“પારિજાતની સુગંધ” – એક ફિલ્મ જોયા કરતા વધુ આનંદ આપશે આ લવસ્ટોરી, વાંચી,મંત્રમુગ્ધ થઇ જશો.

અને આબુરોડ સ્ટેશન આવ્યું. સવારના ૫ વાગવા આવ્યા હતાં. માધવ પટેલ પોતાની બર્થ પર જાગ્યો. આળસ ખંખેરીને એ ઉભો થયો.ડબ્બામાં ખાસ કોઈ પેસેન્જર હતા નહિ. બ્રશ કરીને એણે ચા પીધી. થ્રી ટાયર એસીના કોચમાં લગભગ ૨૨ જેટલા જ પેસેન્જરો હતાં. માધવ અમદાવાદથી આ કોચમાં ચડ્યો ત્યારે એણે કોચના દરવાજા પાસે લગાવેલ પેસેન્જરોની યાદી જોઈ હતી.પોતાની સામેની બર્થ પર તેણે એક નામ જોયું હતું. “સોનુ અગરવાલ સ્ત્રી ઉમર ૧૮ મારવાડ!!” આ સોનું અગરવાલ મારવાડ થી કદાચ આ ટ્રેઈનમાં ચડે તો ચડે.

આમ તો દરેક યુવાન પોતાની સાથે મુસાફરીમાં કોઈ પોતાની ઉમરની છોકરી હોય તો પ્રવાસમાં મજા રહે એવી માનસિક ગણતરી સાથે જ ટ્રેઈનનો પ્રવાસ કરતો હોય છે.આમ તો એણે પાકી ગણતરી કરી જ લીધી હતી કે બાવીસ મુસાફરોમાં વીસ વરસની આજુબાજુની ચાર છોકરીઓ હતી પણ એ બધી જ એના માતા પિતાની સાથે મુસાફરી કરતી હતી અને પણ પોતાના બર્થની આજુબાજુ તો બે મોટી ઉમરની વ્યક્તિઓ હતી. રાજસ્થાનના રણની જેમ ક્યાય હરિયાળી નહોતી!!

માધવ પટેલ એક કાઠીયાવાડના નાના ગામનો છોકરો!! ભણવામાં હોંશિયાર હતો. ધોરણ છ થી એ જવાહર નવોદય વિદ્યાલયમાં ભણતો હતો. ગામમાંથી જવાહર નવોદયમાં ભણવા વાળો એ એક જ હતો.પાપા ખેતીકામ કરતાં હતા.આમ તો મધ્યમવર્ગીય પરિવારનો માધવ પોતાના પિતાનું ત્રીજું સંતાન હતો.મોટી બહેન સુજાતા સાસરે હતી અને ભાઈ અમદાવાદ હીરાનું કારખાનું ધરાવતો હતો. ભાઈ પરણેલો હતો.અને માધવે જવાહર નવોદયમાં દસમું પૂરું કર્યા પછી ધોરણ બાર સીબીએસઈની શાળામાં અમદાવાદમાં જ પૂરું કર્યું હતું.બારમાં ધોરણથી જ એને સાહિત્યમાં શોખ હતો.

ખાસ કરીને અંગ્રેજી સાહિત્યમાં એને ખુબ જ રસ હતો. રસ્કિન બોન્ડ, સમરસેટ મોમ ,ગાય દ મોમ્પાસા અને ચેખવની વાર્તાનો એ જબરો રસિયો હતો. ધોરણ બાર માં સારા ગુણ આવ્યા અને તેણે નક્કી કર્યું કે દિલ્હીની કોઈ પણ સારી કોલેજમાં અંગ્રેજી સાથે બી.એ. ઓનર્સ કરવું. અને તેમણે ફોર્મ પણ ભરી દીધા હતા.અને ચાર દિવસ અગાઉ જ એમને દિલ્હીની ખ્યાતનામ કોલેજ, કિરોડીમલ કોલેજમાંથી એડમીશન નો લેટર પણ આવી ગયો હતો.અને આજે તે કોલેજમાં એડમીશન લેવા જઈ રહ્યો હતો.આગામી ત્રણ વરસ હવે તે દિલ્હીમાં ગાળવાનો હતો.

જયારે ભાઈ અને ભાભી તેમને કાલુપુર સ્ટેશને મુકવા આવ્યા ત્યારે એને કીધું હતું. “માધુ ચિંતા ના કરતો, સાચવીને રહેજે, પૈસા જોઈએ ત્યારે મની ઓર્ડરથી મંગાવી લેજે અને દર રવિવારે તું મને ફોન કરજે. ત્યાં જઈને કોઈ નજીકની એસ ટી ડી પીસીઓ હોય ને તેનો નંબર મને આપી દેજે અને મારો નંબર અને ઓળખાણ પણ તે પીસીઓ વાળાને આપી દેજે તું કોલેજે હો અને મારે અરજન્ટ કામ પડે ને તો તને સમાચાર આપી દેજે!!” રાકેશે માધવને કહ્યું. ૧૯૯૦નો દાયકો હતો. લોકો લેન્ડલાઈન જ વાપરતા.ઘરે ફોન હોવો એ એક વૈભવશાળી જીવનની નિશાની ગણાતી!!!
અને મારવાડ જંકશન આવ્યું.

ગાડી ધીમી પડી અને બે લોકો ઉતર્યા અને આઠેક લોકો આ કોચમાં ચડ્યા. ડબ્બામાં એક ફૂલની ખુશ્બુ આવી. એક ૧૯ વરસની છોકરી આંખ પર બલ્યુ ગોગલ્સ, જીન્સનું પેન્ટ અને લાઈટ યલો ટી શર્ટ પહેરેલું. ચહેરો એકદમ ગોળ મટોળ અને ચમકતી પાણીદાર આંખો માધવની બરાબર સામે ગોઠવાઈ. માધવે તો એને જોઇને આંખો બંધ કરી દીધી. સોનુની સુંદરતા માધવે અંદર ઉતારી લીધી. એ આંખો બંધ કરીને સુંદરતા માણી રહ્યો હતો.આમેય સ્ત્રી આંખો બંધ રાખીએ તો વધારે સુંદર દેખાય આચાર્ય રજનીશના શબ્દો માધવને યાદ આવી ગયા.

“દેલ્હી કેંટ પર ઉતરી જજે, ત્યાં મણિ પ્રસાદ તને લેવા આવ્યા હશે,અને ટીટી ને મેં વાત કરી દીધી છે આપણા જાણીતા જ છે તને કોઈ જ તકલીફ નહિ પડે” છોકરીને સાથે આવેલા સજ્જને કહ્યું અને કહેતી વખતે એની નજર માધવ સામે જ હતી.માધવે આંખો ખોલી અને બારી બહાર જોયું. સોનુએ પોતાના થેલા બર્થ નીચે ગોઠવ્યા. અને બોલી.

“લવ યુ ડેડી. મમ્માને યાદી આપજો ટેક કેર ડેડી “ અને ગાડીની વ્હીસલ વાગી અને સોનુના પાપા નીચે ઉતર્યા સોનું દરવાજા સુધી ગઈ. ગાડી ચાલી અને સોનું પોતાની સીટ પર ગોઠવાણી.સરસ મજાનો પવન આવી રહ્યો હતો. માધવ પણ વ્યવસ્થિત થયો અને એણે સોનુ સામે નજર માંડી. છોકરી ખરેખર સુંદર હતી.ડીમ્પલ કાપડીયાની જેમ જ વગર મેક અપે તે ખુબસુરત હતી!! એક દમ રેર એન્ડ એક્સ્ટ્રા ઓરડીનેરી સુંદરતા.ચહેરાની જમણી બાજુ એક નાનકડો તલ અને એકદમ પરફેક્ટ મેચિંગ વાળી નેઈલ પોલીશ. ડાબા હાથ પર એસ લખેલું એક છૂંદણું હતું અને એક સોનાની રીંગ હતી ડાયમંડ જડેલી જે જમણા હાથે પહેરેલી હતી.

કપાળમાં એક બિંદી હતી. વાયોલેટ કલરની વાળ એકદમ સિલ્કી અને લીસ્સા હતા.પવનની લહેરખીને કારણે વાળ ચહેરા પર આવી જતા હતા અને તે કોમલ હાથથી પોતાના વાળ સરખા કરતી હતી અને બારીની બહાર જોતી અને અચાનક જ એણે માધવની સામે જોયું. મોઢાથી લઈને પગ સુધી એણે માધવને નીરખી લીધો અને માધવ બારી તરફ જોઈ ગયો. અને એ હસી.એક મારકણું સ્મિત આવી ગયું તેના ચહેરા ઉપર!! પોતાની સાથેના થેલામાંથી એણે પાણીની બોટલ કાઢી,પાણી પીધું અને એક નોટબુક કાઢી અને પાછી થેલામાંથી કશુક શોધવા લાગી.

“આપની પેન મળી શકે મને ,મને લાગે છે કે હું પેન ઘરે ભૂલી ગઈ છું”
“જી ચોક્કસ,આપનું નામ સોનું અગરવાલને , મેં ડબ્બા પર વાંચેલું છે યાદીમાં” માધવે કહ્યું અને એણે સોનુને પોતાની પાર્કર પેન આપી.
“જી માધવ પટેલ “ સોનુએ પેન લીધી અને કહ્યું ને હવે ચોંકવાનો વારો માધવનો હતો.એ નવાઈ ભરી નજરે જોઈ રહ્યો આને મારા નામનો ક્યાંથી ખ્યાલ ?? શું એણે પણ ડબ્બા દરવાજા પાસે લગાવેલી યાદી વાંચી લીધી કે શું.??

“ બાય ધ વે મારા દાદા આ સ્ટેશનના સ્ટેશન માસ્તર હતા. એટલે મારા પાપાને અહી બધાં ઓળખે એટલે આજની આ ટ્રેનની યાદી મેં સ્ટેશન પર જોઈ લીધી છે “ ખીલખીલાટ હસી પડી સોનુ અને માધવ પણ હસી પડ્યો. પછી તો સોનું કશુક ટપકાવવા લાગી. એકદમ મોતીના દાણા જેવા અક્ષરે એ નોટબુકમાં લખી રહી હતી. થોડી વાર લખ્યા પછી એણે નોટબુક બંધ કરીને વિચારવા લાગી.

“દિલ્હી જાવ છો આપ આપ ? કદાચ ત્યાં ભણતા હશો નહિ ? કઈ કોલેજમાં છો આપ ? માધવે વાતનો દોર આગળ ચલાવ્યો.
“શું મારી ઉમર એટલી બધી મોટી છે કે તમે મને આપ કહો છો?? હું દિલ્હી જ જાવ છું હવે કઈ કોલેજ માં ભણવાનું એ નક્કી નથી.મારા પાપાના એક મિત્ર છે એ કોઈક કોલેજમાં લાગવગ લગાડીને એડમીશન મેળવી દેશે એમ મારા પાપા કહેતા હતા. તમે દિલ્હીમાં ક્યાં ભણો છો “ સોનુ નિખાલસતાથી હસી પડી.એનું હાસ્ય એકદમ નિર્મળ હતું.આમેય હસતી છોકરી વધારે સુંદર દેખાતી હોય છે એવું માધવને લાગ્યું. પછી તો વાતોનો દોર ચાલ્યો અને માધવે પોતાની વાત કરી.

સોનુ એ બધી વાતો ધ્યાનપૂર્વક સાંભળી અને પછી પોતાના થેલામાંથી એક ડબ્બો કાઢ્યો એમાં એક ભીનો રૂમાલ હતો.એમાં હતા થોડા તાજા ફૂલો એમાંથી એક ફૂલ માધવને આપીને કહ્યું. ડબ્બામાં એક મીઠી સુગંધ લહેરાઈ ગઈ.
“બેસ્ટ ઓફ લક!! હોપીંગ ધેટ યુ વિલ એન્જોય ઇન દેલ્હી!!! સોનુએ આપેલ ફૂલ માધવે લીધું. ફૂલ એણે પહેલી વાર જોયું હતું એકદમ મસ્ત સુગંધ હતી એ ફૂલની!!

“આભાર ,આ કયું ફૂલ છે?? સરસ અને મસ્ત સુગંધ છે.હું આ ફૂલને નથી ઓળખતો” માધવે કહ્યું.
“પારિજાત છે , મને ખુબ જ ગમે છે.મારા ઘરે પારિજાત ઉગે છે હું એને ભેગા કરીને પછી એને પાણીમાં ઉકાળીને અતર પણ બનાવું છું.” સોનુએ કહ્યું અને વળી પાછી એ નોટબુકમાં ટપકાવવા માંડી.માધવ તેને નિહાળી રહ્યો હતો. અજમેર આવ્યું અને વાતાવરણમાં ગુલાબના ફૂલોની ખુશ્બુ પ્રસરી ગઈ. સ્ટેશન પર ગાડી રોકાણી માધવ નીચે ઉતર્યો સામે જ એક સ્ટોલ પર દહીં વેચાતું હતું. માટીની રકાબી જેવા આકારમાં દહીં મળતું હતું.માધવે બે દહીંની બે રકાબીઓ લીધી અને ડબ્બામાં આવ્યો. એક રકાબી એણે સોનુને આપી.

“તમે કેમ માની લીધું કે દહીં મને ભાવશે? સોનુએ દહીં ખાતા ખાતા પૂછ્યું. માધવ સહેજ હસ્યો પણ કશું ના બોલ્યો.
“આજ સવારે જ હું દહીં અને ગોળ ખાઈને નીકળી છું,મમ્મીએ મને કહ્યું કે બેટા સારા કાર્ય માટે જઈ રહી છો તો આ લે દહીં અને ગોળ ચાખી લે, વરસોથી હું આ રીવાજ જોવ છું.સારા કાર્ય માં જતા હોઈ ત્યારે દહીં અને ગોળ ખાવામાં આવે છે મારા ઘરમાં” સોનું દહીં ખાતા ખાતા બોલતી હતી. માધવ બસ તેમના હાવભાવ માણ્યે જતો હતો.
“તમારા પાપા શું કરે છે” ? માધવે પૂછ્યું.

“બસ પાપાને જવેલરીની દુકાન છે મારવાડમાં , મેઈન બજારમાં બેંક ઓફ મેવાડ ની પાસે જ દુકાન આવેલી છે.અમારે રાણાવાસમાં સરસ મજાનું મકાન છે. આમ તો અમે મૂળ ઉતર પ્રદેશના છીએ. લખનૌ પાસે બારાબંકી આવ્યું ને ત્યાના અમે છીએ.મારા દાદા રેલ્વેમાં હતાં. એમની નોકરી અહીંજ હતી મારવાડ જંકશન માં અને આમેય મારવાડ જંકશનમાં રેલવેમાં નોકરી કરતા તમામ પરિવારો અને સંતાનો રહે છે પેલા તો કશું જ નહોતું પણ હવે તો નાનું એવું નગર થઇ ગયું છે.

મજા આવે આમ તો મૂળ રાજસ્થાનના લોકો બહુ જ ઓછા બહારના જ વધુ જોવા મળે , મારા દાદા અને દાદી ગયા વરસે અવસાન પામ્યા છે. હું એમની ખુબ જ વહાલી હતી.એમાંય દાદી તો મને આવડી મોટી થઇ તોય ખોળામાં જ બેસારતી. પણ દાદા અવસાન પામ્યા પછી એક મહિના પછી દાદી પણ અવસાન પામ્યા.” બોલતા બોલતા સોનુ ગમગીન થઇ ગઈ અને બહાર દેખાતા વાદળને તાકી રહી. એની આંખમાં એક આંસુ હતું.માધવે પોતાનો રૂમાલ આપ્યો અને સોનુએ આંસુ લુંછી નાખ્યું. પછી તો ધીમે ધીમે વાતો થતી રહી કિશન ગઢ આવ્યું. અને જયપુર આવ્યું. કોચમાં જમવાનું આવ્યું હતું, સોનુએ ખાલી જીરા રાઈસ ખાધા અને એક અડધી ચપાતી. પછી તો સોનું પોતાની બર્થ પર સુઈ ગઈ.

માધવ પણ સુતો … સાંજના પાંચ થવા આવ્યા હતા.માધવ જાગ્યો સોનું જાગી ચુકી હતી ગાડીએ અલ્વર વટાવીને રેવાડી પહોંચી રહી હતી. સોનુ પોતાની નોટમાં કશુક ટપકાવતી હતી. ગાડી ગુડગાંવ ઉભી રહી કોઈ એક ગાડીનું ક્રોસિંગ થવાનું હતું એવામાં એ નીચે ઉતરીને થોડી વારમાં બે પ્લેટ છોલે ભટુરે લઈને આવી.

“અહીના છોલે ભટુરે ખુબ વખણાય છે. મારા દાદા જયારે પણ ગુડગાવ આવતા ત્યારે વળતી વખતે એ છોલે ભટુરે લાવતા મારી ઘરે, ખુબ જ અસલી ટેસ્ટ વાળા છોલે ભટુરે ગુડગાવ સ્ટેશન પર મળે” સોનુએ એક ડીશ માધવને આપી. માધવે પેલી વાર રોટલી જેવડી મોટી પૂરી જોઈ. એને છોલે ણો સ્વાદ ખુબ સારો લાગ્યો.અડધી કલાકમાં દેલ્હી કેંટ આવી ગયું અને સોનુ નીચે ઉતરી. પિસ્તાલીસ વરસના સજ્જન એમને લેવા આવ્યા હતા,બંનેએ એક બીજાને બાય કીધું અને ગાડી ઉપડી. સહેજ સહેજ અંધારું થઇ રહ્યું હતું.સોનુએ પાછળ જોયું. માધવ એમને તાકી રહ્યો હતો અને સોનુએ પેલી પાર્કરની પેન હાથમાં રાખીને હાથ હલાવ્યો અને પછી એ પેન તેણે ચૂમી લીધી અને અને માધવની સામે હાથ હલાવતી એ આછા અંધારામાં ઓઝલ થઇ ગઈ. માધવ પણ છેક સુધી હાથ હલાવતો રહ્યો હતો. પહાડગંજ રેલવે સ્ટેશન આવ્યું અને માધવ પોતાની બેગ અને થેલાઓ સાથે ઉતર્યો.એણે ટેક્ષી વાળાને કિરોડીમલ હોસ્ટેલનું સરનામું આપ્યું અને એ ટેક્ષીમાં રવાના થયો.

દિલ્હી!! માધવને સાવ અજાણ્યું જ લાગ્યું. સહુ પોતપોતાનામાં જ વ્યસ્ત!! ખાવામાં જાણે ગળપણ જ નીકળી ગયું!! તીખું અને તમતમતો ખોરાક!! સદભાગ્યે હોસ્ટેલમાં ચારેક ગુજરાતી છોકરાઓ હતાં એટલે સેટ થવામાં વાંધો ના આવ્યો. બાકી મોટાભાગના બિહારી અને યુપી તેમજ રાજસ્થાની જ ઉભરાતી કિરોડીમલ કોલેજ!! પહેલાં ચાર દિવસ એણે તો એમને એમ વિતાવ્યા પછી કોલેજ સાથે તાદાત્મ્ય સાધી લીધું. પ્રોફેસરો પણ અલગ અલગ જ મિજાજના!! અમુક કારણ વગરના હસતાં જોવા મળે!! તો અમુક કારણ વગરના ગંભીર જોવા મળે!! વર્ગખંડમાં પણ છોકરાં છોકરીઓ ભણવા આવે છે કે પછી મોજ મસ્તી કરવા આવે છે એ એને ના સમજાયું. અઠવાડિયા પછી માધવ કોલેજની સામેજ આવેલ એક બુક સ્ટોરમાં નોટ્સ અને થોડાક પુસ્તક ખરીદવા ગયો હતો. એ ભાવતાલ કરતો હતો ત્યાંજ પાછળ એને બરડામાં કશુંક ભોંકાયું હોય તેવું લાગ્યું અને તેણે પાછળ જોયું તો નવાઈનો પાર ના રહ્યો!! સોનુ પાછળ ઉભી હતી એના હાથમાં પોતે આપેલી પાર્કર પેન હતી.

“કેમ મળી ગયાને બહુ ઝડપથી આપણે બંને” સોનુ બોલી. માધવ સોનુને જોઇને આનંદ થયો.
“ હા કેમ તમે આજ કોલેજમાં એડમીશન લીધું કે શું” માધવને શું બોલવું એ સુજતુ નહોતું.

“ હા આ કોલેજમાં એડમીશન મળી ગયું.સબંધીને ત્યાં રહું છું,મારા પાપાના પેલા મિત્ર ખરાને એણે કોઈ જેક લગાવ્યા અને એડમીશન પાકું થઇ ગયું.અને કોલેજ અહીંજ નજીક મારા સબંધીના ઘરથી અને સારી કોલેજ છે પણ ચાલ હવે હું તને એક પેન લઇ દઉં, આ પેન તો હું મારી પાસેજ રાખીશ.. અદ્ભુત પેન છે આ એટલે હું પાછી નહિ આપું અને હવે હું તુંકારે બોલાવીશ તને કોઈ વાંધો ના હોય તો!! આ દિલ્હી છે અહી તુંકારાના સંબંધો કોમન ગણાય.તું પણ મને તુંકારે બોલાવજે અને હવે હું પણ તારી સાથે જ તારા વર્ગમાં બેસીશ જો તને વાંધો ના હોય તો આમ તો હિન્દી મારો પ્રિય સબ્જેક્ટ પણ મારી એક ફ્રેન્ડ મને કહેતી હતી કે સોનું કોલેજમાં ઈંગ્લીશ રાખ્યું હોય તો કંટાળો ના આવે કારણકે ઈંગ્લીશ ખુબજ રસિક ભાષા અને એમાં વર્ણન પણ હાઈ ક્લાસ અને અફલાતુન હોય” સોનુ અસ્ખલિત બોલતી હતી.ક્યાં એ ટ્રેનના કોચમાં મળેલી સોનું અને ક્યાં આ અઠવાડિયામાં બદલાયેલી સોનું!! આજ એ વ્હાઈટ ટોપ અને બલ્યુ જીન્સમાં ગજબની સુંદર લગતી હતી.

“સ્યોર હું પણ હવેથી તું જ કહીશ “ માધવે કહ્યું.સોનુએ તેને એક મસ્ત પેન લઇ દીધી અને બંને ક્લાસરૂમમાં ચાલ્યા ગયા.આજે પણ સોનુના બદનમાંથી પારિજાતની ખુશ્બુ આવતી હતી. આજ માધવને ભણવામાં કંટાળો ના આવ્યો.અમુકની હાજરીથી જ વાતાવરણ જીવંત બની જતું હોય છે. બંને એક જ બેંચ પર બેઠા બેઠા લેકચર સાંભળી રહ્યા હતાં. આજે શરૂઆતમાં જ ઓ હેન્રી ની ક્લાસિક વાર્તા “ગીફ્ટ ઓફ મજાઈ” તેઓ ભણ્યા. પ્રોફેસર એ વાર્તાનું વર્ણન કરતાં કરતાં ભાવ વિભોર થઇ ગયા. કહાની બધાને સ્પર્શી ગઈ.અને આમેય લવ સ્ટોરી તો બધાને સાંભળવી ગમતી હોય છે પણ શરત એટલી કે એ બીજાની હોવી જોઈએ!! રિશેષમાં સોનુ બોલી ઉઠી.

“મારી ફ્રેન્ડ ખુબ જ સાચી અને સારી છે ખરેખર ઈંગ્લીશ ભણવાની આવે મજા!!” પછી તો કોલેજ કેન્ટીનમાં સોનુ સતત વાતો કરતી રહી. દિવસો સારી રીતે પસાર થવા લાગ્યા. એક વખત એણે સોનુ એ કીધું રિશેષ પછી આપણે બહાર જવાનું છે અહી પાસેજ એક સરસ મજાનો બગીચો છે ત્યાં હું તને સરપ્રીઈઝ આપવાની છું. અને રીશેષમાં એ માધવને બગીચામાં ખેંચી ગઈ એક ઝાડ પાસે.

“ આ પારિજાતનું વ્રુક્ષ છે,જો આ એના ફૂલ છે,છેને મસ્ત સુગંધ!! આ ફૂલની સુગંધ રાતે ખુબજ મસ્ત આવે છે.” એણે માધવને થોડા ફૂલો આપ્યાં. અને પોતે ફૂલો સૂંઘતી રહી.અચાનક જ વાતાવરણમાં એક પલટો આવ્યો અને ઝરમર ઝરમર વરસાદ ના છાંટા પડ્યા. અને સોનુ એ વરસાદમાં પોતાના બેય હાથ પહોળા કરીને આંખો મીંચીને ઉભી રહી ગઈ!! અદ્ભુત નજારો હતો એ!! વરસાદના ઝીણાં ઝીણાં ટીપા એના માથાના વાળ પરથી ધીમે ધીમે નીચે દડી રહ્યા હતા!! કેટલીક બુંદો એના કપાળ પરથી સરકતી સરકતી કાનની બુટ પરથી નીચે ટપકતી હતી ટપ ટપ ટપ!! સોનુના હોઠની નીચેની સાઈડ પર બુન્દોની હારમાળા સર્જાઈ હતી અને નીચે ટપકતી હતી,જાણે કે મધપૂડામાંથી મધ ટપકે એમજ!! વરસાદનું ઝરમરીયું પૂરું થયું. અને સોનુએ આંખ ખોલી એના ચહેરા પર ગઝબની ખુશી નીતરતી હતી!! એ બોલી.

“પહેલા વરસાદના ઝરમરિયામાં આમ ઉભા રહો એટલે તમને જે વધારે વહાલું હોય એના દર્શન થાય!! મેં આંખો બંધ કરી એટલે મને મારા મમ્મી અને પાપા દેખાયા!! તમને જે સહુથી વધુ વહાલું હોય એ દેખાય એવી મારી દાદીની માન્યતા છે!! હું નાની હતી ને ત્યારથી જ આવું કરું છું.મેં અગાઉ પણ તને કહ્યું છે કે દાદીને હું બહુજ ગમતી. એને કારણે હું આ પારીજાતને ઓળખતી થઇ છું.મારી દાદીનું ગામ કીન્ટુર અમારા મૂળ ગામ બારાબંકી થી નજીક જ થાય એ વખતે મારા દાદા અને દાદી પ્રેમમાં પડેલા અને પરણી ગયેલા એ પણ પારિજાતના વ્રુક્ષ નીચે !

એ વ્રુક્ષ દુનિયાનું સહુથી જુના વ્રુક્ષોમાં નું એક છે હું કીન્ટુર ઘણી વાર ગયેલી છું. પારિજાતનું એ વ્રુક્ષ પણ જોયેલું છે ખુબ જ વિશાળ છે.દાદીમાં કહેતા કે માતા કુંતાની રાખમાંથી એ વ્રુક્ષ ઉગેલું છે.!! ખુબ જ પવિત્ર ઝાડ ગણાય છે!! નવ પરણિત લોકો ત્યાં પ્રદક્ષીણા કરવા જાય છે અને ત્યાં ઘણાં બધાં મંદિરો પણ આવેલા છે હું તને દિવાળીના વેકેશન પછી ત્યાં લઇ જઈશ” સોનુ એ બોલવાનું પૂરું કર્યું માધવ તેને સંભાળી જ રહ્યો હતો. માધવે તેના રૂમાલથી સોનુનું માથું અને ચહેરો સાફ કર્યો.સોનુએ પાછુ બોલવાનું શરુ કર્યું.મોટાભાગની છોકરીઓ જન્મજાત બોલકી હોય છે!!

“પારિજાત દેવભૂમિ નું વ્રુક્ષ છે તને ખબર છે એ દાદીમાં મને એની ઘણી બધી વાતો કરેલી એ કહેતા કે સમુદ્રમંથન વખતે આ વ્રુક્ષ નીકળેલું અને ઇન્દ્રને આપવામાં આવેલું એવી પણ માન્યતા છે. બીજી એક વાત એમ પણ છે કે ઇન્દ્રના દરબારમાંથી ભગવાન શ્રી કૃષ્ણએ પારિજાતની એક ડાળખી તોડીને રુકમણીને આપી હતી. નારદે સત્યભામાને કાન ભંભેરણી કરીને સત્યભામાએ આખું પારિજાતનું વ્રુક્ષ લાવવા કહ્યું, અને અ બાજુ નારદે ઇન્દ્રને કહ્યું કે શ્રી કૃષ્ણ તારી પાસે પારિજાત લેવા આવશે પણ તું આપતો નહિ.ઇન્દ્ર અને કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું અને ઇન્દ્ર હાર્યો અને પારિજાત પૃથ્વી પર આવ્યું પણ ઇન્દ્રે શાપ આપ્યોકે પારીજાતને ફળ પણ નહિ આવે અને બી પણ નહિ આવે.

