પનીર-પાસ્તા સે પડા વાસ્તા !

ધરાર ‘વેજીટેબલ’ બની બેઠેલા આ પનીર-પાસ્તાથી મને સખત નફરત છે. આ પીળાં-ધોળાં ‘ ડુપ્લીકેટ વેજીટેબલ’ આપણા રસોડામાં ક્યારે ઘૂસી ગયાં ઈ ખબર જ ન પડી. આ રંગ-સ્વાદ-સુગંધ વિનાના પાસ્તા ક્યા ખેતરમાં વવાય છે ભલા? આ છેક રબ્બર જેવું સ્વાદ વિનાનું પનીર કઈ વાડીમાં ઉગે છે, ભાઈ? પનીર ફિક્કું ફચ્ચ ને પાસ્તા મોળાં મચરક! ચિકણા ને પોંચા. પનીર જાણે રંગ વગરના પાંચીકા ને પાસ્તા ઓક્સીજનના બાટલાની ટ્યૂબ કે નળમાં ભરાવે ટોટી જેવાં! એમાં વળી હવે ડીઝાઈનર પાસ્તા બનવા લાગ્યા છે. આકાર અવનવા પણ છે તો ઈ મેંદાનો લોટ જ ને!

એવું તે શું કામણ કર્યું છે પનીર-પાસ્તાએ કે ઘેર ઘેર કિચનમાં બરણીઓમાં, ફ્રિજમાં, રસોયાઓના લીસ્ટમાં અને રેસ્ટોરાંની રેસિપીમાં એનો ફરિજીયાત સમાવેશ કરવો જ પડે છે?

જેને પોતાનો લાલ-લીલો કે પીળો કે કોઈ શાખ-પાનનો નો રંગ નથી, જેનો કુદરતી શાક-ભાજી જેવો કોઈ આકાર નથી એવાં પાસ્તા-પનીર કેવી રીતે વેજીટેબલની વ્યાખ્યામાં બંધ બેસે, તમે જ કહો? એમાં નથી વાડીની તાજગી કે ખેતરની માટીની ખૂશ્બૂ. એમાં નથી કૂવાના પાણીની ભીનાશ કે નથી વરસાદના ફોરાંનો ભેજ. એને નથી ડીટીયાં કે છાલ કે એમાં નથી બી કે નથી ઠળિયા!

ટોપલાઓ અને છાબમાં ગોઠવેલાં રંગ-બે-રંગી શાક-ભાજી કેવાં રૂપાળાં લાગતાં હોય છે! એમાં પણ પાણી છાંટેલાં શાક-ભાજીની તાજગી જોઇને ખુશ થઇ જવાય. વહેલી સવારે મોટી શાક માર્કેટમાં ભાજીના ભારેભારા ખેતરમાંથી સીધેસીધા ખડકાય, બટેટા, ડુંગળી ને રીંગણની ગુણોની ગુણો ઠલવાય, વશરામની વાડીએથી તાજે તાજાં લીલવા, લીંબુ ને ફ્લાવરના ઢગલા થાય. આ બધા શાક-ભાજી દુકાનોમાં ગોઠવાય, લારીઓમાં વેચાય. બીટ ખાવ તો હેમોગ્લોબિન વધે, ગાજરમાં કેરોટીન મળે, લીલાં લસણમાં કેલ્શિયમ, કે મેથીની ભાજીમાં વાઈટામીન ડી મળે, મૂળા ખાવ તો આયર્ન મળે. ભાજીમાં જે પોષણ મળે એ બીજ ક્યાં ખાદ્ય પદાર્થમાં મળે? પણ અફસોસ! રેસ્ટોરાંમાંથી મીઠી વરિયાળી ચાવતાં-ચાવતાં બહાર નિકળતા કોઈ મહાશયને પૂછો કે શું જમ્યા? તો કહેશે, ‘પનીર ભૂરજી, પનીર મખ્ખનવાલા, ઇટાલિયન પાસ્તા, ગાર્લિક મિન્ટ પાસ્તા!’

પનીર પાસ્તા ન હોય તો રીસેપ્શન કેન્સલ થઇ જાય, હોટેલો બંધ પડી જાય! રિસેપ્શનમાં પાસ્તા ન રાખોમ કે પનેરનું શક ન પીરસો તો મહેમાનો નારાજ જ થઇ જાય. અરે, કેટરર પણ હઠાગ્રહ કરશે કે પાસ્તા પનીરની ત્રણ-ચાર વેરાયટી વિના મેનુ અદૂરું છે. ભલેને પનીર-પાસ્તામાં નથી મેથીની ભાજી જેવી તાકાત કે પરવળની મીઠાશ ન હોય! રિસેપ્શનમાં પાંચ જાતના પાસ્તા ને પાંચ જાતના પનીર હોય ત્યાં ડીશ પકડી ને ટોળું ઉભું હોય ને ઊંધિયું કે ભરેલ ભીંડાનો કોઈ ભાવ ન પૂછે!

ક્યાંય લગ્નની વિધિ ચાલતી હોય કે સંગીત સંધ્યા, જમ્યા પહેલા જ પનીરચીલીના પાંચીકામાં ટૂથપિક ભોંકીને લોકો મોજ કરતા જોવા મળે જ છે ને! સાહેબ, સદીઓથી ખવાતા બટાકા ને વર્ષોથી પીરસતા લીલવાને આ પનીર-પાસ્તા સામે ટક્કર લેતાં દમ નીકળી ગયો છે..

એ દિવસ દૂર નથી જ્યારે સોસાયટીના નાકેથી કોઈ લારીવાળો બૂમ પાડતો નીકળે, “એ…પાસ્તા લ્યો પાસ્તા…એ નૂડલ્સ લ્યો..નૂડલ્સ!”

લેખક :- અનુપમ બુચ

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી