પાણી પાણી પાણી – કેવું છે તંત્ર ?

અમદાવાદના દરેકે દરેક બ્રીજ પર પોલીસ ગોઠવાઈ ગઈ છે, ફાયરબ્રિગેડે પુલ પરથી દોરડા નદીમાં ઉતારી દીધા છે અને એક એક પુલના છેડે પોલીસ અને ફાયરબ્રિગેડ બધું સ્ટેન્ડબાય ઉભું છે..!

“સા`ભ્રમતી” જેને સાબરમતી તરીકે ઓળખીએ એ સાબરમતી આજે બે કાંઠે થશે અને હજી આમ ને આમ ઉપરવાસમાં મેઘો મંડાણો તો તો સાબરમતી રાત પડ્યે ઘુઘવાટા મારશે..ચાર દિવસ પેહલા ચીસો પાડી પાડીને અમે લખતા કે રીવરફ્રન્ટ ખાલી કરો, ખાલી કરો, ત્યારે આજે વાસણા બેરેજના ત્રણેક દરવાજા સિવાયના બાકીના બધા દરવાજા ખોલી અને નર્મદાના નીરને વિદાય આપી છે “તંત્ર” એ..!

આજે સવારના પાંચ વાગ્યાથી રાહ જોવાઈ રહી છે ધરોઈમાંથી છોડેલા પચાસ હજાર કયુસેક પાણીની..!

હજી બપોરના બાર વાગ્યા સુધી તો પાણીનો રંગ લાલ થયો નથી..બનાસકાંઠા અને સાબરકાંઠામાં મચેલા મેઘતાંડવે હવે થોડોક વિરામ લીધો હોય એમ લાગે છે પણ હજી આકાશ તો ગોરંભાયેલુ છે એટલે હૈયે ઘણી ધાસ્તી તો રહે જ..! રાધનપુરનું પાણી કચ્છ ભણી જઈ રહ્યું છે અને હિમતનગર ઉદયપુર બાજુનું અરવલ્લીનું પાણી મધ્ય ગુજરાત તરફ ધસી રહ્યું છે..ટેકનોલોજીના ઉપયોગે જાનહાની ઘણી અટકાવી છે પણ માલી નુકસાની ઘણી છે..

માઉન્ટ આબુ અને સુંધા માતાની વોટ્સ એપ કલીપો ગઈકાલની માર્કેટમાં ફરી રહી છે..અને આમ જોવે તો છેલ્લા અઠવાડિયાથી કાઠીયાવાડ,ઝાલાવાડ,કચ્છ અને વાગડને વરસાદ જબરજસ્ત ધમરોળી રહ્યો છે..અને ત્યાંથી પણ આવેલી વોટ્સ એપ પર કલીપો પણ ફરી રહી છે,કોઈકે કહ્યું કે ખોટું છે આમ કલીપ ના ફેરવાય પણ મને બરાબર લાગ્યું,એટલીસ્ટ આ ભયાનક કલીપો કે જેમાં ક્યાંક બાઈકવાળો પાણીમાં ખેંચાઈ જાય છે ક્યાંક ગાડી કે ક્યાંક આખે આખી ટ્રક પાણીમાં ખેંચાઈ જાય છે, આ બધું જોઈને જનતાને એટલી સમજણ તો રેહશે કે ખોટા પરાક્રમ કરવા ના જવાય, અને બથોડા ભરવા હોય તો બીજે ભરાય પણ પાણી જોડે નહિ..!

જો જરાક પણ ખેલ કર્યો તો જીવથી જઈશું..
જિંદગીથી વધારે કિંમતી કશું નથી..કોઈ “કામ” કે કોઈ “સાહસ” કે “રૂપિયા”..!

દર વર્ષે એક “બાઉટ” આવે છે વરસાદનું અને આખા ગુજરાતને ધમરોળી નાખે છે, અને અરવલ્લી ઉપર દે માર વરસાદ વરસે છે, અને એમાં રખડવાની હોશીલી ગુજરાતી પ્રજા જે અત્યારે આબુમાં ભરાઈ છે એ ત્યાંથી એમ લખે છે કે એકે એક ઝરણું અત્યારે આબુમાં વહી રહ્યું છે અને ખુબ સુંદર વાતવરણ છે..ભઈલા શું કામ લલચાવે છે..? નકામા બે ચાર જણને ચસ્કો ઉપડશે અને સાહસ ખેડશે તો જીવના જશે..!

અત્યારે સાંજના પાંચ થયા છે રીવરફ્રન્ટના વોક વે પર પાણી ફરી વળ્યા છે આખુ અમદાવાદ તમામ પુલો ઉપર ઉભરાઈ રહ્યું છે,સાબરમતી હવે બરાબર ઉફાન પર છે સુભાષબ્રીજ પર પાણી ચડતું જાય છે,સેટેલાઈટ ઈમેજ ડરાવે એવી છે,એકદમ ઘટ્ટ વાદળો દેખાડી રહ્યા છે આખા ગુજરાત ઉપર અને હવે વધુ જો બે દિવસ આવા ગયા તો પછી રામ ધણી છે..
આખા ગુજરાતના ખેતરાં હવે પાણી સાચવી શકે તેમ નથી, એક એક ખેતર લબાલબ પાણીથી ભરેલા છે, હવે જે વરસે છે એ બધું સીધું જ નદી નાળામાં ઠલવાઈ રહ્યું છે, સાબરમતી સહીત બીજી નાની નાની નદીઓ બધું જ હવે ફુલ્લ જાય છે..પુરના લાલ લાલ પાણી ધોળકાથી આગળ નીકળી ગયા છે..ધોળકા અને એનાથી આગળના નદીના પટમાં લગભગ ત્રીસેક ફૂટના ઊંડા ખોદાણ રેતીના માફિયા અને ઓફિશિઅલ કોન્ટ્રાક્ટરો કરી ચુક્યા છે પણ અત્યારે એ ત્રીસ ફૂટના પાપના ખાડા નદીના પૂરના પાણીએ ભરી દીધા છે..!