તેથી પારીજાતને ફક્ત ફૂલ જ આવે છે અને ચોમાસામાં એની ડાળખી વાવો એ જમીનમાં ચોંટી જાય.શ્રી કૃષ્ણે સત્યભામાના બગીચામાં પારિજાત વાવેલું પણ એના ફૂલ વળી રુકમણીના બગીચામાં પડતા.મારી દાદી પાસે આવો ખુબ ખજાનો હતો.” સોનુએ કીધું.

“તારે વનસ્પતિ શાસ્ત્ર રાખવાની જરૂર હતી તે અંગ્રેજી ખોટું રાખ્યું છે” માધવે કહ્યું અને સોનુ હસી.
“અંગ્રેજી તો મેં તારે ખાતર રાખ્યું છે.તારો સંગાથ મળી રહેને “ માધવને આ ખુબ જ ગમ્યું,સોનું વળી કાંઇક નોટબુકમાં ટપકાવવા લાગી.
“ચાલ મને જોવા દે તું નોટબુકમાં શું લખે છે એ “એમ કહીને માધવે નોટબુક લીધી સોનુ પાસેથી એમાં ઘણી બધી શાયરીઓ લખેલી હતી.માધવે શાયરી ઓ વાંચવાની શરુ કરી.

“પ્યાસે કો એક કતરા પાની કાફી હૈ!
“ઈશ્કમેં ચાર પલ કી જિંદગી કાફી હૈ!
“ડૂબને કે લિયે સમુદ્રમે કયો જાયે !!
“આપકી આંખોમેસે ટપકા વો પાની કાફી હૈ!!

બીજી શાયરી વળી આ પ્રમાણે હતી.

“લબોમે ના સહી પર દિલમે ઈકરાર હૈ!!
“ હોંઠો પર ના સહી પર આંખોમે ઈકરાર હૈ!!
“હમતો કબ કો કહ ચુકે અબ આપ ભી કહો
કી હમેં તુમસે જન્મો જન્મકા પ્યાર હૈ!!

એક પાના પર આમ લખેલું હતું.

“મેરે ખ્વાબોમે વો તીર ચલાકર ચલી ગઈ!!
“મેં તો સોયા થા વો અરમાન જગાકર ચલી ગઈ!!
“મૈને પૂછા ચાંદ નિકલતા હૈ કૈસે!!
“ તો વો અપને ચહેરે સે ઝુલ્ફ હટાકર ચલી ગઈ”

“વાહ !!! વાહ !! આપ તો શાયર નીકલી બહુત ખુબ ખુબ !!” માધવે કહ્યું અને પછી બને ઉભા થયા. પછી તો બેયની જિંદગી સડસડાટ ચાલવા લાગી. સમય વીતતો ચાલ્યો!! બને એકબીજામાં પાગલ થઈ ગયા!! પાગલ થવા માટે કોઈ વિશેષ મહેનતની જરૂર હોતી નથી બસ એક થોડી સાચી લાગણી અને સ્નેહ નીતરતા બે નેણ મળે કે માણસ પાગલ થઇ જાય છે!! પછી તો કિરોડીમલ કોલેજ ની આજુબાજુ આવેલા બધાં જ વિસ્તારમાં આ બને ઘૂમી વળ્યા.પછી એ પ્રિતમપુરા હોય કે શાલીમાર બાગ!! વઝીરપુરા હોય કે યમુનાનો કિનારો!! હાથમાં હાથ નાંખીને સોનુ અને માધવ ફરતા હોય હસતા હોય વાતો કરતાં હોય એકબીજાને અનુભવતા હોય!!

એક દિવસ માધવે પૂછ્યું કે

“સોનુ તને ખબર છે કે ભગવાને આ હાથની આંગળીઓ માં જગ્યા કેમ રાખી છે, સામે વાળાની આંગળીઓ આ આંગળીઓ સાથે જોડાઈ જાય એ માટે “ આમ કહીને એણે સોનુના બેય હાથની આંગળીઓ સાથે બેય હાથની આંગળીઓ મજબૂતાઈ થી અને મક્કમતા થી ભીડી દીધી.


“ભગવાન કરે કે આપણો હાથ કયારેય ના છૂટે ,ગમે તેટલી તકલીફો આવે પણ આપણે એક રહીશું!! એક બીજાના રહીશું !!સાથે જ રહીશું અને સોનુ શાલીમાર બાગમાં આવેલા પારિજાતના વ્રુક્ષ નીચે માધવને ભેટી પડી હતી. દિવાળીની રજાઓ પડી.બને એક કોચમાં સાથે આવ્યા.મારવાડ જંકશન પર સોનુ ઉતરી ગઈ.રજાઓ પૂરી થઇ અને પાછા બને ભેગા થયા.સંબંધ ગાઢ નહિ પણ પ્રગાઢ બનતો ચાલ્યો.

બે વરસ પુરા થયા ત્યાં સુધીમાં તો માધવ અને સોનુ દિલ્હીમાં લગભગ બધે ઘૂમી વળ્યા હતા.એક વખત તો એ તાજમહાલ પણ જઈ આવ્યા હતા.ક્યારેક શનિ રવિમાં રૂડકી સુધી જઈ આવે.કોલેજમાંથી એ લોકો શિબિરમાં મંડી અને ચમ્બા ઘાટીમાં પણ ફરી આવ્યા હતા. બનેનો અભ્યાસ અને પ્રેમ સડસડાટ ચાલી રહ્યો હતો.ફાઈનલ વરસમાં સોનુએ એના સબંધીના ઘરની નજીક જ એક પ્રોફેસર પાસે ઈંગ્લીશનું ટ્યુશન પણ રાખી દીધેલું. સોનુના પાપા ઇચ્છતા હતા કે ક્રિએટીવ રાઈટીંગમાં સોનુને વધારે મહાવરો મળવો જોઈએ. એકબીજાના કુટુંબ વિષે બને ઘણું બધું જાણી ચુક્યા હતા. ફાઈનલ પરીક્ષાઓ પતી ગઈ હતી.બને થોડા દિવસો રોકવાના હતા અને પછી સાથે જ તેઓ મારવાડ જંકશન જવાના હતા.સોનુનો હાથ માધવ એના પાપા પાસે જઈને માંગવાનો હતો.સોનુએ એની મમ્મીને વાત કરી દીધી હતી.

મમ્મી બધું જ સંભાળી લેશે એવું કહી દીધું હતું!! અચાનક પાંચ દિવસ સોનુ ના દેખાઈ!! બગીચામાં માધવ આખો દિવસ બેસી રહેતો!! પારિજાતના ફૂલોને સુંઘ્યા કરતો પણ એની નજર રસ્તા પર રહેતી. પાંચમા દિવસે આખો દિવસ રાહ જોયા પછી સોનુ પોતાની હોસ્ટેલ પર પાછો ફર્યો.હવે પરમ દિવસે તો એ નીકળવાનો હતો. એ જેવો પોતાના રૂમમાં ગયોકે એના સહાધ્યાયીએ એને એક કવર આપ્યું એના પર એનું નામ લખેલું હતું. અંદર સોનુના અક્ષરો જોઈ એ આનંદમાં આવી ગયો!! પણ આ આંનદ અલ્પજીવી નીવડ્યો. એ પત્ર વાંચતો ગયો એમ એનું શરીર ઢીલું પડતું ગયું. પત્રમાં લખ્યું હતું.

વ્હાલા માધવ,

તારી સાથે ત્રણ વરસ ગાળવાની મજા આવી, મે યુવક શોધી લીધો છે, મને ગમે છે, મારા માતા પિતાને પણ ગમે છે,તું પણ પરણી જજે, આ બધાં નસીબના ખેલ છે!! કોના સાથે જીવન ગાળવું એ આપણા હાથની વાત તો નથી જ!! હા તારો ખુબ ખુબ આભાર!! તને શુભ કામનાઓ પાઠવું છું!! જાણું છું કે તું મને સાચો પ્રેમ કરતો હતો!! હું પણ કરતીજ હતીને!! હજુ કરું છું પણ બીજાને!! તને ખબર છે કે પ્રેમ કયારેય મરતો નથી એ ફક્ત એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રૂપાંતર થાય છે આ જ તો સૃષ્ટિનો નિયમ છે!! અને સૃષ્ટિના નિયમો આપણે નહિ સ્વીકારીએ તો કોણ સ્વીકારશે!! આવું બધું ચાલ્યા જ કરે બહુ મનમાં નહિ લાવવાનું !! મન મોટું રાખીએ તો બધું જ આપમેળે થઇ રહે!! તું નીડર બનજે.ભવિષ્યમાં ક્યારેય કોઈ મોડ પર ભેગા થઈશું તો ચોક્કસ મને મળવું ગમશે પણ એ વખતે પણ તું કોઈ એવું વર્તન ના કરી બેસતો મેં મને દુખ થાય છે તને મારા સોગંદ આપું છું કે તું મને ભૂલી જજે!!

