બદલાયેલા સબંધો – મુસીબતના સમયમાં જે વ્હારે આવે જ સાચા સ્વજનો.. વાંચો આ ખુબ લાગણીસભર વાર્તા…

બદલાયેલા સબંધો.

ધડકતે હૃદયે અને ધ્રુજતા હાથે સનતભાઈએ દિલ્હીથી પોતાની પત્ની સુરભીને મુંબઈમાં એના મોબાઈલ પર ફોન લગાડ્યો. આખી રીંગ પૂરી થઇ છતાં સુરભીએ ફોન ન ઉપાડ્યો. જો કે સુરભીની આ આદત હતી, એ બહાર જાય ત્યારે ફોન એના પર્સમાં હોય, રીંગટોન ધીમી રાખી હોય એટલે એને સંભળાય નહિ. દસમાંથી નવ વાર તો એને લગાડેલા ફોનનો જવાબ મળે જ નહિ.

સનતભાઈને એની આ આદત જરાય ન ગમતી, એ કહેતા પણ ખરા, ‘જો તારે ફોન ઉપાડવો જ ન હોય તો તું ફોન રાખે છે શા માટે એ જ મને તો સમજાતું નથી.’ સુરભીબેન હળવેથી હસીને કહેતા, ‘કોલ બેક કરવા. હું મિસકોલ જોઉં છું તો તમને સામેથી ફોન કરું છું કે નહિ?’ ‘બહુ ઉપકાર તારો, પણ ક્યારેક ઈમરજન્સી કે અરજન્ટ કામ હોય તો શું કરવું?’ સનતભાઈ અકળાઈને ને કહેતા. ‘તો તમારે જાતે આવી જવું, એ બહાને આપણે મળવાનું તો થાય’ સુરભીબેન શરારતભર્યું હસીને કહેતા.

‘તને તો હવે મારે શું કહેવું? લગ્નના આટલા વર્ષો પછી આપણે મળવા માટે બહાનું જોઈએ? અને આપણે ઘરે રોજ નથી મળતા કે?’ સનતભાઇના સવાલના જવાબમાં સુરભીબેન કહેતા, ‘રોજના રૂટીન મળવા કરતા આ અચાનક નું મળવું કેવું રોમાંચક હોય, હોય કે નહિ? તમે જ કહો.’ અને સનતભાઈ સુરભીબેનની આ વાત પર હસી પડતા અને વહાલથી ગાલે ટપાલી મારીને કહેતા, ‘મારી સાવ પગલી રાની.’
આજે પણ સુરભીએ એની હમેશની ટેવ મુજબ ફોન ન ઉપાડ્યો, હવે? સનતભાઈ માથું પકડીને બેસી ગયા.
વાત જાણે એમ બની હતી કે-

એક બીઝનેસ મીટીંગ માટે સનતભાઈ મુંબઈથી દિલ્હી આવ્યા હતા. બીઝનેસ મીટીંગ પતાવીને સનતભાઈ હોટલની રૂમ પર આવ્યા, શાવર લઈ ફ્રેશ થઈને એમણે પોતાના માટે ખાવાનું ઓર્ડર કર્યું, રિમોટથી ટીવી ઓન કર્યું અને બેડ પર બેસી, આરામથી પગ લંબાવીને ને એમની ફેવરીટ ન્યૂઝ ચેનલ પર સમાચાર જોવા લાગ્યા. ‘મુબઈથી અમદાવાદ જતી ફ્લાઈટ – પ્લેન ક્રેશ’ થયાના સમાચાર સાંભળીને એમના કાન ચમક્યા.
એમણે ફરી ધ્યાનથી સમાચાર સાંભળ્યા, પ્લેન ક્રેશના સમાચાર સાભળીને એમના દિલની ધડકન વધી ગઈ, આંખે અંધારા આવવા લાગ્યા, જીભ તાળવે ચોંટી ગઈ, એ છાતી પર હાથ દબાવીને બેડ પર થી ઉભા થઇ ગયા. હેન્ડ બેગમાંની એક નાની ડબ્બીમાંથી એક નાની સફેદ ગોળી કાઢીને એમણે જીભ નીચે મૂકી, પાછા બેડ પર ફસડાઈ પડ્યા.

