વિશ્વ પર્યાવરણ દિવસે પક્ષીઓ ની વેદના

JCB મશીનની ઘરઘરાટી સાંભળી માળામાં માની અડખે પડખે સુતેલાં પંખીનાં બચ્ચાં ઝબકીને જાગી ગયાં.

“આ શેનો અવાજ છે મમ્મી?” નાનું બચ્ચું આંખ ચોળતું બોલ્યું. “કંઈ નહીં બેટા” પંખી બન્ને બચ્ચાંનાં માથે હાથ ફેરવતાં બોલ્યું “લાગે છે ઝાડ પાડવા માણસો આવ્યા છે.”

“કેમ, આટલું લીલુંછમ અને ઘેઘૂર ઝાડ કાપી નાખશે આ લોકો? ” મોટાં બચ્ચાંએ કૂતુહલવશ માને પુછ્યું.” અરે બેટા…

અહીંથી મોટો બધો હાઈ-વે પસાર થવાનો છે” પંખીએ જવાબ વાળ્યો. નાનું બચ્ચું થોડું મુંઝાયું,”પણ મમ્મી, રસ્તો થોડે દૂરથી કાઢે તો આપણા જેવા કેટલાય માળા સાથેનું આ ઝાડ બચી જાય.” પંખી હસ્યું” સામેની તરફ મંત્રીશ્રીનું ફાર્મ હાઉસ છે દિકરા.તેઓ હમણાં આવશે.

કોદાળીના બે ચાર ઘા મારી ખાતમુહૂર્ત વિધિ કરશે. આ ઝાડને બદલે થોડે દૂર વૃક્ષારોપણ કરશે. તૈયાર ખાડામાં રોપો નાખી ઝારીથી પાણી પાસે. રોપો ભારેખમ હોય એમ ચાર પાંચ તસવીર શોખીન કાર્યકરો પાછા મંત્રી મહોદયને મદદ કરશે.

વૃક્ષ વાવો-ધરા બચાવો નો નારો બોલી જેસીબી ફેરવી દેવાસે.”પંખી દુઃખી હતું. મોટું બચ્ચું બોલ્યું “એય નાનકા,તું આરામ કર. હું ને મમ્મી નવા માળા માટે બીજી જગ્યા શોધી આવીએ હો.”

વિશ્વ પર્યાવરણ દિન અવસરે હમણાંજ સુઝયું..

લેખક – જયેશ અંતાણી

ટીપ્પણી