“એક વખતની તારી સોનુ”

ચક્કર આવી ગયા માધવને!! આવી કલ્પના તો એણે સપનામાં પણ નહોતી કરી.કદાચ મજાક કરી હશે સોનુએ પણ આવી મજાક તો એ કરે એવી નહોતી વળી અક્ષરો પણ એના જ છે!! શું થયું હશે એને!! એને જો પસંદ જ હું નહોતો વાત આગળ વધારવી જ નહોતીને!! શું લોકો જવા માટેજ જીંદગીમાં આવતા હોય છે!! આવો દગો એ પ્રેમાળ ચહેરો કરી શકે!! એને પેલા શબ્દો યાદ આવી ગયા!! બ્રુટ્સ યુ ટૂ!!! એ તરત જ સોનુ ના સબંધીને ત્યાં જવા નીકળી ગયો. એ ઘણીવાર સોનુને મુકવા એ વિસ્તારમાં જતો.એ મકાન એણે જોયેલું હતું જ્યાં સોનુ રહેતી હતી.

પણ દુરથીજ અંદર એ કદી ગયો જ નહોતો. એ મકાને પહોંચ્યો!! એક સારું એવું મકાન હતું એણે ડોરબેલ વગાડી અંદરથી 48 વરસની ઉમરના ભાઈ આવ્યાં આ એજ હતા જે સોનુ ને ત્રણ વરસ પહેલાં દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશન પર લેવાં આવ્યાં હતાં.. માધવ એમને ઓળખી ગયો .
“કોનું કામ છે?

“સોનુ અગરવાલ અહી રહે છે,હું માધવ એમનો સહાધ્યાયી” માધવે ચહેરો સામાન્ય રાખીને કહ્યું.અંદરથી તો એ તૂટી ચુક્યો હતો. પેલો માણસ એને ઘડીક તાકી રહ્યો અને પછી બોલ્યો.
“તને પત્ર મળી ગયોને તો પછી અહી શું કામ આવ્યો છે તને ખબર છે કે આ કોનું ઘર છે….??? આ નેમ પ્લેટ તે ના વાંચી આ લખ્યું છે ડીસીપી મણિપ્રસાદ એ ના વાંચ્યું સાલા તારી હિમત કેમ થઇ આ ઘરમાં ઘૂસવાની!! સોનુની જિંદગી બરબાદ કરવી છે તારે!! તને એક વાત કીધેલ વસ્તુ યાદ નથી રહેતી” એમ કહીને સોનુને અંદર ખેંચી લીધો અને માર પીટ શરુ કરી દીધી. માધવ આ હુમલાથી ડઘાઈ જ ગયો. મયંક આહુજાના પત્ની અને એના છોકરા આવી ગયા પણ એ દૂર રહીને તમાશો જોતા હતા. સારો એવો માર માર્યા પછી એ બોલ્યો.

“ હવે પછી સપનામાં પણ સોનુનો વિચાર કર્યો છે ને તારા કટકા કરી નાંખીશ!! ધ મેટર ઈઝ ઓવર !!!! અન્ડરસ્ટેન્ડ!! આઈ થીંક ધેટ યુ બેટર અન્ડરસ્ટેન્ડ નાઉ!! ગેટ લોસ્ટ!!” અને માધવને દરવાજા પાસે લાવીને એક પાટું માર્યું કે માધવ ચીસ પાડી ઉઠયો અને ગબડતો ગબડતો રસ્તા પર જઈ ચડ્યો.!!

રોડ પર એ એકલો કણસી રહ્યો હતો.શરીર પર મૂઢ મારને કારણે બળતરા થઇ રહી હતી.થોડીવાર પછી એ ઉભો થયો અને પોતાની હોસ્ટેલ પર ચાલવા લાગ્યો એનું દિલ તૂટી ચુક્યું હતું!! અંદરથી એ સળગી રહ્યો હતો એની આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી.એને સ્ત્રી જાતિ પર નફરત થઇ ચુકી હતી!! એ પોતાની હોસ્ટેલ તરફ ચાલતો હતો.

માધવ ચાલ્યો જતો હતો, મગજ શૂન્ય થઇ ગયું હતું. આવો ધુત્કાર અને બદનામી એણે જીવનમાં ક્યારેય અનુભવી નહોતી, એ સમજી શકતો નહોતો કે એનો વાંક શું હતો.એ મેઈન રસ્તા પર આવ્યો .એનો શર્ટની એક બાય ફાટી ગઈ હતી.જે રીતે એની સાથે વ્યવહાર થયો હતો અને ધમકી મળી હતી એટલે એ અંદરથી હલી ગયો હતો.એનું આખું ચેતાતંત્ર ખળભળી ગયું હતું. શાલીમાર બાગ પાસે એ માંડ માંડ પહોંચ્યો.

એ બાગમાં ગયો.એક બાંકડા પર બેઠો.પડખે જ એક નળ હતો ત્યાં એણે પાણી પીધું.એને આ બાંકડાની યાદો આવી ગઈ!! આ એજ બાંકડો હતો ત્યાં એ સોનુ સાથે અસંખ્યવાર બેઠો હતો,હાથમાં હાથ પકડીને એણે અહી કલાકો વિતાવ્યા હતા.અહી એણે સોનુ ના હાથમાંથી પાણી પીધું હતું.એક વખત નળ પાસે ગ્લાસ નહોતો અને સોનુએ નળ શરુ કર્યો, નીચે પોતાના હાથનો ખોબો કર્યો હતો અને માધવ એ પાણી પીતો હતો.

માધવની આંખમાંથી આંસુ વહી રહ્યા હતાં એ હીબકા ભરીને રોયો.જીવનમાં એ આટલું અને આવું ક્યારેય નહોતો રોયો. કલાક પછી એ શાંત થયો.રડવાથી એનું મન હળવું થયું હતું અને હૃદય!! હૃદય તો હવે રહ્યું જ ક્યાં હતું. કા સમાજ સામે લડી લેવું અને કાં ખૂણા માં બેસીને રડી લેવું.સોનુની નોંધ પોથી પર લખેલું વાક્ય એને યાદ આવી ગયું. સ્વસ્થ ચિતે એ વિચારવા લાગ્યો.એવા ક્યાં સંજોગો હશે કે સોનુને આમ કરવાની ફરજ પડી હશે.એ તૂટી ગયો હતો ભાંગી ગયો હતો પણ એને એના પ્રેમ પર વિશ્વાસ હતો.

એ સ્વીકારવા તૈયાર જ નહોતો કે એની સાથે આવું પણ બની શકે છે.એ સતત વિચારતો ગયો અને જેમ જેમ વિચારતો ગયો એમ એનો ભૂતકાળ એની નજર સામે ખડો થઇ રહ્યો હતો.એક એક ઘટના , એક એક પળ એણે જે સોનુ સાથે વિતાવી હતી એ નજર સામે આવવા લાગી હતી.એ ઝડપથી બધું જ ભૂલવા માંગતો હતો.પણ માણસના જીવનનું એક કડવું સત્ય એ પણ છે કે જે વસ્તુ તમે ભૂલવા માંગો છો એ પુર જોશથી તમારી સામે આવે જ!! એ વિચાર કરતો કરતો બાંકડા પર ક્યારે સુઈ ગયો એ પણ યાદ ના રહ્યું. એ સવારે જોગીંગ કરવા વાળા માણસોના પગનાં અવાજ થી જાગી ગયો. એણે પાછું એ નળમાંથી મોઢું ધોયું અને પાણી પીધું.

એ હવે સ્વસ્થ હતો. બાર કલાકમાં એની દુનિયા સદંતર બદલાઈ ગઈ હતી!! એક સુનામી આવી હતી અને બધુજ તબાહ કરીને જતી રહી.
માધવ રૂમ પર આવ્યો.બધાં જવાની તૈયારીમાં હતા. એક સહાધ્યાયીએ ટોણો પણ માર્યો કે સોનુ સાથે આખી રાત રખડીને આવ્યો કે શું લાગે છે કે તું આખી રાત સુતો નથી અને આ કપડાં પણ મેલા અને ફાટી ગયા છે,વાત માં કંઇક તો છે એ ફક્ત ફિક્કું હસ્યો. આજ રાતની બાર વાગ્યાની ટ્રેન હતી. આજુબાજુ વાળાની દુકાનો પર એણે બિલ ચુકવ્યું અને એ આઠ વાગ્યે હોસ્ટેલમાંથી નીકળ્યો.હોસ્ટેલ ણો ચોકીદાર એને મળ્યો.માધવે એને સો રૂપિયા આપ્યાં.એ ખુશ થઇ ગયો અને બોલ્યો.

“ગુજરાતી એટલે ગુજરાતી માન ગયે ઉસ્તાદ, તમારું દિલ હમેશા વિશાલ જ હોય છે.સલામ છે તમારા ગુજરાતને”અને ચોકીદાર ભેટી પડ્યો. માધવ રેલવે સ્ટેશન પર આવ્યો,નિર્ધારિત સમયે ગાડી ઉપડી. અને એ બારી બહાર તાકી રહ્યો. જે એણે મેળવ્યું હતું એ અહી જ મુકીને જતો હતો. એ સુઈ ગયો. ઘસઘસાટ સુઈ ગયો, સવારે એ આઠ વાગ્યે જાગ્યો એ ફ્રેશ થયો અને મારવાડ જંકશન આવ્યું. ઘડીક વાર તો એને થયું કે એ સોનુને છેલ્લી વાર મળતો જાય એ અહીતો હશે જ!! રાણાવાસમાં એનું ઘર ગોતી લઈશ અથવા એના પાપાની દુકાન જે બેંક ઓફ મેવાડ ની બાજુમાં મેઈન રોડ પર આવેલી હતી ત્યાં જઉં.

