પનીર મેથી પકોડા વીથ રસમ

વર્ષો અગાઉ હું ભાવનગર વર્કીંગમાં જતો ત્યારે ખારગેટ પર એક લારીમાં પાઉં-પકોડા ખાતો. ખેર, એ તો સ્ટ્રીટફૂડ હતું. હમણાં થોડાં વખત પહેલાં અમારાં Swatiબેને એ જ વાનગીની હોમ-મેડ હેલ્ધી રેસિપી પણ મૂકેલી. ગઈકાલે રવિવારે મેં એ જ ડીશ થોડાં ફેરફાર સાથે ફરીથી બનાવી.
આ રહી તેની રીત…..

સામગ્રી :

પકોડા માટે :

મેથી ની ભાજી ૨ કપ, ઝીણી સમારેલી
કોથમરીનાં પાન ૧/૨ કપ, ઝીણાં સમારેલાં
આદુ-મરચા ની પેસ્ટ, ૨ ચમચી
સૂકું લસણ, ૮ કળી, ઝીણું સમારેલું
પનીર ૧૫૦ ગ્રામ, વટાણાની સાઈઝમાં સમારેલું
ચણા નો લોટ
કાળા મરી, એક ચમચી
ગરમ તેલ, બે ચમચી
ખાવાનો સોડા, ૧/૪ ચમચી
મીઠું, સ્વાદ અનુસાર
તેલ, તળવા માટે

રસમ માટે :

ટામેટાં ૫૦૦ ગ્રામ
૧ મોટી ડુંગળી
૨ ચમચા ચણા દાળ
૧ મીડિયમ ડુંગળી, બારીક સમારેલી
૧ ચમચો આદુ-મરચાંની પેસ્ટ
૮ કળી લસણ
૧ ચમચો કોથમરીનાં પાન
૨-૩ સૂકાં લાલ મરચાં
૧/૨ ચમચી રાઈ
૧/૨ ચમચી જીરું
૧/૨ ચમચી હળદર
૧ ચમચી કાશ્મીરી મરચું પાવડર
૧/૨ ચમચી રસમ પાવડર
૧૦-૧૫ કડીપત્તા
૩ ગ્લાસ પાણી
મીઠું સ્વાદ અનુસાર

રીત :

પકોડા માટે :

ચણાનાં લોટમાં ઝીણી સમારેલી મેથી, કોથમરી, પનીર, આદુ-મરચાં, લસણ, હળદર, મરચું, મીઠું, ખાવાનો સોડા અને ગરમ તેલ ઉમેરી, પાણી ભેળવી ખીરું તૈયાર કરવું.
આ ખીરામાંથી નાના પકોડા ગરમ તેલમાં તળી લેવાં.

રસમ માટે :

ચણાદાળ ને શેકી તેનો કરકરો પાવડર મિક્સીમાં દળી લેવો.
પ્રેશર કૂકરમાં એક મોટી ડુંગળી અને ટામેટાં સમારી જરૂર પૂરતું પાણી અને મીઠું ઉમેરી લઈ ટામેટાને ત્રણ સીટી વગાડી લઈ બાફી લેવાં.
કૂકર ઠરે ત્યારે બ્લેન્ડર વડે એકરસ કરી ગાળી લેવું.
એક સોસપેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગનો વઘાર કરી રાઈ, જીરું, સૂકાં મરચાં અને કડીપત્તા ઉમેરવા.
તેમાં બારીક સમારેલી ડુંગળી, આદુ-મરચાની પેસ્ટ અને સમારેલું લસણ ઉમેરી બે મિનીટ સાંતળવું.
તેની અંદર સૂકા મસાલા અને ચણાદાળનો કરકરો પાવડર ઉમેરી ફરીથી થોડીવાર સાંતળવું.
હવે ટામેટાંનો રસ ઉમેરી જરૂર પૂરતું પાણી ઉમેરી પાંચેક મિનીટ ઉકાળવું.


રસમ તૈયાર.

પીરસવા માટે :

સર્વિંગ બાઉલમાં રસમ લઈ તેમાં પકોડા ઉમેરી કોથમરી વડે ગાર્નિશ કરો.
પાઉં સાથે ગરમાગરમ સર્વ કરો.

સાભાર – પ્રદીપ નગદિયા (રાજકોટ)

ટીપ્પણી