પપ્પા બન્યા મમ્મી – એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, આ કહેવત આ વાર્તામાં ઉંધી થઇ ગઈ છે…

”પપ્પા બન્યા મમ્મી”

Motivational speaker તરીકે “ચેતન જોગેશ્વરી” ની બોલબાલા હતી. જે શહેરમાં તેનો પ્રોગ્રામ હોય ત્યાનો હોલ ભરચક થઈ જતો, લોકો ને ચેતનની વાતો ખૂબ પ્રેરણાદાયી લાગતી. એક વખત વખત એક ફંકશનમાં પ્રશ્નોત્તરી રાખેલી એમાં કોઈએ ચેતનને પૂછ્યું, ” તમે સ્ત્રીદાક્ષિણ્ય ની વાતો કરો છો, વાતો તો ખુબ સરસ કરો છો અને લોકોને પ્રેરણા પણ ખૂબ મળે છે !!

તો શું તમારા જીવનનો કોઈ એવો પ્રસંગ બન્યો છે કે તમે જ્યાંથી આવો છો તે સમાજમાં લોકો સ્ત્રીને પુરુષ સમોવડી માને છે ??? તમે ક્યાંય એવુ નજરે જોયું છે કે કોઇ પુત્ર પોતાની માની, પતિ પોતાની પત્નીને, કોઈ ભાઈ પોતાની બહેનને, પુરુષોથી પણ ઊંચું સ્થાન આપે ?? માન આપી તેનું સન્માન જાળવે !! તેને પૂરતી સ્વતંત્રતા આપી શકે ?? તમેં એવો કોઈ દાખલો જોયો છે ?? આ સ્ત્રી સ્વમાન ને woman empowerment… એ બધી વાતો ફક્ત woman’s day હોય ત્યારે જ સારી લાગે છે શું ??

ચેતને એક સરસ મજાનું સ્માઈલ આપી, માઈક હાથમાં લઈ બોલવાની શરૂઆત કરી, ” આ પ્રશ્નના ઉત્તરમાં ,હું તમને મારી જિંદગીનું એક પાનું ખોલીને બતાવી રહ્યો છું. હું તમને એક સચ્ચાઈ બતાવવા જઈ રહ્યો છું . એ ધ્યાન થી સાંભળજો…


ભારતીય સંસ્કૃતિમાં જ સ્ત્રીને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જે એક જીવને જન્મ આપી શકે અને આ સૃષ્ટિને આગળ ચલાવી શકે છે, એ ખરેખર ભગવાન ની સૌથી નજીક છે. ભગવાન પછીની કોઈ મહત્ત્વની વ્યક્તિ હોય તો તે સ્ત્રી છે. એટલે જ તો આપણાં શાસ્ત્રમાં પણ સૌપ્રથમ “માતૃદેવો ભવ “કહ્યું છે પછી જ “પિતૃદેવોભવ” આવે છે અને સ્ત્રી સન્માનની ભાવના તો ભારતીય પરંપરા છે.જે ઘરમાં સ્ત્રી સુખી હોય તે ઘર સ્વર્ગ સમુ બને છે. કહેવાયું છે ને !! “યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમંતે તત્ર દેવતાઃ” આ સૂત્ર તો આપણા જીવનમાં નારી નું મહત્વ સમજાવે છે. જો કે મને તો નાનપણથી જ એવા સંસ્કાર મળેલા છે.અને એ માટે મારા મમ્મી બનેલા પપ્પા મારા દોસ્ત, ફિલોસોફર , ગાઈડ અને પ્રેરણાસ્ત્રોત છે…

હું જે ઘરમાં જન્મ્યો તે ઘરમાં મેં મારી આંખે સ્ત્રીનું સન્માન થતાં જોયું છે. અમારા ઘરે મારા પપ્પા , મમ્મી બન્યા છે અને મારા મમ્મી એ પપ્પા બનેલા છે. તમને લાગશે કે, આ શું ?? પણ, હકીકત એ છે કે, મારા મમ્મી કમાવા જાય છે અને માંરા પપ્પા ઘર સંભાળે છે. હા, તમે બરાબર સાંભળ્યું છે !! એનું કારણ તમને કહું….”


સામાન્ય રીતે આપણા સમાજમાં દરેક ઘરમાં પુરુષ કમાવા જાય અને સ્ત્રી ઘરને સાચવે ! પણ અમારા ઘરમાં એવું નથી.

મારા મમ્મી પોલિયોગ્રસ્ત છે અને સરકારી સ્કૂલમાં શિક્ષિકા છે મારા પપ્પા શારીરિક રીતે એકદમ તંદુરસ્ત વ્યક્તિ છે પણ તેમની પાસે કોઈ ખાસ ડીગ્રી ન હોવાથી તેમને પ્રાઇવેટ જોબ હતી, … પણ , મેં જોયું છે નાનપણથી જ તેમની વચ્ચે મજાની સંવાદિતા (harmony) છે. સામાન્ય ઘરમાં જેવી રીતે પુરુષ કમાવા જાય અને ઘરની ગૃહિણી પુરુષનું, પોતાના પતિનું, જે રીતે માન જાળવે, તેનું બધું કામ કરી દે, અને તેની બધી સગવડ સાચવોને સમય સાચવે.. એવી જ રીતે મારા પપ્પા ઘર સાંભળે છે. બધું જ કામ કરે છે. મારા મમ્મીનો સમય સાચવી ને તેને અનુકૂળ થઈને રહે છે.