એક વાતની ચોખવટ તો થઇ જાય પણ એણે ડીસીપી મણિપ્રસાદના શબ્દો યાદ આવ્યા અને એણે માંડી વાળ્યું. ગાડી ચાલી અને અચાનક જ માધવે ખિસ્સામાંથી સોનુએ આપેલી પેન કાઢી ને જોરથી ઘા કર્યો અને એ તરત જ પોતાની સીટ પર બેસી ગયો.મારવાડ જંકશનથી ગાડી ખુબ જ આગળ નીકળી ગઈ હતી. અમદાવાદ જઈને હવે શું કરવું એનો એ વિચાર કરવા લાગ્યો. અમદાવાદ એના ભાઈ અને ભાભી લેવા આવ્યા હતા,ભાઈ અને ભાભી તેમને ભેટી પડ્યા. ભાઈના ઘરે મમ્મી અને પાપા પણ આવ્યા હતા.માધવ પરિવારમાં આવીને ખુબ ખુશ હતો.બે દિવસ પછી એ એના માતા પિતા સાથે ગામડે આવ્યો.ખેતરે ગયો. ભાઈબંધોને મળ્યો,દિલ્હીની વાતો કરી.એકાદ બે સંબંધી પણ મળવા આવ્યા.

પંદર દિવસ પછી એ પાછો અમદાવાદ આવ્યો.પરિણામ આવવાને હજુ દસેક દિવસની વાર હતી.એણે કોલેજમાં પત્ર લખી દીધો અને ઘરનું સરનામું અને આઈ કાર્ડ મોકલી દીધું.પોતે પદવીદાન સમારંભમાં હાજર નહિ રહે કૌટુંબિક કારણોસર એમ કહીને પોતાનું સર્ટીફીકેટ અમદાવાદના સરનામે મોકલી દેવાનું કીધું.એ હવે દિલ્હી જવા માંગતો નહોતો.એ હવે અંતર્મુખી બની ગયો હતો. એને સોનુની યાદ આવતી હતી.એ અમદાવાદમાં ભાઈના મકાન પાસે ઉભો રહીને રસ્તા પર જોતો ને ત્યારે કોઈ યુવક અને યુવતી ને જુએ કે તરત જ એને દિલ્હીના દિવસો યાદ આવી જતાં!! માધવનું પરિણામ આવી ગયું.

એને હવે આગળ ભણવું નહતું. બીએ ઓનર્સ માં એને ખુબ જ સારા ગુણ આવ્યા હતા. ભાઈ એ ઘણું કીધું કે તું માસ્ટર ડીગ્રી મેળવી લે.દિલ્હી ના જવું હોય તો તું કહે ત્યાં તને એડમીશન મળી જ જશે.પણ માધવ એકનો બે ના થયો.ભણવાનું દબાણ વધી ગયું એટલે એક દિવસ ભાભીને એણે વાત કરી.

“ભાભી તમે ભાઈને કહોને કે મારે નથી ભણવું.ઘણું ભણી લીધું,નહોતું ભણવાનું એ પણ ભણી લીધું પ્લીઝ હવે હું કોઈ નાની એવી જોબ કરી લઈશ અને તમને મદદરૂપ થઈશ,આમેય બા બાપુજીએ અને તમે બંનેએ મારા માટે ઘણો ભોગ આપ્યો છે,હવે હું તમને મદદરૂપ થઈશ જીવનભર અને બીજી વાત કે હું લગ્ન કરવા માંગતો નથી” આમ કહીને એણે શું શું બન્યું એ બધી જ વાત કરી દીધી.ભાભીએ વાત સાંભળીને આશ્વાસન આપતા કહ્યું કે કોઈ વાંધો નહિ. કુટુંબમાં વાત પ્રસરી ગઈ.મા બાપ અને ભાઈ ભાભી પણ સમજી ગયા. બે મહિના સુધી માધવે કશું જ કર્યું નહિ વાંચન વધી ગયું.પુસ્તકો એ સહુથી સારી દવા છે જીવનમાં પડેલા ઘા મટાડવા માટે. ક્યારેક એ કાંકરિયામાં કલાકો વિતાવે તો ક્યારેક ઇસ્કોનના મંદિરમાં એ બેઠો હોય સતત વિચારતો હોય.ઇસ્કોનના મંદિરના પાછળના ભાગમાં આવેલ બગીચામાં એક પારિજાતના વ્રુક્ષ નીચે એ બેઠો હોય, વિચારતો હોય વાગોળતો હોય.

છાપામાં એક વખત એણે એક સીબીએસઈ બોર્ડનો અભ્યાસ ચલાવતી સ્કુલની શિક્ષક માટેની જાહેરાત જોઈ અને એણે અરજી કરી દીધી. કિરોડીમલ કોલેજનો રેન્કર વિદ્યાર્થીને આસાની થી એ જોબ મળી ગઈ!! શાળાના પ્રિન્સીપાલ જહોન કિડવાઈએ એને સમાલાપમાં પૂછેલું.
“તમે શા માટે શિક્ષક બનવા માંગો છો મિસ્ટર માધવ પટેલ?”
“તમે જે હેતુસર શાળા ચલાવો છો એ જ હેતુસર હું શિક્ષક બનવા માંગુ છું” માધવે જવાબ આપ્યો.

“ આગામી વરસોમાં તમારું ધ્યેય શું છે ?” કીડવાઈએ પૂછેલું.
“ બહુ જ ટૂંકા ગાળામાં આપ જ્યાં બેઠા છો એ ખુરશી પર બેઠા છો ત્યાં હું હઈશ અને શાળામાં ભરતી થવા આવનાર શિક્ષકોનો હું ઈન્ટરવ્યું લેતો હોઈશ” માધવે હળવા સ્મિત સાથે કહ્યું.

“વેલ ડન યંગ બોય. આઈ હાર્ટલી વેલકમ ટુ યુ!! પ્રિન્સીપાલ ખુશ થઇ ગયા. શરૂઆતમાં એ ધોરણ છ અને સાત નું અંગ્રેજી લીધું અને નવા સત્રથી એનો સમાવેશ માધ્યમિક શિક્ષક તરીકે થઇ ગયો.માધવે નિષ્ઠા સાથે નોકરી કરતો રહ્યો.બે વરસમાં એણે ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ.માંથી બી.એડ પણ કરી લીધું અને પાંચ વરસ પછી એ શાળાનો પ્રિન્સીપાલ પણ બની ગયો. જ્હોન કીડવાઈ નિવૃત થયા અને માધવ પટેલ પ્રિન્સીપાલ!! શાળાની નામના વધી .

કારણકે શિક્ષણ સિવાય કોઈ સાઈડ બિઝનેશ તો હતો નહિ.શિક્ષક તરીકે સફળતા મેળવવા માટે શિક્ષણ સિવાયનો કોઈ સાઈડ બિઝનેશ ના હોવો જોઈએ!! વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં લોક ચાહના વધવા લાગી.આ પાંચ વરસ દરમ્યાન માધવ પટેલ અધ્યાત્મને માર્ગે વળ્યો.અધ્યાત્મ તેને આકર્ષી રહ્યું હતું.શાળાની પ્રાર્થના સભા દરમ્યાન તે દરરોજ એક નાનકડો પ્રસંગ બાળકોને કહેતો. એની શાળામાં જ એક મિસ્ટર દવે કરીને હતા.પ્રજાપિતા બ્રહ્મકુમારી વિષે એ ઘણું જાણતા હતા.

માધવ પટેલને એમાં ખુબ જ રસ પડેલો!! એણે ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના પુસ્તકો વાંચવા માંડ્યા!! થોડોક સમય કુટુંબ તરફથી લગ્ન માટેનું કહેણ પણ આવી ગયું.પણ પ્રચંડ શિલા સામે મોજા આવે અને અથડાઈને પાછા ફરે એમ જ કુટુંબીજનો ની ઈચ્છા પડી ભાંગી.

છ વરસ પછી એ વેકેશનમાં માઉન્ટ આબુ ગયો આઠ દિવસનો એક કોર્સ કરવા માટે. માઉન્ટ આબુમાં પાંડવ ભવન ખાતે પ્રજાપિતા બ્રહ્મા કુમારીજ વિશ્વ વિદ્યાલય આવેલું છે ત્યાં એને કોર્સ કરવાનો હતો.માનસિક અને આધ્યાત્મિક શાંતિ માટે!!

શ્વેત વસ્ત્રોમાં સુસજ્જ માધવ પટેલ ને અહી ખુબ મજા આવી.એક તો આબુનું આહલાદક વાતાવરણ અને બીજું એકદમ શાંત વાતવરણ!! પ્રથમ દિવસે પ્રવચનમાં એને સમજાવવામાં આવ્યું કે આત્મા શું છે? મન શું છે ? આત્માનું બંધારણ અને એ ક્યાંથી આવે છે,?? સૃષ્ટિની ઉત્પતિની રહસ્ય શું છે? બીજા દિવસે ભગવાન વિશેની અલગ અલગ માન્યતાઓ વિષે ચર્ચા થઇ. નિરાકાર શબ્દ વિષે ચર્ચા થઇ.વિચારોના નવા નવા પડળો ખુલી રહ્યા હતા. માધવ પટેલનું મન ધીમે ધીમે શાંત થઇ રહ્યું હતું ટેમ છતાં શાંત પાણીમાં અચાનક પથ્થર પડેને વમળો પેદા થાય એમ જયારે સોનુના વિચાર આવતા ત્યારે એનું મન ખળભળી જતું.