કેટલી મેહરબાન છે કુદરત નહિ..!? આપણે નાલાયકો નદીની રેતી સુધ્ધા ખેંચી કાઢીએ છીએ અને નદી સગી માં ની જેમ એના પર્સમાં ફરીવાર રૂપિયા મૂકી દે છે મારા “નાલાયક”ને જોઇશે..!

ધોળકામાં અત્યારે લગોલગ ધારે ધારે પાણી જાય છે,હવે પાણી વધશે તો પાળા તૂટશે અને નીચાણમાં પાણી ફેલાશે..મોદી સાહેબ પરિસ્થિતિ પામી અને દિલ્લીથી નીકળી ચુક્યા છે આજની રાત ભારે છે ગુજરાતને માથે..આપણે ઘેર બેસી રેહવામાં જ સાર છે..સતી રાણક ના શ્રાપથી ગ્રસ્ત ભોગાવો ને જાણે શ્રાપમાંથી બે ચાર દિવસની મુક્તિ મળી હોય એમ ગાંડીતુર થઇ છે..બગોદરાના નાના પુલની લગોલગ પાણી જઈ રહ્યું છે..
લોકો હજી મજાક કરી રહ્યા છે કે રાજકોટની આજી નદીના પાણી નર્મદાને પાછા આપી દઈએ..પણ જો હવે ઇન્દ્ર અટકશે નહિ તો તારે ખરેખર ગોવર્ધન ધરવો પડશે દેવ..!

હું બહુ નાનો હતો ત્યારે ડોંગરેજી મહારાજનું ભાગવત વાંચ્યું હતું એમાં પ્રલયની ડેફીનેશન હતી કે ઉપરથી અનરાધાર વરસે અને નીચે ધરા ધ્રુજે, સ્થળ ત્યાં જળ થાય અને એક બોટમાં પ્રભુ પુણ્યશાળીઓને લેવા આવે પાપીઓ ડૂબી મરે..! આવું કૈક આછું આછું યાદ છે..!

આ જેને છાપાવાળા બારે મેઘ ખાંગા થયા લખે છે એ અત્યારે તો વીસ ઇંચના વરસાદે “ખાંગો” થયેલો મેઘ અટકી જાય છે પણ જે દિવસે એક દિવસમાં ચાલીસ ઇંચ પડ્યો, ભલે ગમે ત્યાં..પણ ત્યારે શું બાકી રે`શે..?
અશક્ય નથી, વીસ ઇંચ પેહલા અશક્ય લાગતો, હવે દર વર્ષે જ્યારે ગુજરાતમાં ક્યાંક તો વીસ ઇંચ પડે જ છે, ત્યારે વિચારવું તો પડે અને એ જ સમયે નીચેથી ધરતી ધ્રુજે..એ પણ દર વર્ષે થાય છે તો શું સમય પાકી ગયો છે પ્રલય નો ? એકવાર તો વિચાર આવે..
શું ગુજરાત પ્રલયના કિનારે ઉભું છે ..?

ભૂકંપની ભૂજવાળી ફોલ્ટલાઈન અને ગીરનારની નીચેની ફોલ્ટલાઈન જે ગોહિલવાડ અને ગીર ને વાર તેહવારે આંચકા આપે છે એ સાવ નિષ્ક્રિય નથી..! ધોળાવીરા અને લોથલનો વિનાશ કેમ થયો એના કારણો હજી પણ મળતા નથી, પણ એટલું ચોક્કસ છે કે કોઈક મોટી કુદરતી હોનારત હતી જે આખી સંસ્કૃતિને કાળની છાતીમાં ઉતારી ગઈ..!

થોડુક ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે સરખું વિચારી અને એને ભૂતકાળની ઘટનાઓ સાથે અને બદલાયેલા પ્રાકૃતિક સમીકરણો સાથે જોડી અને તર્ક કરીએ અને તર્ક કરવામાં દંતકથાથી લઈને ધાર્મિક વાર્તાઓ નો સહારો લઈએ તો એમાં કશું ખોટું નથી, અને આવું કરવામાં જો એકાદો શૂળીનો ઘા સોયથી સરી જાય તો બધું વસુલ થઇ જાય..!

અત્યારે તો ઉત્તરમા આરાસુરે બિરાજતી મારી માં અંબા ને પ્રાર્થના “મા`ડી મે`ર કર અને હવે હાઉ કર ને કાલે કોરું કાઢ..!”

જય અંબે !

લેખક : શૈશવ વોરા

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!