પંજાબી પકોડા કઢી – કઢી બનાવવાનું વિચારી રહ્યા છો ? તો આ નવીન વેરાયટીની કઢી અવશ્ય ટ્રાય કરજો !!!!!

પંજાબી પકોડા કઢી

પકોડા કઢી , એક એવી વાનગી જે તમે રોટલી , પરોઠા સાથે પણ પીરસી શકો અને ભાત સાથે પણ… આ પંજાબી સ્ટાયલ ની આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ ફ્લેવરફુલ છે.. બાળકો ને વેકેશન માં સાદી કઢી કરતા આ પંજાબી પકોડા કઢી પીરસી જોજો , બાળકો તો શું મોટા પણ આંગળા ચાટતા રહી જશે.

આ કઢી ની ઘણી રીતો છે. પકોડા માટે તમે તમારા સ્વાદ અને સામગ્રી ની હાજરી અનુસાર ફેરફાર કરી શકો.. મેં ડુંગળી ના પકોડા બનાવ્યાં છે , આપ ચાહો તો પાલક , મેથી કે સાદા બનાવી શકો.

સામગ્રી ::

કઢી માટે..

 • 1.5 વાડકો દહીં (થોડું ખાટું),
 • 3 મોટી ચમચી ચણા નો લોટ,
 • મીઠું,
 • લીલું મરચું બારીક સમારેલું,
 • 1 ચમચી ખમણેલું આદુ,
 • લીમડો,
 • 1/2 ચમચી હળદર,
 • 1/2 ચમચી લાલ મરચું,
 • 2 લાલ સૂકા મરચા,
 • 1/2 ચમચી રાઈ,
 • 1/2 ચમચી જીરું,
 • હિંગ,
 • 2 ચમચી તેલ.

પકોડા માટે…

 • 1/2 વાડકો સમારેલી ડુંગળી,
 • 1/4 વાડકો સમારેલી કોથમીર,
 • 1 વાડકો ચણા નો લોટ,
 • 1.5 ચમચી આખા ધાણા,
 • 1 ચમચી આખું જીરું,
 • 2 લીલા મરચા બારીક સમારેલા,
 • 1 ચમચી લાલ મરચું,
 • 1/2 ચમચી હળદર,
 • ચપટી ખાવાનો સોડા.

રીત

સૌ પ્રથમ બનાવીએ કઢી.. પુરા ભારત માં ઘણી વેરાયટી મળશે કઢી ની પણ મુદ્દે તો દહીં અને ચણા નો લોટ મૂળ સામગ્રી.. આ કઢી માટે બાઉલ મ લઈશું ચણા નો લોટ , દહીં , લીલા મરચા , આદુ અને મીઠું.

પેહલા 2 વાડકા પાણી લઈ સરસ મિક્સ કરી લો. થોડું થોડું પાણી ઉમેરવાથી ગાઠા નહિ પડે.. ટોટલ આપણે 7 થી 8 વાડકા પાણી ઉમેરવાનું છે. ઉમેર્યા બાદ સરસ મિક્સ કરી લેવું.. કઢી જેમ વધુ ઉકળશે , સ્વાદ વધુ સારો આવશે.

એક કડાય માં તેલ ગરમ કરો… એમાં રાઈ , મેથી અને લાલ સૂકા મરચા ઉમેરો.. 

રાઈ અને મેથી સરસ શેકાય જાય એટલે લીમડો ઉમેરો.

ત્યારબાદ તરત હિંગ , લાલ મરચું અને હળદર ઉમેરો. તરત જ કઢી નું મિશ્રણ ઉમેરો અને ફૂલ ગેસ પર હલાવતા રહો.. કઢી ને પહેલો ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહેવું જેથી દહીં ફાટે નહીં. ત્યાર બાદ ધીમા ગેસ પર 10 થી 12 મિનિટ માટે ઉકાળવા મૂકી દો.ત્યાં સુધી માં બનાવીએ પકોડા.. એક બાઉલ માં ચણા નો લોટ , કોથમીર , ડુંગળી, ધાણા , જીરું , મીઠું , લીલા મરચા , લાલ મરચું , હળદર , સોડા ઉમેરો.. પાણી જરાક જ ઉમેરવું . પકોડા જેવું જાડું બેટર બનવું જોઈએ..એક કડાય માં થોડું તેલ ગરમ કરો. ગરમ તેલ માં નાના નાના પકોડા હાથ થી અથવા ચમચી થી પાડો.. મધ્યમ આંચ પર તળો. ઉતાવળ કરવી નહીં , અંદર થી કાચા રહી ના જાય એ ધ્યાન માં રાખો. બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળો.. કાઢી ને ટીસ્યુ પેપર પર રાખી લો..

પીરસવા ના 10 મિનિટ પેહલા જ પકોડા ને ગરમ કઢી માં ઉમેરો.ઉપર થી વઘાર કરીએ. એ માટે એક નાની કડાય માં 2 ચમચી ઘી ગરમ કરો. એમાં આખા ધાણા અને જીરું ઉમેરો. બંને બરાબર શેકાય જાય એટલે લાલ મરચું ઉમેરી , કઢી પર વધાર રેડી દો.બસ ઉપર થી કોથમીર ભભરાવો અને તૈયાર છે સ્વાદિષ્ટ પકોડા કઢી. આશા છે પસંદ આવશે..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી