પારકાં પૈસે પરબારું પાણીઢોળ – મુકેશ સોજીત્રા લિખિત નવી વાર્તા

નામ એનું વાલા ગીગા!! પણ બધાં એને વાલો કહેતાં!! ઉમર હશે એંશીની આજુબાજુ પણ ગમે ત્યાં જવું હોય હાલીને જ જાય!! જમીન સારી એવી અને કસવાળી એટલે આમ સુખી પણ ખાધે પીધે સુખી નહિ!! નવાઈ લાગીને ભગવાને ઘણું આપેલું પણ વાપરે જ નહિ!! સારું કોઈ દિવસ ખાઈ જ નહિ ને!! એકદમ કટ ગુંદીના ઠળિયા જેવો ચીકણો!! વાલા ગીગાને ચાર છોકરાં પણ ચારેય બાપને સારો કહેવરાવે એવાં કંજૂસ અને ચીકણા!! આ ચારેય છોકરાને વાલા ગીગાએ પરણાવ્યા!! સામે વેવાઈ પણ એવા જ ગોતેલાં!! આમેય જો ભૂતને પીપળો મળી રહેતો હોય તો વાલા ગીગાને વેવાઈ તો મળી જ રહેને!! અને દરેક દીકરાને પરણાવતી વખતે એવો દિવસ પસંદ કર્યો હતો કે ગામમાં એ દિવસે ઘણાં બધાં લગ્ન હોય!! એટલે જમણવારમાં ખર્ચ ઓછો થાય એવી ગણતરી!!

ગામમાં વાલા ગીગાની ઘણી દંતકથાઓ હાલતી!! એક દંતકથા મુજબ મોટા મુળિયાના લગ્ન પછી વાલા ગીગાને ઘરે ઢગ આવી હતી. બપોરે ઢગને જમાડી અને રવાના કરી. કોઈ મીઠાઈનું બટકું પણ ના વધ્યું પણ રીંગણનું શાક વધ્યું એયને અડધી ડોલ!! રીંગણ થોડા કડછા આવી ગયેલાં એટલે શાક કોઈએ બીજીવાર ના લીધું એટલે બાકી કોઈ વસ્તુ ના વધે એનું આયોજન જ એવું જડબેસલાક કે ઘટે ખરું પણ વધે નહિ!! હવે સાંજે વાલા ગીગાએ ભરી મીટીંગ કે આ અડધી ડોલ શાકનું કરવું શું?? બધાએ બપોરે જ દાબી લીધેલું એટલે સાંજે તો કોઈ જમવાનું નહોતું!! તોય બધાએ વાટકો વાટકો ખાધું પણ તોય ડોલમાં શાક ઘણું હતું!! એ ઢાંકીને મૂકી દીધું અને સવારે એ શાકની ડોલમાં નાંખ્યો ઘઉંનો લોટ અને વાલા ગીગાએ કીધું એમની વહુને!!

“ઉજી આના ઢેબરાં બનાવી નાંખ ઢેબરાં!! એય ને તેલ ઓછું નાંખીને રસકા બોળ ઢેબરાં બનાવ્ય ઢેબરાં, ભલેને આજ તો છોકરાને પણ ગેંગટીયા થઇ જાય!!”અને ઉજીએ શાકમાં નાંખ્યો ઘઉંનો લોટ અને બનાવ્યાં મિક્ષ વેજીટેબલના ઢેબરાં!! વાલાએ ,છોકરાએ, અને વાલા ગીગાના ઘરનાએ ખાધા ઢેબરાં!! સવાર સવારમાં છાશ સાથે ઢેબરાં!! ચા તો કોક મેમાન આવ્યું હોયને ત્યારે જ બનતી. નિયમ પ્રમાણે સવારમાં ફરસાણ ખાધું હોય તો બપોરે જમવાનું નહિ બનાવવાનું , છેક સાંજે જ બનતું!! પણ રીંગણ જ કડછા હતાં એટલે ઢેબરાં પણ થોડા કડવા બનેલા ને તે દસેક ઢેબરાં વધેલાં હવે આનું શું કરવું??? વાલા ગીગાને અદ્ભુત આઈડિયા આવ્યો અને કીધું.

ઉજી એમ કર્ય ઘાટી કઢી કરી નાંખ અને એમાં નાંખ થોડી ચણાની દાળ!! અને ત્યાં સુધીમાં હું આ ઢેબરાંને કાપી નાંખું” એમ કહીને વાલા ગીગાએ ઢેબરાં ને કાતરથી કાપ્યાં અને કર્યા નાનકડાં ટુકડાં અને નાંખ્યા કઢીમાં અને થઇ ગઈ દાળ ઢોકળી!! એયને મિક્ષ વેજીટેબલના ઢેબરાંની દાળ ઢોકળી!! અને પછી આખા કુટુંબે ધરાઈ ધરાઈને ત્રણ ત્રણ છાલિયા દાળ ઢોકળી પીધી અને ઓડકાર ખાઈને સુઈ ગયા!!