થોડીવારે એમના શ્વાસ કાબુમાં આવ્યા અને દિલની ધડકનો ઓછી થઇ એટલે એમણે ધ્રુજતા હાથે પોતાના એક ના એક પુત્ર વિનયના મોબાઈલ પર ફોન લગાડી જોયો, પૂરી રીંગ વાગી છતાં વિનયે ફોન ઉપાડ્યો નહીં. એમણે અધીરા થઈને ફરી ફોન ટ્રાય કર્યો, વારંવાર ફોન કર્યા, છતાં વિનયે ફોન ઉપાડ્યો નહીં.
હવે સનતભાઈ ખરેખર ઘભરાયા. અનેક શંકા કુશંકા એમને ઘેરી વળી, ‘વિનય આ જ પ્લેનમાં અમદાવાદ જવાનો હતો. શું મારો વિનય આ પ્લેન ક્રેશમાં માર્યો તો નહિ ગયો હોય ને?’ એમણે અટકળ કરતા મનને વારવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો, પણ કોઈ ભયાનક ભુતાવળની જેમ વિચારોએ એમનો પીછો છોડ્યો નહિ.

ઓરીજીનલ પ્લાન મુજબ તો એ પોતે જ આ પ્લેનમાં અમદાવાદ જવાના હતા, એમની ટીકીટ પણ બુક થઇ ગઈ હતી. એક તો એ ઘણા વખતથી અમદાવાદ ગયા નહોતા, અને અમદાવાદમાં બહેનના દીકરાની બર્થ ડે પાર્ટી પણ હતી, સાથે સાથે પોતે બુક કરાવેલા બંગલો નું ફાઈનલ પેમેન્ટ પણ કરવાનું હતું, એટલે ‘એક પંથ દો કાજ’ એમ વિચારીને એમણે અમદાવાદ જવાનું વિચાર્યું હતું.

એ તો પત્ની સુરભીને પણ પોતાની સાથે લઇ જવા માગતા હતા, પણ એની ફ્રેન્ડ શીતલ બે દિવસ પહેલા જ પુનાથી મુંબઈ શિફ્ટ થઇ હતી, એટલે એને મદદ રૂપ થવા માટે સુરભીએ અમદાવાદ સાથે આવવાની ના પાડી હતી. પણ થયું એવું કે અમદાવાદ જવાના બે દિવસ પહેલા જ સનતભાઈને એક અરજન્ટ મીટીંગમા દિલ્હી જવાનું થયું. હવે શું કરવું? એ વિચારમાં હતા, ત્યાં જ કોલેજમાં ભણતા પુત્ર વિનયે પપ્પાની મુશ્કેલી જાણીને કહ્યું, ‘પપ્પા, તમે દિલ્હી જાવ, હું મોન્ટુ ની બર્થડે માં ફોઈના ઘરે અમદાવાદ જઈ આવું, અને આપણા ઘરનું ફાઈનલ પેમેન્ટ પણ કરી આવીશ.’
સનતભાઈ વિનયની વાત સાંભળીને ખુશ થઇ ગયા, બોલ્યા, ‘અરે વાહ! મારો દીકરો મારા કામ કરી આવે એવો મોટો થઇ ગયો.’ વિનય આ સાંભળીને બોલ્યો, ‘પપ્પા, એક દિવસ તમારો આખો બીઝનેસ પણ હું સંભાળી લઈશ. પછી તમે આરામ કરજો, મમ્મીને લઈને વર્લ્ડ ટુર પર જજો.’

બાપ દીકરાની વાત સાંભળી રહેલા સુરભીબેન બોલ્યા, ‘લો, આ તો ભેંસ ભાગોળે છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ.’ જેવી વાત કરી. સનતભાઈએ પોરસાઈને કહ્યું, ’સુરભી, તું જોજે ‘બાપ કરતા બેટો સવાયો થાય છે કે નહિ.’ ‘સુરભીબેન હસીને બોલ્યા, ‘દોઢો ન થાય તો સારું.’ વિનય બોલ્યો, ‘‘મોમ, ડુ નોટ અન્ડર એસ્ટીમેટ માય કેલીબર, યુ સી, આઈ વીલ પ્રૂવ માય સેલ્ફ વન ડે’

‘બેટા, હજી તું નાનો છે, પહેલા તારું ભણવાનું પતાવ, પછી પપ્પાનો બીઝનેસ સંભાળજે.’ સુરભીબેને કહ્યું. ‘છોકરાઓ ઘરની બહાર નીકળે અને દુનિયા જુએ તો બે નવી વાત શીખે અને સ્માર્ટ થાય’ એમ કહીને સુરભીબેન ની નામરજી છતાં પોતાની ટીકીટ કેન્સલ કરાવીને વિનયની અમદાવાદ જવાની એર ટીકીટ બુક કરાવી.

