પરિવાર તૂટી રહ્યા છે – આત્મમંથન કરવા જેવી વાત.

સંબંધ = સમ + બંધ. સમ એટલે સરખું અને બંધ એટલે બંધાવું, બાંધવું, જોડાવુ કે જોડવું. કોઈ અન્ય વ્યક્તિ સાથે લાગણીના તંતુએ સરખા ભાવથી પરસ્પર સહમતીથી બંધાવું તે સંબંધ. એ પછી સામાજિક હોય કે કૌટુંબિક. કૌટુંબિક સંબંધમાં વધુ લાગણી, વિશ્વાસ, પ્રેમ અને જવાબદારી હોય છે. પરિણયથી શરુ થતા પારિવારિક સંબંધોમાં પરસ્પરને વફાદાર રહેવાનું ખુદને અપાયેલ વચન છે. અહી ત્યાગ – સમર્પણનો સ્વૈચ્છિક સ્વીકાર હોય છે. જવાબદારી લેવી ગમે છે માટે તે ‘બંધન’ લાગતું નથી. પ્રેમનું ગઠબંધન બની રહે છે. અહી જેટલી વધુ નિસ્વાર્થ ભાવના તેટલો સંબંધ વધુ ગાઢ, ચિરંજીવ બની રહે છે.

પરિવાર બને માતા-પિતા, પુત્ર- પુત્રી, પુત્રવધૂ અને તેમના સંતાનોથી. સ્વાભાવિક જ આ બધા એક મકાન માં રહી ‘ઘર’ બનાવે. પણ જો અહી એક થી વધુ કે બે પુત્રો તેમની પત્ની અને બાળકો સાથે રહે તો તેને સંયુક્ત કુટુંબ કહેવાય. ભારતીય સંસ્કૃતિ ની ધરોહર એવી સંયુક્ત કુટુંબ પ્રથા તો હવે પડી ભાંગી છે પરંતુ દુઃખ તો એ વાતનું થાય કે પ્રગતિને પગલે પુત્ર-પુત્રવધુ તેમના સંતાનો સાથે અલગ રહે તેવી વ્યવસ્થા શરુ થઇ ગઈ છે. ઘણી સારી બાબતો માં મોખરે રહેનાર ગુજરાતીઓ આ બાબતે પણ મોખરે છે જે કડવું સત્ય ગળે ઉતારવું જ રહ્યું.

આજકાલ યુવક-યુવતીઓ પોતાની કારકિર્દી ઘડ્યા પછી જ લગ્ન કરવાનું વિચારે છે જે આવકાર્ય બાબત છે પરંતુ મહદઅંશે બને છે એવું કે એ વિચારસરણી માં સ્વત્રંત જીવનશૈલી એટલી હદે માફક આવી ગઈ હોય છે કે યુવક-યુવતીઓ મળવા, ફરવા અને તમામ મોજ-મસ્તી કરી લેવા તૈયાર હોય પણ લગ્ન કરીને સુખ સાથે દુઃખના સાથીદાર બની, જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોય. લગ્ન નહિ પણ લિવ ઇન રિલેશનશીપ આ કારણે પણ વધી રહી છે. સમય જતા સંબંધ થી કંટાળી છુટા પડે. વળી, ક્યાંક તો આ બંધન પણ નહિ. ગમે અને ફાવે ત્યાં સુધી સાથે હરવું, ફરવું બાકી ‘અબ તું નહિ કોઈ ઓર સહી.” માં રાચતા પોતાને અત્યાનુધિક ગણી પોરસાય છે. કેટલાક સંજોગોમાં માતા-પિતાના આગ્રહને વશ થઇ પરણે તો યુવતી “પોતે પોતાના ઊંચા પગારની નોકરી છોડી અન્ય શહેરમાં નહિ આવે, બદલી થાય તો ઠીક છે.” એવું ફરમાન લગ્ન અગાઉ જ જાહેર કરી દે છે. જેનો સ્વીકાર યુવક પણ કરે છે કારણકે કઈંક અંશે બંને માટે હું અને મારી કેરિયર જ મહત્વના હોય છે પરિવાર નહિ. પતિ પત્ની તરીકે ની મોજ માણવી પણ ફરજ નહિ.. આ વૃતિ વધી રહી છે. સમાજ શું કહેશે અને વંશ વધારવાના આગ્રહને કારણે બાળકને જન્મ તો આપી દેવાય પરંતુ જવાબદારી લઇ ઉછેર કરવાને બદલે ‘આયા’ અથવા બેબી સીટીંગ ની વ્યવસ્થા થાય. ‘ડે’ સ્કુલ અને હોસ્ટેલમાં જ સંતાન મોટું થાય. સમય જતા એ પણ એ જ શીખે. આમ પોતાની નોકરી અને સ્વતંત્રતા( સ્વછંદતા) ને જ પ્રાથમિકતા અપાતી જોવા મળે છે. આર્થિક જરૂરિયાત કે અન્ય કારણ ઉપરાંત એક મહત્વનું કારણ તે આપણા સમાજની નબળી માનસિકતા પણ છે. જે સ્ત્રી નોકરી કરતી હોય એ જ સ્માર્ટ, હોશિયાર ગણાય એવું મનાય છે. જેથી દરેક યુવતી લગ્ન બાદ ઉચ્ચ શિક્ષણ ન હોય તે છતાં પણ નોકરી ને પ્રાધાન્ય આપે છે.

