પાણીનો ભમ્ભો

આમ નામ એનું ગોરધન પણ બધાં એને ગોધીયો કહે!! ગરીબાઈ એક એવી વસ્તુ છે કે ગામમાં ઇ તમારું નામ પણ બગાડી નાંખે!! ઘરમાં ત્રણ જણા,ગોધીયો, શાંતુંડી અને ત્રીજા ધોરણમાં ભણતો છોરો કાંતિયો!!! રેશનકાર્ડ માં બે જ નામ હાલે છોરાનું નામ નહીં!! ગામના રેશનડીલર વાત કરી.
” છોરો ત્રીજામાં આવી ગયો હજુ નામ ના ચડ્યું.. હું તમને ત્રણ વાર કહી ગયો.. વરહ માથે થઈ ગયું.. પણ છોરાનું નામ ચડાવી દયોને” બાવળના લીલાછમ દાતણ આપતા આપતા ગોધીયાએ કીધું.. રેશન ડિલરે દાતણ લઈને કીધું.
“એમ કર્ય તું નિશાળમાંથી એક દાખલો કઢાવી લે કાંતિયાનો, મંત્રી તને નહીં ગાંઠે, હું એની પાસેથી જન્મ તારીખનો દાખલો કઢાવી લઇશ કાલ્ય ઇ આવે ને તારે, તારે મારી હારે તાલુકે આવવું પડશે.. તું રેશનનું કુપન લઈ લેજે !!હવે બધું ઓનલાઇન થઈ ગયું છે..આ વખતે પાકે પાયે નામ ચડી જાશે”
“બીજો કાંઈ ખર્ચ થશે, ગોધિયો બોલ્યો!
“નારે ના હું બેઠો છું ને પણ હા ચા પાણી પાયા હોય તો કામ ફટાકે થાય”
“ઈમાં વાંધો નહીં,પણ નામ તો ચડી જાશે ને”
“હોવે તું જલસી કર્ય, જલસી!!
ત્રણ દિવસ પછી સાંજે ગોધીયો બોલ્યો.
“કાલે તાલુકે જાવ છું, કાંતિયાનું નામ ચડાવા રેશનિંગ વાળા ન્યા દસ વાગ્યે ભેગા આવશે, નામ ચડી જાશે”
” તે કાંતિયાને ય લેતા જાવ ને , ઈય તાલુકો તો જોવે, અને આમેય એને પાણીનો એક ભમ્ભો લેવો છે તે લેતો આવે, નિશાળમાં પાણી ખૂટી જાય છે તે છોરો બિચારો રિશેષમાં ઠેઠ ઘરે ધક્કો ખાય છે,એને ગમે એવી પાણીનો ભમ્ભો લઈ દઈ તો છોકરો બચારો પાણી તો સરખાઈને પીવે!!
“મારી પાસે મૂળ પચાસ રૂપરડી છે ઈમાં પાણી નો ભમ્ભો ના આવે”
” મેં સોની નોટ રાખી છે ઇ લેતા જાજો, છોકરો પાણી વગર નો રે ઇ નો પાલવે”
બીજે દી બાપ દીકરાંએ ચાર વાગ્યે હાલીને ખદકાવ્યા તે વહેલો આવે તાલુકો.. એક તો ટાઢો પોર ને ભાડુય નો દેવું પડે રીક્ષાનું, દસ વાગ્યે રેશનવાળો આવ્યો.. ઝેરોક્સ કરાવી.. ફોર્મ ભર્યાં. આડા અવળા આંટા માર્યા બે વાર ઉપર ગયાં અને બે વાર દાદરો ઉતરીને નીચે આવ્યાં એટલે ઓનલાઇન પૂરું થયું.
“સાબ ચા પાણીનું કેતા તા ને ” ગરીબ ગોધીયો વિવેક ના ચૂક્યો
“ગરમીની ચા નો ભાવે ઠંડુ મંગાવ” ગોધીયાએ ખિસ્સામાંથી પૈસા કાઢ્યા કે પડખે ઉભેલો પટાવાળો ગોધીયાના હાથમાંથી સો ની નોટ લઈ ને પ્લાસ્ટિકના ગ્લાસ અને એક દોઢ લિટરની ખુબજ ઠંડી બોટલ લઈ આવ્યો. અને પછી પટાવાળા એ ભાગ પાડ્યાં. બાપ દીકરો સામું જોઈ રહ્યા. અને પેલાં બધાં શાંતુંડી ની પરસેવા ની કમાણી ગટગટાવી રહ્યાં હતાં!!
“પૈસા કાંઈ વધ્યા સો માંથી?? ગોધીયો અચકાતા અચકાતા બોલ્યો.
“વધે શુ ઘાસલેટ???!!, બાકીનાં માવા લાવ્યો સાબ
માટે” ગોધીયો ખાલી બોટલ સામું જોઈ રહ્યો, ખાલી બોટલ ગોધીયા એ લીધી. સાફ કરીને એમાં ફ્રિજનું ઠંડુ પાણી ભર્યું..!!
ને કાંતિયાએ પાણી નો ભમ્ભો ઉપાડ્યો.. બહાર નીકળી ને એક શેરડીના રસનો ગ્લાસ અને 50 ગ્રામ ગાંઠિયા ખાઇ ને બાપ દીકરો હાલવા લાગ્યાં!!! અને બીજે દિવસે નિશાળમાં કાંતિયો એના ભાઈબંધ ને કહેતો હતો અને પાણીથી ભરેલ બોટલ બતાવતો હતો..
” જો આ પાણી નો નવો ભમ્ભો.. લાટ બધું પાણી સમાય આમાં!! બહું મોંઘો આવે… સો રૂપિયાનો આવે આ ભમ્ભો… તાલુકામાં જ મળે.. અહીં ના મળે.. આ ભમ્ભો”

લેખક – મુકેશ સોજીત્રા

ટીપ્પણી