સનતભાઈ આ બધા વિચારોમાં અટવાયા હતા ત્યારે રૂમની ડોરબેલ વાગી, સામે ખાવાનું લઈને રૂમ બોય ઉભો હતો. સનતભાઈએ એને ‘ખાવાની ઈચ્છા નથી’ એમ કહીને ખાવાનું પાછુ લઇ જવા કહ્યું. ‘સર, બીજું કઈ લાવું? ચા કોફી?’ એણે વિનમ્રતાથી પૂછ્યું પણ સનતભાઈએ એને ના પાડી. અત્યારે તો પાણી પણ ગળાની નીચે ન ઉતરે એવી એમની સ્થિતિ હતી.

‘વિનય ફોન કેમ ઉપાડતો નથી? એને કઇ થયું તો નહિ હોય ને? એ જીવિત તો હશે ને? ટીવી પર તો અમદાવાદના એક પેસેન્જર સિવાય તમામ મુસાફરોના માર્યા ગયાના સમાચાર હતા. મારો વિનય…’ સનતભાઈ ની આંખો અનરાધાર વરસી પડી. ‘મેં આ શું કર્યું? સુરભીની મનાઈ છતાં મેં વિનયને પ્લેનમાં અમદાવાદ મોકલ્યો. મારા દીકરાનો કાતિલ હું જ છું.’ સનતભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

બપોરે બાર વાગ્યે મીટીંગમાં જતા પહેલાં જ સનતભાઈની વિનય સાથે વાત થયેલી. સુરભી નારાજ હતી એટલે એણે વાત કરવાની ના પાડી, પણ વિનય સાથે વાત થયેલી, એમણે વિનયને અમદાવાદના કામ અંગે કેટલીક આવશ્યક સૂચનાઓ આપેલી અને કહ્યું હતું, ‘વિનય, તારી મોમને મનાવી લેજે, ટેક કેર.’ વિનયે કહેલું, ‘ડેડ, હમ હૈ તો ક્યા ગમ હૈ, યુ ડુ નોટ વરી, મોમને તો હું સમજાવી લઈશ.’

‘હવે તારી મોમને કોણ સમજાવશે, બેટા? હું એની ફરિયાદી આંખોનો સામનો કેવી રીતે કરીશ? એ મને કદી માફ નહિ કરે. અરે, એની વાત તો છોડ, બેટા, હું તો મારી જાતને કદી માફ નહિ કરી શકું. હે પ્રભુ! આ તને શું સુઝ્યું? મને ઉપાડવાને બદલે તે મારા દીકરાને..’ સનતભાઈ વલોપાત કરતા રહ્યા.

સનતભાઇના મનમાં મૂંઝવણ થઇ, સુરભી ને આ સમાચાર કઈ રીતે આપું? એ તો વિનયને એરપોર્ટ છોડીને એની ફ્રેન્ડ શીતલના ઘરે ગઈ હશે, બંને જણ ઘર ગોઠવવામાં વ્યસ્ત હશે. આજે તો બંને જણ ડીનર પણ બહારથી જ શીતલના ઘરે જ મંગાવી લેવાના હતા, અને સુરભી રાત પણ ત્યાં જ રોકાવાની હતી. હા, શીતલ સાથે છે એટલે એ સુરભી ને સંભાળી લેશે, સમાચાર તો આપવા જ પડશે.

એમ વિચારીને સનતભાઈએ સુરભીને ફોન લગાડ્યો હતો. પણ સુરભીએ એની હમેશની ટેવ મુજબ ફોન ન લીધો. હવે ? કોને ફોન કરીને પૂછું? શીતલને ફોન કરું? હા, શીતલને જ ફોન કરું. એમ વિચારીને એમણે ફોનબુકમાં શીતલનો નબર શોધ્યો. ઓહ ગોડ, પોતે શીતલનો નવો નંબર જ સેવ નથી કર્યો, પોતાની બેદરકારી પર એને પોતાને જ ગુસ્સો આવ્યો, એ વધુ કઈ વિચારે તે પહેલાં એમનો મોબાઈલ રણક્યો, સ્ક્રીન પર સુરભીનું નામ જોઇ એમના જીવમાં જીવ આવ્યો, એમણે તરત જ ફોન ઉપાડ્યો.