પરિવારને તૂટી રહ્યા છે તેનું એક અન્ય કારણ તે પૈસો કમાવાની અતિ આકાંક્ષા. પુરુષ નોકરી –ધંધા અર્થે દેશમાં જ કોઈ અન્ય સ્થળે કે વિદેશમાં એકલા રહે અને પત્ની બાળકો સાથે અન્ય સ્થળે અલગ રહે. આ વ્યવસ્થા અનુસાર ૧૫-૨૦ દિવસે કે ૧-૨ વર્ષે પરિવાર મળે. સ્વાભાવિક જ આવા સંજોગોમાં પ્રત્યક્ષ ઉષ્મા અને સાથ- સહકાર ઓછા થતા જાય અને ક્યારેક લગ્ન બાહ્ય સંબંધો માં શરુ થાય. આ જ બાબતે એક અન્ય ન અવગણી શકાય તેવું કારણ તે આધુનિક ગેઝેટ્સ. એક જ ઘર માં રહેતા પતિ-પત્ની સંતાનો પરસ્પર સમય આપી શેરીંગ અને કેરીંગ ને બધા પોતપોતાના મોબાઇલ-ટેબ માં જ સતત ગુંચવાયેલા રહે છે. આમ સંબંધ તો છે પણ મન થી વિખૂટા પડેલા પરિવાર વધી રહ્યા છે. ક્યાંક તો સંવેદના એટલી હદે બુઠ્ઠી થઇ ગઈ હોય છે કે પરસ્પરના મોબઈલમાં પર્સનલ પાસવર્ડ રાખી પોતાની તમામ બાબતો છુપાવે છે. પરિવારમાં રહી પોષણ પામવું કે આપવું નથી આ તે કેવી માનસિકતાનો શિકાર સૌ બની રહ્યા છે?

વિલંબ કર્યા વગર આ બાબતે આત્મ-મંથન કરી પરિવારના હૂંફ-પ્રેમ અને સુખ દુઃખના સાચા સહારા તરફ વળવાનું વિચારી લેવાય તો પરિવાર થકી જીંદગીમાં સુખનો સમંદર ઘૂઘવાટ કરતો રહેશે. કારણકે દરેક જાણે છે કે પારિવારિક સંબંધો સાચવવા શું કરવું જરૂર છે માત્ર અમલ કરવાની. ગુલાબ રૂપી પરિવારના છોડની માવજત કરતા રહેવાથી જીવન તાજગીભર્યું અને મહેકતું બનાવી શકાશે.

– પારુલ દેસાઈ

ટીપ્પણી