પાપાજી

દુનિયાની ભીડ-ભાડથી દૂર, બગીચાના કોઈ બાંકડે એકલા બેઠા-બેઠા, મીરા પોતાની સાથે જ શાંતિ ભર્યો સમય પસાર કરી રહી હતી. મનોમનમા તે વિચારી રહી હતી કે લગ્ન પછી જીવન ઘણું બદલાઈ ગયું છે, પણ રાજના પ્રેમ સામે આ બદલાવ સામાન્ય હતો. લગ્નના આ અમુક દિવસના સફરને વિચારીને તે ખુશી અનુભવી રહી હતી.

તે દરમિયાન મીરાનું ધ્યાન એક નાની છોકરી પર પડ્યું. તે છોકરી કંઈક ઢીંગલી જેવી હતી. એટલી સરસ લાગતી હતી કે મીરાની આંખો તેની માસુમિયત સાથે જોડાઈ ગઈ. તે છોકરી હસતા-હસતા, તેના નાના-નાના પગલાં ભરીને બગીચામા દોડી રહી હતી અને પાછળ કોઈ 6 ફૂટ લાંબા ભાઈ નાના બાળક બનીને તેને પકડી રહ્યા હતા. તેમના ચહેરાની ખુશી સાફ કહી રહી હતી કે તે એ બાળકીના પિતા હતા. તેના પિતા તેને ગલી-પટ્ટી કરતા, તેની સાથે બાળક બની તેને રમાડતા, તેને ખુબ જ વ્હાલ કરી રહ્યા હતા. આખરે તે એક વહાલી ઢીંગલી હતી તેના પિતાની.

આ જોઈને મીરાની ભાવનાઓ ને સ્પર્શ મળ્યો. તેણે તેના પિતા અને તેમના સાથે વિતાવેલી ઘણી બધી જૂની વાતો યાદ આવી. દિવસો ભલે પાછાના આવે પણ યાદો પર ક્યાં અંકુશ હોય છે? ત્યારે જ તેણે પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને મેસેજ લખ્યો – “LOVE YOU DAD”

મીરા ભાવનાઓના દરિયામા કંઈક એટલી બધી ડૂબી ગઈ હતી કે આ મેસેજ તેણે ભૂલથી – “PAPA” ને મોકલવાની જગ્યાએ “PAPAJEE” ને મોકલી દીધો. પાપાજી નામે જેનો નંબર સેવ હતો, તે મીરાના સસરા હતા જયારે “પાપા” તેના પિતા હતા. જ્યાં સુધી મીરાને તેની ભૂલનું ભાન આવ્યું ત્યાં સુધી મોડું થઇ ગયું હતું. મેસેજ મોકલાઈ ગયો હતો, મીરા બેચેન થઇ ઉઠી કે હવે શું થશે? તે તરત જ રાજને ફોન કરવા જઈ રહી હતી અને ત્યારે જ એક મેસેજ આવ્યો જે પાપાજીનો હતો. મીરાંએ ડરતા-ડરતા જયારે આ મેસેજ ખોલ્યો તો તે કંઈક આ મુજબ હતો – “LOVE YOU MY DAUGHTER :)”

ભલે મેસેજ ખોટા વ્યક્તિને જતો રહ્યો હતો પણ ના તો જવાબ બદલાયો હતો, ના તો ભાવના. સ્માઈલી પણ તેજ હતી જે તેના પિતા તેના માટે વાપરતા હતા. તે દિવસે પ્રથમવાર મીરાને સમજાયું કે લગ્ન પછી ફક્ત સબંધો જ નહીં પરંતુ પ્રેમ પણ બમણો થયો છે.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

ટીપ્પણી