-હલ્લો, સનત..
-સુરભી, સુરભી…તારી આ ફોન ન લેવાની આદત કોઈ દિવસ મને મારી નાખશે.
-મને એટલી બધી મિસ કરતા હતા, સનત? અરે વાહ, ક્યા બાત હૈ? સુરભી એ એમને ટીઝ કર્યા.
-સુરભી, ક્યારેક તો સીરીયસ થા. સનતભાઈએ રોકી રાખેલો આક્રોશ એમના અવાજમાં બહાર આવ્યો.
-શું થયું સનત, આટલા કેમ અકળાઓ છો? એનીથિંગ રોંગ? સુરભી સનતનો ગંભીર અવાજ સાંભળી પોતે પણ ગંભીર થઇ.

-સુરભી, મેં વિનયને ફોન કર્યો, પછી તને કર્યો, પણ તારો કોઈ જવાબ જ નહિ..
-સનત, તમને તો મારી ટેવ ખબર છે, છતાં આટલી વાતમાં તમે અકળાઈ ગયા? આઈ એમ સોરી, વેરી સોરી. પણ મારે તમને એક વાત કરવાની છે, મારી આ વાત જરા શાંતિથી અને હિંમતથી સાંભળજો.
-જલ્દી બોલ સુરભી, વાત શું છે? આપણો વિનય.. એણે મારો ફોન ન ઉપાડ્યો એટલે…
-વિનય આઈ સી યુ માં હતો, એટલે એનો ફોન સાયલન્ટ હતો.

-વિનય આઈસીયુ મા? એ તો અમદાવાદ ગયો હતો ને, શું થયું એને? એ ઠીક તો છે ને? જલ્દી બોલ સુરભી. સનતભાઈ અધીરાઈથી પૂછી બેઠા.
– વિનયની ચિંતા ન કરો એને કઈ નથી થયું, એ બિલકુલ ઠીક છે, પણ એ મુંબઈમાં જ છે, અમદાવાદ નથી ગયો.
-એ અમદાવાદ નથી ગયો? છેલ્લી ઘડીએ પ્લાન કેવી રીતે બદલાયો?

-પ્લીઝ સનત, તમે ગુસ્સે ન થશો, હું તમને આખી વાત સમજાવું છું.
-ગુસ્સે? અરે હું તો ખુશ છું, એકદમ ખુશ. થેંક ગોડ, વિનય અમદાવાદ નથી ગયો.
-થેંક ગોડ? મને તો હતું કે વિનય અમદાવાદ નથી ગયો જાણીને તમે અમારા પર ગુસ્સે થશો એના બદલે તમે કહો છો, ‘થેંક ગોડ?’ વાત શું છે સનત?
-એ તને પછી કહું છું, પહેલા તું તારી વાત પૂરી કર.

-બન્યું એવું કે, અમે એરપોર્ટ જવા નીકળતા જ હતા ને બાજુના ઘરમાંથી રસીલાભાભી ની કારમી ચીસ સંભળાઈ, એટલે અમે મા – દીકરો બંને ત્યાં દોડી ગયા. અમુલખભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. વિનયે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી અને અમે એમને હોસ્પિટલ લઇ ગયા, એમને આઈસીયુ માં રાખ્યા છે.
-ઓહ, એમ વાત છે? એ કારણથી વિનય અમદાવાદ નથી ગયો? અમુલખભાઈની તબિયત કેમ છે હવે?

-ડોકટરે કહ્યું, ‘હજી બાર કલાક ઓબ્ઝર્વેશન પર રાખવા પડશે, પછી જ ખબર પડે.’ ઘરે રસીલાભાભી એકલા જ છે, બિનીત – રીમા (એમના દીકરા – વહુ) બહારગામ છે, એમને ખબર આપી દીધા છે. કાલ બપોર સુધીમાં એ લોકો આવી જશે. ત્યાં સુધી જરા સાચવી લઈશુ, વિનય હોય તો દોડાદોડ કરવામાં કામ લાગે એટલે એ અમદાવાદ નથી ગયો. અમદાવાદ બેનબાને ફોન કરીને જણાવી દીધું છે કે વિનય આવી શકે એમ નથી. સનત, તમારું અમદાવાદ નું કામ ન થયું એ બદલ સોરી, પણ ખરાબ સમયમાં તો દુશ્મન પણ કામ લાગે, ત્યારે આ તો તમારા સગા ભાઈ છે, ગઈ ગુજરી ભૂલીને આપણે એમની મદદ તો કરવી જ જોઈએ, ખરું ને? સુરભીએ બીતા બીતા કહ્યું.

