બટાકાના ભજીયાં ખાઈને ધરાઈ ગયા હો તો ખાસ બનાવજો આ “ચટાકેદાર પનીર પકોડા”

વરસાદ વરસતો હોય અને ભજીયાંની યાદ ના આવે એવું તો બને જ નહીં… દર વખતે દાળવડા, મેથીના ગોટા, બટાકાવડા, ડુંગળી અને બટાકાના ભજીયાં ખાઈને ધરાઈ ગયા હો તો ખાસ બનાવજો આ ચટાકેદાર પનીર પકોડા…

પનીર પકોડા

સામગ્રી :

૨૫૦ ગ્રામ કૉટેજ ચીઝ / પનીર
૨૫૦ ગ્રામ ચણાનો લોટ
૧ ચપટી ખાવાનો સોડા
૧ ટે.સ્પૂ. આદું-લસણની પેસ્ટ
૧ ટે.સ્પૂ. મરચું પાવડર
૧/૨ ટે.સ્પૂ. હળદર
૧ ટે.સ્પૂ. ધાણાજીરૂં
૧/૨ ટે.સ્પૂ. આમચુર પાવડર
મીઠું સ્વાદ મુજબ
તળવા માટે તેલ
લસણની લાલ ચટણી માટે :
૮-૧૦ નંગ લસણની કળી
૧ ટી.સ્પૂ. તેલ
૧ ટે.સ્પૂ. લાલ મરચું પાવડર
મીઠું સ્વાદ મુજબ
ધાણા-ફુદીનાની લીલી ચટણી માટે :
૧/૨ કપ ફુદીનાનાં પાન
૨ કપ લીલા ધાણા
૨ ટે.સ્પૂ. શેકેલા દાળીયા
૩ નંગ લીલા મરચાં
૧ ટી.સ્પૂ. ખાંડ
મીઠું સ્વાદ મુજબ
૧ ટે.સ્પૂ. લીંબુનો રસ

રીત :

૧) પનીરના ૧/૨x૧/૨ ઇંચ પહોળા અને ૨ ઇંચ લાંબા માપના ટુકડા કરી લો. પનીરના ટુકડામાં ચટણી ભરવા માટે વચ્ચેથી ચીરો મૂકો.

૨) લાલ ચટણી માટે લસણને ફોલીને ૧ ટી.સ્પૂ. તેલમાં ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. ઠંડુ પડે એટલે લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરીને ઝીણું વાટી લો.

૩) લીલી ચટણી માટે ધાણા અને ફુદીનાનાં પાનને સાફ કરી લો. તેમાં લીંબુના રસ સિવાય બધી જ સામગ્રી અને થોડું પાણી ઉમેરીને ઝીણું વાટી લો. તેમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી દો.

૪) ચણાના લોટમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ખાવાનો સોડા અને આદું-લસણની પેસ્ટ, મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરીને જાડું ખીરું તૈયાર કરી લો.

૫) ખીરને ૧૫ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. ત્યાં સુધી પનીરના ટુકડામાં કાપો મૂકીને લાલ અને લીલી ચટણી ભરી દો.

૬) એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ચટણી ભરેલા પનીરના ટુકડા બોળીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો અને કિચન નેપકીન પર કાઢી લો.

૭) તૈયાર છે ગરમાગરમ પનીર પકોડા… આપની મનપસંદ ચટણી કે સૉસ સાથે મજા માણો…

રસોઈની રાણી : દીપિકા ચૌહાણ (નડિયાદ)
અનુવાદ સાભાર : ભૂમિ પંડ્યા

ટીપ્પણી