પપ્પાને hug કરવા માટે application ના આપવાની હોય

Unfortunately, ઈશ્વરની મૂર્તિને ફક્ત પગે લાગી શકાય છે. મંદિરમાં ઈશ્વરને hug કરવાની પરવાનગી નથી. Thank god, ઘરમાં પપ્પા છે. પપ્પાને hug કરવાના કારણો ન હોય. પપ્પાને hug કરવાના પ્રસંગો હોય. પપ્પાને hug કરીએ, એ ઘટના નથી. એ અવસર છે.

આ દુનિયાની સૌથી વાચાળ ક્ષણ એટલે પપ્પાને ભેટવું. પપ્પા ગળે મળે તો કેટલાય સવાલોના જવાબો આપ મેળે મળી જાય. પપ્પાના શબ્દકોશમાં ‘ આઈ લવ યુ’ શબ્દ ક્યારેય હોતો નથી , એટલે પપ્પાને એ બોલતા ફાવતું નથી. દીકરાના વખાણ કેમ કરવા? એવું મમ્મીએ પપ્પાને શીખવેલું નથી. પપ્પાને એ પણ આવડતું નથી.

પપ્પા પાસે આંસુઓ તો હશે કારણ કે દાદાના મૃત્યુ સમયે, આંસુઓનું સૌથી વધારે દાન પપ્પાએ જ કરેલું. પણ Overall, આંસુઓની બાબતમાં પપ્પા કંજૂસ છે. પપ્પા રડતા હશે, પણ કોરે કોરું.

એક પણ શબ્દ બોલ્યા વગર, કોઈ આખેઆખી ભગવદ્ ગીતા સાંભળ્યાનો અનુભવ કરાવી શકે તો એ પપ્પાએ કરેલું hug છે. girl friend ની સાથે પકડાઈ ગયા હોઈએ કે પરીક્ષામાં fail થયા હોઈએ, પપ્પા નું એક hug પૂરતું છે એ કહેવા માટે કે ‘ હું તારી સાથે છું ‘. પપ્પાની vocabulary મમ્મી જેટલી સારી નહિ એટલે ‘ beta, I am proud of you’ એવું બોલવું પપ્પાને અઘરું લાગે. એના કરતાં એક hug શું ખોટું ?

નિષ્ફળતાનું girl friend જેવું છે.આપણને એકલા જૂએ ત્યારે જ આવે . અને એ આવશે ત્યારે સાલું કોઈ જોઈ જશે એનો ડર પણ લાગે રાખે . જ્યારથી પપ્પાને regularly hug કર્યું છે, નિષ્ફળતા આવી પણ નથી અને એનો ડર પણ લાગતો નથી.

પપ્પાને hug કરવા માટે application નથી આપવી પડતી. મમ્મીના ખભ્ભા પર જેટલી સહજતાથી હાથ જાય, પપ્પાના ખભ્ભા પર એટલી સરળતાથી હાથ જતો નથી. કારણ કે પપ્પાના ખભ્ભા પર જગ્યા જ હોતી નથી. જવાબદારીઓથી ભરચક પપ્પાનો ખભ્ભો, કોની કોની માટે જગ્યા કરે? પણ ultimately, પપ્પાના ખભ્ભાના બે જ ઉપયોગ છે.નાના હોઈએ ત્યારે બાળપણ ટેકવવા અને મોટા થઈએ પછી જીવતર ટેકવવા.

લેખક – ડૉ. નિમિત ઓઝા (પુસ્તક ‘માટીનો માણસ’માંથી )

ટીપ્પણી