-તારી વાત સાચી છે, સુરભી. અત્યાર સુધી જે થયું તે થયું. હવે બિનીત – રીમા ન આવી જાય ત્યાં સુધી તમે બંને જણા એમનું ધ્યાન રાખજો.
-ભલે, પણ વિનય અમદાવાદ ન ગયો, તે જાણીને તમે ‘થેંક ગોડ’ કહ્યું એનું કારણ મને ન સમજાયું. વાત શું છે એ તો કહો.
-હું કાલ સવારની ફ્લાઈટમાં આવું જ છું, પછી તને બધી વાત કરું કે શું થયું છે, અને પછી ભાઈ ભાભીને પણ મળું, ઓકે? ટેક કેર.

સનતભાઈના ગુસ્સાને બરાબર જાણતી સુરભીને હતું કે, ‘વિનય અમદાવાદ જવાને બદલે વર્ષોથી અબોલા લીધેલા એવા મોટા કાકા અને કાકી ને મદદ કરવા રોકાયો’ એવા સમાચાર જાણીને સનત જરૂર ગુસ્સે થશે. પણ સનતના અવાજમાં ગુસ્સાને બદલે પ્રેમ અને કાળજી વાળો ટોન સાંભળી એને ઘણી નવાઈ લાગી. બલકે એને તો સનતના અવાજમાં થોડો ઉત્સાહ અને હળવાશ પણ લાગ્યા, એનું કારણ શું હશે? જે હશે તે એ ઘરે આવશે એટલે જાણવા મળશે.

વાત એમ બની હતી કે પિતાના મૃત્યુ પછી સનતભાઈ અને અમુલખભાઈ, બંને ભાઈઓ વચ્ચે પિતાની મિલકત ના મામલે થયેલા ઉગ્ર વાદ વિવાદ અને ઝઘડા પછી બંને વચ્ચે બોલવાના સંબંધ પણ નહોતા રહ્યા. પિતાના ચાર બેડરુમના મોટા ફ્લેટમાં વચ્ચે દીવાલ ચણીને બંને જુદા રહેતા હતા. પડોશમાં રહેવા છતાં બંને સગા ભાઈઓને એકબીજા સાથે કોઈ લેવા દેવા જ ન હોય તેમ અજાણ્યાની જેમ વર્તતા.

શરુ શરૂમાં ક્યારેક છોકરાઓએ એક બીજા સાથે રમવાની, અને રસીલાબેન અને સુરભીએ વાટકી વ્યવહાર કરવાની ટ્રાય કરી જોઈ હતી, પણ બંને પતિ- પુરુષો એવા ભડકી ગયા હતા અને ઝઘડો વધી ગયો હતો. ત્યારથી બંને કુટુંબ વચ્ચે મૌનની – અબોલાની એક અભેદ દીવાલ ચણાઈ ગઈ હતી. સુરભી જાણતી હતી કે અંદર ખાનેથી સાથે ઉછરેલા બંને ભાઈઓને એક બીજાની ખોટ તો લાગતી હતી, પણ બોલવાની પહેલ કોણ કરે? પહાડ જેવડો અહમ જો આડે આવતો હતો.

એટલે જ્યારે સનતે મુબઈ આવીને પોતે મોટાભાઈને મળવાની વાત કરી, ત્યારે સુરભી ખુબ જ ખુશ થઇ. એણે બે હાથ જોડીને, આંખો બંધ કરી, પ્રભુનો આભાર માન્યો, વિચાર્યું, ‘ત્યાં જે કઈ પણ બનાવ બન્યો હશે તે, અહીં તો બધાના માટે એ સારો જ છે, જેના લીધે છુટા પડી ગયેલા બે કુટુંબો વર્ષો બાદ ફરી મળ્યા હતા.’ એ મનોમન આ ‘બદલાયેલા સંબંધ’ ને વધાવી રહી અને પ્રભુને પ્રાર્થના કરી રહી કે હવે આ એક થવા જઈ રહેલા કુટુંબને હંમેશા માટે એક જ રહેવા દેજે.

લેખક : પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી

દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે અત્યારેજ લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી