી. આજે જાહ્નવી સાથે મને નથી લાગતું કે એવું થઈ શકે! કદાચ હું તેની સાથે શૂટિંગ સેટ પર જઉં તો એ કહી દે કે, મમ્મી તું અહીંથી જતી રહે. મને એમ્બેરેસ ફિલ થાય છે! એટલો ફરક પડી ગયો છે.. જોકે, હું ત્યારના જેવી અપેક્ષા પણ નથી રાખતી. આપણે જ સમય મુજબ બદલાઈ જવું જોઈએ…’

૧૯૭૬માં શ્રીદેવીને કે. બાલાચંદ્રે તમિલ ફિલ્મ ‘મુન્દ્રુ મુનીચુ’ નામની ફિલ્મમાં બ્રેક આપ્યો. તેમાં શ્રીદેવીની ઓપોઝિટ રજનીકાંત અને કમલ હસન હતા. ફિલ્મની ખૂબ સરાહના થઇ અને આ ફિલ્મ બાદ રજનીકાંત અને કમલ હસને શ્રીદેવી સાથે જોડી જમાવી. કન્નડ સહિતની સાઉથની ફિલ્મોમાં શ્રીદેવીનું નામ થતું ગયું. તેની મુખ્ય ભૂમિકાવાળી પહેલી હિન્દી ફિલ્મ ‘સોલવા સાવન’ હતી. અલબત્ત, આ ફિલ્મ એટલી સારી ન રહી. પરંતુ ૧૯૮૩માં આવેલી એક ફિલ્મે શ્રીદેવીની કિસ્મત પલટી નાખી. એ ફિલ્મ એટલે જીતેન્દ્ર સાથેની ‘હિમ્મતવાલા’. હિમ્મતવાલા ફિલ્મનું સંગીત અને જીતેન્દ્ર-શ્રીદેવીની જોડી ખૂબ વખણાઈ. આ ફિલ્મ બાદ તેઓ તોહફા, મવાલી, જસ્ટિસ ચૌધરી, વગેરે જેવી ફિલ્મોમાં સાથે દેખાયા. આ તમામ ફિલ્મો કમર્શિયલ સક્સેસ રહી. શ્રીદેવી ખૂબ સારી ડાન્સર સાબિત થઈ રહી હતી. હિમ્મતવાલા આવી તેના પાંચ મહિના બાદ કમલ હસન સાથેની બાલુ મહેન્દ્રની ફિલ્મ ‘સદમા’ આવી. આ ફિલ્મે એ સાબિત કરી દીધું કે શ્રીદેવી સેન્સેટીવ પાત્રો પણ ભજવી શકે છે. સદમા માટે શ્રીદેવી પહેલી વાર ફિલ્મફેર એવોર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકે નોમિનેટ થઈ હતી. ૧૯૮૬માં શ્રીદેવીની નાગીન આવી. ત્યાર બાદ તો તેનું કરિયર પૂરપાટ વેગે દોડવા માંડ્યું. બચ્ચન સાથેની ‘આખરી રાસ્તા’ અને ‘ઈન્કલાબ’ આવી. શ્રીદેવીના ડબલરોલવાળી ફિલ્મ ‘ચાલબાઝ’ આવી. શ્રીદેવી ફર્સ્ટ ફીમેલ સુપરસ્ટાર ઓફ બોલીવુડ તરીકે ઓળખવા લાગી. શ્રીદેવીને લીડ રોલ તરીકે લઈને વાર્તાઓ લખાવા લાગી. યશ ચોપરાએ શ્રીદેવી માટે ‘ચાંદની’ ફિલ્મ બનાવી.

૮૦ના દાયકામાં શ્રીદેવીની જોડી અનિલ કપૂર સાથે પણ જામી હતી. એ ચાહે ‘મિસ્ટર ઇન્ડિયા’ હોય, લમ્હે હોય, સોને પે સુહાગા, જાંબાઝ, જુદાઈ કે સુપરફલોપ ‘રૂપ કી રાણી ચોરો કા રાજા’ હોય! ૧૯૯૪માં અનીલ કપૂર સાથેની લાડલા ફિલ્મનો શ્રીદેવીવાળો રોલ પહેલા દિવ્યા ભારતીને મળ્યો હતો અને મોટાભાગનું શૂટિંગ પણ થઇ ચુક્યું હતું. પરંતુ તેના અચાનક અવસાનના કારણે તે રોલ શ્રીદેવીને મળ્યો હતો.


૧૯૯૬માં શ્રીદેવીએ પ્રોડ્યૂસર બોની કપૂર સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રીઓ છે: જાહ્નવી અને ખુશી. લગ્ન બાદ શ્રીદેવીએ ફિલ્મોમાંથી થોડા સમય માટે રિટાયર્મેન્ટ લઈ લીધું અને નાના પડદા પર ‘માલિની અયૈર’ નામની સિરિયલ કરી જે એવરેજ રહી. ૨૦૧૨ શ્રીદેવીએ પુનરાગમન કર્યુ ફિલ્મ ‘ઈંગ્લીશ વિન્ગ્લીશ’ થકી. જેના માટે બેસ્ટ એક્ટ્રેસના વિવિધ એવોર્ડ્સ મળ્યા અને ફિલ્મના ખૂબ વખાણ થયા. ૨૦૧૩માં ભારત સરકાર તરફથી શ્રીદેવીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી.

શરુઆતમાં વાત કરી એમ, શ્રીદેવી ખૂબ જ ઓછું બોલે છે. ઈન્ટરવ્યુઝથી બનતા સુધી દૂર રહે છે. ૫૦ વર્ષો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાઢ્યા બાદ એ માત્ર એટલું જ કહે છે કે, હું ડાયરેક્ટરની એક્ટર છું. આઈ એમ ડાયરેક્ટર્સ એક્ટર.. મારી આ સફર અને સફળતાનું શ્રેય તમામ ડાયરેક્ટર્સ અને સાથી કલાકારોને જાય છે.’

લેખન.સંકલન : પાર્થ દવે 

બોલીવુડને લગતી કોઈપણ માહિતી વાંચવા માટે આજે જ  લાઈક કરો અમારું પેજ

ટીપ્પણી