માણસ ગમે તેટલો પીછો છોડાવે પણ અમુક યાદો જન્મો જન્મ સુધી સાથે જ રહે.યાદો પડછાયા જેવી હોય છે.એ સમયાંતરે લાંબી ટૂંકી થાય પણ સમુળગી નાબુદ ક્યારે ના થાય. સાત દિવસ આનંદથી વીતી ગયા. બપોર પછી કોઈ કામ હતું નહિ અને કાલ સાંજે વિદાય થવાનું હતું અહીંથી માધવ પટેલ આબુમાં લટાર મારવા નીકળ્યો. માધવ દાદી પ્રકાશમણી માર્ગથી ચાલતો હતો.આજુબાજુની વનરાજી એ જોતો હતો. આ એક બાજુનો રોડ અચલ ગઢ જતો હતો બીજી સાઈડનો રસ્તો દેલવાડાના દહેરા બાજુ જતો .

એક બાજુ ગુરુશિખર દેખાતું હતું તો નીચેની તરફ નખી લેઈક દેખાતું હતું.ભારતમાતા ના મંદિરની આગળ અને નખી લેકના કિનારા પાસે એક હોટેલ હતી. હોટેલ “અર્બુદા હિલ લોક” એના ચોથા માળે કોર્નર પર એક છોકરી પોતાના ખુલ્લા વાળ સાથે એને તાકી રહી હતી.માધવ એને એકીટશે જોઈ રહ્યો.હોટેલ નજીક આવી અને વાતાવરણમાં પારિજાતની ખુશ્બુ આવી અને માધવ એ ચહેરો ઓળખી ગયો!! એ હતી સોનુ અગરવાલ!! રોડની એક બાજુ એ ઉભો રહ્યો. સોનુએ પણ એને જોયો અને એણે હાથ હલાવ્યો. માધવે પણ એને સામું અભિવાદન કર્યું. સોનુએ ઈશારો કર્યોકે એ પાંચ મીનીટમાં નીચે આવે છે. માધવ ઉભો રહ્યો!! ઘડીક તો એને થયું કે નથી મળવું !! હવે શા માટે મળવું ?? અને અર્થ પણ શું?? પણ એના પગ જડાઈ ગયા હતા.

સોનુ નીચે આવી બલ્યુ રંગનું ટી શર્ટ અને જીન્સ સાથે હાથમાં પર્સ સાથે સોનુ એની સામે ઉભી હતી.પેલી પારિજાતની સુગંધ એણે વરસો પછી માણી હતી.

“કેમ છે , માધવ!! તારું શરીર આખું બદલાઈ ગયું છે, મજામાં તો છેને “
“જમાનો બદલાય એમ માણસ પણ બદલાય, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે , બાકી તો બધાં મજામાં જ હોય છે અને ધારો કે ના હોય તો શું સામેવાળો એને મજામાં લાવી શકે ખરો ? માધવને નહોતું બોલવું પણ તોય કટાક્ષમાં એ બોલી ગયો. જવાબમાં સોનુ હસી .મીઠું હસી અને કહ્યું.

“ચાલ નખી તળાવ બાજુ જઈએ અને આમેય મને કકડીને ભૂખ લાગી છે, ત્યાં છોલે ભટુરે સારા મળે છે ઘણા દિવસે સાથે જમીશું નહિ” સોનુએ માધવનો હાથ પકડ્યો અને ચાલવા લાગી.

“પણ મને અમુક સવાલના જવાબ પહેલા જોઈએ છે,પછી બીજી વાત “ નખી તળાવ પાસે માધવે સોનુ ને રોકી. સોનુની આંખમાં આંસુ હતાં એ બોલી.

“એ બધી વાત કાલે કરીશું , પ્લીઝ હું તને વચન આપું છું કાલે તને બધાં ખુલાસા કરીશ,આટલી રાહ જોઈ હવે થોડા કલાકો રાહ નહિ જુએ , આજે કશું જ નહિ બસ આજ હું કહું એજ કરવાનું કાલ થી તું કહે એમ “ માધવ એ આંસુ સામે સામે હારી ગયો.આમેય જયારે તમારું પ્રિય પાત્ર જયારે વરસો પછી સામું મળેને ત્યારે તમારી બધી જ બુદ્ધિ,તર્કશક્તિ, અને જ્ઞાન બધું જ બુઠ્ઠું થઇ જાય છે.

સોનુ અને માધવે છોલે ભટુરે ખાધા.નખી લેઈકમાં બોટિંગ કર્યું.પોલો ગ્રાઉન્ડમાં ફર્યા અને છેલ્લે એ સન સેટ પોઈન્ટ પર ગયા.દિલ્હીમાં વિતાવેલા ત્રણ વરસ જાણે કે સજીવન થયા બને કશું બોલતા નહોતા.પણ ઘણું બધું સમજી ગયા હતા. સનસેટ પર થોડી વાતો થઇ પણ આબુના વાતાવરણની અને ત્યાં સોનુએ માધવના છેલ્લા પાંચ વરસ નો બધો જ ચિતાર લઇ લીધો. ઘડીક એની આંખોમાં લાચારી તો ઘડીક એની આંખોમાં ખુશી દેખાતી હતી. છેલ્લે એ બોલી.

“તારી વ્યથા હું સમજી શકું છું પણ કાલે હું તને વિગતે વાત કરીશ. સનસેટનો અદ્ભુત નજારો જોઈ બને નીચે આવી રહ્યા હતા.ઢોળાવ પરથી તેઓ નીચે આવી રહ્યા હતા.અંધારું વધી ગયું હતું. સોનુને તરસ લાગી એક નળ હતો ખૂણા પર ત્યાંથી એક રસ્તો ઢોળાવ પરથી ગુજરાત ભવન પર્વતારોહણ કેન્દ્ર બાજુ જતો હતો.પણ ત્યાં કોઈ ગ્લાસ નહોતો.માધવ નીચે નમ્યો,પોતાના હાથનો ખોબો વાળ્યો અને પાણી શરુ કર્યું અને સોનુએ ધરાઈ ધરાઈને પાણી પીધું.

પાણી પીને એ માધવને વળગી પડી!!માધવે એને પોતાના આગોશમાં સમાવી લીધી!! થોડી વાર પછી બને હોટેલ પાસે પહોંચ્યા અને સોનુ કાલ સવારે આઠ વાગ્યે મળવાનું કહીને ઝડપથી હોટેલમાં જતી રહી. માધવ હજુ રસ્તા પર જ ઉભો હતો.સોનુએ ઉપર જઈને હાથ હલાવ્યો અને આ વખતે એના હાથમાં પેલી પાર્કર પેન હતી જે ટ્રેનમાં જતી વખતે સોનુએ માધવ પાસેથી લીધી હતી.માધવ હસ્યો અને મનમાં બોલ્યો હજુ એવીને એવી જ છે કશુય બદલાયું નથી. અને એ પાંડવ ધામ તરફ ચાલી નીકળ્યો. મન એનું આજ પરફૂલ્લિત અને પ્રસન્ન હતું.

માધવ સવારે યોગા શિબિરમાં ના ગયો અને વહેલો તૈયાર થઈને એ સાડાસાતે રોડની સામે ઉભો રહ્યો.એની નજર હોટેલના ખૂણા પર આવેલા ચોથા માળ પર હતી. ત્યાં કોઈ દેખાતું નહોતું!! આઠ !! સાડા આઠ થયા !! નવ વાગ્યા અને માધવની ધીરજ ખૂટી!! એ હોટેલ ની અંદર ગયો.!! સામે કાઉન્ટર પર એક ભાઈ હતા માધવે પૂછપરછ કરી.

“સોનુનું કામ હતું, ચોથા માળે રોડ સાઈડ ખૂણા પર જે છે સોનુ અગરવાલ “ પેલો માણસ સાંભળી રહ્યો કશું બોલ્યો નહિ. માધવે બધો ફોડ પાડ્યો કે કાલે એ અને સોનુ મળ્યા હતા એ બધી વાત કરી.અને કીધું કે એ જતી રહી છે કે શું?? કોની સાથે એ અહી રહેતી હતી.

“બેસો દસ મિનીટ હું હમણા”
આવું એમ કહીને એ માણસ લીફ્ટમાં ઉપર ગયો!! પાંચ જ મીનીટમાં એની સાથે એક દંપતી હતું . માધવ એ ભાઈને ઓળખી ગયો એ સોનુના પાપા હતા મારવાડ જંકશન પર એજ તો સોનુને મુકવા આવ્યા હતા. ઘણા વરસ વીતી ગયા હતા એનો ચહેરો હવે કરચલીવાળો થઇ ગયો હતો.પણ તોય માધવ ઓળખી ગયો. માધવે હાથ જોડ્યા. પેલા દંપતીએ પણ હાથ જોડ્યા.

“સોનુ મને કાલ મળી હતી ,આજ સવારે આઠ વાગ્યે એણે મને અહી મળવાનું કીધું હતું એટલે હું આવ્યો છું.મારું નામ માધવ હું અને સોનુ દિલ્હીમાં સાથે જ ભણતા હતા.આપ એમના પિતાજી ખરુંને અને આપ એમના માતાશ્રી હશો એવું હું માનું છું” આમ કહીને માધવે કાલ બનેલી બધી વાત કરી.

“આવો આપણે ઉપર સોનુ પાસે જ જઈએ “સોનુના પિતાશ્રી બોલ્યા. માધવ તેમની પાછળ પાછળ ઉપર ગયો ચોથા માળે ખૂણા પર એ રૂમને તાળું હતું. તાળું ખોલ્યું અને બધાં રૂમમાં પ્રવેશ્યા!! વાતાવરણમાં પારિજાતની સુવાસ હતી.સામે એક મોટી છબી હતી સોનુની!! એની પર હાર હતો!! ધબ દઈને એ બેસી ગયો બાજુનાસોફા પર!! સોનુના મા બાપ રડતા હતા.વાતાવરણમાં ઘેરી ગમગીની વ્યાપી ગઈ!!
“મને કશુજ સમજાતું નથી ,કાલે જ હું એને મળ્યો હતો. સાથે ઘણો સમય વિતાવ્યો હતો” માધવ બોલ્યો.