એ સવારમાં એક ગૃહિણી ઊઠે એવી રીતે સૌથી પહેલા ઊઠીને ફ્રેશ થઈ બધા માટે ચા નાસ્તો બનાવે.. અને પછી ઘરનો પુરુષ જેમ સવારે જાગે અને ન્હાવાનું પાણી, કપડાં બધું વ્યવસ્થિત રાખે, જેમ એક પત્ની રાખે… એવી જ રીતે મારા પપ્પા, મમ્મી પોલિયોગ્રસ્ત હોવાથી તેનું દરેકે દરેક નાનામાં નાનું કામ , તેની જરૂરિયાત બધું બોલ્યા વગર, કંઈ ચિંધ્યા વગર સમજીને તૈયાર કરી રાખે છે !!!

મારા મમ્મી વગર ટેકે ઉભા ઉભા બ્રશ કરી શકતા નથી.. તો બાથરૂમમાં જ એક નાનું સ્ટુલ , તેની બાજુમાં જ દીવાલ પર લગાડેલા સ્ટેન્ડમાં બ્રશ પેસ્ટ સાબુ-શેમ્પુ બધું જ એવી રીતે ગોઠવાયેલું છે કે મારી મમ્મીને જે જરૂરિયાત હોય તે વસ્તુ સરળતાથી પોતાની રીતે લઈ શકે !! મારા મમ્મી બાથરૂમ માં જાય એ પહેલાં કપડા, ટુવાલ બધું જ મારા પપ્પાએ ગોઠવી રાખેલું હોય છે.

અને જ્યારે તે ફ્રેશ થઈને આવે કે તરત જ પપ્પા તમને ચા-નાસ્તો તૈયાર કરી આપે છે ટેબલ પર ગોઠવી રાખે છે અને બંને સાથે આનંદથી સવારની ચા અને નાસ્તો કરે છે. મારી મમ્મી તેનાથી બેઠા બેઠા થાય તેવું કાંઈ કામ માં મદદ કરવાનું કહે છે, પણ પપ્પા હસીને એમણે છાપુ પકડાવે છે અને તેની સામે જ પોતે ઘરનું બધું જ કામ કરવા તૈયાર થઇ જાય છે. ઘરને વાળીચોળીને સાફ રાખે છે, વાસણ સાફ કરે છે, શરૂઆતમાં તો પગારના ધોરણ પણ નીચા હતા, ત્યારે તો બધું જ કામ, મારા પપ્પા જાતે કરતા.


આપણા સમાજમાં કોઈપણ સ્ત્રી ગમે તેટલી સામર્થ્યવાન હોય, ડોક્ટર હોય કે પ્રોફેસર હોય પણ છતાં, ઘરમાં ગૃહિણીની જવાબદારી તો એ જ અદા કરતી હોય !! પણ, મેં જોયું છે અમારા ઘરમાં મારા પપ્પાએ જાતે ઘરની જવાબદારી સ્વીકારી લીધી હતી. શરૂઆતમાં પોતે પણ નોકરી કરતાં હતાં અને વધુ ને વધુ ઘરના કામમાં મદદરૂપ થતા .પરંતુ લગ્ન બાદ પ્રથમ હું અને પછી મારી બેન એમ બે બાળકોના જન્મ થતાં મારા પપ્પાએ, મારા જન્મ બાદ તરત જ પોતાની નોકરી પ્રાઇવેટ હોવાથી અને સમજીને જ નોકરી છોડી અને ઘર સંભાળવાનું એમણે જાતે જ સ્વીકાર કરી લીધું.

સરકારી નોકરી કરવા માટે મારા મમ્મીને તકલીફ નથી પણ ઘરમાં બાળક મોટું કરવું, રસોઈ બનાવવી, તે માટે મારા મમ્મી શારીરિક અક્ષમ, લાચાર હતા. પરંતુ પપ્પાએ તેમને પરવશતા કે લાચારી ક્યારેય અનુભવવા દીધી નથી . તેમણે જાતે વિનમ્રતાથી જ પોતાની નોકરી છોડીને ઘરની અને બાળકની જવાબદારી સંભાળી લીધી હતી જેવી રીતે એક સ્ત્રી સરળતાથી ઘરને સમર્પિત થઈને રહે તે જ રીતે મારા પપ્પા ઘરને સમર્પિત થઇ ગયા હતા .જાણે કે એક ગૃહિણી !!! એટલે જ કહું છું, ” પપ્પા બન્યા મમ્મી “પણ પુરુષના રૂપમાં તેઓએ ક્યારેય એવું લાગવા દેતું નથી કે મારા મમ્મીને શારીરિક તકલીફ હોવાથી નાનપ અનુભવે !!