વાલા ગીગાને આમ તો કોઈ બંધાણ નહિ પણ કોઈ આપે તો બીડી પણ પી લે,અથવા તો તમાકુ પણ ખાઈ લે!! જીવન સાવ વૈરાગ્યમય જ ગણી લ્યોને!! બપોર પછી ગામની બજારે નીકળે અને કોઈ તમાકુ આપે તો ગલોફે ચડાવી દે અને એમાંય કોઈની ડેલી આગળ ચા પાણી થતાં હોય ને કોઈ ક્યારેક ભૂલે ચુકે કહી દે કે,

“આવો આવો વાલા દા ચા પીવા આવો” એટલે ઝડપ કરીને વાલા ગીગા ખાટલે ગોઠવાઈ જાય!! મોઢામાંથી તમાકુ કાઢે!!એની વાળે ગોળી અને ખાટલાની પાંગથે એ ગોળી મુકે!! ફટાફટ એ ચા પી ને પેલી તમાકુની ગોળી મોઢામાં ચડાવી દે!! અને પછી થાય રવાના!! એકદમ સાદું અને ખર્ચ વગરનું નિસ્પૃહી જીવન!! ચારેય છોકરાં પણ એવાં જ!! મોટાં એ લગ્ન વખતે બુટ લીધેલાં તે બે જ દિવસ પહેરેલાં અને એ જ બુટમાં બાકીનાં ત્રણેય ભાઈ પરણી ગયેલાં!!

“ હવે તો ઉમર થઇ ગયેલી પણ તોય જાવાનું તો હાલીને જ!! પંદર દિવસ પહેલાં જ વેવાઈ અવસાન પામેલાં એટલે વાલા ગીગા હાલીને વેવાઈને ગામ પહોંચી ગયેલાં!! વેવાઈ નું પાણી ઢોળ પતાવીને એ હાલ્યા આવતાં હતાં!! ઉનાળાનો સમય અને તડકો કહે મારું કામ!! બળબળતા બપોરનો સમય અને વાલા ગીગા હાલ્યા આવે એમાં બાજુના ગામનો એક જણ નામે નથું પોતાનું આઈશર લઈને નીકળ્યો!! આઈશરમાં ભર્યો હતો ગોળ!! નથુને ગોળ નો ધંધો!! કોલ્હાપૂરથી ગોળ મંગાવે અને આઈશરમાં ભરીને આજુ બાજુના ગામડાઓમાં વેચે!! રસ્તામાં નથું જોઈ ગયો કે એક એંશી વરહની આજુબાજુનો ભાભો બિચારો ઉઘાડા પગે જાય છે તે લાવ્યને મદદ કરું .એણે પોતાનું આઈશર ઉભું રાખ્યું.

“દાદા બેસી જાવ તમને તમારાં ગામ ઉતારી દઈશ” નથુ બોલ્યો.
“હું કોઈ દી વાહનમાં નથી બેસતો હું હાલ્યે જ બરાબર છું,તું તારે તારું ભારખાનું જાવા દે” વાલા ગીગાએ જવાબ આપ્યો.

“પણ દાદા મફતમાં બેસારીશ, મારે કાઈ તમારી પાસેથી ભાડું નથી જોઈતું, આતો આ તડકામાં તમે ઉઘાડા પગે છોને એટલે કહું છું ,વળી તમારી અવસ્થા પણ થઇ ગઈ છે એટલે તમ તમારે વાંહે બેસી જાવ!! આપણે ભાડું નથી જોઈતું” જેવું નથુ આટલું બોલ્યો ત્યાં તો વાલા ગીગા સટ દઈને આઇશરની પાછળ વાંદરો ટીંગાઈ એમ ટીંગાઈ ગયો!! અને આઈશર ચાલ્યું!! આઈશરની અંદર હતો ગોળ એટલે બહુ જગ્યા નહોતી બેસવાની એટલે વાલા ગીગા એક હાથે આઈશરનો ઉપરનો પાઈપ પકડીને ઉભા હતાં અને એમાં વાલા ગીગાનું જ ગામ આવ્યું અને આવ્યો મોટો ખાડો અને આવ્યો મોટો રોદો!! આઈશરને લાગ્યો આંચકો!! ને કાગનું બેસવું ને ડાળનું ભાંગવું જેવું થયું ને વાલા ગીગા આઈશરમાંથી બહાર આવ્યાં હેઠા ને ખાડામાં મોટો પથ્થર અને માથામાં વાગ્યું!! અને ત્યાને ત્યાં રામ બોલો ભાઈ રામ થઇ ગયું!!