 

“હું સમજાવું છું બેટા , શાંત થા “ સોનુના પિતાજીએ માધવના માથા પર હાથ ફેરવ્યો.

“મને માફ કરી દે જે દીકરા મારા કારણે તે સોનુને ગુમાવી છે. હું તને માંડીને વાત કરું છું.ફાઈનલ પરીક્ષા પહેલા હું દિલ્હી આવી ગયો હતો.સોનુ મને જોઇને રાજી થઇ સાંજે એણે મને તારી વાત કરી અને કીધું કે તમે માધવને મળો ખુશ થઇ જશો. પણ મેં એનો સંબંધ આ જ હોટલના માલિકના છોકરા અનુરાગ સાથે નક્કી જ કરી દીધો હતો. એ વખતે મે એને કશું જ ના કીધું. મોડી રાતે મે અને મણિપ્રસાદે નક્કી કર્યું કે તને મળીને સમજાવી દઈશું.પણ સોનુ નહિ માને તો અને તું એને ગોતતો ગોતતો ત્યાં આવે તો નકામું થાય.એવામાં સોનુને ખાનગી ટ્યુશન આપનાર શિક્ષક પણ હાજર હતા.એણે એક આઈડિયા બતાવ્યો કે હું સોનુને ક્રિએટીવ રાઈટીંગ શીખવાડું છું.

એમાં એને ઘણા બધાં વિષય આપીને પત્ર લખાવું છું એમાં એક વિષય એવો પણ આપેલ કે તમે તમારા જુના પ્રેમીને છોડીને નવા પ્રેમી સાથે જતા હો તો કેવો પત્ર લખી શકાય.સોનુ દરેક પત્રના સંબોધનમાં માધવ લખતી એવા ઘણા પત્રો અલગ અલગ રીતે લખેલા છે.હું એ લેતો આવું એમ કહીને પ્રોફેસર એ પત્રો લાવ્યા એમાં ઘણા બધાં પત્રો પ્રેકટીશ માટે લખાયેલા હતા.એમાં પેલો પત્ર આબાદ રીતે બંધ બેસી ગયોને પછી એક યુક્તિ અજમાવી સવારે મેં એને કીધું કે તારી મમ્મી બીમાર છે આપણે જવું પડશે અને બે દિવસ પછી પાછા આવી જઈશું અને માધવને મળી લઈએ અને મણીપ્રસાદે પેલો લેટર તને પહોંચાડી દીધો. હું સોનુને લઈને આવતો રહ્યો મારવાડ.બે દિવસ એને સમજાવી પણ એ ના માની પછી પરાણે એને અહી આબુ લાવ્યા અને કહી દીધું કે તું એક વાર છોકરો જોઈ લે અને મે ચાર દિવસ પછી મણીપ્રસાદને પણ બોલાવી લીધા.અમે આબુ પહોંચ્યા .આ જ હોટેલમાં ઉતર્યા.

મણીપ્રસાદ પણ આવી ગયા અને તાત્કાલિક સંબંધનું નક્કી કરી નાંખ્યું સોનુને પૂછ્યા વગર.મણીપ્રસાદની પત્નીએ સોનુને આ રૂમમાં જ વાત કરી દીધી એક માધવને તું ભૂલી જા એ તને શોધવા આવ્યો હતો ઘરે અને એને ખુબ જ માર્યો છે અને ધમકી પણ આપી છે અને તારા પેલા પત્રો હતાને તેમાંથી એક પત્ર એને મોકલેલો કે તું બીજા સાથે લગ્ન કરી રહી છો. અને સોનુને ખબર પડી કે દગો થઇ ચુક્યો છે!! એ એટલું જ બોલી કે “માધવને માર્યો, મારા માધવને માર્યો ,શા માટે ?? શા માટે એને માર્યો??મને મરાય !! મને મારી નંખાયને !! આટલું કહીને એણે મણીપ્રસાદની પત્નીને માર્યો ધક્કો અને અંદરથી રૂમ કરી દીધો બંધ!! અમને નીચેથી બોલાવ્યા , બારણું તોડી નાંખ્યું પણ સોનુ પંખા પર લટકતી હતી!! દીકરી ચાલી ગઈ બેટા અમારો અહમ રહી ગયો!!

દીકરી ગુમાવી બેઠા અમે !!

એને ના સમજી શક્યા કે એની લાગણીને ના સમજી શક્યા” સોનુના પાપા ધ્રુસ્કેને ધ્રુસકે રોયા!! માધવ પણ સોનુના ફોટાની સામે જોઈ રહ્યો હતો. સોનુના પાપાએ વાત આગળ ચલાવી.

“મણીપ્રસાદે પોતાની પોલીસશાહીનો ઉપયોગ કર્યો.સોનુને અહીજ અગ્નિદાહ આપ્યો. આ હોટેલના માલિક પણ નારાજ થયા અને કીધું કે દીકરીનો જીવ લેવા માટે અમને નિમિત બનાવ્યાને સહુથી કફોડી હાલત અનુરાગની થઇ એ પ્રશ્ન પૂછતો હતો કે મારા કારણે જ એણે આપઘાત કર્યોને!! તમારે એને ઈચ્છિત ઠેકાણે પરણાવી દેવી જોઈએ.એક શિક્ષીત મા બાપ થઈને તમે આટલું ના કરી શક્યા.પછી તો આ હોટેલમાં ક્યારેક સોનુ ઘણાને દેખાતી!! અનુરાગે જીવનભર લગ્ન નહિ કરવાનો નિર્ણય લીધો અને ઘર છોડીને એ ચાલ્યો ગયો !!

એના મા બાપ પણ વ્યથિત થયા.એને આ હોટેલ ચલાવવામાં રસ જ નહોતો સંસારમાંથી જ એને પણ રસ ઉડી ગયો હતો .પછી મે મારવાડની મારી બધીજ સંપતિ વેચી ને આ હોટેલ જ લઇ લીધી છે અને અનુરાગના પાપા અને મમ્મી એ હોટેલના આવેલા પૈસાનું દાન કરીને હરદ્વાર જતા રહ્યા છે. અત્યારે એ કોઈક આશ્રમમાં રહે છે એવા સમાચાર છે!!મારી અને મણીપ્રસાદની એક ભૂલ કેટલો વિનાશ લાવશે એની કલ્પના પણ અમને નહોતી.. બસ હવે આ હોટેલ સંભાળું છું બસ એજ યાદમાં કે મારી દીકરી અહી છે એના રૂમમાં સવાર સાંજ અગરબતી કરું છું અને ભગવાન પાસે એના આત્માને સદગતી થાય એવી પ્રાર્થના કરું છું, બની શકે તો મને માફ કરજે દીકરા મેં તારી જિંદગી અને અનુરાગની બેની જિંદગી ઉજાડી છે” સોનુના પાપાએ બે હાથ જોડ્યા.

માધવે એના હાથમાં હાથ લીધા.થોડીવાર પછી માધવે સોનુના ફોટા પાસે દીપ પ્રગટાવ્યો. સોનુના ફોટાની પાસે એક ખાનામાં પેલી પાર્કરની પેન હતી તે માધવે લીધી.પેનને તેણે મસ્તક પર લગાવીને ખિસ્સામાં મૂકી. સોનુના માતા પિતા સામે હાથ જોડીને કહ્યું.

“હવે એના આત્માને શાંતિ થઇ જશે , કાલે એણે મને મળી લીધું ,મારા મનમાં જે ગેરસમજ હતી એ દૂર કરી દીધી છે , જે નિર્મિત હોય એમાં કશો બદલાવ ના થઇ શકે!! મારું પારિજાતનું ફૂલ એની સુગંધ મુકીને જતું રહ્યું છે, બસ એ સુગંધને સહારે હું જિંદગી કાઢી નાંખીશ” અને માધવ ચાલ્યો ગયો. બપોર પછી એ આબુ થી આબુ રોડ જવા માટે એક ટેક્ષી કરી લીધી!! એનું મન હળવું હતું!! પોતાનો પ્યાર સાચો હતો એનો એને આનંદ હતો. ટેક્ષી ઢોળાવ ઉતરી રહી હતી.અને અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. વરસાદનું એક ઝરમરીયું આવ્યું અને માધવે ટેક્ષી રોકાવી દીધી . એને આવા વાતાવ્રણમાં સોનુ યાદ આવી.

એપહેલા વરસાદમાં હાથ પહોળા કરીને ઉભી રહી જતી અને કહેતી કે મને મારા મમ્મી પાપા યાદ કરે છે!!

માધવ ટેક્ષીમાંથી બહાર નીકળ્યો!! માધવે બે હાથ પહોળા કરીને આંખો મીંચી દીધી!! અને એને લાગ્યું કે બહુ દૂર દૂર થી સોનુ એને યાદ કરે છે!! પોતાની પારિજાત હમેશા એની સાથે જ છે!! માધવ વરસાદમાં પલળી રહ્યો હતો!!!. માધવને પારિજાતની સુગંધનો અહેસાસ થતો હતો!!!.

{સમાપ્ત}

લેખક :-મુકેશ સોજીત્રા ૪૨,શિવમ પાર્ક સોસાયટી ,સ્ટેશન રોડ મુ.પો ઢસાગામ તા.ગઢડા જિ.બોટાદ પીન ૩૬૪૭૩૦

આપ સૌ ને આ નાની નવલિકા કેવી લાગી ? જો ૧૦ માંથી તમારે ગુણાંક આપવાના હોય તો કેટલા આપો ?

ટીપ્પણી