આમ જીવન સફર ના બેય રાહી એક જ મંજિલ… ખૂબ જ પ્રેમ અને સમજદારીથી નિભાવ્યે જતાં હતાં .એક પ્રસંગ એવો બન્યો હતો… કે સૌ કોઈ હલબલી જાય !!


મારી બેનના લગ્ન માટે વાત ચાલી અને ત્યાં જઈ ને અટકી કે, ” જે ઘરમાં પુરુષ બૈરાના કામ કરે એવા ઘરે સબન્ધ કરવો કે કેમ ?? પત્ની અપંગ હોય તો શું થયું ??એના ઘરના કામ બેઠા બેઠા તો થાય એવા એણે જ કરવા જોઈએ, આમ તો સ્ત્રીઓને ,આટલી સ્વતંત્રતા આપવી યોગ્ય ન કહેવાય !! ”

ત્યારે મારા પપ્પાએ અમારા સગાવ્હાલાની હાજરીમાં જ એવું કહી દીધું હતું કે, ” આ તો અમારા ઘરની અંગત બાબત કહેવાય, પણ, હું જાહેરમાં કહું છું કે , મારી પત્નીને શારીરિક તકલીફ ન હોત અને એ જો ઘરની આર્થિક જવાબદારી પોતાની માથે લેતી હોય તો હું પતિ હોવા છતાં, ઘરના કામકાજમાં બધો જ ભાર ઉપાડું , અને મને એ બાબતનો જરાપણ છોછ નથી……. અને હા, જે ઘરમાં સ્ત્રીને પણ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે ગણના ન કરે એવા ઘરમાં દીકરી દેવાની મને ઈચ્છા પણ નથી “” અને અમારી નાતમાં જે લોકો અમારા ઘરની વાતો કરી મજાક ઉડાવતાં તેમના મોં સિવાય ગયા અને સમજદાર લોકોએ મારા પપ્પાની કદર કરી.


ગયા વર્ષે મારા મમ્મીને “શ્રેષ્ઠ શિક્ષક”નો એવોર્ડ મળવાનો હતો ત્યારે મારા મમ્મીને લઈ ને પપ્પા એ કાર્યક્રમમાં ગયા હતા..જ્યારે મમ્મીને સ્ટેજ પર બોલાવ્યા ત્યારે તેમણે રાજ્યપાલ શ્રીને વિનંતી કરી કે મારા પતિને પણ સ્ટેજ પર બોલાવો !! અને જ્યારે પપ્પા સ્ટેજ પર આવ્યા ત્યારે મમ્મી એ ” મારા આ એવોર્ડના સમાન હકદાર મારા પતિ છે “”… એમ કહી ને એમની સાથે એવોર્ડનો સ્વીકાર કર્યો.

… અને ભરી મેદની વચ્ચે મારા મમ્મીએ પપ્પાના સમર્પણ અને સમજદારીની વાત કરતાં જણાવ્યું કે ” જો મને આ જીવનસાથી ન મળ્યા હોત તો હું સામાન્ય સ્ત્રીનું જીવન પણ સારી રીતે ન જીવી શકત ! એક શ્રેષ્ઠ શિક્ષિકા તો ઠીક, પણ સારી શિક્ષિકા પણ ન બની સક્ત !! મને ગૌરવ છે કે મને આપ પતિના રૂપે મળ્યા , મારા જીવનમાં , એક શિક્ષિકા તરીકેની કામગીરીમાં , માતાની ફરજ માં બધે જ મારી પાછળ, મારી શક્તિ બન્યા… મને મારી ખામીનો અહેસાસ પણ ન થવા દીધો.. અને એ માટેહું પ્રભુનો આભાર માનું એટલો ઓછો છે..


મારા પતિ એક તંદુરસ્ત વ્યક્તિ છે અને ઉચ્ચકોટીના જીવનસાથી સાબિત થયા છે એમણે ક્યાંય સ્ત્રી સશક્તિકરણના ભાષણ કર્યા નથી પણ પોતાના જીવનમાં સ્ત્રીને સન્માનનીય લાગણી અને પ્રેમ આપીને એ… પપ્પા હોવા છતાં મમ્મી બન્યા… હું મારા પતિની આ લાગણી અને પ્રેમ પામવા બદલ ધન્યતા અનુભવું છું અને મારા જે કાંઈ સફળતા અને સર્ટિફિકેટ કે એવોર્ડ છે એ એમને સમર્પિત. અને ત્યાં આવેલા દરેક વ્યક્તિએ ઊભા થઈ ને મારા પપ્પાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા…

ફ્રેન્ડઝ,

ચેતન જોગેશ્વરીની વાત સાંભળીને… એ કાર્યક્રમનો હોલ પણ આ અનેરા “પપ્પા બન્યા મમ્મી “.. માટે તાળીઓના પડઘા પાડી રહ્યો…

લેખક : દક્ષા રમેશ

દક્ષાબેનની વાર્તા કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો, દરરોજ દક્ષાબેનની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