નથુએ આઈશર ઉભું રાખ્યું.દુર પાદરમાં બેઠેલું માણસ દોડીને આવ્યું. વાલા ગીગાના છોકરા પણ આવ્યાં!! કોક વળી એને જઈને કહી આવ્યું. નથુએ ઘણો બચાવ કર્યો.

“દાદા એકલાં હતાં, ઉઘાડા પગે હતાં, મને દયા આવી, મેં વગર ભાડે બેસાર્યા, એ પાછળથી પડી ગયાં ,આગલાં વ્હીલમાં કોઈક આવે તો અમારો વાંક ગણાય પણ પાછળ કઈ થાય એની જવાબદારી નહિ”

“મારા બાપા કોઈ દી આઈશરમાં બેસે જ નહિ , પૂછ આખા ગામને . એ તો હાલીને જ આવતાં હોય !! મારા લગનમાં પણ એ સાયકલ લઈને આવ્યા હતાં.પૂછ આખા ગામને!! તે જ મારા બાપાને અડફેટે લીધા છે!! હાલ્ય આઈશર લઇ લે મારા ઘરે!! હવે તો પોલીસ આવશે , મારે કેસ કરવો છે!! મારા બાપાને તેજ મારી નાંખ્યા છે!! મારે એકના એક બાપા હતાં !! હવે તો તને અને તારા આઈશરને બેય ને સલવાડી દેવા છે” વાલા ગીગાના ચારેય છોકરા બોલવા લાગ્યાં!! મુળિયાએ તો એક બે ધોલ પણ મારી લીધી અને નથુને અને આઈશરને લઇ ગયાં એની ઘરે!! વાલા ગીગાના મૃતદેહને પણ લાવ્યાં!!

પણ ગામ હોય ત્યાં એક બે ડાહ્યા માણસ પણ હોય ને એ પડ્યા સમાધાનમાં!! નથુને કીધું કે ખોટે ખોટા પોલીસ સ્ટેશનના અને કોર્ટના ધક્કા ખાવા કરતાં સમજી લ્યોને!! અત્યારે તારી પર કેસ થશે ને તો આઈશર ને ગોળ બેય પોલીસ સ્ટેશને લઇ જાશે અને પછી તનેય લઇ જાશે !! તું તો જામીન પર છૂટી જઈશ પણ આ આઈશરને ગોળ ને છોડાવતાં નાકે દમ આવી જશે,ગોળનું બિલ માંગશે અને કંઇક લફરા થાશે માટે માની જા અને આહીથી નીકળ જેમ બને એમ!! આમને આમ કલાક વાટોઘાટો હાલ્યો.અને છેવટે એંશી હજારમાં નક્કી થયું!! નથુ પર તો આભ તૂટી પડ્યું!! ધરમ કરતાં ધાડ પડી, નથુએ પૈસા મંગાવીને વાલા ગીગાના મોટા દીકરા મુળીયાને આપી દીધાં અને પછી જ વાલા ગીગાની નનામી બંધાણી!! નથું પોતાના આઈશરને લઈને ચાલતો થયો પણ આઈશર એને હળવું લાગ્યું. પાછળ આવીને જોયું તો ગોળ ન મળે!! બીજાને પૂછવા જાય ત્યાં જ સ્મશાન યાત્રામાંથી વાલા ગીગાના નાના છોકરા એ કહ્યું.

“જોઈ શું રહ્યો છે હાલતો થા હાલતો એ ગોળ તો મારા બાપા ના કારજમાં વાપરવાનો છે, ગોળ તો ઉતારીને ઘરમાં મુકાઈ ગયો છે “

અને નથુએ આઈશર સીધું ટોપમાં નાંખીને મારી મુક્યું. વાલા ગીગાએ જતાં જતાં પણ પોતાનો સ્વભાવ ના મુક્યો મરતો ગયો અને પોતાનું પાણીઢોળ પારકાં પૈસે કરાવતો ગયો!!

લેખક:- મુકેશ સોજીત્રા ૨૪/૭/૨૦૧૭ સોમવાર

શિવમ પાર્ક સોસાયટી ઢસા ગામ તા.ગઢડા જિ.બોટાદ ૩૬૪૭૩૦

આપ સૌને આ વાર્તા કેવી લાગી ? કોમેન્ટ માં જણાવજો !!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block